વાંચે ગુજરાત, વિચારે ગુજરાત – ગુણવંત શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ આદરણીય ગુણવંતભાઈના નિબંધ સંગ્રહ ‘એકલતાના એવરેસ્ટ’નો આ પ્રસ્તુત લેખ નવેમ્બર-2012ના ‘સર્જક ઉદગાર’ સામાયિકમાં પ્રગટ થયો છે, જેમાંથી અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.]

[dc]ભ[/dc]ગવાનને કયો માણસ વધારે વહાલો હોય છે ? જવાબ સાવ વિચિત્ર છે. ભગવાનને વહાલા માણસને લોકો ‘ઈડિયટ’ કહે છે. એ એક એવો માણસ છે, જે વિચિત્ર જણાય છે. એ વિચિત્ર જણાય છે, કારણ કે બધા લોકો વિચારે તેના કરતાં સાવ જુદું વિચારવાની કુટેવનો માલિક હોવાને કારણે લોકો એની નિંદા કરે છે. જૂનાગઢમાં જન્મેલો ભક્ત નરસૈંયો આપણી ગુજરાતી ભાષાનો આદિકવિ જ નહીં ‘આદિ ઈડિયટ’ હતો. સૂફી વિચારધારાના વિખ્યાત આલિમ ઈદ્રિસ શાહના એક પુસ્તકનું મથાળું છે : ‘Wisdom of the Idiots’ પુસ્તક વાંચીએ ત્યારે સમજાય કે ‘ઈડિયટ’ બનવાનું સૌના નસીબમાં નથી હોતું. જગતના લગભગ બધા જ ઈડિયટ્સ માતૃભાષાના માધ્યમમાં ભણ્યા હતા.

ગુજરાતમાં એક અનોખું આંદોલન ચાલ્યું. એવું આંદોલન જગતના કોઈ દેશમાં નથી ચાલ્યું. એ આંદોલનમાં સરકાર અને લોકો વચ્ચે સેતુ રચાયો. ‘વાંચે ગુજરાત’ આંદોલન ગુજરાતને ખૂણેખાંચરે પહોંચ્યું. જે સમાજમાં બુક કલ્ચર ન હોય તે પ્રજાને ગરીબ રહેવાનો અધિકાર છે. જે માણસ વાંચે છે તે આદરણીય છે. જે માણસ મૌલિક રીતે વિચારે છે તે ‘ઈડિયટ’ છે. જે પુસ્તક વાંચ્યા પછી માણસ વિચારે ચડી જાય, એ પુસ્તક પવિત્ર ગણાય. સમજુ માણસોએ વિચારવા ન પ્રેરે તેવું પુસ્તક ન વાંચવાનો સંકલ્પ લેવો જોઈએ. ઉધાર પુસ્તક મફતમાં મળે તોય લેવું ન જોઈએ. દર વર્ષે જગતમાં ન વાંચવા જેવાં હજારો પુસ્તકો બહાર પડે છે. ગુજરાતના ગ્રંથપાલો તો સરસ્વતી મંદિરના દ્વારપાલો છે. પુસ્તકાલય મંદિર છે, વખાર નથી. પુસ્તક વિક્રેતા સાથે રુશવત દ્વારા ગામની કે નિશાળની લાઈબ્રેરીમાં ઘુસાડવામાં આવેલું પ્રત્યેક પુસ્તક લાઈબ્રેરીને વખાર બનાવનારું છે. ગુજરાતમાં રોજ એક ઉધાર પુસ્તકનું ‘વિમોચન’ થાય છે. પુસ્તકનું ‘પ્રકાશન’ થાય છે. એ પ્રકાશને એની મેળે પ્રસરવા દેવો રહ્યો. સારું પુસ્તક એના પોતીકા અજવાળે પ્રસરે છે.

તમે દુનિયાની કોઈ યુનિવર્સિટીના કૅમ્પસ પર બાલવાડી જોઈ છે ? તમે કોઈ યુનિવર્સિટી દ્વારા ચાલતી પ્રયોગશીલ માધ્યમિક શાળા જોઈ છે ? હા, એ માટે તમારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કૅમ્પસ પર પહોંચવું પડશે. એ યુનિવર્સિટી દ્વારા ચાલતી ચેતન બાલવાડીમાં પ્રવેશ પામવા માટે મોટી લાગવગની જરૂર પડતી. કૅમ્પસ પર આજે પણ યુનિવર્સિટી દ્વારા ચાલતી એક્સપેરિમેન્ટલ સ્કૂલ એક જમાનામાં ગુજરાતની આદર્શ નિશાળ હતી. એના દષ્ટિવંત આચાર્ય સદગત કિશોરકાંત યાજ્ઞિક હતા. ગુજરાતની એ ‘વાઈબ્રન્ટ સ્કૂલ’ હતી. આવું સુંદર કામ યુનિવર્સિટીનાં પ્રથમ કુલપતિ શ્રીમતી હંસા મહેતાએ કર્યું હતું. જગતના દસ શ્રેષ્ઠ કુલપતિઓની યાદી બનાવવામાં આવે, તો એમાં હંસાબહેનનું નામ મૂકવું પડે. યુનિવર્સિટીનું મુખ્ય કામ બને તેટલા ‘ઈડિયટ્સ’ પેદા કરવાનું છે. ચેતન ભગતનું એક મૌલિક મથાળું હતું : ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈડિયટ્સ.’

‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મમાં આમિર ખાન એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને જે તાણ રહેતી હોય તે અંગે આચાર્યને કહે છે : ‘યહ કૉલેજ હૈ, યા પ્રેશર કૂકર ?’ આપણે ત્યાં જુદા પડી આવતા પરાક્રમી વિચારકને માટે ક્યારેક તિરસ્કારમાં ‘deviant’ વિશેષણ પ્રયોજાય છે. ડેવિઅન્ટ એટલે ‘વિસામાન્ય’. ક્યારેક અત્યંત તેજસ્વી એવા અર્ધપાગલ માણસ માટે અંગ્રેજીમાં ‘ક્વાર્ક’ શબ્દ પ્રયોજાય છે. મનોવિજ્ઞાનમાં મૌલિકતાનો ખરો સંબંધ ‘ડાઈવર્જન્ટ થિંકિંગ’ સાથે જોડવામાં આવ્યો છે. રવિશંકર મહારાજ વાતવાતમાં કહેતા : ‘જે ઘરડમાં ચાલે તે ઘરડો.’ જે ઈડિયટ કે કવાર્ક છે, તે અન્યથી સહેજ ફંટાઈને ચાલે છે. જગતના ઈતિહાસમાં જેમણે કશીક ધાડ મારી છે, તે આવા થોડાક નીમ પાગલોએ જ મારી છે. આઈન્સ્ટાઈન ભણવામાં ધાડમારુ ન હતો. કહેવાય છે કે જગતમાં જગતમાં ખૂબ જ ઊંચો બુદ્ધિ અંક (I.Q.) આઈન્સ્ટાઈનનો હતો. ગુજરાતનાં માતા-પિતાને વિનંતી છે, તમારાં સંતાનોને દબાણ કરીને મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ધકેલશો નહીં. જેને ગણિત કે વિજ્ઞાનમાં રસ ન પડે તે બાળક ‘ડોબો’ નથી. એને જો મનગમતો વિષય મળી જાય તો જરૂર ઝળકી ઊઠશે. ગુલાબ ગુલાબ છે. રાતરાણી રાતરાણી છે. બંનેની પ્રકૃતિ અલગ અલગ છે. બંને વચ્ચે સરખામણી ન હોય. બંને પોતપોતાના છોડવા પર મહાન છે. માતા-પિતા ક્યારેક ચંગિઝખાન બનીને પોતાના જ બાળકનું મૂલ્યાંકન એ પરીક્ષામાં કેટલા ટકા લાવે તેના પરથી કરે છે. આવાં અભણ માતા-પિતાનું પાપ બાળકને જીવનભર નડતું રહે છે. બાળક કંઈ માટીનો લોંદો નથી. એના પુષ્પત્વને ચીમળી નાખવાનું પાપ એની કેરિયરના નામે કરવાનું યોગ્ય નથી. ગલકાના ફૂલનું પણ પોતીકું સૌંદર્ય હોય છે. ફૂલ આખરે ફૂલ છે અને એને ખીલવાનો અધિકાર છે. વાલીઓ બાળકનાં માળી છે, માલિક નથી. તેઓ માળી બનવાને બદલે કઠિયારા બને તે અક્ષમ્ય અપરાધ છે.

વાંચે ગુજરાત અને વિચારે ગુજરાત, એમ બેઉ ઝુંબેશ સાથોસાથ ચાલવી જોઈએ. વિચારવાની ટેવ ન કેળવાય તો વાંચેલું બેકાર છે. છેક 1949માં ઋષિ વિનોબાએ પોતાના નિબંધસંગ્રહ ‘જીવનદષ્ટિ’ના પ્રારંભે એક વિધાન મૂક્યું હતું : ‘જ્ઞાન કરતાં પણ દષ્ટિ મહત્વની હોય છે.’ એમના બીજા નિબંધસંગ્રહનું મથાળું હતું : ‘મધુકર’. આ બંને પુસ્તકો કોઈ જૂની લાઈબ્રેરીના બંધ કબાટમાંથી ખોળીને વાંચવા જેવાં છે. એ પુસ્તકોને વળગેલી ધૂળ ખંખેરીને વાંચ્યા પછી જીવનની થોડીક ધૂળ ખરી પડે એ શક્ય છે. બંને પુસ્તકોમાં એક કોમન નિબંધ સ્થાન પામ્યો છે : ‘સાહિત્યની દિશાભૂલ.’ યુનિવર્સિટીનો સ્વધર્મ સ્નાતકોને અને અનુસ્નાતકોને એસેમ્બલી લાઈન પર વહેતા મૂકવાનો નથી. યુનિવર્સિટીનું મિશન તો પારમિતાની સાધના (pursuit of excellence) થાય તે માટેનું પર્યાવરણ સર્જવાનું છે. વિચારવાની ટેવ ન હોય છતાં પી.એચ.ડી. થયેલા કેટલાક પ્રાધ્યાપકોને તમે મળ્યા છો ? જો ન મળ્યા હો તો તમે નસીબદાર છો. એ બાબતે હું કમનસીબ છું.

વિચારવાની ટેવ પડે અને જીવનદષ્ટિ કેળવાય તે માટે નિશાળો અને કૉલેજોમાં વિચારશિબિરો યોજવા જોઈએ. આવા પચીસ વિચારશિબિરો લાગલગાટ પચીસ વર્ષો સુધી ગુજરાતમાં યોજાયા હતા. અમારા એક શિબિરમાં ચાર વિચારપુરુષો વૃક્ષોની નીચે લીંપણના ચોરા પર (બીલીમોરાની અવધૂતવાડીમાં) બેઠા હતા : મનુભાઈ પંચોળી (દર્શક), યશવંત શુક્લ, ઈશ્વર પેટલીકર અને પુરુષોત્તમ ગણેશ માવળંકર. એ શિબિરોમાં વિચારોની મિજબાની કેવી ચાલી હશે તેની કલ્પના તો કરી જુઓ ! શિબિરમાં આવનાર પ્રત્યેક વાચક પોતાનું મનગમતું પુસ્તક લાવે અને સૂર્યોદય ગોષ્ઠિમાં એનો પરિચય કરાવે એવી પ્રથા હતી. શિબિરમાં આવેલી એક રશિયન યુવતી ગુજરાતીમાં બોલી હતી. પરોઢના આછા ઉજાસમાં સૌ વૈતાલિકના મધુર સંગીત સાથે ઊઠે એવો ઉપક્રમ હતો. આવા શિબિરો ગોઠવવામાં ઝાઝો ખર્ચ થતો નથી. ગુજરાતના આચાર્યો અને અધ્યાપકો જાગે એટલી જ વાર છે. વિચારોનું વૃંદાવન સર્જાયું ન હોય એવા કૅમ્પસને પણ લોકો કેવળ ટેવને આધારે ‘યુનિવર્સિટી’ કહે છે. મહાકવિ કાલિદાસ કહે છે :

જે પ્રાચીન હોય તે
બધું જ સારું હોય એવું નથી.
વળી જે આધુનિક કાવ્ય કે શાસ્ત્ર હોય,
તે દોષમુક્ત હોય જ એવું પણ નથી.
વિવેકી પુરુષો પૂરી કસોટી કર્યા પછી જ
તેનો સ્વીકાર કરે છે,
જ્યારે મૂર્ખ મનુષ્યો
બીજાઓ પર વિશ્વાસ મૂકીને
પારકાની બુદ્ધિ પર ચાલે છે.

મહાકવિ કાલિદાસે માલિની નદીને તીરે આવેલા તપોવનમાં નિવાસ કરતા કણ્વા ઋષિને ‘શાકુન્તલ’માં कुलपति કણ્વ કહ્યા હતા. યાદ રાખવા જેવું છે કે कुलपति શબ્દ આપણી યુનિવર્સિટીઓને કાલિદાસ તરફથી પ્રાપ્ત થયો છે.

[poll id=”33″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “વાંચે ગુજરાત, વિચારે ગુજરાત – ગુણવંત શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.