- ReadGujarati.com - http://www.readgujarati.com -

અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન – શાહબુદ્દીન રાઠોડ

[ સર્વ વાચકમિત્રોને દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલુ વિક્રમસંવતના આ અંતિમ દિવસે આપણે સૌ આનંદમગ્ન થઈને હાસ્યરસમાં તરબોળ થઈએ, અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ.]

[ ‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

માનવીને જ્યારે પોતાને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે છે ત્યારે તેના જીવનમાં બુદ્ધિની શરૂઆત થાય છે. અજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન છે. જો કે થોડી બુદ્ધિ આવ્યા પછી અમારી તો ઊલટાની મુશ્કેલી વધી છે. અમે જે મૂર્ખાઈનો આનંદ માણતા હતા તે ગુમાવી બેઠા છીએ અને બુદ્ધિપૂર્વકનો ઉચ્ચ આનંદ અમને હજી પ્રાપ્ત થયો નથી. મારો નાનો પૌત્ર અરમાન મારા રૂમમાં આવી જે તોફાનમસ્તી અને ધમાલ કરે છે તેને જોઈ મને કવિશ્રી આનંદની પંક્તિઓ યાદ આવે છે.

કેવું મજાનું બાળપણ
કેવું નિખાલસ ભોળપણ
લાવ શોધી લઉં ફરી
વેરી દઉં આ શાણપણ

સમસ્યાઓ બધી શાણપણ આવ્યા પછી સર્જાય છે. ઘણી વાર તો એમ પણ થાય છે કે જીવનમાં થોડી મૂર્ખાઈ પણ જરૂરી છે. અમે સાથે ભણતા મિત્રો 1954માં જુદા પડ્યા કારણ અમારા થાનગઢ ગામમાં એસ.એસ.સી.નો વર્ગ નહોતો. જુદા પડવાની વેળાએ અમને મૈત્રીનું મૂલ્ય સમજાણું. બધાએ નક્કી કર્યું એક છેલ્લી પાર્ટી બાંડિયા બેલીની કરી લઈએ. રામનવમીની આગલી સાંજે મિત્રો બધા મારે ત્યાં ભેગા થયા. અમે ચાપાણી-નાસ્તો કરી, સીધું-સામાન સાઈકલના હેન્ડલે થેલીઓમાં ટીંગાડી ચાલીને બાંડિયા બેલી પહોંચ્યા. શિવરામબાપુને નારાયણ કરી અમે અમારી વ્યવસ્થામાં પડ્યા, સુલેમાન અને થોભણે રાંધવાની શરૂઆત કરી. મનુ એમને મદદ કરવા લાગ્યો.

ભાખરી, શાક, તળેલાં મરચાં અને છાશ. આ અમારું ભોજન. બધાનાં ભાણાં પીરસાઈ ગયાં અને અમે ભોજનની શરૂઆત કરી. થાનથી બાંડિયા બેલી સુધી ચાલવાનો પરિશ્રમ, મિત્રોનો સંગાથ અને બાંડિયા બેલીનું કુદરતી વાતાવરણ. સૌનો ખોરાક વધી ગયો. ચાર ભાખરી, ત્રણ વાટકા શાક અને બે ગ્લાસ છાશ પીધા પછી પણ જ્યારે નટુએ ભાખરી માગી ત્યારે સુલેમાન અને થોભણે કહ્યું કે, ‘હવે કૂતરા માટે બે રાખી છે તમે જેમ કીયો એમ કરીએ.’ અમે કહ્યું, ‘તો પછી નટુ હવે રહેવા દે.’ નટુએ નિસાસો નાખી કહ્યું : ‘હશે, આ તો બધી ભાગ્યની વાત છે.’

એક વાર હું, વનેચંદ, પ્રાણલાલ, પ્રવીણ અને અન્ય મિત્રો સાથે ચાલીને તરણેતર ગયા. વળતા કંડોળિયા શામજીબાપુની ઝૂંપડીએ પાણી પીવા રોકાણા. વડના ઝાડ ફરતો બાંધેલો ઓટો જોઈ સૌને થયું થોડી વાર બેસીને પછી થાન તરફ પ્રયાણ કરીએ. ત્યાં શામજીબાપુએ આદેશ આપ્યો સૌએ હરિહર કરીને જવાનું છે. સંતના આદેશની અવગણના ન કરવી એવા ઉમદા આદેશથી અમે તેનું પાલન કરવા પંગતમાં ગોઠવાઈ ગયા, ભાણાં પીરસાઈ ગયાં. બાપુએ હરિહરની હાકલ કરી અને અમે ભોજનની શરૂઆત કરી. મારી બાજુમાં બેઠેલા નટુએ પોતાની થાળીમાં પિરસાયેલા રોટલાના ચાર ભાગ પાડ્યા અને ચોથીયું થાળી બહાર મૂક્યું. મને નવાઈ લાગી. મેં કહ્યું, ‘નટુ આ શું કર્યું ?’ નટુ કહે, ‘જ્યારે હું જમવા બેસું છું ત્યારે મને ‘શ્વાનભાગ’ કાઢવાની ટેવ છે.’ મેં કહ્યું : ‘જો નટુ, શામજીબાપુ સંત છે. તેઓ ગાયને નીરણ નખાવે છે, પંખીઓને ચણ નખાવે છે, દરરોજ સાંજે કીડિયારું પુરાવે છે. અભ્યાગતોને ટુકડો ખવરાવે છે. ‘ટુકડાથી પ્રભુ ઢૂકડો’ એમ પોતે માને છે એ જ રીતે કૂતરાને રોટલા ખવરાવે છે. અત્યારે આપણે જે રોટલા ખાઈએ છીએ તે કૂતરાની ટેલના લોટમાંથી બનાવેલા છે. એટલે આપણે આરોગીએ છીએ તે ‘શ્વાનભાગ’ છે. તું એમાંથી પાછો શ્વાનભાગ જુદો કાઢે છે ?’ મારી મજાક સૌ મિત્રો સમજી ગયા પણ નટુ ન સમજ્યો. તેણે ચોથીયું પાછું થાળીમાં મૂકી દીધું અને અન્ય ત્રણ ભાગ સાથે ચોથો શ્વાનભાગ પણ આરોગી ગયો.

અમારા ગામના મનોરમામા પણ કાશીની જાત્રાએ ગયા. ગંગાસ્નાન કરી કાશી વિશ્વેશ્વર મંદિરે દર્શન કરવાનો વિચાર કરતા હતા ત્યાં એક જુવાન મનોરમામાને મળ્યો. મામા સામે પ્રથમ તો જોઈ જ રહ્યો અને પછી આશ્ચર્ય પામતાં બોલ્યો :
‘અરે મામા, તમે અહીં ક્યાંથી ?’
મનોરમામા કહે : ‘તારી મામી સામે મેં એની છેલ્લી ઘડીએ જાત્રા કરવાનું નીમ લીધું’તું એટલે આવ્યો છું પણ જુવાન તને મેં ઓળખ્યો નહિ.’
જુવાન કહે : ‘અરે મામા, મને ન ઓળખ્યો ? હું બચુ. અમે બધા તમારી શેરીમાં રમતાં દેકારો કરતા ત્યારે તમે વઢતાં એટલે અમે ભાગી જતા. હું તો મામા તમારે ત્યાં ઘણી વાર જમવાય બેસી જતો.’ મનોરમામાએ સ્મૃતિને ઢંઢોળવા પ્રયાસ કર્યો પણ વર્ષો પહેલાં કોણ શેરીમાં રમતા અને કોણ જમી જતા એ કાંઈ તેમને યાદ ન આવ્યું છતાં કાશી જેવી નગરીમાં કોઈ ઓળખીતો મળ્યો તેનો તેમને આનંદ થયો. બચુએ મામાનું પોટલું ઉપાડી લીધું અને ગંગાસ્નાન માટે ઘાટ પર લઈ ગયો. મામાએ પંચિયું પહેર્યું. પોટલાં સાથે કપડાં અને વાટખર્ચીની રકમ બચુને સાચવવા આપી. નિશ્ચિંત થઈ મામાએ જેવી ગંગામાં ડૂબકી મારી એ જ વખતે પોટલું અને કપડાં લઈ બચુ રવાના થઈ ગયો.

મનોરમામા ગંગાસ્નાન કરી બહાર નીકળ્યા પણ બચુને ક્યાંય ભાળ્યો નહિ. મામાને ફાળ પડી, પોટલું લૂગડાં અને વાટખર્ચીની રકમ બધું લઈ બચુ પલાયન થઈ ગયો, મામા બિચારા જે આવે તેને પૂછે તમે બચુને ભાળ્યો ? વળી કોક પૂછે કોણ બચુ ?’
‘અરે બચુ, અમારી શેરીમાં રમતો અને અમારે ત્યાં જમવા બેસી જતો. હમણાં અહીં હતો.’ મનોરમામા આવી ઓળખાણ આપતા. મનોરમામાએ કાશી ગંગાઘાટ પર પોક મૂકી. એ તો એમના ભાગ્યે થાન બાજુ અનસોયાના મહંત શ્રી ભોળાદાસબાપુ યાત્રીઓ સાથે કાશી આવેલા એમાં નવાગામનો રણછોડ મનોરમામાને ઓળખી ગયો. રણછોડ મનોરમામાને ભોળાદાસબાપુ પાસે લઈ ગયો. મનોરમામા બાપુના પગમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, બાપુએ કહ્યું, ‘જરા પણ મૂંઝાશો નહિ. હવે તમે પ્રભુના ખોળે છો. અમારી સાથે જ તમારે રહેવાનું છે, અને અમારી સાથે જ થાન પાછા ફરવાનું છે.’ મનોરમામા રાજી થયા. તેમનાં કપડાં, ભોજન, ઉતારો અને થાન સુધીના પ્રવાસની વ્યવસ્થા થઈ ગઈ. મામા હેમખેમ થાન પહોંચી પણ ગયા. આટલું કહ્યા પછી મેં કહ્યું, ‘મિત્રો આપણા દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે. મતદાનની ગંગામાં મતદાતા મનોરમામા જ્યાં ડૂબકી મારવા જાય છે ત્યાં ઉમેદવાર બચુ મતની પોટલી લઈ રવાના થઈ જાય છે, એ પાછા પાંચ વર્ષે વળી ચૂંટણી ટાણે પ્રગટ થાય છે.’

ડૉ. રાહી માસૂમ રઝા જેમણે મહાભારત સિરિયલના એકોતેર કલાકના સંવાદો લખ્યા, તેમનું પ્રવચન બિરલા માતુશ્રી સભાગૃહ મુંબઈમાં યોજાયું હતું. હું મુંબઈ હતો. મને હરકિસન મહેતા સાહેબે ફોન કરી જણાવ્યું કે તમે અચૂક આવો, તમને જરૂર મઝા આવશે. કલ્યાણજીભાઈ સાથે હું બિરલામાં પહોંચ્યો. ડૉ. રઝાસાહેબને મળ્યો. તેમનું પ્રવચન સાંભળ્યું. તેમનો મહાભારતનો ઊંડો અભ્યાસ તેમના વક્તવ્યમાં જણાઈ આવતો હતો. તેમણે કહ્યું : जब मैं छे साल का था तब मेरी दादी ने मुझे महाभारत की कथा सुनाई थी । वह पांचो वक्त नमाज अदा करती थी और रमजान में तीसों दिन रोजा रखती थी तब से मेरी दिलचश्पी महाभारत से है । ત્યાર પછી તેમણે મહાભારતનાં પાત્રો, પ્રસંગો અને સંવાદોની છણાવટ કરી. પ્રેક્ષકસમુદાય મંત્રમુગ્ધ બની ગયો. પ્રવચનના અંતમાં તેમણે કહ્યું : ‘इस देश में सब के सब बहुमत में है – हिन्दु, मुस्लिम, शीख, ईसाई, जैन, सब बहुमत में है । तो फ़िर अल्पमत में है कोन ? शहादत का लाल सेहरा पहनकर सर पे कफ़न बांधकर मादरेवतन के लिए शहिद होने की ख्वाहिश रखने वाले ही अल्पमत है । તાળીઓના એકધારા પ્રચંડ અવાજોથી સૌએ ઊભા થઈ ડૉ. રઝાસાહેબનું ભવ્ય અભિવાદન કર્યું. હોલની બહાર અમે નીકળ્યા ત્યારે મારા હૃદયમાં એક જ ભાવ ઘૂંટાતો હતો :
हर करम अपना करेंगे
ऐ वतन तेरे लिए ।
दिल दिया है जाँ भी देंगे
ऐ वतन तेरे लिए ॥

[poll id=”30″]