એક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર

[‘નવચેતન’ સામાયિકમાંથી સાભાર.]

[dc]એ[/dc]ક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું એ વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં’તાં. રાજ્યમાં એક મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, પણ એમના ખાતામાં તો પ્રાતઃ ભોજન યોજના, પૂર્વમધ્યાહ્ન ભોજન યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના, સાયં ભોજન યોજના, રાત્રિ ભોજન યોજના, મધ્યરાત્રિ ભોજન યોજના – આમ ભોજનની વિવિધ યોજનાઓ જુદાં જુદાં નામે ચાલતી હતી. પ્રધાને સત્તા ગ્રહણ કરીને એકાએક ઉપવાસનું વાતાવરણ ખડું કરી દીધું. ભોજન તો બંધ, પણ ઉપવાસ ફરાળી પણ નહિ; શુદ્ધ અણિશુદ્ધ-પરિશુદ્ધ-ઉપવાસ.

આ પ્રધાન પોતે બહુ જ સાદાઈથી રહેતા. પોતાનાં કપડાં જાતે જ ધોતા. કપડાં ધોનાર નોકરને એટલો વખત આરામ આપતા. પોતાનાં કપડાંને જાતે ઈસ્ત્રી કરવાનો સમય મળી રહે તે માટે તેઓ ઉદ્દઘાટન કરવા ક્યારેય જતા નહિ. શરૂઆતના દિવસોમાં તેઓ ઉદ્દઘાટન માટેનાં રોજનાં સરેરાશ સત્તર આમંત્રણો નકારતા. રાત્રે સરકારનું કામ પૂરું કરીને તેઓ બેએક કલાક વાંચતા. વાંચવાનું શરૂ કરતાં પહેલાં મીટરનું રીડિંગ નોંધી લેતા. પોતાનું જ કામ કરતા હોય તે વખતનું વીજળીનું બિલ પોતે ભરતા. પોતાના કામે વતનમાં જતા ત્યારે એસ.ટી. બસમાં જતા.

પ્રધાન તરીકે મળતા પગારભથ્થામાંથી એમનો નિર્વાહ ચાલતો નહિ. આ કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા માટે એમને મિત્રોની મદદ લેવી પડતી. પોતે પોતાના સ્થાનનો ગેરઉપયોગ કરી મિત્રોને મદદ નહિ કરે એવી શરતે એ મિત્રોની મદદ સ્વીકારતા. એટલે એમને બહુ થોડી મદદ મળતી. દર વર્ષે એ ઈન્કમ ટૅક્ષનું સાચું રિટર્ન ભરતા, જે ઈન્કમ ટૅક્ષના અધિકારીઓને શરૂઆતનાં વર્ષોમાં સાચું નહોતું લાગતું. અલબત્ત, કેટલાક પ્રધાનોની (દેખાડવાની) આવક તો એમનાથીય ઓછી હતી. એટલે અન્ય પ્રધાનોનાં રિટર્નની જેમ એમનું રિટર્ન પણ સાચું માની લેવામાં આવતું. આમ છતાં, તેઓ છાપાં દ્વારા પોતાની મિલકત જાહેર કરતા. આ કારણે શરૂઆતનાં વર્ષોમાં તેઓ બહુ રમૂજી માણસ છે એવી છાપ ઊભી થયેલી. એમને ચાર સાળાઓ હતા, ત્રણ સાઢુભાઈઓ હતા, ચાર ભાઈઓ હતા, સાત ભત્રીજા હતા, ત્રણ બનેવી હતા ને પાંચ ભાણેજ હતા – આમ છતાં, કોઈને એમણે સરકારી લોનો ન અપાવી; નોકરીઓ ન અપાવી; લાઈસન્સો ન અપાવ્યાં; સરકારી કૉન્ટ્રેક્ટો ન અપાવ્યા. આ પ્રધાનને કોઈ ગુંડા સાથે; દારૂનો વેપાર કરનાર સાથે કે દાણચોર સાથે ઓળખાણ નહોતી – જરા પણ ઓળખાણ નહોતી. ચૂંટણીમાં એમણે ક્યારેય કોઈ ગુંડાની મદદ લીધી નહોતી કે ક્યારેય કોઈ દાણચોર પાસેથી ચૂંટણીફંડ લીધું નહોતું.

ધીમે ધીમે સી.બી.આઈ.ના વડાના ધ્યાનમાં આ પ્રધાનની વાતો આવી. આ વાતો જાણીને એમને એમની આટલી સર્વિસમાં નહોતો લાગ્યો એટલો આઘાત લાગ્યો. આઘાતને કારણે એમને પંદર દિવસની રજા લેવી પડી. રજા પરથી હાજર થયા પછી એમણે – આ પ્રધાન ખરેખર ગોટાળા કરતા નથી કે એમને ગોટાળાં કરતાં આવડતું નથી તેની તપાસ પોતાને સોંપવાની સામે ચાલીને માગણી કરી. (પ્રધાન ગોટાળા કરે નહિ એય તેને ગળે ઊતરતું નહોતું અને પ્રધાનને ગોટાળાં કરતાં આવડે નહિ એ તો એમને ગળે બિલકુલ નહોતું ઊતરતું !) એમની વિનંતી માન્ય થઈ. આ પ્રધાનની તપાસ એમને સોંપાઈ.
*****

‘મારા સ્વપ્નનું ભારત’ – એ વિશે વિચારતાં-વિચારતાં ઊંઘ આવી ગઈ હતી. છેક સુધી તો સપનું બરાબર ચાલ્યું, પણ સપનામાં સી.બી.આઈ.ના વડા દેખાયા કે તરત જ મારી ઊંઘ ઊડી ગઈ ! જાગ્યા પછી થયું કે આજે તો આવું સપનું પણ આવે છે ખરું, પણ એ દિવસ બહુ દૂર નથી કે આવું સપનું પણ દુર્લભ થઈ જાય !

[poll id=”32″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “એક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.