દાદાજીનો પૌત્રને પત્ર – ડૉ. વર્ગીસ કુરિયન (અનુ. હર્ષદ દવે)

[ બેંકની સર્વીસમાંથી નિવૃત્ત થયા બાદ શ્રી હર્ષદભાઈ અનેક પુસ્તકોના ઉત્તમ અનુવાદ કરીને ગમતાનો ગુલાલ કરવાનું સદકાર્ય કરી રહ્યાં છે. તેમણે જે.કૃષ્ણમૂર્તિના અનેક પુસ્તકો સહિત ઘણી શ્રેષ્ઠ કૃતિઓના ગુજરાતી, હિન્દી અનુવાદ કર્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા ડૉ. વર્ગીસ કુરિયનની આત્મકથાના પુસ્તકમાંથી ચૂંટેલા એક અંશનો હર્ષદભાઈએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત કર્યો છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી હર્ષદભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hdjkdave@gmail.com અથવા આ નંબર પર +91 8879315439 સંપર્ક કરી શકો છો.]

[dc]છે[/dc]લ્લે મેં તને ક્યારે પત્ર લખ્યો હતો ? એ મને બરાબર યાદ પણ નથી આવતું. આજના ઝડપી પ્રગતિના વિશ્વમાં આપણે તત્કાલ સંદેશાની આપ-લે કરવાથી એટલા તો ટેવાઈ ગયા છીએ કે આપણે ટેલિફોનનો ઉપયોગ કરવાનું જ પસંદ કરીએ છીએ. પરંતુ ટેલિફોન પર વાતચીત કરવામાં આપણે આનંદનો અલપ-ઝલપ અણસાર જ પામી શકીએ. લખવાની તો વાત જ અલગ છે, ભલે પછી તે પત્ર હોય. લખવું એટલે અત્યારે આપણી આસપાસ ચાલી રહેલી ઘટના વિશેની માત્ર ચિંતા કે વિચારો દર્શાવવા એવું નથી. પરંતુ તે આપણી આત્મીયતાના પ્રતીક સમો પોતિકો પત્ર પણ બની શકે છે. આપણે તેને અણમોલ સંપદાની જેમ સાચવીને રાખી શકીએ અને તેને વરસો બાદ પરમ આનંદપૂર્વક ફરીવાર વાંચીને એ સમયની યાદોને મમળાવી શકીએ છીએ.

‘મેં પણ એક સ્વપ્ન સેવ્યું હતું’ – (‘આઈ ટૂ હેડ અ ડ્રીમ’) નામના મારા પુસ્તકના હવે પછીના પ્રકરણોમાં મેં જે લખ્યું છે તે પત્ર કરતા કાંઈક વિશેષ છે. એ બધું તને અત્યારે વાંચવાની ઈચ્છા ન પણ થાય, પરંતુ આજથી દશ-વીસ વર્ષ કે તેથી પણ વધારે સમય પછી મારું આ થોડું લખાણ વાંચવા માટે જયારે તું ફરી હાથમાં લેશે ત્યારે મેં જે કાંઈ કર્યું છે અને આપણા દેશના ખેડૂતોની સેવા કાજે જે જીવન ગાળ્યું છે તેની પાછળનાં કારણો વિશે તને આ લખાણ વધારે ઊંડી સમજ આપશે. ત્યારે તને એ દિવસોની અમૂલ્ય યાદ આવશે. જયારે કદાચ વિશ્વનો ૨૧ મી સદીમાં પ્રવેશ થયો હતો તે સમયની અને મારા જમાનાની વાતો કદાચ તને તારા જેવડા કે તારાથી નાની ઉમરના લોકો સાથે કરવી ગમશે. તેથી તમે સહુ અમારી દુનિયાની ઝલક મેળવી શકશો અને એ બધું જાણી શકશો.

મેં મારા જીવનની સફર આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ તરત શરૂ કરી હતી. અમારા સપનાના ભારતનું સર્જન કરવું, એટલે કે એક એવું રાષ્ટ્ર કે જેમાં સહુ ભારતવાસીઓ સ્વતંત્રતાપૂર્વક પોતાનાં મસ્તક ગૌરવથી ઉન્નત રાખી શકે એટલું જ નહીં પરંતુ તેઓ ભૂખ અને ગરીબીથી મુક્ત હોય. એક એવું રાષ્ટ્ર કે જ્યાં આપણા લોકો એકસમાન આદરભાવથી રહેતા હોય અને પરસ્પર પ્રેમભાવ રાખતા હોય. એવું રાષ્ટ્ર કે જેની ગણના વિશ્વના અગ્રગણ્ય દેશોમાં થાય. અમારાથી જે રીતે અને જેટલું થઇ શકે તેટલું આ દિશામાં કરવું એ જ એ દિવસોમાં સહુથી ઉમદા કાર્ય હતું. ભારતની દીનહીન અવસ્થા જોઇને ત્યારે જ મને એ પ્રતીતિ થઇ ગઈ હતી કે કોઈ એક ચોક્કસ પ્રકારે જીવન જીવવાનું પસંદ કરવાનો અર્થ છે જીવન જીવવાના અન્ય વિકલ્પો અજમાવી જોવાની ઈચ્છાને એકબાજુ હડસેલી દેવી. મારામાં આ પરિવર્તન ૫૦ વર્ષ પહેલાં થયું કે જયારે મેં સહકારી ડેરીના ખેડૂતો સાથે એવા સમયે કામ કરવાનું સ્વીકાર્યું. અને ત્યારે એવી સંસ્થાઓ ખેડૂતોના જીવન ઉપર કબજો કરવા પ્રયત્નશીલ હતી.

પ્રામાણિકતાપૂર્વક કહું તો આપણા દેશના ખેડૂતોની સેવા કરવાના કાર્યમાં મારી કારકિર્દી ઘડવાનું તો મેં સ્વપ્ને ય વિચાર્યું ન હતું. પરંતુ કોઈ અગમ્ય પ્રેરણાથી એક પછી એક એવી ઘટનાઓ બની કે જે મને એ દિશામાં લઇ ગઈ અને તે ઘટનાઓએ જ એક ચોક્કસ સમયે, ચોક્કસ સ્થાન ઉપર મને સ્થાપિત કરી દીધો. ત્યારે મારી સામે જે બે વિકલ્પ આવ્યા તેમાંથી મારે એક વિકલ્પ પસંદ કરવો જ પડ્યો. અને તેણે મારું જીવન બદલી નાખ્યું. હું મેટલર્જીમાં મારી કારકિર્દી બનાવી શક્યો હોત અને કદાચ કોઈ મોટી કંપનીમાં ચીફ એક્ઝીક્યુટિવ બની શક્યો હોત. અથવા હું ભારતીય સૈન્ય આયોગમાં કદાચ જનરલના હોદ્દા પર રહી નિવૃત્ત થઇ શક્યો હોત. અથવા હું અમેરિકા જઈ શક્યો હોત અને ત્યાં એક સફળ એન.આર.આઈ. થઇ શક્યો હોત. છતાં મેં આમાનું કાંઈપણ પસંદ ન કર્યું કારણ કે હું એ જાણતો હતો કે હું અહીં આણંદમાં, ગુજરાતમાં કામ કરીને વધારે સાર્થક યોગદાન આપી શકીશ.

તારી દાદીએ મારો સાથ આપવાનું નક્કી કર્યું તે બહુ મહત્વની વાત હતી. તેને આણંદના એ પહેલાના દિવસોની ખબર જ હતી કે જેમાં આજે આપણે જેને સામાન્ય સુખસગવડ ગણીએ છીએ તે પણ ત્યારે અમને મળી શકે તેમ ન હતા. મને સાથ આપવાના તારી દાદીના નિર્ણયે મારામાં અપૂર્વ ઉત્સાહનો સંચાર કર્યો અને તેનાથી મારામાં આત્મવિશ્વાસ આવી ગયો કે હવે હું મારી જવાબદારી સ્વસ્થતાપૂર્વક વહન કરી શકીશ.

આપણા દેશના વિકાસમાં મારા સહયોગને જયારે પણ સમર્થન મળે ત્યારે તે સમર્થન હું જેની સાથે સંકળાયેલો છું એવી ઘણી વ્યક્તિઓની આ સિદ્ધિ છે એ બાબત મેં હંમેશાં ભારપૂર્વક કહી છે. હું એ વાત પણ ભારપૂર્વક જણાવવા ઈચ્છું છું કે મારું પ્રદાન મેં એકધારા અપનાવેલા કેટલાક મૂળભૂત મૂલ્યોને લીધે જ શક્ય બન્યું છે. અને આ મૂલ્યો મને મારા માતા-પિતા તથા અન્ય વડીલો પાસેથી મળ્યા છે, એ મૂલ્યો મેં મારા સમર્થક અને માર્ગદર્શક ત્રિભુવનભાઈ પટેલમાં જોયા છે અને તેની નોંધ લીધી છે. આ મૂલ્યોમાં પ્રામાણિકતા સહુથી વધારે મૂલ્યવાન છે એવો ઉલ્લેખ મેં ઘણી વાર કર્યો છે. અને એ પ્રામાણિકતા એટલે સમજપૂર્વકની ખુદ પ્રત્યેની પ્રામાણિકતા. જો તમે હંમેશાં તમારી જાત પ્રત્યે સત્યનિષ્ઠ રહો, પ્રામાણિક રહો તો બીજા પ્રત્યે પ્રામાણિક રહેવા માટે તમારે બહુ પ્રયાસો કરવા પડતા નથી.

મને ખાતરી છે કે હું જે કાંઈ શીખ્યો છું તે તું પણ એક દિવસ જરૂર શીખશે. જીવન એક વિશેષ અધિકાર છે અને તેનો જેમ ફાવે તેમ ઉપયોગ ન કરાય. એ વિશેષ અધિકારને અધિકારપૂર્વક જીવવામાં જ ‘જીવન’ છે. તારે તારી જવાબદારીઓનો સ્વીકાર કરવો જોઈએ. તારી પ્રતિભાનો તારે હંમેશાં તારી ક્ષમતા અનુસાર સહુના કલ્યાણ માટે ઉપયોગ કરવો જોઈએ. આવું કલ્યાણ થાય તેવું કાર્ય સ્વયં અનેકવિધ સ્વરૂપે રોજેરોજ તારી સામે આવશે. જો તું તારી આસપાસ નજર કરશે તો તને જણાશે કે અહીં કરવા જેવું અને થઇ શકે તેવું ઘણું છે: તારા મિત્રને કોઈ મદદની જરૂર હશે, તારા શિક્ષકને કોઈ સહાયકની જરૂર હશે અથવા તું જે સમુદાયમાં જીવે છે તેને તારા યોગદાનની જરૂર હશે. હું આશા રાખું છું કે જેમ મેં શોધી કાઢ્યું તેમ તું પણ એ અવશ્ય શોધી શકશે કે: સફળ ન થવું તે નિષ્ફળતા નથી પણ તારા શ્રેષ્ઠ પ્રયત્નો ન કરવામાં કે તારું શ્રેષ્ઠ પ્રદાન ન કરવામાં નિષ્ફળતા રહેલી છે, ભલે પછી લોકોના કલ્યાણ કરવાના તારા પ્રયત્નો તેં ગમે તેટલી વિનમ્રતાથી કર્યા હોય.

જીવનમાં જે હું જાણવા પામ્યો તેમ તું પણ એ જાણવા પામશે કે કોઈપણ સમયે ગમે તેવી મુશ્કેલી આવી શકે છે અને મોટે ભાગે એવું જ બનતું હોય છે. છતાં તેમાં લોકોના જીવનના સંજોગો અને તેમના સુખી થવાના પ્રમાણ વચ્ચે એક નાનો એવો સહસંબંધ હોય છે. આપણામાંના મોટાભાગના લોકો પોતાનાં સુખની સરખામણી પોતાનાં કરતા વધારે સુખી જણાતા લોકોના સુખ સાથે કરતા હોય છે જેમાં આપણા સગાસંબંધી, કોઈ પરિચિત અને બહુધા જેને આપણે બહુ સારી રીતે ઓળખાતા હોઈએ તેવા લોકોનો સમાવેશ થાય છે. પરંતુ જો આપણે ઊંડું નિરીક્ષણ કરીએ તો આપણને સમજાય છે કે આપણે જે જોઈએ છીએ તે તો સંપૂર્ણપણાની છાપ માત્ર છે. આ બાબત આપણી પાસે શું નથી તેના કરતા આપણી પાસે જે છે તેને સમજવામાં અને તેને સાચવી રાખવામાં મદદરૂપ બને છે.

તને એ યાદ છે કે ૧૯૯૯ માં જયારે તું મારી સાથે દિલ્હીના એ ભવ્ય સમારંભમાં આવ્યો હતો અને તેમાં રાષ્ટ્રપતિએ મને પદ્મવિભૂષણનો ખિતાબ આપીને મારું સન્માન કર્યું હતું? અપૂર્વ ગૌરવથી એ મેડલ તેં તારા ગાળામાં પહેરી લીધો હતો, તું તેને પરમ શ્રદ્ધા અને વિસ્મયપૂર્વક જોતો હતો. તેં બાલસહજ નિર્દોષતાથી પૂછ્યું હતું કે તું તેને તારી પાસે રાખી લઇ શકે. ત્યારે તારી દાદીએ તથા મેં જે જવાબ આપ્યો હતો તે શું તને યાદ છે? અમે તને કહ્યું હતું કે આ મેડલ જેટલો મારો છે એટલો જ તારો પણ છે. પરંતુ તારે માત્ર મારો મેડલ રાખી લઈને જ સંતુષ્ટ થઇ જવાનું નથી. તારી સામે જીવનભર કરેલા કાર્ય માટે એવો મેડલ મેળવવાનો પડકાર છે અને તારે એ પડકારનો સામનો કરવાનો છે.

અને અંતે, જો આપણે આપણી આસપાસના લોકોને એટલો પ્રેમ આપી શકવાની હિંમત ધરાવતા હોઈએ, તેમનાં સુખમાં આનંદ માનવા જેટલું મજબૂત મનોબળ ધરાવતા હોઈએ અને આ સર્વકાંઇ જાણવા અને સમજવા જેટલા સમજદાર હોઈએ તો આપણે આપણું સમગ્ર જીવન સંપૂર્ણપણે જીવ્યા છીએ તેમ કહેવાય.

[poll id=”25″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રેખાંકનો – સવજી છાયા
દુઃખનાં કારણો – મોરારિબાપુ Next »   

6 પ્રતિભાવો : દાદાજીનો પૌત્રને પત્ર – ડૉ. વર્ગીસ કુરિયન (અનુ. હર્ષદ દવે)

 1. રાજેંદ્ર નટવરલાલ પરીખ says:

  અનુવાદ કર્તા ભાઈ હર્ષદ ભાઈ એ ખુબ મહેનત કરી ને સારી માહિતી આપી છે

  એકદમ સત્ય વાત કહી ,જો તમે હંમેશાં તમારી જાત પ્રત્યે સત્યનિષ્ઠ રહો, પ્રામાણિક રહો તો બીજા પ્રત્યે પ્રામાણિક રહેવા માટે તમારે બહુ પ્રયાસો કરવા પડતા નથી.

  આભાર્

  રાજુ પરીખ

 2. Bharat Kapadia says:

  હર્ષભાઈએ સરસ અનુવાદ કર્યો છે. ડૉ. કુરિયનના જીવનની આ મઝેદાર પ્રકરણ વાન્ચવાની મઝા પડી.

 3. nitin says:

  કેટ્લો સુન્દર લેખ છે.ભારતના સાચા સન્તાનો ની દેશ પ્રત્યે ની નિષ્ઠા.કોઇ કદમ પર
  તેમણૅ તડ્જોડ કરી નથી.અને અમુલ ડૅરી માટૅ આખી જિન્દગી ખર્ચિ.ગુજ્રરાત માટૅ
  તેમનો ફાળૉ અમુલ્ય છે.વન્દન્

 4. Jayanti Brahmbhatt Anand says:

  આપનો આભર ઘનો સરસ લેખ .અવો અનુવાદ કરવા બદલ સો સો સલમ્.

 5. Kalidas V. Patel { Vagosana } says:

  બાળકોને યોગ્ય દિશાસુચન આપતો સરસ લેખ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. Mansukh Savaliya says:

  It is very inspiring.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.