ઘાત – દિલીપ શાહ

[ બે-એક વર્ષ અગાઉ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા નવોદિતો તરફથી વાર્તાઓ મંગાવવામાં આવી હતી. જેમનું કોઈ પણ પુસ્તક પ્રકાશિત ન થયું હોય તેવા પંચોતેર નવોદિતોની સુંદર કૃતિઓનો સમાવેશ કરીને આ પ્રકાશન સંસ્થા દ્વારા ‘વાર્તાઉત્સવ’ રૂપે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમાંની કેટલીક વાર્તાઓ આપણે અગાઉ માણી છે. આજે માણીએ એક વધુ વાર્તા. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[dc]‘છો[/dc]કરી ફાઈનલ પાસ છે. ભરત-ગૂંથણ અને સિલાઈ કામમાં એનો હાથ બેસેલો છે. ઘરમાં મોટી હોઈ રસોઈ, લૂગડાં, વાસણમાંય પાવરધી છે. વળી પશાભાઈનું કુટુંબ પણ ગામમાં મોભાનું ગણાય. ખેતીવાડી છે, ખાધેપીધે સુખી છે. ભઈલા, તું હા પાડી દે તો આ અઠવાડિયે ગોળ-ધાણા ખાઈ લઈએ.’ સવિતાબાએ એકસાથે પશાભાઈ અને એમની મોટી દીકરી જ્યોતિની સંયુક્ત જન્મકુંડળીનાં ખાનાં દીકરા દીપક સમક્ષ છતાં કરી દીધાં.

‘બા, તેં તપાસ કરી એટલે સોળ આની સાચું. તારી આંખ ઠરે અને મન માને એ રીતે આપણે આગળ વધીએ.’ હૉસ્ટેલમાં રહી શહેરમાં ભણીને ગ્રૅજ્યુએટ થયેલા દીપકે સવિતાબાના નિર્ણયમાં જિંદગીનું સ્વપ્ન રોપી દીધું.
‘હાશ ! મારા ઠાકોરજીની કૃપા થઈ, ભઈલા ! આવતી પૂનમે ડાકોર અને પછીની અગિયારસે અંબાજી દર્શન કરી આવીએ એટલે ગંગા નાહ્યાં. કાલે તારા મોટાભાઈની તિથિ છે. મહાદેવ દર્શન કરી મેનાફઈને ત્યાં છોકરી જોવાનું, ભઈલા, રાખ્યું છે. તને મનમાં કાંઈ ખટકો ના રહી જાય. તમે બેઉ માણસ એકબીજાને થોડાંક પરખી લો તો મારા મનને ટાઢક વળે.’ સવિતાએ નવા જમાનાની નાડ પારખી અંદરનો ઉમળકો છતો કર્યો.
‘બા, આ તો તું કહે છે એટલે જોવાનું રાખું છું. બાકી મને ખાતરી છે, મારી બાની પસંદ રતનમાંથી કોહિનૂર શોધવાની છે. કાલ સાંજ પછી મેનાફઈને ત્યાં ગોઠવણ પાક્કી. બા, પણ બહુ ભીડભાડ ભેગી ના કરતી…..’ શહેરની હવાથી ઓછા પ્રદૂષિત થયેલા દીપકે મનની વાત કહી.

મેનાફઈની પરસાળમાં કાથીના બે ખાટલા સામસામે ગોઠવાયા છે. ગામઠી ભરતની ચાદરથી અંદરની ગોદડી આજે જાણે ન્યુટીપાર્લરમાં જઈને આવી હોય એમ જાજરમાન લાગે છે. મોતીનાં તોરણ અને તોરણમાં રાધા-કૃષ્ણની છબીથી દીવાલનો રુઆબ કંઈક ઓર જ લાગતો હતો. તાંબાના ચકચકિત લોટામાં પાણી લઈને જ્યોતિ આવી. કેડ સુધી ઝૂલા ખાતા કાળાભમ્મર વાળ, કાનમાં નાની રંગીન બુટ્ટી, નાકમાં ચૂની અને કપાળમાં દશાંશચિહ્ન જેવો લાલ ચાંલ્લો. ઘૂમટામાંથી દેખાતો ગોરો વાન. પગની ખુલ્લી પાનીની લાલાશથી દીપકને થયું : સૂરજ ભલે અત્યારે ક્ષિતિજમાં હોય, પણ એના જીવનમાં નવો સૂર્યોદય થઈ રહ્યો હતો.
‘બેસો.’ દીપકે વિવેક કર્યો.
જ્યોતિ ખાટલામાં ખૂણે સંકોડાઈને બેઠી.
‘લેડીઝ ફર્સ્ટનો જમાનો છે એટલે તમે જ પહેલું જે પૂછવું હોય તે સંકોચ રાખ્યા વગર પૂછો !’ દીપકે સહેજ મૉડર્ન થવા પ્રયત્ન કર્યો.
‘મારે કશું જ પૂછવાનું નથી. ગઈકાલે જ અમે બહેનપણીઓ સાથે ગુજરાતી પિક્ચર જોવા ગયાં હતાં અને આજે તો જાણે હવે સાચું થતું હોય એમ લાગે છે.’ જ્યોતિએ પણ હળવાશથી પ્રશ્નોત્તરીને આગળ વધારી.
‘મને કાંઈ સમજણ ના પડી. કૈંક ખુલાસો કરો તો આ પાણી અને તમારી વાત ગળે ઊતરે.’ દીપકે રંગીન મિજાજમાં કહ્યું.
‘વાત એમ છે ને… એમ છે ને… કૈંક… ગઈકાલના ગુજરાતી પિક્ચરનું નામ હતું…. મને બોલતાં શરમ આવે છે. નહિ બોલાય…..’ જ્યોતિના ચહેરા પર શરમનો ટૉલટૅક્સ દેખાયો.
‘મારા સમ… કહી દો !’ દીપકે રંગીન વાતાવરણને એક્સીલેટર આપ્યું.
‘પિક્ચર હતું…. ગામમાં પિયરયું ને ગામમાં જ સાસરિયું !’ જ્યોતિ લોટો લઈને ભાગી.

ધૂમધામથી દીપક અને જ્યોતિનાં લગ્ન થઈ ગયાં. દૂધમાં સાકર ભળે એમ જ્યોતિ સવિતાબાના ઘરમાં બધાં સાથે હળીમળી ગઈ. વડીલોની આમાન્યા જાળવવી, મહેમાનોની આગતા-સ્વાગતા કરવી, નાની નણંદોને ખુશ રાખવી, આડોશ-પડોશમાં હસતા મોઢે ખબર-અંતર પૂછવાં, સવિતાબાના પગ દબાવ્યા પછી જ સૂવા જવું એ જ્યોતિનો નિત્યક્રમ થઈ ગયો. ગામ આખ્ખામાં સવિતાબાની વહુ ‘ગુણિયલ ગૃહિણી’નો એવોર્ડ જીતી ગઈ. સમયની સરાણ પર જિંદગી ઘસાતી ચાલી. જ્યોતિનાં પુણ્ય-પગલાંથી દીપકને નોકરીમાં પ્રમોશન મળ્યું. ગામનું મકાન હવે ‘નવી હવેલી’નું બિરુદ પામ્યું. સવિતાબાએ તિથિ-પર્વે ભજન રાખવા માંડ્યાં અને પેંડા-બરફીના પ્રસાદથી ઠાકોરજીની આસ્થા ફળી એનો સંતોષ વ્યક્ત કરતાં. દીપક-જ્યોતિની પ્રસન્ન દાંપત્યવેલ પર પુષ્પ ખીલ્યું. શરદપૂનમના ચાંદ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ. નામ પાડ્યું પ્રકાશ. ઘરમાંય પ્રકાશના આગમનથી નવો પ્રકાશ ફેલાઈ ગયો. નાનકડો પ્રકાશ દાદીમા સવિતાબાનો લાડકવાયો થઈ ગયો. સવિતાબા જ ખવડાવે, નવડાવે, દૂધની બાટલી પણ સવિતાબાના હાથે જ મોક્ષ પામે. જ્યોતિ પ્રકાશની જનેતા ખરી, પણ નાનકડા પ્રકાશની દુનિયા એટલે ફક્ત સવિતાબાનું જ છત્ર. ગામ આખ્ખામાં પ્રકાશ અને સવિતાબાની જ વાતો વિષયનો મુદ્દો બની જતી. પ્રકાશ બાલમંદિરમાંથી હાઈસ્કૂલ જતો થઈ ગયો, પણ નિશાળે લેવા-મૂકવાનો ક્રમ તો સવિતાબાનો જ ! બન્ને એક થાળીમાં જમે. રાતના સૂતાં પહેલાં પ્રકાશ સવિતાબાના પગ દબાવી, જયશ્રીકૃષ્ણ કહીને જ સૂવા જતો.
*****

‘ડૉક્ટર સાહેબ, જુઓ ને, આ મારો દીકરો કેવો લેવાઈ ગયો છે ! પેટમાં કંઈ ટકતું નથી. સારી દવા આપો ને ! ભારેમાંનાં ઈંજેકશન પણ આલજો. મારો પ્રકાશ જ મારો કુળદીપક છે.’ સવિતાબા ગામના ડૉ. હરગોવિંદદાસને કાલાવાલા કરતાં.
‘માજી, કાંઈ ચિંતા ના કરશો. એક-બે દાડામાં ઠેકડા મારતો થઈ જશે.’ ડૉક્ટરસાહેબનો દરેક દરદી માટેનો આ સ્ટાન્ડર્ડ જવાબ રહેતો. પ્રકાશને અઠવાડિયું સારું રહેતું તો પાછો પંદર દાડે બીજા કશાનો ઊથલો મારતો. સવિતાબાએ એને ગળામાં કાળા દોરાનું માદળિયું બાંધ્યું. હાથ પર મંદિરના મહારાજે આપેલી લાલ નાડાછડીય બાંધી. હજીય એમના જીવને જંપ રહેતો નહિ, એટલે જેઠા માસ્તરને ત્યાં પ્રકાશની કુંડળી લઈને સવિતાબા પહોંચી ગયાં.
‘બા, ભઈને ‘પાણી’ની ઘાત છે. ‘પાણી’થી ચેતતા રહેવાનું !’ જેઠા માસ્તરે ટૂંકી મુલાકાતમાં લાંબી વાત કરી. તે દિવસની ઘડી ને આજનો દી… સવિતાબા, દીપક અને જ્યોતિના પ્રકાશના જીવનપ્રકાશને સાચવવા સતર્ક થઈ ગયા. ‘પાણીની ઘાત છે’ના પડઘા એમના ઘરમાં વારેવારે પડતા. ઘરનાં સૌ પ્રકાશ ‘પાણી’ની પનોતીથી દૂર રહે એ માટે સજાગ અને જાગૃત રહેતાં.

પ્રવાસમાં જવાનું હોય અને માર્ગમાં નદી આવતી હોય તો એ સ્થળનો રૂટ બદલી કાઢવાનો. ચોમાસામાં લગભગ ચોકીપહેરો પ્રકાશની આજુબાજુ રહેતો. સગાંવહાલાંઓનાં જે ગામમાં જોવાલાયક સ્થળોમાં તળાવ હોય તો તેના પર ચોકડી મરાઈ જતી. અરે ! પાણીવાળું નાળિયેર સુદ્ધાં ઘરમાં લાવવાનું નહિ ! બસમાં મુસાફરી કરતાં ફેરિયા પાસેથી પાણીનાં પાઉચ કે દુકાનમાંથી મિનરલ વૉટરની બાટલી પણ ખરીદવાની નહિ. કેમિસ્ટ્રીમાં બધી સંજ્ઞા અને સુત્રો યાદ રાખતા પ્રકાશ માટે એના શિક્ષકો પેપરમાં પાણીની સંજ્ઞા H2O પણ પૂછતા નહિ. ગોવાના પ્રવાસ વખતે પણજીથી મુંબઈ સુધી દરિયાઈ પ્રવાસની ક્રૂઝની ફ્રી ટિકિટ પણ જતી કરી. દીપકને વૉટર-પ્યુરીફાયર મશીનની એજન્સી મળતી હતી તે પણ પ્રકાશના ભાવિને ધ્યાનમાં લઈ જતી કરી. આમ, પ્રકાશ પાણીથી જેટલો દૂર રહે એ માટે ઘરનાં બધાંય સજાગ રહેતાં.

કાળીચૌદશની એ રાત. સવિતાબાને ચઢ્યો શ્વાસ. ડૉ. હરગોવિંદદાસ તાબડતોબ આવી ગયા. દીપક અને જ્યોતિ પગ પાસે અને સવિતાબાનું માથું પ્રકાશના ખોળામાં. ડૉક્ટરસાહેબે ધ્રૂજતા હાથે ઈંજેકશન આપ્યું. સવિતાબાના હોઠમાંથી ફીણ બહાર આવી ગયું. આંખો ખુલ્લી રહી પ્રકાશના ખોળામાંથી જાણે પ્રકાશ સામે ટગરટગર જોઈ રહી હતી….! દીપક અને જ્યોતિ જોરજોરથી રડવા મંડ્યાં. પડોશમાંથી કંકુકાકી, કરસનકાકા, કોદરજી, મંગુમાશી- જેમને ખબર પડી તે સૌ દોટ મૂકીને આવ્યાં. ચારે બાજુ રોક્કળ શરૂ થઈ ગઈ. અડધો કલાક તો કલ્પાંત ચાલ્યું.
‘અલ્યા ભૈ…. જુઓ ને, આ પ્રકાશ કેમ આમ સૂનમૂન બેઠો છે ! કાંઈ બોલતો નથી…’ કંકુકાકીએ પ્રકાશને ઢંઢોળ્યો ને અચાનક….. ? ધડામ દઈને પ્રકાશ સવિતાબા ઉપર ઢળી પડ્યો. ડૉ. હરગોવિંદદાસ હજી બેઠા જ હતા. તેમણે પ્રકાશની આંખનાં પોપચાં જોયાં, ધબકારા જોયા અને દબાતા સ્વરે નિદાન કરી દીધું :
‘પ્રકાશને ખૂબ આઘાત લાગ્યો હતો. પીડાથી એનો ડૂમો ભરાઈ ગયો એટલે તમારા બધ્ધાંની જેમ ખુલ્લા મનથી એ રડી શક્યો નહિ. ડૂમાને લીધે અંદરનું ‘પાણી’ બહાર નીકળી શક્યું નહિ ને બિચારો સવિતાબાની સાથે જ ચાલી નીકળ્યો !

આખ્ખા ગામમાં એક જ ચર્ચા ચાલતી હતી…. પ્રકાશને પાણીની ‘ઘાત’ હતી !

[કુલ પાન : 388. કિંમત રૂ. 250. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”35″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ઘાત – દિલીપ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.