[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ નવનીતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navneet.patel@dadabhagwan.org અથવા આ નંબર પર +91 9924343844 સંપર્ક કરી શકો છો.]
[dc]ધ[/dc]નતેરસના દિવસે જ નિર્ધન બાપના કમનસીબ કરસને સવારથી જ ફટાકડા માટે ભેંકડો તાણીને આખા ઘરમાં કાગારોળ મચાવી દીધી. ચેકડેમના ઓવર-ફ્લોની જેમ તેમની આંસુઓથી છલકાતી આંખોમાં નાક પણ તેની યથાશક્તિ મદદ કરતુ હતું. કરસનની મા, જીવીબેને આવીને કરસનને એક અડબોથ વડગાડી, ‘તારા બાપે કોઈ’દી ફટાકડો જોયો સે, તે તને લઈ દિયે…!!’ એટલે કરસનના રુદન યજ્ઞમાં ઘી હોમાયું અને આક્રન્દાજ્ઞી વધારે પ્રજ્વલિત થયો ને કરસનના ભેંકડાનો સુર તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો.
પડોશમાં રહેતા કરસનના સુખમાં ભાગ પડાવનારા (અને દુ:ખમાં પાટું મારનારા…!!) ભેરુઓ કરસનનો આક્રંદ સાંભળી તેની મદદે દોડી આવ્યા. પરંતુ કરસનના બાપા ગંગારામનો વિકરાળ ચહેરો જોઈ થોભણ, વસરામ, છગન અને ભીખો ચારેય ડેલીએ જ ખીતો થઇ ગયાં. ચારેયમાંથી એકેયને આગળ વધવાની કે રુદનયજ્ઞનું કારણ પૂછવાની હિંમત ના ચાલી. અશ્રુબિન્દુઓથી તરબતર આંખોને ઊલેચીને કરસને ડેલીએ ઊભેલા તેના ભેરુઓને જોયાં. જોતા વેંત જ આનંદની એક લહેરખી કરસનની નસેનસમાં ફરી વળી અને કોઈ રાજા હારી જવાની તૈયારીમાં હોય ને પડોશી રાજ્ય પાસેથી મદદ માટે સૈનિકો આવી પહોંચે, ત્યારે રાજા લડવા માટે મરણિયો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન કરસને તેના બાપા ગંગારામ સામે કરતાં કહ્યું, ‘આજે તો ફટાકડા લઈ દેવા જ પડશે. કેટલા દી’ થયા કાલ-કાલ કરો છો. હવે તો દિવાળી આવી ગઈ. હંધાયના બાપા લઈ દિયે છે, તમે જ મને નથી લઇ દેતા.’ મહાપ્રયત્ને ગંગારામબાપાએ ચૂંટણી સમયના નેતાઓની જેમ ‘આજે સાંજે લઇ આવીશું’ એવો ઠાલો વાયદો કર્યો. કરસનને તો મને-કમને સ્વીકારવા સિવાય છુટકો જ ન હતો. કરસન બુસ્કોટની બાંયથી તેનું મોઢું લૂછી તેના મિત્રો સાથે રમવા ચાલી નીકળ્યો…
સાંજે કરસનના બાપા કરસનને લઈને (જિંદગીમાં પહેલીવાર…!!) ફટાકડા લેવા નીકળ્યાં. રસ્તામાં કરસનને મનાવવાનો પ્રયત્ન કર્યો કે ‘ફટાકડા ફોડવા કરતા જોવાની મજા કંઈ ઓર હોય છે’ પણ માને તો ઈ કરસન શાનો…? તેને તો બાપાને ફટ દઈને સંભળાવી દીધું કે ‘ઈ મજા હું તમને કરાવવા ઈચ્છું છું’ એટલે જ ફટાકડા ફોડીશ હું અને જોજો તમે…..!!! અંતે કરસનના કંજૂસ બાપા કરસનને સસ્તા જણાતા ફટાકડાના સ્ટોલ પર લઈ ગયા. કરસને આગ્રહ કરી-કરીને થોડા ધમપછાડા કરીને તેને મનગમતા ફટાકડા લેવડાવ્યા. દુકાનદારે પણ કરસનને ટેકો આપ્યો એટલે ગંગારામબાપાનું ઝાઝું ચાલ્યું નહિ.
ફટાકડા તો લેવાઈ ગયા પણ કરસનના એક અગત્યના સવાલથી ગંગારામબાપા મુંઝાયા. કરસને કહ્યું, ‘બાપા, આ બધા ફટાકડા ફૂટશે તો ખરાને..?’ અને ગંગારામબાપામાં રહેલો શંકાનો કીડો આળસ મરડીને બેઠો થયો. તેણે તો ફટાકડાની દુકાનવાળાને સૂકી ધમકી જ આપી દીધી કે ‘જો કોઈ ફટાકડો ના ફૂટ્યો તો તારા ફટાકડા ફોડી નાંખીશ.’ દુકાનદારે હૈયેધરો આપવાનો પ્રયત્ન કરતા કહ્યું કે ‘ચિંતા ના કરો બધા આ વર્ષના જ છે એટલે થોડો-ઘણો તો અવાજ કરશે જ…’ પણ ગંગારામબાપાને થયું કે ‘માળું, ટેસ્ટીંગ કર્યા વગર કોઈ માલ ના લેવાય……’ એટલે એ તો એક બોમ્બ પેકેટમાંથી કાઢીને સ્ટોરમાં જ સળગાવવા મંડ્યા. બોમ્બ સળગતાં પહેલાં જ દુકાનદારની નજર ગઈ. તેણે ગંગારામબાપાના હાથમાંથી દીવાસળી ઝૂંટવી લીધી. નહીં તો આખા સ્ટોરના બધા ફટાકડાની દિવાળી ત્યાં જ પૂરી થઇ જાત…!!
પાછા વળતાં તો જાણે કરસનના પગને પાંખો આવી હોય તેમ ઠેકડા મારતો, શેરીઓના કૂતરાને ઠેક્તોકને ઘેર પહોંચ્યો. રાત્રે કરસનનો જીવ વાળુ કરવામાં જરાય લાગતો ન હતો. તેને તો ક્યારે ફટાકડા ફોડુંને લોકો તાળીઓ પાડીને મારી વાહ-વાહ કરે તેની જ રાહ જોતો હતો. જેમતેમ વાળુ પતાવી કરસને ફળિયામાં ભોંચકરીથી શરૂઆત કરી. કરસને તેના ધબકતા હૃદય સાથે કંપતા હાથે દીવાસળી સળગાવી અને ભોંચકરીને અડાડી. ભોંચકરી સળગી પણ ખરી પરંતુ કુંભકર્ણની જેમ ઊંઘી ગઈ હોય તેમ આંટો ફરવાનું નામ જ નો’તી લેતી. ‘મારું બેટુ, હવે શું કરવું ?’ કરસન તો મુંજાણો… તેણે પહેલાં હાથેથી થોડી ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ…!! ખાલી ભોંચકરીમાંથી ઝળઝળિયાંની સેરો ઊડે પણ સમ ખાવાય એક આંટોય ફરે નહિ. શિયાળાની ઠંડીમાં પણ પરસેવે નીતરતા કરસનને ઘડીક તો એમ થયું કે ભોંચકરી હાથમાં પકડીને પોતે ફુદરડી ફરવા માંડે…!!
ત્યાં તો થોભણે પાછળથી આવી કરસનના ખભે ધબ્બો મારતાં કહ્યું, ‘અરે યાર, પાટુ મારને એની મેળે ફરવા માંડશે….’ તેના બાપા પર અકળાયેલા કરસને ફેરવીને એક લાત ભોંચકરીને મારી અને થયું એવું કે ભોંચકરી સુતી રહેવાને બદલે ઊભી થઈને માંડી ફરવા. ફરવા તો માંડી પણ સાથે-સાથે ઊભી થઈને દોડવા પણ માંડી. આખા ઘરમાં ધમાચકડી મચી… પહેલાં તો જીવીબેન ઠામણાં ઉટકતા હતા ત્યાં પહોંચી. જીવીબેને તો વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ, ‘વોય, મારા રોયા…’ કરતાંકને હાથમાં રહેલો તવેથો ભોંચકરી તરફ ફેંક્યો. ભોંચકરીને ત્યાંથી નવી દિશા મળી અને ગંગારામબાપાના ધોતિયામાં જઈને ભરાણી. ગંગારામબાપા તો માતાજી ખોળિયામાં આવ્યા હોય તેમ વગર ડી.જે.એ ડાન્સ કરવા માંડ્યા. ધોતિયું માંડ્યું સળગવા. ગંગારામબાપાએ શરમ નેવે મૂકીને ફળિયામાં જ આખું ધોતિયું કાઢી નાખ્યું….!! આ ધમાચકડીમાં અને ધોતિયાને ઠારવાની દોડા-દોડીમાં ભોંચકરી ક્યાં ગયી તે કોઈને ખબર ના પડી. અચાનક જ કાળોકેર વર્તાવીને આતંકવાદીની જેમ ગાયબ થઇ ગઈ. જાણે બર્મુડા ટ્રાયેન્ગલમાં વિમાન કે જહાજ ગાયબ થાય તેમ ભોંચકરીનો દારૂ પૂરો થતાં એ ક્યાં ગઈ તે ખબર ના પડી. કરસનની વાનરસેનાએ બધે શોધ ચલાવી પણ ક્યાંય ભોંચકરીનાં સગડ ના મળ્યા.
ગંગારામબાપા સળગી ગયેલું ધોતિયું સરખું કરતાં તાડુક્યા ‘સાલ્લાઓ, બહાર નીકળો અહીંથી. ખબરદાર જો અહીં ફટાકડા ફોડ્યા છે તો……’ કરસનતો ભોંચકરીને શોધવાનું માંડીવાળી બચેલા બીજા ફટાકડા લેતો તેની ટોળકી સાથે બહાર ભાગવા ગયો પણ ત્યાં તો અંદરથી જીવીબેને ચીસ નાખી… ‘એ… દોડો-દોડો…. ડામચિયો હળગ્યો સે…!!’ ભોંચકરી ગંગારામબાપાના ધોતીયામાંથી છટકીને ઓસરીની બારીએથી સીધી ડામચિયામાં ઘૂસી ગઈ હતી. એણે ગાદલા-ગોદડાંનો આખો ડામચિયો સળગાવ્યો…!! કરસનની ટોળકી પાછી વળી ને જે હાથમાં આવ્યું તે લઈને ડામચિયો ઠારવા મંડી પડ્યા. કોઈએ કોથળા હાથમાં લઈને ડામચિયા પર લબકારા મારતી અગ્નિજ્વાળા પર નાખ્યાં. કરસને ફળિયામાં પડેલું પાણીનું બકળીયું ઉપાડ્યું ને જેવો ઓસરીના પગથીયાં ચઢવા ગયો ત્યાં જ પગે ઠેબું આવ્યું ને બકળીયા સાથે ગંગારામબાપા માથે ઢગલો થઇ ગયો. ગંગારામબાપાએ તો ત્યાં જ અનાયાસે જળસ્નાન કરી લીધું. નીતરતાં લૂગડે બરાડાં પાડતાં કરસનના બાપા બહાર નીકળ્યા. ત્યાં કોણ જાણે ડામચિયાને શું થયું તે એમાંથી મોટા-મોટા અવાજો આવવા માંડ્યા….!! ત્યારે ખબર પડી કે કોઈએ ઉતાવળમાં ડામચિયો હોલવવા જતાં ફટાકડાની આખી થેલી તેમાં નાખી દીધી હતી. શું કરવું એ કોઈને સમજાતું નો’તુ. બધા બાઘાની જેમ થીજી રહ્યા…!!! શરૂઆતમાં તો ડામચિયામાંથી ચક્લીછાપ ટેટાનાં અને સુતળી બોમ્બના જ અવાજો આવતાં હતાં. પણ પછી તો અંદર રહેલી ભોંચકરીઓ પણ વિના પ્રયત્ને આખા ઘરમાં આમથી તેમ માંડી આંટા ફરવા…!
કોઈ પડોશમાંથી જલુભાઈ જમાદારને આ બધી રમખાણો ઉકેલવા બોલાવી લાવ્યું. જલુભાઈએ આવીને બધાને શાંત પાડવા સિસોટી વગાડી ત્યાં તો સામેથી આક્રમણ થયું હોય તેમ ડામચિયામાંથી એક રોકેટ નીકળીને જલુભાઈની સિસોટી ઉડાળતીકને હોઠ પર ઘસરકો કરીને નીકળી ગઈ. જલુભાઈ તો એવા ડઘાઈ ગયા કે હાથમાંથી ડંડો પડી ગયો…. પણ ગંગારામબાપાનો મગજ ઠંડો ના પડ્યો. એ તો કરસનીયાને બોચીમાંથી પકડીને માંડ્યા ઢીબવા. સાથે સાથે ફટાકડાની દુકાનવાળાનેય ગાળો ભાંડવા લાગ્યાં. આસપાસના લોકો પણ આ નવતર તમાશો જોવા આવી ગયાં હતાં અને ટોળું થયું હતું મોટું. કેટલાકે કરસનને ગંગારામબાપાની પકડમાંથી છોડાવવાની હિંમત કરી. ત્યાં તો ગંગારામબાપાને હથિયાર મળી ગયું – ‘જમાદારનો ડંડો લઈને ગંગારામબાપા તો કરસનને મૂકી પડતો ને તેના ભેરુઓ અને ગામલોકો પર તૂટી પડ્યા, જાણે અંગ્રેજ સરકારે ગુલામ ભારતીઓ પર લાઠીચાર્જ કર્યો…’ થોડીવારમાં આખું ઘર ખાલી થઈ ગયું. બધા પોતપોતાનાં ઘેર ચાલ્યા ગયા. ડામચિયો પણ હવે રોકેટોને ભોંચકરીઓ કાઢી-કાઢીને થાકી ગયો હોય તેમ શાંત થવા પ્રયત્ન કરતો હતો. આખું ઘર ધુમાડાના ગોટાથી ભરાઈ ગયું.
અંતે નિર્ધન બાપના કમનસીબ કરસને ગંગારામબાપાની નિર્ધનતામાં વધારો કરતાં ગાદલા-ગોદડાથી ભરેલો ડામચિયો ખોયો અને ધનતેરસના દિવસે જ દિવાળી પહેલાં જ બધા ફટાકડાની હોળી કરી નાખી એ નફામાં…!! પણ છતાં કરસનને એક વાતનો સંતોષ હતો કે આખરે બધા ફટાકડા ફૂટ્યા તો ખરા…!!!
[poll id=”28″]
26 thoughts on “આખરે ફટાકડા ફૂટ્યા ખરા….!! – નવનીત પટેલ”
ભાઈ ભાઈ …… ખરેખર મસ્ત હો …..
કહેવું પડે, કરસનના તો ફટાકડા ફૂટ્યા સાથે સાથે. તમને ખબર છે, વડોદરામાં આખેઆખા માર્કેટના ફટાકડા ફૂટી ગયા, ગંગારામબાપાનો ગુસ્સો આટલો બધો હશે એની ખબર નહોતી,
પણ જબરદસ્ત હો, આપણને તો મજા આવી હો, આવીને આવી વાર્તા કરતા રહેજો, થોભણ, વસરામ, છગન અને ભીખો એનું શું થયું ઈ બીજી વાર્તામાં કેજો.
વાહ નવનીતભાઈ તથા રીડગુજરાતી ના સભ્યોને….
આમ તહેવારો & પ્રસંગો અનુસાર આવા લેખો આપી અમારા અંતરાનંદમાં વધારો કરવો.
વાહ નવનિત ભાઈ, અમને બધાને તો તમે હસાવિ-હસાવિને ઉન્ધા જ વાડી દિધા ને. હવે તો હસી-હસી ને પેટમા દુઃખે છે. પણ કઈ વાન્ધો નહિ, તમે તો મોકલે જ રાખો, અમને ખુબ જ ગમે છે.
ખુબ સરસ વર્તા લખિ છે. વાચિને ખુબ મજા પડી….. જલસો થયો….. excellent writing skills, keep it up..
બચારા કરસનની પરીસ્થીતી જોઈને તો એક કવીતા યાદ આવી ગઈ….
હેજી મારા દુખના દાડા સાંભળજે ઉપર વાળા…
ખરેખર ખુબ રમૂજી લેખ
ચેકડેમના ઓવર-ફ્લોની જેમ તેમની આંસુઓથી છલકાતી આંખોમાં નાક પણ તેની યથાશક્તિ મદદ કરતુ હતું.
Nice writing!
ગન્ગારામ ભાઈનાતો બાપા બાપા થયગયા હો.
આમ તહેવારો અને પ્રસંગો અનુસાર આવા લેખો આપી અમારા અંતરાનંદમાં વધારો કરવો.
વાક્છટા તો તમારી જ હો સાહેબ
Excellent!!! writing skills. Comparative examples given are out of box. The article can easily go into reputed diwali issue of magazine like “Chitralekha” / “Abhiyan”
વાહ ફટાકડ ફુટ્યા ખરા!!!
એટ્લુ જોરથી હસવુ આવ્યુ કે બધા ઓફિસ મિત્રો મને જોવા ઉભા થઇ ગયા. ખુબ જ મજા પડી. 🙂
નુતન વર્શાભિનન્દન
ખુબ સરસ લેખ. આવા લેખ આપ્યા કરિ સદા હસાવ્યા કરો.
નવનીતભાઈ,
હાસ્યના ફટાકડા ફૂટ્યા તમારો આ હાસ્યલેખ વાંચીને !… અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આ લેખ ખૂબ જ હાસ્યપ્રેરક મધ્યમવર્ગીય પરીવારની વાસ્તવિકતાનો ચિતાર મને મારા બાળપણની યાદ અપાવી ગયો.
exscellent language used,great article,keep it up
This is a very excellent and romachank story…. varta me vanchi ane mara family members ne moj padi ane khub j hasya bhai………………….
Bhai….maja padi gayi…amara nanpan no prasang yad aavi gayo..
Bahu maja pade tevo lekh che……mind fresh thaye gayu……
divas saro gyo aa vachya pchi…….
છતાં કરસનને એક વાતનો સંતોષ હતો કે આખરે બધા ફટાકડા ફૂટ્યા તો ખરા ઃ-)
આને કહેવાય છે નાવડી માં છેદ હોય તો મરમ્મત નો આનંદ માણો
બોલે તો એક નંબર છે
હિન્દી કવિ લેખક કરન નિમ્બાર્ક
communicate૦૦૯@gmail.com
મુંબઈ
Excellent article which I remember my childhood at my very small village.All the seen I can image during my school day.Narration is just like I recall my rural day which I just see very closely.
Gopal M Bhagia
Chandigarh
આર્થીક સમસ્યાઓથી ભીડાતા પરીવારોની વાસ્તવિકતામા…..સુંદર રમુજ !!!
ખુબજ સરસ હાસ્યલેખ
Very funny
nice story for whose people want to more crackers.