સિફારીશ : યે સિલસિલા યૂં હી ચલતા રહે ! – ડૉ. શરદ ઠાકર

[‘અખંડ આનંદ’ દીપોત્સવી અંક : નવેમ્બર-2012માંથી સાભાર. આપ ડૉ. શરદ ઠાકરનો આ સરનામે drsharadthaker@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘સ[/dc]ર, તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી છે. મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે કે આ નોકરી મને નહીં મળે.’ આજથી લગભગ દસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની દેખાતી એક યુવતી મને મળવા માટે આવી અને ઉપર મુજબની રજૂઆત કરી.

‘આમાં હું શું કરી શકું ?’ મેં પૂછ્યું.
‘તમારે મારા માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપવાની છે કે આવનાર બહેનને નોકરીમાં રાખી લો.’ યુવતીની આંખોમાં ભોળપણ છલકાતું હતું. મને સહેજ ગુસ્સો આવતો હતો, સહેજ ચીડ ચડતી હતી, પણ વધુ તો આશ્ચર્ય થતું હતું. આ નવી પેઢીના યુવાનો અને યુવતીઓ કેટલા બધા આત્મવિશ્વાસથી સાવ અજાણ્યા માણસો પાસે ભલામણ-પત્ર માટે પહોંચી જઈ શકે છે ! મારા મનોભાવો છુપાવીને મેં પૂછ્યું :
‘ઈન્ટરવ્યુ કઈ કંપની તરફથી રાખવામાં આવ્યો છે ?’ જવાબમાં યુવતીએ એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ આપ્યું.
‘જો બહેન, તું એક વાત સમજી લે, હું નથી તને ઓળખતો કે નથી ઓળખતો એ કંપનીના કોઈ અધિકારીને. મારાથી આ રીતે તારા માટે ભલામણ-પત્ર ન લખી શકાય.’
‘પણ હું તમને ઓળખું છું ને ! વરસોથી અખબારી પૂર્તિમાં આવતી તમારી ‘ડૉક્ટરની ડાયરી’ હું વાંચતી રહી છું. તમે ભલે એ કંપનીમાં કોઈને ન ઓળખતા હો, પણ એ લોકોએ તો તમારું નામ સાંભળ્યું જ હશે. તમે ચિઠ્ઠી લખી તો આપો, મને પૂરો વિશ્વાસ છે કે મારું કામ થઈ જશે.’ એની આંખોમાં વિનંતીને બદલે હવે જીદનો સુરમો અંજાઈ ગયો હતો.

મોટા ભાગના વાંચકો એવા ભ્રમમાં જીવતા હોય છે કે અખબારમાં કટાર લેખન કરતા લેખકોનું સમાજના તમામ ક્ષેત્રોમાં ‘રાજ’ ચાલતું હોય છે. એમનું નામ આપો એટલે ચપટી વગાડતાંમાં કામ થઈ જ જાય. વાસ્તવમાં આવું હોતું નથી. અમે માત્ર કાગળ પરના વાઘ હોઈએ છીએ. ઉપરાંત હું પોતે આવી ભલામણોનો સખત વિરોધી છું. મારા અંગત કામ સબબ મારે કોઈ ઑફિસમાં જવાનું થાય છે, ત્યારે પણ હું મારી અખબારી ઓળખ આપવાનું ટાળતો હોઉં છું. મેં દલીલની બાજીમાંથી બીજું પત્તું ઉતાર્યું,
‘બહેન, મને આ પ્રકારની સિફારીશ કરવાનું ગમતું નથી. તારા માટે ભલામણ કરું એનો સીધો અર્થ એ થયો કે બીજા કોઈ લાયક ઉમેદવારને અન્યાય કરવો.’
અચાનક એ યુવતીની આંખોમાં આંસુ તગતગી ઊઠ્યાં, ‘તમને ન ગમતું હોય તો ચિઠ્ઠી ન લખી આપશો, સર. પણ આવી સિદ્ધાંતની વાતો માત્ર એવા લોકો જ કરે છે જેમણે જિંદગીની હાડમારીઓ ક્યારેય જોઈ નથી. તમને એવી છોકરીની નિઃસહાયતા ક્યાંથી સમજાય, જેના ઘરમાં બાપ પૅરેલિસિસનો ભોગ બનીને પથારીમાં પડ્યા હોય, જ્યાં મા પારકા ઘરમાં કપડાં-વાસણ અને કચરા-પોતાં કરતી હોય, જ્યાં બે નાની બહેનો અને એક માસુમ ભાઈ એ પળની વાટ જોઈને બેસી રહ્યા હોય કે ક્યારે એમની દીદીને નોકરી મળી જાય, ક્યારે એ પગાર લઈને ઘરે આવે અને ક્યારે એમનાં દફતર-કંપાસ…… ?’

મારી જગ્યાએ કોઈ પણ ‘માણસ’ હોય તો એ દ્રવી જાય; હું પણ બચી ન શક્યો.
મેં કહ્યું : ‘બસ ! બસ ! હવે એક પણ શબ્દ બોલીશ નહીં, એક પણ આંસુ ખેરવીશ નહીં. હું પત્ર લખી આપું છું. પછી તારું કામ થાય કે ન થાય એની જવાબદારી ભગવાનના માથે.’ મેં ટેબલ ઉપર પડેલું લેટરપેડ હાથમાં લીધું અને પત્ર લખવાનું શરૂ કર્યું :

‘આદરણીય સાહેબશ્રી,
આપણે એકબીજાને ઓળખતા નથી, ક્યારેય મળ્યા નથી. તેમ છતાં આ પત્ર લખવાની ધૃષ્ટતા કરું છું. મારું નામ આપે કદાચ અખબારમાં વાંચ્યું હશે. હું નાનકડા રાજ્યની મોટી ભાષાનો નાનો લેખક છું. જો આટલા પરિચયનું કશું પણ વજન પડતું હોય તો આ પત્ર લઈને આવનાર યુવતી કુ. મેઘલ ત્રિવેદીને નોકરી માટે પસંદ કરવાની વિનંતી કરું છું. લિ….’ ચિઠ્ઠી પૂરી કર્યા પછી હું પોતે વાંચી ગયો. જે લખાયું હતું તે અલબત્ત, સાચું હતું, પણ વજનદાર લાગતું ન હતું. આટલી ભલામણથી ભાગ્યે જ મેઘલને નોકરી મળી જાય. હવે શું કરવું ? હું મૂંઝાયો. પછી મેં પત્રના અંત ભાગે ડાબા હાથ પર આવેલી ખાલી જગ્યામાં ‘તાજા કલમ’ના નામે ટાંક મારી, ‘આવનાર યુવતી મેઘલ ત્રિવેદી મારી સગ્ગી નાની બહેન છે. અંગત કારણોસર એને નોકરીની તાતી જરૂર છે. આ બાબતમાં વધુ સ્પષ્ટતા હું કરી શકું તેમ નથી.’ ડૉક્ટરની બહેનને આવી નોકરીની તાતી જરૂર શાની હોય ? માટે મેં એ વાતનો છેદ જ ઉડાડી દીધો. જે મહત્વનું હતું તે પેલું ‘સગ્ગી બહેન’વાળી વાતનું હતું. હવે મને ખાતરી થઈ ગઈ કે આ ગરીબ, જરૂરતમંદ છોકરીને ચોક્કસપણે આ નોકરી મળી જ જશે.
****

મેઘલને નોકરી મળી ગઈ. એનો ફોન આવ્યો. એના અવાજમાં ઉત્સાહ અને આનંદનાં મોજાં ઘૂઘવતાં હતાં, ‘સર, તમે માનશો ? ઈન્ટરવ્યૂમાં મારી ડિગ્રી કે અનુભવ વિષે એમણે એક પણ પ્રશ્ન ન પૂછ્યો. માત્ર એટલું જ પૂછ્યું કે હું ખરેખર તમારી સગ્ગી બહેન થાઉં છું ? થૅન્ક યુ સર !’ થોડી વાર પછી ફાર્મા કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટના અધિકારીનો ફોન આવ્યો,
‘શરદભાઈ, આપણે ક્યારેય મળ્યા નથી, પણ તમને છાપામાં વાંચીએ છીએ. તમારું કામ થઈ ગયું છે. પણ એક સવાલ મને મૂંઝવે છે. તમારી અટક ઠાકર છે, તો પછી તમારી સગ્ગી બહેન મેઘલની અટક ત્રિવેદી શી રીતે….?’
એક ક્ષણ પૂરતો હું ડઘાઈ ગયો, પછી તરત જ હોઠો પર જવાબ ઊભરી આવ્યો, ‘અમે ત્રિવેદી બ્રાહ્મણ છીએ. મેં અમારા ફૅમિલીની અટક રાખેલી છે, મેઘલ જ્ઞાતિની અટક ધારણ કરે છે. સૌરાષ્ટ્ર બાજુના પટેલોમાં બબ્બે અટક નથી હોતી ?’

માણસ ભલો અને સરળ હતો, મારી જુઠ્ઠી વાત માની ગયો. હું તો પછી થોડાંક સમયમાં જ આખી ઘટના ભૂલી ગયો. બે વરસ પછી અચાનક મેઘલ મને મળવા માટે આવી. કમાણીની ચમક એના ચહેરા ઉપર ‘મૅક અપ’ બનીને પ્રસરી ગઈ હતી. એની સાથે એક હૅન્ડસમ યુવાન હતો. મેઘલે મારા હાથમાં કાર્ડ મૂક્યું : ‘સર, અમારું મૅરેજ છે. અનમોલ મારી સાથે સાથે જ નોકરી કરતા હતા. અમે પ્રેમમાં પડ્યાં અને હવે….’
‘હવે લગ્નમાં પડશો, ખરું ને ! બસ, તમને વાગે નહીં એવા આશીર્વાદ અત્યારે જ આપું છું. મૅરેજમાં તો મોટા ભાગે હું આવી નહીં શકું.’ કહીને મેં ચાંલ્લાના રૂપિયા કાઢ્યા. મેઘલે મને અટકાવ્યો :
‘હમણાં નહીં, સર ! અમે નવી ફૅક્ટરી શરૂ કરવાનાં છીએ. અનમોલ ડ્રગ મૅન્યુફેકચરિંગનો એક્ષપર્ટ છે. અમે જૉબમાંથી રાજીનામું મૂકી દીધું છે. એક મહિનાનો નોટીસ પિરિયડ સમાપ્ત થાય એ પછી ફૅક્ટરીનું ઉદ્દઘાટન કરવાના છીએ, ત્યારે તો તમારે આવવાનું જ છે. આ કવર ત્યારે જ….’
ઊછળતાં ને કૂદતાં બંને ગયાં. એક મહિના પછી એમની નાનકડી ફૅક્ટરીના ઉદ્દઘાટનમાં પણ હું જઈ આવ્યો. જિંદગી નામના નાટકનો બીજો અંક સમાપ્ત થયો. ફરી પાછો હું મારી વ્યસ્ત ઘટમાળમાં ખોવાઈ ગયો.
****

ત્રણેક વર્ષ પહેલાંની ઘટના. એક શ્યામ રંગનો, ગરીબ યુવાન મારી સામે ઊભો હતો.
‘સાહેબ, મારું એક કામ તમારે કરી આપવાનું છે. હું શિક્ષિત બેકાર છું. રાજપીપળાથી આવું છું. જંગલમાં આવેલ ગામડાંનો આદિવાસી છું. મેં ડિપ્લોમા ઈન ફાર્મસી કરેલું છે, પણ ક્યાંય નોકરી મળતી નથી. તમે ગમે તે જગ્યાએ કામ અપાવી દો ! પગાર ઓછો હશે તો પણ ચાલશે.’
‘પણ તું તો આદિવાસી છે. તને તો સરકારી નોકરી….’
‘હા, પણ હમણાં ભરતી ચાલુ નથી અને ખાનગી કંપનીવાળા મારી ચામડીનો રંગ જોઈને દરવાજો બતાવી દે છે. સાહેબ, મારું આઠ જણનું કુટુંબ છે. નોકરી નહીં મળે તો ઝાડનો ગુંદર અને વડના ટેટા ખાઈને….’

મારા દિમાગમાં ઝબકારો થયો. તરત જ ચિઠ્ઠી ઘસડી મારી :
‘પ્રિય અનમોલ અને મેઘલ, આવનાર ભાઈ હેમસિંહ રામસિંહ તડવીને તમારે ત્યાં નોકરીમાં રાખી લેશો. કામમાં પાછી પાની નહીં કરે.’ વધારે શું લખવું ? પણ મને આટલેથી સંતોષ ન થયો. ‘તાજા કલમ’માં ઉમેરી દીધું : ‘આ યુવાન મારો સગ્ગો નાનો ભાઈ છે. માટે આ કામ કરવું જ રહ્યું.’ હેમસિંહને નોકરી મળી ગઈ. એનો આનંદથી છલકાતો ફોન આવી ગયો. કલાકેક પછી મેઘલનો ફોન આવ્યો :
‘સર, એક સવાલ પૂછું ? આ આદિવાસી છોકરો એક બ્રાહ્મણ ડૉક્ટરનો સગ્ગો ભાઈ કેવી રીતે થયો ? તમે ઠાકર અને એ તડવી…..? તમે આટલી નાની વાતમાં આટલું મોટું અસત્ય આટલી આસાનીથી કેવી રીતે બોલી શકો છો ?’
‘મને આવું અસત્ય બોલવું ગમે છે. સત્યની જેમ અસત્ય પણ સાપેક્ષ હોય છે. જે અસત્યથી જગતને નુકશાન પહોંચાડ્યા વગર જો કોઈ ત્રાહિત માણસનું ભલું થઈ શકતું હોય તો એને હું સાત્વિક અસત્ય ગણું છું. આવાં જૂઠ્ઠાણાંઓ જીવનભર બોલવાની સજારૂપે જો મને નરકમાં લઈ જવા માટે ભગવાન વિમાન મોકલશે તો પણ મને મંજૂર છે. હવે આપું તારા સવાલનો જવાબ : જો ‘ત્રિવેદી’ અટકધારી એક મજબૂર છોકરી મારી બહેન બની શકતી હોય તો ‘તડવી’ અટકધારી ગરીબ આદિવાસી મારો ભાઈ કેમ ન બની શકે ?’
‘મોટાભાઈ, તમે ક્યારેય નહીં સુધરવાના !’ આટલું કહીને મેઘલ હસી પડી.

[poll id=”34″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાંચે ગુજરાત, વિચારે ગુજરાત – ગુણવંત શાહ
એ મુરતિયાને નહીં પરણું – ડૉ. પ્રજ્ઞા પૈ Next »   

21 પ્રતિભાવો : સિફારીશ : યે સિલસિલા યૂં હી ચલતા રહે ! – ડૉ. શરદ ઠાકર

 1. Kalidas V. Patel { Vagosana } says:

  પ્રિય શરદભાઈ,
  જે અસત્ય બોલવાથી કોઈને નડ્યા સિવાય જરૂરતમંદનું ભલુ થતું હોય તો તે સાત્વિક અસત્ય સત્યથી અદકેરું છે. … સુંદર કથા. … અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. priti desai says:

  અભિનન્દન.યશ કલગીમા એક વધુ મોરપીચ્છ.

 3. Jignesh says:

  I could not digest how this lie or dishonesty was portrayed as justifiable or acceptable in this story. I am not blindly opposing lie. I do tell lies in my personal life and I also believe that if telling a lie can help someone in some way then it is at least somewhat justified, but that lie must not harm someone else…… How can you help someone and harm other at the same time???

  In this story, Dr. Thakar unintentionally prevented another qualified person from getting the job, and that person could have been in a bigger need than the girl. More importantly, Dr. Thakar prevented the girl from proving herself by trying harder and finding job on her own qualification. This could have been more beneficial for her career in long run.

  What I found more appalling was that in the end Dr. Thakar did not regret his decision. Telling a lie to a dying patient to give him/her peaceful last few days or months is certainly acceptable, but giving an unfair advantage to someone who was only sincere in requesting a favor is not.

  This was just my personal take on this particular story. As such I have been a big fan of Dr Thakar for many years.

 4. Ashutosh says:

  @Jignesh – When you are thinking that Dr. Thakar prevented another qualified to get that job, think other way that due to smartness and kindness of Dr. Thakar, one really (I mean, really) needful family got settled.

  Point to think that he did not used his name for his own benefit, nor for his near and dear. They well totally stranger who got benefited.

  If a lie puts you in a wrong light, one should prefer go through long darkness for helping someone to let live.

  I hope this helps you to change your view.

  • Jignesh says:

   @Ashutosh,

   I do not, for a second, doubt that Dr. Thakar was making an unfair favor to his reader for whatever personal gain. He did it only as a gesture of sympathy and kindness…

   That being said, it does not change that fact that someone lost that job because of the letter, and that girl didn’t earn it on her qualification.

   Do you think that the girl (or the guy) who got that letter from dr. Thakar would ever take charge of her own life if ever be in similar situation again? Very likely not. She will again seek shelter from someone else because that is what she learned from the experience. If you are in trouble then cry for help and someone will magically fix your problems…

   It may sound like an ideological argument. However, from my own personal experience I have learned that these tough times also bring great lessons if you have trust in yourself and willingness to fight.

   There nothing wrong with helping anyone. In fact, that is probably the most important moral obligation we ll have as human beings, but that help does not have to be for giving anyone an unfair advantage, or keeping anyone from learning lessons of life.

   Anyway, I certainly respect your views..

 5. પરીક્ષિત ભટ્ટ says:

  પ્રિય શરદભાઈ;
  ૨૦૦૦ થી ૨૦૦૩ ની વચ્ચે તમને મળવા આવેલો;ભાવનગરનો છું;અને સ્વ.ઊપેન ભટ્ટાચાર્ય(સંદેશ) મારા કાકાજી થાય.મારી મારા બહેન સાથેનાં સંબંધોની વાત બાબતે હું આપને મળવા આવેલો.મારી પુત્રી પત્નિ સાથે પણ અમે આવેલા;જ્યારે એને ૩ જો મહિનો ચાલતો હતો ત્યારથી છેક ડીલિવરી(અમે જીવરાજપાર્કમાં હતા માટે ડીલિવરી નજીકમાં રાખેલી) સુધીના સમયનું ચૅક-અપ તમારી પાસે જ થયેલું…યાદ હોય તો આભાર…પછી હું તો તમને દર બુધ/રવીવારે મળું જ છું…
  મને ખાત્રી છે; કે આવા શુભ અસત્યો માંનુ આ પહેલું નહી હોય; અને આશા છે- આખરી પણ નહી હોય…અખબારમાં “માત્ર લખનારા” કાયમ તમે કહો છો એમ ‘કાગળના વાઘ’ હોય છે…પણ તમારા “માણસ” બનનાર લોકોએ સાબિત કર્યું છે; કે લાગણી;પ્રેમ;મદદ;વિશ્વાસ…આવા શબ્દો કાગળ પરથી લોકોનાં દિલો સુધી કઈ રીતે પહોંચે છે?…સલામ સાહેબ…આમ જ “ગમતાનો ગુલાલ” કરતા રહેજો એવી દિલી શુભેચ્છાઓ…

 6. ગોપી says:

  અગર ડોકટર સાહેબે કદી મેઘલ ના ઘરે જઇ ને તપાસ કરી હોત કે સાચેજ તેણી એ કહેલી વાત માં વજુદ છે કે નહીં તો અસત્ય કહેવુ વધુ justifiable ગણાત.(બાપ પૅરેલિસિસનો ભોગ બનીને પથારીમાં પડ્યા હોય, જ્યાં મા પારકા ઘરમાં કપડાં-વાસણ અને કચરા-પોતાં કરતી હોય, જ્યાં બે નાની બહેનો અને એક માસુમ ભાઈ એ પળની વાટ જોઈને બેસી રહ્યા હોય કે ક્યારે એમની દીદીને નોકરી મળી જાય, ક્યારે એ પગાર લઈને ઘરે આવે અને ક્યારે એમનાં દફતર-કંપાસ……)

 7. Gajanan Raval says:

  Dear Sharadbhai,
  Truth can not be relative..Your good will can work wonders
  when you cling to TRUTH but such type of approach make many
  divert from speaking truth…In a long run people find excuses and replace untruth in the name of truth…Swami
  Vivekanand says.Don’t lower down ideal but raise yourself to the ideal His spiritual master Ramkrishna said,Truth
  is the greatest Tapasya Even Rational mind would urge you
  Truth Prevails…I’m fully convinced so no discussion in this matter…
  Love &Truthful Best wishes to you with a request that don’t twist truth in the name of good will…

 8. Deepa Soni says:

  sir bijaba bhala mate bolayelu astya pan bhagvan ne stay jetluj vahalu chhe

 9. alpesh gadhiya says:

  super story

 10. chintan says:

  sharad thakar sathe j badhu saru thai che and ek film story jevi life che Dr saheb ni…koi ek manas na jivan man aatala badha rango ek sathe bhagavane poorya che ke pachi thakar saheb potej poore che..

  je hoi e..pan vanchavani maja aave che…pan vishwas nathi thato ek pan vaat par…

 11. gita kansara says:

  સ્રરસ વાર્તા.મોરના ઈન્દાને કદેી ચેીતરવા ન પદે.
  આવેી રસમાધુરેી પેીરસતા રહેશો.ધન્યવાદ્.

 12. shweta makwana says:

  very good

 13. Riddhish says:

  જો અસત્ય બોલવા થેી કોઇ નુ પણ સારુ થતુ હોય તો બોલાય પણ સારા કામ માટેજ

 14. Kush patel says:

  Ahi mane ak vichar evo aave che k peli be vyakti o sachu bolti hoi avu apde mani laie to pan kadach evu pan bane ke koi anya umedvaar ni jaruriyaat a be karta pan pan vadhare hoi to a vyakti na haq nu su

 15. mamta says:

  Thank you

 16. sahil rabari says:

  જે અસત્યથી જગતને નુકશાન પહોંચાડ્યા વગર
  જો કોઈ ત્રાહિત માણસનું ભલું થઈ શકતું હોય તો એને હું સાત્વિક
  અસત્ય ગણું છું.

  very nice story.

 17. G K Mandani says:

  Recomendation in any form should autometically make the candidate unsuitable for the job.It does unjustice to the deserving person. Only merit should be the creteria.

 18. Jigna Paresh shah says:

  kem cho sir tamari story machine an and tay che.

 19. komal says:

  આપણુ જૂઠૂ બોલવાથી કોઈ સારુ થતુ હોય , તો એ જુ નથી હોતુ……*ખુબ સરસ વાતાઁ.*and I m big fan of you sir .your katar Doctor ni dairy.

 20. જયેશદાન "જય" says:

  ડો. શરદ ઠાકર ને લગભગ વીસ વર્ષ થી વાંચું છું. મતલબ હું પંદર વર્ષેનો હતોત્યારથી ડોક્ટર ની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ મારા પ્રિય છે. ડો. શરદજી ના લાખો વાચકો હશે પણ હું મારી જાતને એક અપવાદરૂપ વાચક માનું છું. કારણ કે અમારા ગામમાંતો છાપા ન આવે પણ દુધ વેચવા મારા ગામની બાજુની સરકારી વસાહતમાં જતો, ત્યાંથી બુધવારે અને રવિવારે અચુકછાપું લઈ આવું, અને રાત્રે ભેંસ ચરાવવા ગયો હોઉં તો પૂર્તિ સાથે હોય.ચાર્જિંગ બેટરી નાઅજવાળે વગડામાં બેસી અને રણમાં ખીલ્યું ગુલાબ વાંચું….
  આજે એમના બ્લોગ પર મારી ઓફિસમાં બેસીને વાંચું છું. ડો.શરદજી ને મળવાની તીવ્ર ઇચ્છા છે પુરી થાય ત્યારે સાચી…….
  – જયેશદાન ગઢવી કવિ “જય”
  9408243131

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.