એક જાહેર પત્ર – ડૉ. હેમંત સી. પટેલ

[ ‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2012માંથી સાભાર.]

[dc]આ[/dc]પણી લોકશાહીમાં આપણા પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા જનતાની સાચી ભાવનાઓનું પ્રતિબિંબ નથી થતું, એ એક કડવું સત્ય છે. કારણ કે જે પ્રતિનિધિઓ જીતે છે તેમને કુલ જનતાના વીસ ટકા કે તેથી પણ ઓછા મત મળતા હોય છે. એટલું જ નહીં, ચૂંટણી પછી જે તડજોડો થાય છે, તેને પરિણામે એવા લોકો સત્તા પર આવી જાય છે, જેને વિશે દેશની જનતાએ સપનામાં પણ વિચાર્યું ન હોય ! આજ સુધી કોઈ પણ પક્ષને 30%થી વધુ મત મળ્યા નથી. એનો અર્થ એ થયો કે જે પક્ષ પોતાને ‘જનાદેશ’ મળ્યો છે તેવી વાત ચલાવતા હોય છે તેમને દેશના માત્ર 15 ટકા (50 ટકા મતદાન થાય તે હિસાબથી) લોકોનું સમર્થન પ્રાપ્ત છે. આને શું સાચું પ્રતિનિધિત્વ કહી શકાય ખરું ?

આજે આપણે કોઈ દુકાનમાં જઈએ અને કોઈ વસ્તુ પસંદ ન પડે તો તે દુકાનમાંથી કશું લીધા વગર બીજી દુકાનમાં જઈને આપણને ગમતી વસ્તુ પસંદ કરી શકીએ છીએ. પરંતુ, એ તો જુઓ કે આવી સ્વતંત્રતા આપણને પોતાનો પ્રતિનિધિ ચૂંટવામાં નથી ! આ તે કેવી વ્યવસ્થા ? પાંચ-દસ ઉમેદવારો, જેમને જે તે પક્ષો પસંદ કરે છે, તેમાંથી જ આપણે તો કોઈ એક ને (પક્ષની પસંદગી પ્રમાણે) જબરજસ્તીથી ચૂંટવો પડે છે. પરિણામે, દેશના 50 ટકાથી વધુ મતદાતા પોતાનો મત નાંખતા જ નથી. અને જે 50 ટકા મત નાખવા જાય છે તેમાંથી પણ 50 ટકા લોકો દિલથી વોટીંગ કરતા નથી, માત્ર પોતાની ફરજ અદા કરે છે. એક રીતે જોવા જઈએ તો પોતાનો મત ન નાંખીને 50 ટકા મતદાતા બધા જ ઉમેદવારોને રીજેક્ટ કરે છે. આ લોકોના માનવા પ્રમાણે ‘બધા જ ઉમેદવારો જે ચૂંટણીમાં ઊભા રહ્યા છે તે ચોર છે અને તેથી હું કોઈને મારો મત આપવા માગતો નથી.’ આ વિધાન આપણે ઘણી વાર સાંભળ્યું જ છે. અડધાથી વધુ મતદાતાઓના મત/Opinion ને નજરઅંદાજ કરીને આપણે આ લોકશાહીને ક્યા મોડ પર લાવીને મૂકી દીધી છે ? જે માત્ર કહેવા પૂરતી અને બંધારણના પાના માત્રમાં રહી ગઈ છે !

જો આ દેશના લોકોને Right to Reject નો અધિકાર મળે તો દેશની લોકશાહીમાં તેમ જ આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓમાં મૂળભૂત પરિવર્તન આવી શકે. આ એક Genetic Change હશે જે આપણી સંપૂર્ણ રાજકીય વ્યવસ્થા બદલવાની તાકાત ધરાવે છે. આપણે વ્યવસ્થા પરિવર્તનની વાત કરીએ છીએ. પરંતુ, એ યાદ રાખીએ કે આ જ લોકો જો સત્તામાં રહે તો ગમે તેટલી સારી સિસ્ટમને તહસનહસ કરીને પૂરેપૂરી નિષ્ફળ કરવાની તાકાત તેઓ ધરાવે છે. તેથી જ, આપણું ધ્યેય સિસ્ટમને બદલવાને બદલે તેને ચલાવવાવાળા લોકોને બદલવાનું હોવું જોઈએ.

આપણી પાસે એવા ઘણા દાખલા મોજૂદ છે જેમાં સારા લોકોએ સારાં કામો આ જ દેશમાં કરી બતાવ્યાં છે. તેથી આપણે શાસન કરવાવાળા લોકોમાં ઉચ્ચ ગુણવત્તા ફરીથી આવે તેવું ગોઠવવું પડશે. છેલ્લાં 65 વર્ષોમાં સત્તા સ્થાને સરદાર, રાજેન્દ્ર પ્રસાદ, શાસ્ત્રીજી…. જેવા લોકોને બદલે નીચે પડતી લાલુ, મુલાયમ, પવાર, માયાવતી, કલમાડી, રાજા, યેદુરપ્પા જેવી વ્યક્તિઓ પહોંચી છે. સૌ પ્રથમ તો આપણે ખોટા લોકોને સંસદ સુધી પહોંચતા જ રોકવા જોઈશે, અને આપણે માત્ર Right to Reject થી જ કરી શકીશું. કોઈ પણ પક્ષ બીજી વારની ચૂંટણી ઈચ્છતો નથી. તેથી, બધા પક્ષો પર સૌથી સારા ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખવા માટેનું દબાણ આવશે જેથી લોકો તેને નકારે નહીં. આ જ વસ્તુ વારંવાર થતી ચૂંટણીને રોકશે. પરંતુ, Right to Reject માટે બંધારણમાં ફેરફાર કરવો પડશે. આજની વ્યવસ્થામાં ચૂંટાઈને આવેલી કોઈપણ સરકાર આપણને આ અધિકાર આપવાની નથી. તેવી હાલતમાં આપણી પાસે વિકલ્પ શું છે ?

જ્યાં સુધી આપણને Right to Reject ન મળે ત્યાં સુધી ચૂંટણી અધિકાર કાયદાના 49 (ઓ) ધારા હેઠળ આપણને આપણો મત અનામત (એટલે કે Reserve) રાખવાનો જે બંધારણીય અધિકાર મળેલો છે. તેનો ઉપયોગ કરી શકીએ છીએ. આ અધિકારનો ઉપયોગ ખાસ થતો નથી કારણ કે આ વિષયમાં લોકોને ખાસ માહિતી હતી નહીં અને છે પણ નહીં. મને આશ્ચર્ય તો એ વાતનું છે કે ચૂંટણીપંચે આજ દિન સુધી દેશના મતદાતાઓને પોતાનો મત અનામત રાખવાના બંધારણીય અધિકાર વિષે દેશની જનતાને જણાવવું જરૂરી કેમ નથી માન્યું ? આજે પણ ચૂંટણીપંચ આ મુદ્દે મૌન છે. પરંતુ, હવે સમય આવી ગયો છે કે આપણે આ અધિકારનો ઉપયોગ કરીએ. ચૂંટણી પંચને આપણે વિનંતિ કરવી જોઈએ કે આ મત અનામત (Reserved) રાખવાનો અધિકાર 2014ની ચૂંટણીમાં EVM મશીન પર એક બટનના સ્વરૂપમાં મળે. જે હાલમાં Returning Officer પાસે 15એના ફોર્મના સ્વરૂપમાં હોય છે. પરંતુ, આ વ્યવસ્થાને કારણે આપણા મતની ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. જો ચૂંટણી પંચ આમ કરવાનો ઈન્કાર કરે તો આ અધિકાર મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રસ્તો પણ છે જ. આજની વ્યવસ્થામાં આપણે બધાને Reject કરી શકીએ તેમ નથી. પરંતુ જીતનાર ઉમેદવારને તેને મળેલા મતથી પણ વધુ મત અનામત રખાવીને તેની જીતની અર્થવિહીનતા તેમ જ સચ્ચાઈના દર્શન જરૂર કરાવી શકીએ. Right to Reject ની દિશામાં આ આપણું પહેલું ડગલું હોઈ શકે.

આશા રાખું છું કે સૌ સાથીઓ, નાગરિકો મારા આ સૂચન પર વિચાર કરશે તેમ જ પ્રતિભાવ આપશે.

(હિંદીમાંથી અનુવાદિત. ભૂમિપુત્રમાંથી સાભાર.)

[poll id=”31″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “એક જાહેર પત્ર – ડૉ. હેમંત સી. પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.