તારે જમીન પર (ભાગ-5) – ગોવિંદ શાહ

[ વિદ્યાનગર સ્થિત ગોવિંદભાઈ પ્રતિવર્ષ દિવાળી નિમિત્તે એક પુસ્તિકા પ્રકાશિત કરીને સૌ મિત્રો, સ્નેહીઓને વહેંચતા રહે છે. આ પુસ્તિકામાં તેમના મૌલિક લેખો, અનુવાદિત લેખો તેમજ કેટલાક રૂપાંતરોનો અને કાવ્યોનો સમાવેશ થાય છે. આપણે તેમની અગાઉની પુસ્તિકાઓમાંથી ઘણા લેખો માણ્યા છે. આજે ચાલુ વર્ષની પુસ્તિકા ભાગ-5માંથી કેટલાક ટૂંકાલેખો માણીએ. આ પુસ્તિકા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ પુસ્તિકા મેળવવા માટે આપ ગોવિંદભાઈનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

[1] આનંદ-ખુશાલી

હું બહુ નાનો હતો ત્યારે મારી મા મને કાયમ કહેતી, ‘બેટા ! જિંદગીમાં દરેક માણસને જોઈતી બધી વસ્તુઓ ન પણ મળે, પણ જે જરૂરી છે તે મળે તો તેનો આનંદ-ખુશાલી હોવી જોઈએ અને નાની નાની ખુશાલીઓથી જીવનને ભરી દેવું જોઈએ. જે નથી તેની ચિંતા છોડો અને જે છે તેની મજા માણો.

હું મોટો થયો અને શાળાએ જવા લાગ્યો. એકવાર અમારા શિક્ષકોએ અમારા ગ્રુપના થોડા વિદ્યાર્થીઓને એક એસાઈનમેન્ટ આપ્યું હતું. અમારે એક પ્રશ્નાવલી તૈયાર કરી બધા વિદ્યાર્થીઓને વ્યક્તિગત મળવાનું. જેમાં દરેકને મોટા થઈને જીવનમાં શું પ્રાપ્ત કરવું છે, શું બનવું છે વગેરે બાબતોની નોંધ કરી શિક્ષકને આપવાની હતી. અમે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા. જુદા જુદા જવાબો આવ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારે ડૉક્ટર થઈને ખૂબ પૈસા કમાવવા છે. કેટલાકે કહ્યું કે અમે એન્જિનિયર થઈ મોટાં મોટાં મકાનો બાંધીશું. કેટલાકે કહ્યું કે અમે એમ.બી.એ. થઈને મલ્ટીનેશનલ કંપનીઓના ઊંચા પગારોવાળી નોકરીમાં જોડાઈ જઈશું. બધાની સાથે મેં પણ મારો એક નિબંધ રજૂ કરી દીધો. મેં કંઈક આવું લખેલું હતું :
‘મોટા થઈને મારું ધ્યેય, કાર્ય, જીવનમાં આનંદ અને ખુશાલી પ્રાપ્ત કરવાનું રહેશે.’
શિક્ષકોએ મારો લેખ વાંચી મને ઠપકો આપતા કહ્યું : ‘તું સાવ ગમાર જેવો છે. તું આપેલો વિષય કંઈ સમજ્યો લાગતો નથી.’
મેં કહ્યું : ‘ભલે, હું સમજ્યો ના હોઉં પણ એવું લાગે છે કે તમે પણ જિંદગીને સમજ્યા નથી.’

માનવજાતના ઈતિહાસની એ કરુણતા રહી છે કે આરામના સાધનોની શોધમાં માણસ આનંદ-ખુશાલી ગુમાવતો જાય છે. મેં ઈશ્વર પાસે આનંદ માંગ્યો. ઈશ્વરે કહ્યું : ‘હું તને વરદાન આપી શકું. ખુશાલી તો તારે તારી જાતે જ શોધવાની છે.’

[2] ફરજ

એક દિવસ એક ઉડતા પંખીએ મધમાખીને પૂછ્યું કે આખો દિવસ ફૂલે ફૂલે રખડીને મધ બનાવવાની વ્યર્થ મહેનત શા માટે કરે છે ? આરામ કર. તારું બનાવેલું આ મધુર મધ તો માણસો મધપૂડામાંથી ઉઠાવી જાય છે. આ મધપૂડો તદ્દન ઉજ્જડ થઈ જતાં તને કંઈ દુઃખ નથી થતું ? મધમાખીએ જવાબ આપ્યો, ‘હું તો ફૂલે ફૂલે ફરીને મારું કામ ચાલુ રાખીશ. ભલેને લોકો મધપૂડો લઈ જાય. મને તેનું કોઈ દુઃખ નથી. મારા જેવો એક નાનો જીવ કોઈને ઉપયોગી થઈ પડે તો તેથી રૂડું શું ? હું તો મારી ફરજ બજાવીશ. માણસો ભલે મધપૂડો લઈ જાય પણ મધ બનાવવાની મારી કલા કોઈ કાળે તેઓ હસ્તગત નહીં કરી શકે. તેમને મારી પાસે આવવું જ પડશે.

એક વખત કોઈકે ‘સવાર’ને પૂછ્યું કે રોજ તું આમ વર્ષોથી પડે છે તો તને કંઈ વાગતું નથી કે કંઈ દુઃખ નથી થતું ? ‘સવારે’ જવાબ આપ્યો કે મારે તો ફરજ અદા કરવાની છે. કોઈ કદર કરે કે ન કરે. રોજ હું એક નવા આશાના કિરણો લઈને સૃષ્ટિ સમક્ષ હાજર થઈ જાઉં છું. મારાં અશ્રુ ને હું ઝાકળમાં ફેરવી નાખું છું.

એક વખત મગજે કોમળ હૃદયને પૂછ્યું કે શા માટે પત્રો અને ફોન કરી-કરીને બધાને કાયમ યાદ કરે છે ? કે ખબર પૂછે છે ? તને જવાબ સરખો આપવાની તો કોઈ તસ્દી લેતું નથી. હૃદયે જવાબ આપ્યો કે તારું કાર્ય ફક્ત કારણો શોધવાનું છે. મારું કાર્ય સંબંધો સાચવવાનું છે. કોઈ પ્રત્યુત્તર આપે કે ન આપે મારે તો મારી ફરજ અદા કરવાની છે.

[3] ઈશ્વર સઘળું જુએ છે

એકવાર કેટલાક વિદ્યાર્થી મિત્રો ટ્રેનમાં લાંબા પ્રવાસે નીકળેલ. પ્રવાસ લાંબો એટલે વચ્ચે વચ્ચે ધીંગામસ્તી, જોક્સ, અંતકડીઓ, નાસ્તાપાણી વગેરેથી આનંદ કરતા જાય. ચાલુ ટ્રેને ડબ્બામાં કેટલાક ફેરિયાઓ અને ભિક્ષુકો પણ આવતા જાતા રહેતા. એક અંધ ભિક્ષુક તેમના ડબ્બામાં ચઢ્યો અને બધાની વચ્ચે હાથમાંનો કટોરો લંબાવી મોટેથી બોલ્યો : ‘દયા ધર્મ કા મૂલ હૈ, ઈશ્વરના નામે કંઈક આપો. ઈશ્વર તમારું કલ્યાણ કરો.’ બારી પાસે બેઠેલા એક સજ્જને આગળ બેઠેલા એક વિદ્યાર્થીને દસ રૂપિયાનો સિક્કો આપી ભિક્ષુકને આપવા જણાવ્યું. વિદ્યાર્થીએ તે લઈને ભિક્ષુકના કટોરામાં સિક્કો નાખ્યો. કટોરામાં નાખેલ સિક્કાનો અવાજ થતાં ભિક્ષુક બોલી ઊઠ્યો, ‘ઈશ્વર તમારું ભલું કરે અને સુખી થાવ.’ અને પછી તે થોડો આગળ વધ્યો. પાસે બેઠેલા એક મિત્રે ટકોર કરી, ‘આ કેવું ? પૈસા બીજાના અને દુવાઓ બધી તને મળે છે ? વગર કંઈ આપ્યે ? આ વિચિત્ર કહેવાય !’

ભિક્ષુકના કાને આ શબ્દો અથડાયા. તે ઊભો રહી ગયો અને બોલ્યો :
‘ભાઈ સાહેબ, હું તો અંધ છું અને કંઈ જોઈ શકતો નથી. મને દેખાતું નથી કે કોણે પૈસા આપ્યા છે. મારી દુવાઓ તો દરેકને છે. પરંતુ યોગ્ય વ્યક્તિને જરૂરથી ચોક્કસ પહોંચી જશે કારણ કે ભલે હું ના જોઈ શકું પરંતુ ઈશ્વર તો સઘળું જુએ છે ને. તે અંધ નથી. જેણે પૈસા આપ્યા છે તેનું કલ્યાણ થાય અને જે નિમિત્ત બને છે તેનું પણ શુભ થાઓ.’

[4] મહેમાન કલાકાર

એક યુવતીએ ઈન્ટરનેટ ઉપરથી લગ્ન માટે પોતાની પસંદગીનું પાત્ર શોધી કાઢ્યું. યુવાન-યુવતી વચ્ચે ઔપચારિક વાતો થઈ. એકબીજાની વચ્ચે મુલાકાતો થઈ પછી લગ્નનો પ્રસ્તાવ બંનેએ પોતાના વડીલો સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું. છોકરાના પિતાએ ભાવી વેવાઈને જણાવ્યું કે તમારી દીકરી અમારા ઘરમાં બધાને પસંદ છે પરંતુ લગ્ન અમારા રિવાજ મુજબ કરવાના રહેશે. છોકરાના પિતા આગળ કહેવા લાગ્યા કે અમારું કુટુંબ મોટું હોવાથી તમારે મોટી ગાડી આપવી અને મારા દીકરાને આગળ અભ્યાસ કરવાનો હોવાથી અમેરિકા જવાની પ્લેનની ટિકિટ આપવી હોય તો જ લગ્નની તારીખ નક્કી થશે.

છોકરીના પિતા આ વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ પછી તેઓ કહેવા લાગ્યા : ‘મારી દીકરી તો ચાર દિવસથી ઘરમાં જ નથી અને થોડા સમય પહેલાં જ તેનો ફોન હતો કે તમારા દીકરા સાથે તેણે પ્રભુતામાં પગલાં પાડી દીધાં છે. એટલે લગ્નની તારીખ નક્કી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. વળી તમને ખાસ જણાવવાનું કહ્યું છે કે તેનો એમ.બી.એ.નો અભ્યાસ ચાલુ હોવાથી ખલેલ ના પહોંચે એટલે રસોઈ માટે એક બાઈ અને બે કામવાળી જો ન હોય તો રાખી લેશો. તમારા ઘરે તેનું કામ તો ફક્ત તમારા દીકરાને એન્ટરટેઈન કરવાનું એટલે કે એક મહેમાન કલાકાર જેવું રહેશે. તમારા ઘરના બાકીના સભ્યો પોતાનું કામ જેમ કરતા હોય તેમ ચાલુ રાખે.’ આ સાંભળી છોકરાના પિતા એકદમ ચૂપ થઈ ગયા.

એક જમાનમાં કહેવાતું કે ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.’ આજે ઈન્ટરનેટના જમાનામાં કેટલાક લોકોનું એમ કહેવું છે કે ‘દીકરી ને ગાય, ફાવે ત્યાં જાય !’

[5] નાસ્તિક

એક વૃદ્ધ સ્ત્રી રોજ સવારે તેના ઘરના દરવાજા આગળ ચોકમાં ઉભા રહી સૂર્ય તરફ મુખ રાખી પાણીથી અર્ઘ્ય આપી મોટેથી બોલતી, ‘હે ઈશ્વર ! તારો જય હો !’ જ્યારે તે આમ મોટેથી બોલતી ત્યારે રોજ ત્યાંથી એક નાસ્તિક પસાર થાય અને તે પણ તે સ્ત્રીને સંભળાય તેમ મોટેથી બોલતો, ‘ઓ મૂર્ખાઓ ! ગમાર લોકો ! થોડા સુધરો. જગતમાં ઈશ્વરનું કોઈ અસ્તિત્વ જ નથી.’

આમ બંનેનો સંવાદ રોજ ચાલતો. એક દિવસ વૃદ્ધ સ્ત્રી મોટેથી બોલવા લાગી, ‘હે મહાન ઈશ્વર ! તારો જય હો ! મને થોડી મદદ કર. હવે ખાવાના પણ ફાંફા છે. ખાવાનું બધું ખલાસ થઈ ગયેલ છે.’ આ સાંભળી ત્યાંથી પસાર થતો નાસ્તિક ખૂબ મલકાયો. તેને લાગ્યું કે હવે આ સ્ત્રી પાસે કંઈ પૈસા કે ખાવાનું નથી એટલે ઈશ્વરનું પોલ ખુલી જશે. હવે આ સ્ત્રી નિરર્થક ઈશ્વરની સ્તુતિ કરી શક્તિનો બગાડ નહીં કરે. બીજે દિવસે તે થોડા બ્રેડ-બટર, બિસ્કીટ વગેરે થેલામાં દરવાજા પાસે મૂકી સંતાઈ ગયો. રોજની માફક પેલી વૃદ્ધ સ્ત્રીએ ઈશ્વરની સ્તુતિ કરી પછી આંખો ખોલતાં જોયું તો દરવાજા આગળ ભોજન તૈયાર પડ્યું હતું. તેણે ફરીથી આકાશ સામે જોઈ મોટેથી કહ્યું :
‘હે કરુણા, દયાના સાગર, મને ખરી જરૂર વખતે આ મદદ મોકલવા બદલ તારો ખૂબ ખૂબ આભાર.’
આ સાંભળી તુરંત પેલો નાસ્તિક કૂદી પડ્યો અને મોટેથી કહેવા લાગ્યો, ‘ઓ મૂર્ખ સ્ત્રી ! તારા ઈશ્વરે નહીં, આ બધી ચીજવસ્તુઓ તો મેં મૂકી છે. આનું બીલ મેં ચૂકવ્યું છે. તારા ઈશ્વરે નહીં.’
આથી સ્ત્રી ફરી ઊંચે આકાશ સામે જોઈ પોકારી ઊઠી, ‘હે ઈશ્વર ! આ કેવું વિચિત્ર ! મદદ તું કરે છે અને તેનું બીલ કોઈ શેતાનની પાસે ભરાવે છે ?!’

[6] ચિંતન

એક મોટા ધનિક વેપારીને રોજ રાત્રે સપનું આવતું કે તેના મકાનમાં ઉપરથી પાણી ટપકે છે. વેપારી મોટા બંગલામાં સાહ્યબીમાં રહેતો હતો છતાં આવું સપનું એને રોજ આવતું. સપનાનું રહસ્ય શોધવા તેણે ઘણા પ્રયત્નો કર્યા. ઘરના બધા નોકરો, ઑફિસના કર્મચારીઓ સાથે પૂછપરછ કરી પરંતુ કંઈ ઉકેલ ન મળ્યો. એક મનોચિકિત્સકની સાથે ચર્ચા કર્યા પછી તેણે રસોઈ કરવા આવતી બાઈની તપાસ કરી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે રસોઈ કરનારી બાઈ જ્યારે રસોઈ કરવા આવતી ત્યારે આ મોટા વિશાળ બંગલામાં તેને કાયમ પોતાની ઝૂંપડી યાદ આવતી. વરસાદમાં રસોઈ બનાવતી વખતે હંમેશા ઝૂંપડીનું ચિંતન અને ચિંતા કરતી કે અત્યારે પાણી નીતરતું હશે અને ઘરે જઈશ ત્યારે બધું પલળી ગયું હશે. તમે માનશો બાઈએ બનાવેલી રસોઈમાં પણ આ વિચારો અને ભાવો આપોઆપ આવી જતાં.

વિચારો તેવા ભાવ પણ ભોજનમાં આવી જતાં હોય છે. એટલે જ તો ઘરમાં માતાના હાથનું અને હોટલના ખાવામાં ફેર હોય છે. મનુષ્ય તેના વિચારોની જ પેદાશ છે. જૈસા સોચતા હૈ, વો વૈસા હી હો જાતા હૈ.

[7] થોડી ધીરજ રાખીએ

ઘણાં સમય પહેલાં એક મહાત્મા પોતાના શિષ્યો સાથે બળદગાડામાં બેસી એક ગામથી બીજે ગામ જતા હતા. ઉનાળાની બપોરનો સમય હતો. પંથ લાંબો હતો. રસ્તામાં એક નાનો વહેળો આવ્યો. બળદગાડું વહેળામાંથી નીકળી સામે પાર પહોંચ્યું. ત્યાં બધાએ ઝાડ નીચે વિસામો કરીને આગળ વધવાનું નક્કી કર્યું. મહાત્માએ એક શિષ્ય ને વહેળામાંથી પાણી લઈ આવવા કહ્યું. શિષ્યે જઈને પાછા આવી જણાવ્યું કે નાના સાંકડા વહેળામાં ગાડુ પસાર થવાથી પાણી ડહોળાઈને કાદવવાળું થઈ ગયું છે. થોડી વારે મહારાજે ફરીથી શિષ્યને પાણી લઈ આવવા કહ્યું, પરંતુ દરેક વખતે શિષ્ય પાછો આવીને કહે કે પાણી પીવા લાયક નથી. આમ ચાર વખત શિષ્ય જઈને પાછો આવ્યો. મહાત્માએ થોડી વાર પછી કહેતાં તે પાંચમી વાર ગયો અને આ વખતે પાણી લઈને આવ્યો. આ વખતે પાણી લેવા ગયો ત્યારે બધો કાદવ કચરો નીચે બેસી ગયો હતો અને ઉપર ચોખ્ખું પાણી વહેતું હતું.

મહાત્માએ શિષ્યને સમજાવ્યું કે જીવનમાં આવતી સમસ્યાઓનું પણ આવું જ હોય છે. થોડી ધીરજ અને શાંતિ રાખીએ તો જેમ અમુક સમય પછી પાણીમાં કાદવ નીચે ઠરી જાય છે, તેમ કેટલીક સમસ્યાઓ પણ પ્રયત્ન કર્યા વગર મનના ઊંડાણમાં આપોઆપ ઠરી જાય છે, શાંત થઈ જાય છે. ફક્ત થોડી ધીરજ અને શાંતિની જરૂર છે.

[8] વસ્તુઓનો વળગાડ

એક વાંદરો આખો દિવસ જંગલમાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી કૂદીને આનંદથી રહેતો હતો. જાતજાતના ફળ ઝાડ પરથી તોડીને ખાવાની તેને મજા આવતી હતી. થાકી જતો ત્યારે મજેથી ઝાડ પર સૂઈ જતો અને આરામ કરતો.

એક દિવસ ભૂલથી જંગલની બાજુમાં આવેલી વસ્તીમાં પહોંચી ગયો. એક ઘરમાં એણે સુંદર ચમકતાં રંગીન સફરજનની એક બાસ્કેટ જોઈ. આ સફરજન જોઈને તે ખુશ થઈ ગયો. તેણે થોડા સફરજન ઉપાડી લીધા અને પાછો જંગલ બાજુ ચાલ્યો ગયો. તેણે જોયું તો સફરજન ખૂબ જ મજબૂત અને કઠણ હતા. તેમાંથી કોઈ જાતની સુગંધ આવતી નહોતી. તેણે જોરથી તે ખાવાનો પ્રયત્ન કર્યો તો તેના દાંત તૂટી ગયા. ખરેખર તો સફરજન દીવાનખંડની શોભા માટેના લાકડાના બનાવટી હતા પરંતુ તે ખૂબ સુંદર દેખાતા હતા. હવે વાંદરો જ્યારે બીજા વાંદરાને જોતો ત્યારે આ સફરજનને ખૂબ જ જોરથી પકડી રાખતો. તે કોઈ ઝૂંટવી ના જાય તેનું ખાસ ધ્યાન રાખતો. આ રંગીન ચમકતા સફરજન તેને ખાવના કામમાં આવતાં ન હતાં તો પણ તે નીચે મૂકતો જ નહીં.

ખરેખર તો જ્યારથી આ સફરજન તેના હાથમાં આવ્યા ત્યારથી તે આરામથી રહી શકતો નહીં. પહેલાં જે રીતે તે આખો દિવસ ફરતો હતો તેવું હવે થતું નહીં. ઝાડ ઉપરથી બીજા ફળ પણ તોડી શકતો નહીં કારણ આખો દિવસ તે આ લાકડાના સફરજનને હાથમાં પકડી રાખતો. હવે તેને એક ઝાડથી બીજા ઝાડ ઉપર જવામાં પણ તકલીફ પડતી. વાંદરાને આ બનાવટી સફરજનનો વળગાડ હતો. ન તે ખાઈ શકતો કે ફેંકી શકતો કે ના કોઈને કહી શકતો. આખો દિવસ પાસે રાખીને હવે તે ખૂબ થાકી અને કંટાળી ગયો હતો. આજે સામેના ઝાડ ઉપર મજાના ફળ જોતાં તેના મોંમાં પાણી આવી ગયું. લાકડાના સફરજન હાથમાંથી પડી ગયા. જેવા તે પડી ગયા કે સીધો સામેના ઝાડ ઉપર ચડી ગયો અને ઘણા સમય પછી ખરેખર તેણે બરાબર મજા માણીને ફળો ખાધાં. હવે તે પહેલાંની માફક સફરજન છૂટતાં આનંદથી રહેવા લાગ્યો.

આપણે પણ છાતીએ એવી ઘણી બિનજરૂરી વસ્તુઓ વળગાડીને રાતદિવસ ફરીએ છીએ જે આપણા જીવનમાં ઘણી વખત બાધારૂપ અને તનાવનું કારણ બની જાય છે. નિરર્થક વસ્તુઓની ઘેલછા આપણને સતત દોડાવ્યા કરે છે.

[9] ફક્ત એક વધારાના રૂમ માટે…

અમારું કુટુંબ મધ્યમવર્ગનું એક સામાન્ય કુટુંબ હતું. સરકારી નોકરીમાં મારા પિતા સામાન્ય કલાર્ક હતા. પિતા હંમેશા આર્થિક ભીંસ અનુભવતા અને ઘરના બે છેડા મેળવવામાં મુશ્કેલીઓ અનુભવતા. આમ છતાં પ્રમાણિકતા અને મહેનતથી આખી જિંદગી તેમણે પસાર કરી. અમારા નાના ચાલીના ઘરમાં ફક્ત એક જ રૂમ હોવાથી બધાનો સમાવેશ થતો નહીં. પિતાએ રિટાયર્ડ થતાં આખી જિંદગીની કરેલી બચતમાંથી સામાન્ય એક બેડરૂમનો ફલેટ લીધો. પણ મારી ઈચ્છા હતી કે જો હું એન્જિનિયર બનું અને અમેરિકા જવાનું મળે તો થોડા વખતમાં કમાઈને બે બેડરૂમનો ફલેટ લેવો. તેથી ભણતર પાછળ મેં બહુ ધ્યાન આપ્યું અને હું એક સારી કોલેજમાંથી સોફટવેર એન્જિનિયર થઈ ગયો.

સદભાગ્યે મને તુરંત એક મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં સારા પગારે અમેરિકામાં નોકરી મળી ગઈ. પહેલાં તો હું અમેરિકા જવા તૈયાર ન હતો, કારણ મારે પિતા સાથે રહેવું હતું. પરંતુ પછીથી હું બે-ત્રણ વર્ષ માટે અમેરિકા જવા તૈયાર થયો. અમેરિકામાં થોડી મૂડી ભેગી થતાં હું લગ્ન કરવા અહીં આવ્યો. સુંદર સ્ત્રી સાથે લગ્ન કરી અમેરિકા પાછો ફર્યો. મેં પિતાને વચન આપ્યું કે તુરંત તેમની સાથે રહેવા પાછો આવીશ. પિતા મારી રાહ જોઈને એકલતામાં દિવસો વિતાવવા લાગ્યા. આ બાજુ અમેરિકામાં મારે કામ કરવાનું અને રહેવાનું લંબાતું જતું હતું. હવે બે સંતાનો પણ થયેલ. પિતાની ઈચ્છા હતી કે મારા બાળકોને તે જુએ પરંતુ તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ. મારા પિતા ગુજરી ગયા પણ હું તુરંત આવી શક્યો નહીં. અગ્નિદાહ પાડોશીઓએ જ આપ્યો. પછી હું મારા કુટુંબ સાથે આવી ગયો અને અહીં જ રહેવાનું નક્કી કર્યું. બે બેડરૂમનો ફલેટ ખરીદ્યો. પરંતુ થોડા સમય પછી ના છૂટકે છોકરાઓ સાથે અમેરિકા પાછા જવું પડ્યું, કારણ કે તેઓને અહીં રહેવાનું ફાવતું નહોતું. આમ હું છોકરાઓ સાથે અમેરિકા અને પત્ની અહીંયાં. દરમ્યાન થોડા વર્ષોમાં પત્ની ગુજરી ગઈ એટલે હું અહીં પાછો આવ્યો.

હવે હું અહીં એકલો રહું છું. હવે નથી મારા પિતા કે નથી પત્ની. છોકરાઓ અમેરિકામાં રહે છે. ફક્ત એક વધારાના રૂમ ખાતર ન તો પિતા સાથે રહી શક્યો ન તો પત્ની કે છોકરાઓ સાથે.

[poll id=”37″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “તારે જમીન પર (ભાગ-5) – ગોવિંદ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.