- ReadGujarati.com - http://www.readgujarati.com -

મારી બાની ઈચ્છા – ધીરુભાઈ ઠાકર

[ આદરણીય સાહિત્યકાર ધીરુભાઈ ઠાકરના કેટલાક વક્તવ્યો અને જીવનપ્રસંગો પર આધારિત પુસ્તક ‘પ્રસંગમાધુરી’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ને[/dc]વું વર્ષ પૂરાં કર્યાં પછી આજે વીતેલા જીવનપટ પર નજર નાખું છું તો લાગે છે કે મિત્રો, શિષ્યો, અધ્યાપકો, કુટુંબીજનો, સહકાર્યકરો અને સહાધ્યાયીઓ એમ અનેક બાબતોમાં હું સદભાગી છું, પણ સૌથી મોટું સદભાગ્ય મને પ્રેમાળ અને પુણ્યશાળી માવતર મળ્યાં તે છે. કદાચ બધાં સદભાગ્યોનું મૂળ આ સદભાગ્ય છે.

પિતા પ્રેમશંકર અને માતા ભગવતી. બંનેનાં નામ પ્રમાણે ગુણ. મારી બાનું મૂળ નામ ગોમતી. પણ મારાં ભાભુ (મોટાં કાકી)નું નામ પણ ગોમતી હતું એટલે સાસરામાં તેનું નામ ભાગીરથી રાખેલું. ગામડાંમાં લોકોને ભાગીરથી બોલતાં ન ફાવે, એટલે ભગવતી થયેલું ! જ્યાં રહીએ ત્યાં ભજનકીર્તન અને કથાવાર્તાની રમઝટ બોલાવે એટલે ભગવતી નામ સાર્થક થયું. મારાં માતાપિતા એટલે પ્રેમ અને ભક્તિનો પવિત્ર સંગમ એમ મને હંમેશાં લાગ્યું છે. પિતાજીનો જન્મ કાળીચૌદશની રાત્રે થયેલો. સ્વભાવે મૃદુ, સૌમ્ય અને પ્રેમાળ, પણ કદી કશાથી ડરે નહિ. અર્ધી રાત્રે જંગલ વચ્ચેથી એકલા પસાર થઈ જાય. સર્પ નીકળે તો સહેલાઈથી પકડે ને દૂર મૂકી આવે. તેમનામાં અપાર સહિષ્ણુતા હતી. ગમે તેવી વિપત્તિમાં ધૈર્ય ડગે નહિ. મારી જુવાન બહેન સાસરવાસમાં અપમૃત્યુ પામી તે અપવાદરૂપ ઘટના સિવાય મેં કદી તેમને દૈવને દોષ દેતા જોયા નથી. ભૂતપ્રેતમાં માને નહિ. ઘણુંખરું ભૂતિયા મકાનમાં અમારે રહેવાનું થતું. તે હસીને કહેતા, ‘ગાયત્રી મંત્રનો જાપ થતો હોય ત્યાં ભૂતપ્રેત ઊભાં ન રહે.’ તેમનું શરીર બેઠી દડીનું પણ એકવડિયું. ગૌર વર્ણ, તેજસ્વી ચહેરો અને પાણીદાર આંખો. સ્વચ્છ સફેદ વસ્ત્રો, માથે કાઠિયાવાડી ફેંટો. મિતભાષી. અતિથિપ્રેમ એવો કે સિદ્ધપુર રહેતા ત્યારે સ્ટેશને ફરવા જાય ત્યાંથી એકાદ અતિથિને ઘણુંખરું રોજ ઘેર લઈ આવે. દરરોજ એકાદ-બે જણનું વધારે રાંધવાની તેમની સૂચના હતી. પાઠશાળાના એક વિદ્યાર્થીને દરરોજ ભોજનની ભિક્ષા આપવાનો નિયમ. આ બધું પચીસ રૂપિયાના ટૂંકા પગારમાં. નહિ કશો કચવાટ, નહિ કશી ફરિયાદ, ધીર, ગંભીર અને પ્રસન્ન.

પિતાજીએ દરરોજ રાત્રે ગિરધર કૃત ‘રામાયણ’ વાંચવાનો ક્રમ રાખેલો. કથા સાંભળવા અમે બાળકો તેમની આસપાસ બેસી જઈએ. ખાસ પ્રસંગે કથાને અંતે ભજનકીર્તન થાય. તેનું સંચાલન બા કરે. ચાણસ્મામાં પડોશનાં ખેડૂત સ્ત્રી-પુરુષો એકત્ર થાય અને સિદ્ધપુરમાં ઘરમાં રામચંદ્રજીનું મંદિર હોવાથી બધી વર્ણના લોકો આવે. મારી બાનો સ્વભાવ આનંદી અને મળતાવડો હોવાથી સમગ્ર વિસ્તારમાં છવાઈ જાય. તેની સ્મૃતિના ભંડારમાંથી ભજનો ને ગીતો ઠલવાયાં જ કરે. અમને નાનપણમાં કથાવાર્તા અને ભજનનું ભાતું માતાપિતાએ એટલું બંધાવેલું છે કે તેના સંસ્કાર આજ દિન સુધી રહ્યા છે. દરેક પર્વની વાર્તા બાને મોઢે હોય. પુરુષોત્તમ (અધિક) માસના ત્રીસે દિવસની વાર્તા જુદી હોય. વ્રતકથાઓ તેના વિશિષ્ટ લહેકામાં કહે. આ અમૂલ્ય જીવનરસ અમે બાળપણમાં અતિશય જિજ્ઞાસાથી ઘટક ઘટક પીધો છે. કથા અને ભજન કશી પણ સ્પૃહા વગર પ્રભુપ્રીત્યર્થે જ થતાં. મારી બાનું વ્યક્તિત્વ જાજરમાન, શરીરનો બાંધો સુદઢ અને સપ્રમાણ. ગૌર વર્ણ અને હસમુખો ચહેરો. તેની ઊંચાઈ અમને ત્રણે ભાઈઓને વારસામાં મળેલી. એ ચપળ, બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ હતી. ભાષામાં પ્રસંગોપાત્ત, વ્યંગ કે હાસ્ય લાવીને સચોટ પ્રભાવ પાડે. એની કસકસર અને વ્યવસ્થાશક્તિને કારણે ઘરનો મોભો જળવાતો.
***

સિદ્ધપુરમાં એક દિવસ બપોરે બાપુજી ત્રણેક મહેમાનો લઈને આવ્યા. બા સૌને જમાડી રસોડું બંધ કરીને બેઠાં હતાં. ફરીથી ચૂલો સળગાવીને મહેમાનો માટે પૂરીશાક બનાવ્યાં. મહેમાનોને જમાડ્યાં. તે વિદાય થયા પછી બાએ બાપુજીને કહ્યું :
‘લોટ ખલાસ થઈ ગયો છે. ઘઉં દળાવવા પડશે.’
‘ભલે, મને ડબો આપો. હું દળાવી આવું.’ બાપુજી બોલ્યા.
‘પહેલાં ઘઉં લાવવા પડશે.’ બાએ હસીને કહ્યું.
‘ભલે દસ શેર ઘઉં લઈને દળાવી લઈએ.’
‘આમ કકડે કકડે લાવો છો એના કરતાં ઘઉંની ગૂણ લીધી હોય તો વારેવારે દળાવવા જવું ના પડે.’
‘એવું પણ પ્રભુઈચ્છા હશે તો થશે.’ પિતાજીએ કહ્યું.
‘મને ઘણી વાર મનમાં થાય છે કે તમે દર મહિને મારા હાથમાં સો રૂપિયા મૂકો તો હાથ મોકળો રહે. ઘરનાં સૌને લહેર કરાવું અને મહેમાન પણ સારી પેઠે સચવાય.’ બાએ જરા કોચવાતા મને કહ્યું.
પિતાજી ખડખડાટ હસી પડ્યા. તેમણે કહ્યું : ‘મારા જીવતાં તો તારા હાથમાં કદી સો રૂપિયા મૂકી શકું એમ લાગતું નથી. ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં રહેવાનું. મન કચવાવવું નહિ. આનંદમાં રહેવું.’
‘આ તો ઘણી વાર છોકરાં કશી ચીજ માગે કે સારું કપડું પહેરવાનું મન થાય ને રઢ કરે ત્યારે લાગી આવે, એટલે બોલી જવાય.’ બાએ કહ્યું.
‘ખરું છે. છોકરાં ભણીગણીને મોટાં થાય પછી તારી ઈચ્છા પૂરી કરશે. બાકી મારી આશા ન રાખીશ.’ બાપુજીએ કહ્યું.
***

એ વાત ત્યાં અટકી. વર્ષો વીત્યાં. હું ભણીગણીને તૈયાર થયો. મુંબઈથી અમદાવાદ આવીને સ્થિર થયો. પિતાજી રાજી થયા. માના હરખનો પાર નહિ. એકાદબે વાર સિદ્ધપુરથી અમદાવાદ આવીને રહી ગયાં, પણ તેમની નોકરી ચાલુ હતી. એટલે સિદ્ધપુર પાછા ગયા. બાને બાપુજી કહેતા, ‘હવે તારી ઈચ્છા પૂરી થશે. તારો દીકરો તારા હાથમાં રૂપિયા મૂકશે !’
બા મલકાય.
બે વર્ષ પછી તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા અને માંદા પડ્યા. હું સિદ્ધપુર દોડી ગયો. તેમને મારી સાથે કાયમ રહેવા આવવાની વિનંતી કરી. અમદાવાદમાં કોઈ સારા ડૉક્ટરને બતાવીને પેટના દુઃખાવાની દવા કરાવવાની પણ ગણતરી હતી. હું ભારતીનિવાસ સોસાયટીમાં રહેતો હતો. એ અરસામાં પ્રો. રા. વિ. પાઠકે હીરાબહેન સાથે લગ્ન કરેલાં. તેને પરિણામે તેમના કુટુંબમાં કલેશ થયેલો, તેના ઉકેલરૂપે હું તેમના મકાનમાં રહેવા ગયો અને તેમના ભાઈ મારા નિવાસમાં રહેવા ગયા. હું એ જ સોસાયટીમાં નં. 16માં રહેતો હતો. પાઠકસાહેબનો બંગલા નં. 9 હતો. 1946નો જાન્યુઆરી માસ.

પછી થોડા જ દિવસમાં પિતાજીનો પત્ર આવ્યો. મારી વિનંતીનો સ્વીકાર કરીને તેઓ 18મી જાન્યુઆરીએ સવારની ગાડીમાં નીકળીને આવવાનું લખતા હતા. મારે તે દિવસે સેશન્સ કોર્ટમાં જ્યુરર તરીકે જવાનું હતું એટલે તેમને લેવા માટે મારા ભાણેજ કનુભાઈને સ્ટેશને મોકલેલા; પરંતુ તે એકબીજાને સ્ટેશન પર મળી શક્યા નહિ. એટલે પાછા આવ્યા. પછી થોડી વારે પિતાજી, માતુશ્રી તથા મારાં મોટાં બહેન સોસાયટીમાં પૂછતાં પૂછતાં પાઠકસાહેબના બંગલે આવી પહોંચ્યાં. મારા બે દીકરા ભરત અને દિલીપ અનુક્રમે પાંચ અને ત્રણ વર્ષના હતા. મકાન ભોંયતળિયે અને મોકળાશવાળું જોઈને ‘બાળકોને રમવા માટે સારું છે’ એમ કહીને બાપુજી રાજી થયાં. હું સાંજે ઘરે આવ્યો. પિતાજી અસ્વસ્થ હતા એટલે સૂતા હતા. મેં કહ્યું :
‘તમારા પેટના દુઃખાવાનો ઈલાજ કરવો પડશે. આવતી કાલે જ આપણે ડૉ. મોહિલેને બતાવવા જઈશું. હવે તમારે અહીં જ રહેવાનું છે.’
તેમણે કહ્યું : ‘મને હવે ઠીક છે. ડૉકટરને બતાવવાની એટલી બધી ઉતાવળ નથી. હવે તારી સાથે જ છીએ, તારી બાની ઈચ્છા પૂરી થશે.’
‘શી ઈચ્છા ?’ મેં પૂછ્યું.
આ સાંભળીને બા આવ્યાં, બોલ્યાં : ‘એ તો અમસ્તું મેં તારા બાપુજીને એક વાર કહેલું કે મારા હાથમાં સો રૂપિયા મૂકો તો આખા ઘરને લીલાલહેર કરાવું. ત્યારે તારા બાપુજી કહે કે દીકરો કમાતો થશે ત્યારે તારી ઈચ્છા પૂરી થશે. તારે ઘેર આવી એટલે ઈચ્છા પૂરી થઈ.’
બાપુજી હસ્યા ને બોલ્યા : ‘ખરી વાત છે. ઈચ્છા પૂરી થઈ.’
‘તમે આવ્યાં એટલે મારી ઈચ્છા પૂર્ણ થઈ.’ મેં રાજી થઈને કહ્યું.

બધાં જમીને સૂતાં. રાત્રે સાડા દસ વાગ્યે બાપુજીને પેટમાં દુઃખાવો ઊપડ્યો. થોડી વાર તો પડ્યા રહ્યા, પણ પછી વેદના અસહ્ય થતાં મારાં મોટાં બહેન અને બાને ઉઠાડ્યાં. હું પણ જાગ્યો. ગરમ પાણીની કોથળીનો શેક, હિંગ વગેરે ઘરગથ્થુ ઉપચાર શરૂ કર્યા, એમ માનીને કે સવાર સુધી રાહત રહે, તો પછી તરત ડૉક્ટરને બતાવાય. પણ તેમની વેદના વધતી જતી હતી. મધરાતે મારી પડોશમાં રહેતા ડૉક્ટર છોટુભાઈ પટેલને જગાડ્યા. તેમણે તપાસીને દવા આપી અને કહ્યું, ‘સવારે ટેસ્ટ લઈશું.’ પણ તેમની દવાની કાંઈ અસર થઈ નહીં. સ્થિતિ બગડતી ચાલી. અસહ્ય વેદના થતાં અકળાઈને બેઠા થાય ને પાછા સૂઈ જાય. બેચેની વધતી ગઈ. પરોઢિયું થતાંમાં તેમની શક્તિ હણાઈ ગઈ હોય તેવી ચહેરા પર ફિક્કાશ આવી ગઈ ને પછી તરત શાંત થઈ ગયા. અમારો અવાજ સાંભળીને પાઠકસાહેબ અને હીરાબહેન જાગી ગયાં. બંને મેડા ઉપરથી નીચે આવ્યાં. પાઠકસાહેબે પગની પિંડી ઉપર હાથ મૂક્યો તો શરીર ઠંડું પડી ગયું હતું. પ્રાણ ચાલ્યો ગયો હતો.

મેં આ પહેલાં કદી કોઈને આ રીતે પ્રત્યક્ષ મૃત્યુ પામતું જોયેલું નહિ. પિતાજી જાણે કે છેલ્લી વિદાય લેવા જ અહીં આવ્યા હોય તેમ અમદાવાદ આવ્યા. તે જ રાત્રે વિદાય લીધી ! અમારી ઈચ્છા મુજબ તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા, પણ ન તો સારવાર લઈ શક્યા કે ન તો સાથે રહેવાની અમને તક મળી. તેમનો પ્રેમ અમારું જીવનરસાયણ હતું. તેમના અવસાનનો વિષાદ મારી સ્મૃતિમાં એવો જડાઈ ગયો છે કે એ ઘટના યાદ કરું છું ત્યારે તેમની સૌમ્ય કરુણાપૂર્ણ પ્રેમાળ મૂર્તિ અશ્રુપૂર્ણ નજર સમક્ષ તરવરે છે.

અને મારી બા ? પિતાજીની વિદાય પછી તેની સ્થિતિ તૂટેલા કાંગરાવાળા કિલ્લા જેવી વિષાદપ્રેરક હતી. તેની ઈચ્છાની ક્રૂર હાંસી કરનાર નિયતિને શું કહેવું ? ઈચ્છા પૂર્ણ કરી, પણ આનંદ લૂંટી લીધો ! જિંદગીને આથમતે અજવાળે બ્યાશી વર્ષની મારી બા, નિયતિને જવાબ આપવા માટે હોય તેમ, એક ખૂણામાં બેસીને કૃશ શરીર અને ઝાંખી દષ્ટિ સાથે ભાગવત કે ગીતા સાથે ગડમથલ કરી રહી હતી, તે દશ્ય આજે પણ સ્મૃતિપટ પર સજીવ થાય છે !

[કુલ પાન : 184. કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”38″]