- ReadGujarati.com - http://www.readgujarati.com -

હું પાગલ જ છું. પણ…. – વિનોદ ભટ્ટ

[ પ્રસ્તુત હળવો રમૂજી લેખ ‘ચંદન’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]એ[/dc]ક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બૉલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે ? આજુબાજુ ક્યાંય ગેરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લટકતા મેન્ટલ હોસ્પિટલના પાટિયા પર પડી. એટલે તેણે એ માણસને પૂછવાનું માંડી વાળ્યું.

તે પાછો ફરતો હતો એટલે પેલા માણસે પૂછ્યું :
‘હું તમને મદદ કરી શકું ?’
કાર-ચાલકે પોતાની તકલીફ જણાવી એટલે પેલાએ સુઝાવ આપ્યો, ‘પાછળના વ્હીલના ત્રણ બૉલ્ટ આગળના વ્હીલમાં નાખી દો. અહીંથી બે કિલોમીટરના અંતરે એક ગેરેજ છે. ત્યાંથી તમને જોઈતા બોલ્ટ મળી રહેશે.’ આ સાંભળી કારચાલક આશ્ચર્યમાં પડી ગયો. પાગલખાનાના પાટિયા સામે જોતાં તેણે કહ્યું :
‘તમે પાગલ જણાઓ છો.’
‘હું પાગલ જ છું….’ પાગલે ચોખવટ કરી, ‘પણ મૂર્ખ નથી.’

પાગલ માણસો આપણે ધારીએ છીએ એટલા બધા પાગલ ક્યારેય નથી હોતા. તેમના પાગલપણામાંય ડહાપણ હોય છે…. વન્સ અપૉન એ ટાઈમ ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. કોઈ એક સવારે તેમણે આખાય ભારતવર્ષમાં ઈમરજન્સી-કટોકટી દાખલ કરી દીધી. પ્રજામાં સોપો પડી ગયો. લોકો રાતોરાત ડાહ્યા થઈ ગયાં. તે એટલે સુધી કે પાગલો પણ સમજી ગયા કે જાહેરમાં શું બોલાય અને શું ના બોલાય…. પાગલો પર ડહાપણનો હુમલો આવી ગયો એમ કહી શકાય. કહે છે કે આ ગાળામાં એક પાગલ ઈન્દિરાજીના મકાન બહાર ઊભો ઊભો બરાડતો હતો :
‘માત્ર એક જ વ્યક્તિને લીધે દેશ પીડા ભોગવી રહ્યો છે.’
વડાપ્રધાનના એક અધિકારીએ તરત જ એ પાગલને પકડીને પોલીસને હવાલે કરી દીધો. તેને પોલીસચોકીએ લઈ જવામાં આવ્યો. પોલીસ ઈન્સ્પેક્ટરે પાગલના ગાલ પર એક જોરદાર થપ્પડ જમાવી દેતાં તેને પૂછ્યું, ‘બદમાશ, તું કહેવા શું માગે છે ? એક જ વ્યક્તિને કારણે આખો દેશ પીડાઈ રહ્યો છે એમ બોલવા પાછળ તારા મગજમાં કોનું નામ છે ?’
પાગલે રડતાં રડતાં જવાબ દીધો, ‘હિટલર.’ જવાબ સાંભળીને પોલીસ હસી પડ્યો. તેને છોડી મૂક્યો. પોલીસ ચોકીમાંથી જતાં જતાં એ પાગલે ઈન્સ્પેક્ટર સામે આંખ મીંચકારી પ્રશ્ન કર્યો : ‘સાચું બોલજો સાહેબ, તમારા મનમાં કોનું નામ હતું ?’

આમ તો આખુંય વિશ્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જરૂર નથી એવું જર્મન કવિ ગેટેએ કહ્યું છે. કદાચ એટલે જ પાગલખાનામાંથી છૂટ્યા બાદ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મન્ટોએ ઉદ્દગાર કાઢ્યા હતા કે નાના પાગલખાનામાંથી હું મોટા પાગલખાનામાં આવી ગયો છું. હું ધ ન્યૂ હાઈસ્કૂલમાં ભણતો ત્યારે કસરતના પિરિયડ માટે અમારે દિલ્હી દરવાજા બહારના ખુલ્લા મેદાનમાં જવું પડતું. આ મેદાનની પાછળ ગાંડાની હોસ્પિટલ હતી. વચ્ચે તારની વાડ. કેટલીક વાર એવું બનતું કે મેન્ટલ હોસ્પિટલની બહાર ફરતા પાગલો સામે અમે બધા વિદ્યાર્થીઓ કૌતુકથી જોતા ને અમારી રમતગમતની પ્રવૃત્તિઓને પાગલો એટલા જ કુતૂહલથી નિહાળતા. ગમ્મત ખાતર ક્યારેક અમે તેમના પર કાંકરીચાળો કરતા. સામે એ અમને ‘ગાંડા…ગાંડા…’’ કહી પથ્થરો મારતા. એ વખતે કશું સમજાતું નહોતું. આજે થાય છે કે ગાંડપણ અને ડહાપણ વચ્ચે માત્ર તારની વાડ જેટલું જ અંતર છે.

દુનિયાના ડાહ્યા, શાણા ને પાંચમા પૂછાનાર માણસો પણ ચોવીસે કલાક ડાહ્યા નથી હોતા એ વાતની આપણને ગાંધીજી, ટૉલ્સ્ટોય, આઈન્સ્ટાઈન, ચાર્લી ચેપ્લિન, બર્નાડ શૉ અને પિકાસો જેવા ‘જીનિયસ’ મહાનુભાવોના જીવનના તમામ પ્રસંગો ચકાસવાથી ખાતરી થઈ જશે. મહાન ફિલસૂફ નિત્શે, વાન ગો, વાર્તાકાર મોપાસાં, વ્યંગકાર જોનાથન સ્વિફટ ને જર્મન સાહિત્યકાર સ્ટીફન ઝવાઈંગ – આ બધા એક સમયમાં જીનિયસ હતા. પણ પછી તે પાગલ જાહેર થયા ને કેટલાક તો એ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા. ડાયોજિનસ, એરિસ્ટૉટલ, પ્લેટો ને સૉક્રેટિસ પણ પાગલ હતા, પરંતુ તે પોતાના ભ્રમોનું પૃથક્કરણ કરી શક્યા એટલે તે ફિલસૂફ કહેવાયા. (પોતે પાગલ છે એ જાણે તે ફિલસૂફ.) રુડયાર્ડ કિપ્લિંગના મતે કોઈક ને કોઈક બિંદુએ દરેક માણસ પાગલ જ હોય છે. એવી એક અનુભવવાણી છે કે જીવનમાં આવતા અકસ્માતોમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢવા માટે આપણામાં કેટલીક વાર થોડુંક ગાંડપણ જરૂરી બને છે. કેટલીક વાર આપણને લોકો ગાંડા ના ગણે એ માટેય આપણે અનિવાર્યપણે પાગલ થઈ જવું પડે છે.

[poll id=”27″]