જીવન નીતરી વાણી – રવિશંકર મહારાજ

[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. અગાઉ આપણે તેમાંથી કેટલાક લેખો માણ્યા હતા. આજે એમાંથી કેટલીક જીવનપ્રેરક વાતો જાણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ઊંઘ

તમારે રોજનીશી લખવી જોઈએ. કેટલો વખત કામમાં ગાળ્યો અને કેટલો વખત આળસમાં ગયો એનો તમારે હિસાબ રાખવો જોઈએ. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન જવી જોઈએ. ઊંઘવું એ નકામું નથી. જરૂર પૂરતી ઊંઘ લેવી એ પણ કામ છે. પણ ઊંઘને મર્યાદા હોવી જોઈએ. અમથા પથારીમાં પડ્યા રહેવું એ પ્રમાદ કહેવાય. ઊંઘવાની જગ્યાએ જાગવું અને જાગવાની જગ્યાએ ઊંઘવું એ ઘડતર ન કહેવાય. ઊંઘ ઊંડી અને પહોળી એમ બે પ્રકારની હોય છે. જે આખો દિવસ મહેનત કરે છે એ પથારીમાં પડતાંવેંત જ ઊંઘી જાય છે. એ રાત્રે ઘસઘસાટ ઊંઘે છે. તેને રાત્રે સ્વપ્નો પણ નથી આવતાં. સવારે જાગે ત્યારે ઈશ્વર તેનામાં આખો દિવસ કામ કરવાની શક્તિ ભરી દે છે. આનું નામ ઊંડી ઊંઘ છે. જે માણસ ઈશ્વરે આપેલી શક્તિનો દિવસે ઉપયોગ નથી કરતો તેને રાતે ઊંઘ બરાબર આવતી નથી. તેની રાત આમતેમ પાસાં ફેરવવામાં જાય છે. તેને ખરાબ સ્વપ્ન આવે છે. સવારે ઊઠે ત્યારે તેનામાં કામ કરવાની શક્તિ, સ્ફૂર્તિ કે ઉમંગ કંઈ દેખાતું નથી. આ પહોળી ઊંઘ કહેવાય. આપણે ઈશ્વરે આપેલી શક્તિની મૂડી આખો દિવસ કામ કરી ખરચી નાખીને ઊંડી ઊંઘ માટે પ્રયત્ન કરવો જોઈએ.

[2] સુટેવો

સુટેવો એ આપણા જીવનની સાચી મૂડી છે. માળી ખૂબ કાળજીપૂર્વક છોડવા ઉછેરે છે. તે અવારનવાર ગોડ કરે છે, જરૂરી ખાતરપાણી આપે છે. વાડ કરે છે ને નકામાં જાળાંઝાંખરાં કાઢી નાખી તેમને યોગ્ય રીતે પોષે છે. આપણે આવી કાળજી આપણા જીવનની લેવી જોઈએ. છોડવાના યોગ્ય વિકાસ માટે જેમ ગોડ, ખાતર, પાણી, વાડ ને સાફસૂફી જરૂરી છે તેમ જીવનવિકાસ માટે સુટેવો જરૂરી છે. વિદ્યાર્થી અવસ્થામાં સુટેવો પાડી હશે તો તમારું જીવન આનંદથી મઘમઘી ઊઠશે. તમને જોઈ બીજા લોકોને આનંદ થશે ને બીજા લોકોને જોઈ તમને આનંદ થશે. તમે બધા એક કુટુંબના છો એવી ભાવનાથી એકરૂપ થઈને રહી શકો તો તમારું અહીંનું જીવ્યું સફળ થયું સમજવું. કોઈ માણસ એકલો ને અતડો રહેતો હોય અને કહે કે મારે કોઈની સાથે લડાઈ ઝઘડો થતો નથી, તો એનો કંઈ અર્થ નથી. સમુદાયમાં રહીએ અને સંપથી રહી શકીએ તો જીવતાં આવડ્યું કહેવાય. ઉપરાંત, તમારે એકબીજાને મદદ કરતાં શીખવું. વિના કારણ નકામી કોઈની ખુશામત ન કરવી. પડોશી ઉપર આફત આવી પડે ત્યારે મદદ માટે દોડી જવું. આપદધર્મ આવે ત્યારે નિયમિતતાને વળગી રહેવાનો આગ્રહ ન રાખવો. એવે વખતે આપણે વિવેક કરવો જોઈએ.

[3] સદગુણોનો વિકાસ

આપણા દેશમાં અનેક જાતની કુટેવો અને દુર્ગુણો પેસી ગયા છે. તે દુર્ગુણો કેવી રીતે પેસી ગયા અને શું કરીએ તો તે જાય એનું કોઈ માણસ સતત ચિંતન કરે અને તે કાઢવા પ્રયત્ન કરે, તોપણ તે મુશ્કેલ બને છે. કારણ કે આદતનું બળ બહુ ભારે હોય છે. તેમાંથી છૂટવું એ જેવું તેવું કામ નથી. કુટેવને બદલવી એ અસાધારણ કામ છે. પણ સમૂહમાં રહી પ્રયત્ન કરવામાં આવે તો એ સરળ થઈ જાય છે. કારણ કે સમૂહમાં રહેવામાં એક બળ પેદા થાય છે, અને તે વહેંચાય છે. ચીકણી માટી ઉપર ચાલવું હોય તો એકલાથી ન ચાલી શકાય પણ એકબીજાના ટેકાથી ચાલી શકાય. તેમ સમુદાય પોતાના દોષોનું યથાર્થ દર્શન કરી તેમને દૂર કરવા પ્રયત્ન કરે તો જરૂર તેમાં સફળતા મળે.

એ માટે આપણે આપણા સમયનો હિસાબ રાખવો જોઈએ. એકેએક મિનિટનો સદુપયોગ થવો જોઈએ. આપણાં સમૂહગત અને વ્યક્તિગત કામ આપણે નક્કી કરી દેવાં જોઈએ અને તે અનુસાર ઊઠતાંથી તે સૂતાં સુધી સતત કામમાં લાગ્યા રહેવું જોઈએ. નિશ્ચિત કામ થવું જોઈએ. તેમાં એક મિનિટનો પણ ફેરફાર ન થાય એવો આગ્રહ રાખવો જોઈએ. આ રીતે કામ કરવું હોય તો જીવનમાં વ્યવસ્થિતતા લાવવી પડે. અને આપણે ભાગે જે કામ આવે તે ઉત્તમમાં ઉત્તમ શી રીતે થાય એની ચીવટ રાખવી જોઈએ. આવી ચીવટ હોય તો ચોકસાઈ, કાર્યકુશળતા, નિયમિતતા, કામમાં ઝડપ વગેરે ગુણો આપમેળે વિકસશે. આ ગુણો પ્રાપ્ત કરવા એનું નામ કેળવણી કે સંસ્કારિતા, એ ગુણોનો વિકાસ થાય એ દષ્ટિએ જ આપણે પ્રત્યેક કામ કરવું જોઈએ. ગુણોનો વિકાસ ન થાય અને કામ પૂરું કરીએ એમ બને, પણ જીવનની દષ્ટિએ એ કામની કંઈ કિંમત નથી. આપણાં બધાં કાર્યોનું મૂલ્યાંકન તે કામોથી સદગુણોનો વિકાસ કેટલો થાય છે એ ઉપરથી આપણે કરવું જોઈએ.

[4] અકિંચન ગુરુ

નાનાભાઈ ભટ્ટ એક વખત વાત કરતા કે એક દિવસ એક રાજા જંગલમાં ફરવા ગયો. એણે એક વૃક્ષ નીચે એક ગુરુ અને કેટલાક વિદ્યાર્થીઓ જોયા. ગુરુ વિદ્યાર્થીઓને શીખવવામાં તલ્લીન હતા. રાજા તેમની સામે જઈ ઊભો રહ્યો પણ ગુરુએ એમની સામે પણ ન જોયું. છેવટે રાજાએ થાકીને કહ્યું : ‘હું આ પ્રદેશનો રાજા છું. તમારે કંઈ જોઈએ છે?’ ગુરુએ જવાબ આપ્યો, ‘મારે શું જોઈએ છે એની મને ખબર નથી. પત્ની જે કાંઈ આપે છે તે ખાઈ લઉં છું ને વિદ્યાર્થીઓને ભણાવું છું. એટલે મારી પત્નીને મળો.’ રાજા ત્યાંથી ગુરુપત્ની પાસે ગયો ને કહ્યું : ‘તમારે કશાની જરૂર હોય તો માગો.’ ગુરુપત્નીએ કહ્યું : ‘આમલીનાં પાન બાફીને આપું છું તો તે ચાવીને પણ વિદ્યાર્થીઓને ભણાવે છે.’

શિક્ષણનો ધંધો બ્રાહ્મણનો છે, વૈશ્યનો નથી. અર્થાત શિક્ષક અકિંચન હોવો જોઈએ. એનું જીવન ખૂબ સંયમી હોવું જોઈએ. શિક્ષકનું કામ એ ધર્મ હતો, આજે એ ધંધો થયો છે એ મહા દુઃખ થયું છે. છતાં આપણામાં સંયમ અને વિવેક હોય તો શિક્ષકનો ધર્મ સાચવી શકીએ. જેમ જેમ આપણો વિકાસ થતો જશે તેમ તેમ આપણે બાળકોનો વિકાસ કરતા જઈશું. પણ આપણે જ વ્યસનોમાં, વૈભવવિલાસમાં પડ્યા ને ઈંદ્રિયારામી બન્યા તો કંઈ થઈ શકવાનું નથી. આપણે ત્યાં શિક્ષક માટે ગુરુ શબ્દ વપરાય છે. કેટલો શ્રેષ્ઠ ધંધો હશે ત્યારે એ શબ્દ વપરાયો હશે ! આપણે એનો મહિમા સમજીએ. આજે તો શિક્ષક કહે છે કે તલાટી થયા હોત તો સારું; શિક્ષકને તો રસ્તો બતાવનાર પણ ન મળે. આમ કેમ લાગે છે ? કારણ આજે શિક્ષકની પ્રતિષ્ઠા નથી રહી. તે જે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે તે સમાજને ખપ લાગતા નથી. માબાપ ન છૂટકે તેમને નિશાળે મોકલે છે. એ જાણે છે કે, ભણીને છોકરાં કંઈ ધોળવાનાં નથી. વિદ્યાર્થી સમાજને ખપ લાગે એવો થાય તો જ શિક્ષકની પ્રતિષ્ઠા વધે. ઘડનારો ખપ નથી લાગતો એટલે ઘડનારની કિંમત થતી નથી. એટલે તમારું મોઢું તમે ઘડતર અથવા કેળવણી તરફ રાખજો. એક વખત એ તરફ મોઢું ફર્યું પછી પ્રગતિ થશે. પ્રગતિ એટલે વિકાસ. વિકાસ એ સ્વભાવ છે.

[5] સ્વાવલંબન

સંપૂર્ણ સ્વાવલંબન દુનિયામાં ક્યાંય શક્ય નથી. આપણા શરીરમાં જ જુઓ ને ! આંખ એક વસ્તુ જોઈ શકે છે, પણ તે લઈ શકતી નથી; એ માટે એને હાથની મદદ લેવી જ પડે છે. શરીરનાં બીજા અંગો પણ એ રીતે પરસ્પરાવલંબી છે. એથી જ શરીરનું કામકાજ વ્યવસ્થિત ચાલે છે. પણ એક અંગ બીજા અંગને મદદ ન કરે અથવા કોઈ અંગ બીજા અંગની મદદ લેવાનું છોડી દે તો ? શરીરમાં રોગ પેસે. જેવું શરીરનું છે તેવું જ સમાજનું. ઘર બનાવવું હોય તો શું માલિક જાતે બનાવે છે ? એ માટે સુથાર, લુહાર, કડિયા, મજૂર વગેરેની જરૂર પડે છે. હા, કેટલાંક કામ સૌએ જાતે કરવાનાં રહેશે. તે પૂરતું સ્વાવલંબન હોવું જોઈએ. પણ ઘણાં કામોમાં તો પરસ્પર મદદની જરૂર રહેવાની જ. સમાજમાં કોઈ એકલો ટકી ન શકે. વેદમાં પણ ‘સાથે ખાઓ, સાથે જીવો’ એવી આજ્ઞા છે.

વળી, દાળ બનાવવી હોય તો તેમાં ગોળ, આમલી, મીઠું, હળદર, મરચું વગેરે વિવિધ મસાલા નાખવા પડે છે. દરેકના વિવિધ ગુણ હોય છે. બધા સાથે મળે છે ત્યારે દાળ સ્વાદિષ્ટ બને છે. એમાં એકાદનું પ્રમાણ વધી જાય તો દાળ બગડી જાય. એ રીતે સમાજમાં જુદા જુદા સ્વભાવ ને જુદા જુદા ગુણ ધરાવતા માણસો રહે છે. એ બધાના સ્વભાવ અને ગુણની સમાજને જરૂર છે. અરે, મૂરખ ગણાતા માણસો પણ ક્યારેક સમાજને ઉપયોગી થઈ પડે છે. ઘરને આગ લાગી હોય છે ત્યારે બુદ્ધિશાળી લોકો બૂમો પાડે છે, પણ આ મૂરખ ગણાતા ઉપર ચડી જાય છે ને આગને હોલવી નાખે છે. આમ સૌની બુદ્ધિ સમાજને ખપની છે. એ સમાજના હિતમાં વપરાય તો સૌને કલ્યાણકારક નીવડે છે.

[કુલ પાન : 264. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ગુજરાતી સાહિત્ય પરિષદ. ગોવર્ધનભવન, નદીકિનારે, ‘ટાઈમ્સ’ પાછળ, આશ્રમમાર્ગ, અમદાવાદ-380009. ફોન : +91 79 26576371. ઈ-મેઈલ : gspamd@vsnl.net ]

[poll id=”36″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “જીવન નીતરી વાણી – રવિશંકર મહારાજ”

Copy Protected by Chetan's WP-Copyprotect.