એ મુરતિયાને નહીં પરણું – ડૉ. પ્રજ્ઞા પૈ

[કોમ્પ્યુટરમાં થયેલી ટેકનિકલ ક્ષતિને કારણે આજે મોડેથી એક જ લેખ પ્રકાશિત થઈ શક્યો છે. આ ક્ષતિ દૂર થતાં સત્વરે અન્ય લેખનું પ્રકાશન કરવામાં આવશે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.]

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

[dc]મું[/dc]બઈમાં ઊછરેલી જાનકીને મણિપાલ-કર્ણાટકની એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મળ્યો. શરૂઆતમાં તો તેને વારંવાર મુંબઈ યાદ આવતું. વાલકેશ્વરના મોટા ફલૅટમાં લાડકોડમાં ઊછરેલી વ્યક્તિને હૉસ્ટેલની જીવનશૈલી અપનાવવામાં મુશ્કેલી પડે તે સમજી શકાય તેવું છે. તીવ્ર ઘરઝુરાપાને લીધે તે દિવસમાં બે ફોન કરતી અને મમ્મી, ડેડી તેમ જ ભાગીબાઈ સાથે પણ વાત કરતી.

અભ્યાસ પડતો મૂકીને પાછાં મુંબઈ ચાલ્યાં જવાનો વિચાર પણ વારંવાર આવતો. ધીરે ધીરે તે નવા ક્રમથી ટેવાઈ ગઈ. એ જ કૉલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં ભણતા, મુંબઈથી આવેલા રાકેશ સાથે જાનકીને ઓળખાણ થઈ. સવારે સાથે કેન્ટીનમાં બ્રેકફાસ્ટ લઈ બન્ને પોતપોતાના વર્ગમાં જતાં. સાંજે રજાને દિવસે લટાર મારવા, આઈસક્રીમ ખાવા, સિનેમા જોવા, રેસ્ટોરાંમાં ડીનર લેવા જવાનો એક પણ મોકો ચૂકતાં નહિ. સેલફોન પર લાંબી વાતો અને એસએમએસની આપલે તો ચાલુ હોય જ. રાકેશ છેલ્લી પરીક્ષા આપી મુંબઈ જવાનો હતો. જતાં પહેલાં તેણે જાનકી પાસે પોતાના પ્રેમનો ખુલ્લો એકરાર કરવાનું અને લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું નક્કી કર્યું. જોકે જાનકીનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી તે લગ્ન માટે ઉતાવળ કરવા નહોતો માગતો.

મુંબઈ જવાના આગલા દિવસે રાકેશ જાનકીને લઈને એક મોંઘી રેસ્ટોરામાં ગયો. જમતાં જમતાં તેણે કહ્યું, ‘આઈ લવ યુ જાનકી’. ‘આઈ લવ યુ ટુ’ જાનકીએ પ્રતિસાદ આપ્યો.
‘તો પછી તું મારી સાથે લગ્ન કરશે એ હું માની લઉં ને જાનકી ?’ જાનકીનો હાથ પોતાના હાથમાં લઈ રાકેશે પૂછ્યું. પોતાનો હાથ ધીમેથી સેરવી લઈ જાનકીએ કહ્યું :
‘સોરી રાકેશ, મને તારા જેવો જ હસબન્ડ જોઈએ છે, પણ યુ નો સમથિંગ ? મારો હસબન્ડ મલબાર હિલ, નેપિયન્સી રોડ, ક્વિન્સ રોડ- કમ સે કમ પેડર રોડ પર રહેતો હોવો જોઈએ. મ.કા.બો. તો ન જ ચાલે. તળ મુંબઈમાં રહેતી છોકરીઓ મલાડ, કાંદિવલી અને બોરીવલીના છોકરાઓને મ.કા.બો. કહી પડતા મૂકે તેવું સાંભળ્યું છે. પરામાં-દહિસરમાં રહેતી કન્યાએ વડાલામાં અમારી સામેના બિલ્ડિંગમાં રહેતા એમ.બી.એ. પાસ થયેલા યુવાનની માતાને સુણાવી દીધું, ‘મને ઈસ્ટર્ન સબર્બ-પૂર્વ ઉપનગરમાં વસતો છોકરો ન ચાલે !’ લગ્ન ન કરવા માટે કોઈ પણ કારણ-બહાનું હોઈ શકે. છોકરી ભીને વાન છે, વળોટ નથી, ભાયડા છાપ છે, બે ચોટલા વાળે છે, તાડ જેવી ઊંચી છે, છોકરો ઠીંગણો છે, સિગારેટ પીએ છે, જુદો ફલૅટ નથી, નણંદોની લંગર છે, રસોઈ કરનાર મહારાજ નથી, ‘ડસ્ટબીન’ – ઘરડાં સાસુ કે સસરા છે, સ્માર્ટલી ટ્રેસ નથી કરતો…. વગેરે.

આ સંદર્ભમાં મુલ્લા નાસિરુદ્દીનનો પ્રસંગ યાદ આવે છે. મુલ્લા ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. અઢી દિવસનો લાંબો પ્રવાસ હોવાથી ફર્સ્ટ કલાસના ડબ્બામાં બેઠા હતા. એ જ ડબ્બામાં કુપ્પુસ્વામી નામનો એક યુવાન ચડ્યો. ટ્રેન ચાલુ થઈ. થોડી વાર પછી કપ્પુસ્વામીએ મુલ્લાને પૂછ્યું : ‘કેટલા વાગ્યા છે ?’
મુલ્લાએ સામું પૂછ્યું : ‘મને શા માટે પૂછો છો ?’
‘મારી પાસે ઘડિયાળ નથી.’ જવાબ મળ્યો. મુલ્લાએ સમય કહ્યો અને પછી બોલવાનું શરૂ કર્યું, ‘તમારી પાસે ઘડિયાળ નથી એટલે દર કલાકે તમે મને સમય પૂછશો એટલે આપણી વચ્ચે વાતચીત ચાલુ રહેશે અને એકમેકનો પરિચય થશે. આટલા લાંબા પ્રવાસ દરમિયાન સાથે લાવેલાં ટીમણમાંથી હું તમને કંઈક ધરીશ અને તમે લાવેલાં ટીમણમાંથી મને કંઈક ધરશો, એમ કરતાં કરતાં આપણે મિત્ર બની જઈશું. ત્યાર બાદ, સ્ટેશને ઉતરતાં પહેલાં તમે મારું સરનામું માગશો. હું તમને મારું સરનામું આપીશ કારણ કે અઢી દિવસમાં તો આપણે નજીક આવી જઈશું. થોડા દિવસ પછી સરનામાંની મદદ લઈ તમે મારે ઘેર આવશો અને હું તમને આવકાર આપીશ. દોસ્તને આવકાર આપવો જ જોઈએ ને ? બે-ત્રણ વાર આવ્યા પછી મારી યુવાન દીકરી સાથે તમારી મુલાકાત થશે અને તમે એની સાથે વાતચીત કરવા માંડશો. હું એનો વાંધો નહિ લઉં. પછી આ ઓળખાણ વધશે એટલે તમે મારી પુત્રીને તમારી સાથે સિનેમા જોવા આવવાનું આમંત્રણ આપશો કારણ કે ત્યાં સુધીમાં તમે જાણી લીધું હશે કે તમારી જેમ મારી પુત્રીને પણ ફિલ્મો જોવાનો બહુ શોખ છે. તમારી સાથે સિનેમા જોવા આવવા માટે હું મારી પુત્રીને પરવાનગી આપીશ કારણ કે તમે અમારા કુટુંબના મિત્ર બની જવા ઉપરાંત એક સારા માણસ છો અને મારી પુત્રી સાથે પણ તમને મૈત્રી થઈ ગઈ છે. આમ કરતાં કરતાં તમને મારી પુત્રી સાથે પ્રેમ થશે. ભલે થતો. ત્યાર બાદ થોડો સમય પછી મારી પાસે આવી તમે તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મૂકશો. આમાં તમારો વાંક નથી, પણ હું તમને મારી પુત્રી સાથે લગ્ન કરવાની મંજૂરી નહિ આપું.’

ધીરજપૂર્વક અને રસપૂર્વક કુપ્પુસ્વામીએ આ બધું સાંભળ્યું. આમ તો ભેંસ ભાગોળે ને છાશ છાગોળે જેવું હતું. છતાં મુલ્લા લગ્ન કરવાની ના શા માટે પાડશે તે જાણવાની તેને ઉત્કંઠા થઈ. તેણે મુલ્લાને પૂછ્યું : ‘તમે લગ્ન કરવાની ના શા માટે પાડશો ?’ મુલ્લાએ કહ્યું, ‘કારણ કે તમારી પાસે ઘડિયાળ નથી !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “એ મુરતિયાને નહીં પરણું – ડૉ. પ્રજ્ઞા પૈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.