વિશ્વાસ – ડૉ. નીલેશ રાણા

[ ‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

[dc]ધી[/dc]રે ધીરે ડહોળાઈને વિષમ થતા ઘરના વાતાવરણની ગંધ પ્રણોતીને જરા મોડી આવી. પોતાને ઠંડક અર્પતો સુખદ પવન જ આમ આંધીનું સ્વરૂપ ધારણ કરી પોતાના સોણલાને વેરણ-છેરણ કરી નાખશે, તેની કલ્પના જ તેને ન હતી. જે ઘરમાં હંમેશાં પ્રેમ જ દેખાતો, તે જ ઘરના એક ખૂણેથી હવે પરાયાપણું તેની તરફ ડોકિયું કરતું જણાવા લાગ્યું. પોતે જે નદીના સહારે તરવા ઈચ્છતી હતી તે આજે વમળમાં પલટાઈને તેને ડુબાડવાનો પ્રયત્ન કરી રહી હતી. કદાચ પોતે મૂકેલા વિશ્વાસનું તો આ પરિણામ નથીને ? – પ્રણોતી વિચારી રહી.

માતા-પિતા તો એને ભાઈના સહારે મૂકી જગ ત્યાગી ગયાં હતાં. એના સદભાગ્યે ભાભી પણ માની ખોટ પૂરી કરે એવી મળી હતી. પણ આખરે ‘પારકાં એ પારકાં અને પોતાનાં એ પોતાનાં’માંનું અર્ધસત્ય સમજાયું, કારણ કે છેલ્લા પંદર દિવસોથી ભાભીનું અચાનક બદલાયેલું વર્તન અને અતડાપણું, એમાં પોતાનો માજણ્યો ભાઈ પણ ભાભીની સોડમાં, બસ મૂંગોમંતર. ભાભી સામે પોતાના પક્ષમાં એ બે શબ્દ પણ ન બોલ્યો. આટલો સ્નેહ વરસાવતાં ભાઈ-ભાભીના પ્રેમમાં ઓટ કેમ આવી ? ભાભીમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો- એટલે જ તો પોતાની દરેક વાત પ્રથમ ભાભીને સંભળાવતી. જ્યારે જ્યારે પ્રણોતીને હૃદયનો ઊભરો ઠાલવવાનું મન થતું ત્યારે ત્યારે એ ભાભી પાસે દોડી જતી. ભાભી હંમેશાં તેને સસ્મિત આવકારીને સાચી સલાહ આપતાં મશ્કરી પણ કરતાં. આજ સુધી તેમાંની એક પણ વાત ભાઈ સુધી નહોતી પહોંચી. તેથી જ પ્રણોતીને ભાભી પ્રત્યે વહાલ અને માન હતું.

પણ છેલ્લા પંદર દિવસથી ભાભીના વર્તનમાં જે પલટો થતો જોયો હતો તેથી પ્રણોતીના મનમાં ભાભી પ્રત્યેની માનની સપાટી ઝડપભેર નીચે ઊતરવા માંડી હતી. ભાભીના મનના ભાવો કળાતા ન હતા. બંને વચ્ચે બંધાયેલા પ્રેમ અને વિશ્વાસના સેતુમાં ભંગાણ પડતાં એ મૂંઝાવા લાગી હતી. પણ એક વાત ચોક્કસ હતી કે પંદર દિવસ પહેલાં એણે જ્યારે મયંકની વાત ભાભીને કરી ત્યારથી જ એમનું વર્તન બદલાવા લાગ્યું હતું. છતાંય પોતે મયંકની પસંદગી કરી એ કારણે, ભાભી નારાજ છે એમ એનું મન માનવા તૈયાર નહોતું, કારણ કે ભાભી જ એની મશ્કરી કરતાં કહેતા કે, ‘બહેનજી, હવે કોઈ સાથી શોધી લ્યો.’ અને પ્રણોતી શરમાઈને દોડી જતી. તો ભાભી એની પાછળ આવતાં કહેતી, ‘કેમ, શું ખોટું કહ્યું મેં ? તમારા જોબનનો ભાર ઝીલનાર તો કોઈ જોઈશેને ? મેરેજ માટે ભાઈની મંજૂરી હું તમને અપાવીશ.’ અને પ્રણોતી ભાભીના ખભે માથું ઢાળી દેતી. હવે જ્યારે પોતે પોતાને મનગમતા જીવનસાથીની પસંદગી કરી ત્યારે ભાભીની આ નારાજગી ? મન પરનો ભાર વધતો જતો હતો. ભાભીનું ચુપકીદીભર્યું વર્તન એને બેબાકળી બનાવી રહ્યું હતું. આવું વાતાવરણ જન્મવાનું કારણ ? એક હલચલ મચી ગઈ હતી એના દિલો-દિમાગમાં. મનમાં અને મનમાં એ મૂંઝાયા કરતી. શું કરવું ? ક્યાંથી ઈલાજ શોધવો ? ન તો પોતે સહી શકતી હતી, ન તો કોઈને કહી શકતી હતી. એમાંય ભાઈની ચુપકીદી. પ્રણોતીને કંઈ જ સમજાતું નહોતું.

હાથમાંની ચોપડી નીચે પડી જતાં અવાજ થયો. પ્રણોતી તંદ્રામાંથી વાસ્તવિકતામાં સરી આવી. માથું ભારે જણાવા લાગ્યું. બેચેની સહેલાઈથી એનો પીછો છોડે એમ નથી. તેથી ચોપડી બંધ કરી બેડ પર મૂકી એણે બાથરૂમમાં જઈને શાવર નીચે ઠંડા પાણીને શરીર સોંપી દીધું. વિચારો થોડા ઓછા થતાં તાજગી અનુભવી. અડધા કલાકના સ્નાન બાદ મયંકને મળવા વસ્ત્રો પરિધાન કરીને જેવી દીવાનખંડમાં આવી કે-
‘પ્રણોતી, અત્યારે ક્યાં જવાનો પ્રોગ્રામ છે ?’ ભાભીનો રૂક્ષ સ્વર સંભળાતાં એના દિલની ધડકન તેજ થઈ ગઈ. આ સાંભળતાં જ પ્રણોતી આશ્ચર્ય પામી ગઈ. પોતે ક્યાં જાય છે એની ભાભીને ખબર હોવા છતાંય, આ પ્રશ્ન પૂછવાનું પ્રયોજન ? ભાભીનું બદલાયેલું વર્તન હવે વાણીમાં પ્રગટ તો નથી થતુંને ? છતાં તે મુખ પર સ્મિત લાદતાં બોલી,
‘ભાભી, તમે જાણો છો કે હું ક્યાં જઈ રહી છું.’
‘સંધ્યા સમય પછી અપરિણીત યુવતીઓ ઓછું રખડે તો સારું.’ ભાભીના સ્વરની દાહકતા તેને દઝાડી ગઈ.
‘ભાભી….’ તે સહેજ તીણા સ્વરે બોલી.
‘કંઈ નહીં, સિધાવો, આ તો તમારું હિત મારા હૈયે હોવાથી તમને ચેતવ્યાં.’ પોતાનો ભાઈ બાજુમાં બેઠો હોવાથી, કંઈ પણ આગળ બોલ્યા વગર પ્રણોતી ઘરની બહાર નીકળી ગઈ. ભાભીનું વર્તન હવે વાણીમાં પણ કટુતા લાવી ચૂક્યું હતું. આજે પ્રથમ વાર જ ભાભી, ભાઈની હાજરીમાં આવો પ્રશ્ન કરી બેઠી હતી. બહાર જતાં હંમેશાં પ્રણોતી ભાભીની રજા લેતી. આની સામે ભાઈએ કદીય વિરોધ દર્શાવ્યો ન હતો.

તે બસ સ્ટેન્ડ પર આવીને ઊભી રહી. તેની બાજુમાં ઊભી રહેલી બે બહેનપણીઓ વચ્ચેની વાત એના કાને પડી. એમાં આનંદનું નામ સાંભળતાં જ આનંદ એના વિચારોમાં ધસી આવ્યો. આનંદ ભાભીના કાકાનો છોકરો. ભાભી અને આનંદને ઘણું જ બનતું. એની પ્રતીતિ પ્રણોતીને એક મહિના પહેલાં, ભાઈના ઘરમાં આનંદના અઠવાડિયાના સહવાસ દરમિયાન થઈ ચૂકી હતી. તે સમયે ભાભીની જીભ ‘ભાઈ, ભાઈ’ કહેતાં સુકાતી ન હતી. ભાભીના આગ્રહ છતાંય આનંદ સાથે એકલા બહાર જવાનો પ્રસંગ પોતે ટાળતી રહી હતી. કદાચ આનંદ તો કોઈ મમરો નથી મૂકી ગયોને ? આજની તેની મયંક સાથેની મુલાકાત નીરસ રહી.

પ્રણોતી જ્યારે મન પરના બોજા સાથે ઘરમાં દાખલ થઈ ત્યારે ભાભી ડાઈનિંગ ટેબલ પર રાત્રિભોજનની સામગ્રી ગોઠવી રહ્યાં હતાં. તે ચૂપચાપ હાથ ધોઈને ભાઈની બાજુમાં ગોઠવાઈ ગઈ. લગભગ આઠ-દસ મિનિટ બાદ ચુપકીદીના આવરણને ભેદતાં ભાભીએ પ્રણોતીના ભાઈને નિર્દેશી વાત શરૂ કરી,
‘હવે પ્રણોતી ઉંમરલાયક થઈ છે. એના મેરેજની તમને જરાય ફિકર નથી ?’ ભાભીએ અવાજમાં મૃદુતા આણતાં કહ્યું.
‘એ જવાબદારીએ તારે માથે જ છેને.’ ભાઈ હસતાં હસતાં બોલ્યો.
‘મારી નજરમાં એક છોકરો છે, પ્રણોતીને પસંદ આવે તો….’ પ્રણોતી ઝડપથી હાથ ધોઈને પોતાની રૂમમાં દોડી ગઈ. પોતાનો શક સાચો પડતો જણાયો. તેણે કાન સરવા કર્યા, પણ વાત અટકી ગઈ. બે દિવસના ગાળા બાદ રાત્રે ભાભીએ વાતને ફરી વહેતી કરી ત્યારે પ્રણોતી મયંકને મળી ઘરમાં દાખલ થઈ રહી હતી. ત્યાં જ ભાભીના શબ્દો કાને પડ્યા. વાત સાંભળવાની ઈંતેજારી સાથે તે દીવાલ આડી ઊભી રહી.
‘તમે હવે પ્રણોતી પર થોડી નજર રાખો તો સારું. મને સાંભળવા મળ્યું છે કે તે કોઈ છોકરા સાથે ફરે છે.’
‘મારા કાને પણ એવી કંઈક વાત આવી છે.’
‘મને એમ કે ઘરની આબરૂ સચવાઈ રહે. ભાઈ-બહેન વચ્ચે કોઈ મનદુઃખ ન ઊભું થાય તેથી આ વાત મેં છુપાવી રાખી હતી. મારું કહ્યું માનો તો પ્રણોતીનું ક્યાંક ગોઠવી નાખો.’
‘મારી ક્યાં ના છે. પણ કોઈ સારો છોકરો નજરમાં આવવો જોઈએને ?’ ભાઈના સ્વરમાં થોડી નિરાશાની છાંટ હતી.
‘છોકરા તો ઘણા પડ્યા છે. મારા કાકાનો છોકરો આનંદ ક્યાં ખોટો છે ? તમે કહો તો વાત આગળ ચલાવું.’
‘પ્રણોતીની હા હોય તો આઈ એમ રેડી.’
‘પ્રણોતીને મનાવવા કેટલી વાર ? ભાઈની આબરૂનું લિલામ કરીને તો એ ઉત્સવ નહીં મનાવે એની મને ખાતરી છે.’
‘જેવી તારી મરજી.’ ભાઈએ મંજૂરીની મહોર મારી દીધી. પ્રણોતીની મનની શંકા સાચી પડી.
‘પરનાતમાં લગ્ન કરી આપણને વગોવે તેના કરતાં નાતમાં જ પરણે તો આપણેય માન પામીએ. હું કાલે જ કાકાને ફોન કરું છું. મને ખાતરી છે તેઓ ના નહીં પાડે.’ પ્રણોતીને થયું પોતાના ભાવિનો આકાર ઘડાઈ ચૂક્યો છે. પોતે કંઈ જાણતી ન હોય એમ અંદરથી આગળ આવી. ભાઈ-ભાભી એને જોતાં ચૂપ થઈ ગયાં.

તે રાતે માતાપિતાની ખોટ સાલતાં પ્રણોતી ખૂબ રડી. એને ખાતરી હતી ભાઈ પોતાની વાત માનીને મયંક સાથે મેરેજ કરવાની મંજૂરી આપશે. ભાઈના નામને બટ્ટો લગાડી, ભાગી જઈને મેરેજ કરવામાં એ માનતી નહોતી. આખરે ભાઈએ જ એને મોટી કરી હતી માબાપની ખોટ પૂરતાં. પ્રેમના વિશાળ ગગનમાં મુક્તમને વિહરતા વિહંગને સમાજના ચોકઠામાં પુરાયેલા માનવીની મર્યાદાનો ખયાલ આવી ગયો. એ જાણતી હતી કે દરેક માણસ મજબૂર છે, પણ પોતાના ભાઈ પાસેથી આવી આશા નહોતી. મયંક સાથે ભાગી જવાનો વિચાર જ્યારે પણ મનમાં પ્રવેશતો ત્યારે તરત જ ભાઈ પ્રત્યેના અઢળક પ્રેમના કારણે તે વિચારને ઉલેચવા મંડી જતી. ભાઈની બદનામી કોઈ પણ સંજોગોમાં એ સ્વીકારવા તૈયાર નહોતી. અલ્લા આશાની નાચતી કુદરત આજે આંધીમાં લપેટાઈ ગઈ હતી. મયંકે જ્યારે ભાઈને મળવાની ઈચ્છા પ્રકટ કરી કે એ બોલી :
‘કોઈ ફાયદો નથી. ભાભીના નિર્ણય સાથે ભાઈની હા પણ ભળી ગઈ છે. હવે નો ચાન્સ.’
‘એક વાર મળી તો જોઈએ. કદાચ તેઓ માની જાય.’
‘હવે પ્રયત્ન નિરર્થક છે. આપણા કરતાં તેઓને સમાજનો વધારે ખ્યાલ છે. ભાઈની લાગણી દુભાય કે તારું અપમાન થાય એ બંને મને મંજૂર નથી.’
‘અને તારી લાગણીઓ ?’
‘ભાઈની વિરુદ્ધ જવા મારું મન નહીં માને અને તનેય એ નહીં ગમે…. તું ભાભીની ચાલ જાણતો નથી.’
‘છતાંય ટ્રાય કરવામાં શું વાંધો છે ?’ આનો જવાબ પ્રણોતી ન આપી શકી. હૈયામાંના તોફાને તેની વાચા હરી લીધી. આગળ કશુંય બોલ્યા વગર તે પાછી વળી ગઈ. છ વાગ્યામાં પ્રણોતીને ઘરે પાછી ફરેલી જોઈ ભાભીને આશ્ચર્ય થયું.

થોડા દિવસો બાદ પ્રણોતીએ જ્યારે જાણ્યું કે ભાભીના કાકા આ સંબંધ માટે રાજી છે અને બે અઠવાડિયાં બાદ એની સગાઈ નક્કી કરવામાં આવશે ત્યારે એ ભાંગી પડી. એ રાતે ઓશીકામાં મોઢું છુપાવી એ ધીમે ધીમે રડી રહી. ભાઈ અને મયંક વચ્ચે તેનું હૃદય ભીંસાતું રહ્યું. એક મમતાની મૂર્તિ તો બીજી પ્રેમની. એક તેનો સહારો તો બીજો જીવન. એકે તેને ભૂતકાળમાં સાચવી વર્તમાનમાં આણી, તો બીજો વર્તમાનમાં એનો હાથ ધરી ભવિષ્ય ભણી દોરી જનાર. સમાજ અને પ્રેમી વિરુદ્ધ ગુણધર્મો ધરાવતા એકમો. એકની આમાન્ય બીજાને નામંજૂર ! અબળા અને આંસુ વચ્ચે ગાઢ સંબંધ.

નાનો કાંટો અગિયારનો આંક વટાવી સુસ્તપણે બાર તરફ આગળ વધતો જતો હતો. ઘડિયાળના બે કાંટાઓ વચ્ચે ભીંસાતો અંધકાર ગાઢ બનતો જતો હતો. એક તરફ ભાઈ પ્રત્યેની મમતા, વહાલ, સમાજની મર્યાદા તો બીજી તરફ મયંક પ્રત્યેનો પ્રેમ, મનચાહી જિંદગી જીવવાની તમન્ના. બંને વચ્ચેની ખેંચતાણ- ચારેબાજુ ઊછળતાં નિરાશાનાં મોજાંઓ, વચ્ચે તરતી નાનકડી નાવ. કોઈ કિનારો નજરે પડતો નથી, સિવાય કે આત્મસમર્પણ કરી ભાભીની જાળમાં ઝંપલાવી દેવાનો રસ્તો. અત્યાર સુધી પોતાને સાચવવા માટે ભાઈના ઋણને અદા કરવાની ઘડી આવી ચૂકી હતી. બસ હવે કોઈ હાથ એને દોરવા કે કદી પોતાની ખુશી વિશે પૂછવા નહીં આવે. પોતાની મરજી શું છે ? એ જાણવાની કોઈ પણ દરકાર નહીં કરે. બસ, દિલમાં ગમ છુપાવી રાખીને…. ત્યાં જ કોઈનો મૃદુ સ્પર્શ થયો. એણે ઓશીકું દૂર કરી નાઈટ લેમ્પ ચાલુ કરતાં જોયું તો ભાઈ સામે ઊભો હતો. ઊભી થઈ એ ભાઈને વળગી પડી. ભાઈનો વહાલભર્યો શાંત અવાજ એને સંભળાયો,
‘હું તારા મનની સ્થિતિ જાણું છું. પણ તારે જાણવું જોઈએ કે મારો પણ એક સંસાર છે. સંસારમાં પડેલો દરેક માનવી થોડે અંશે મજબૂર હોય છે.’
‘ભાઈ…..’ પ્રણોતીથી એક ડૂસકું મુકાઈ ગયું.
‘પ્રણોતી, હું તને દુઃખી જોવા નથી માગતો.’
‘તો ભાઈ, હું શું કરું ?’
‘મારી વહાલી બેન, મયંક મને મળવા આવ્યો હતો. એ મારી પેઢીની એક બ્રાન્ચમાં સર્વિસ કરે છે. એના વિશેની બધી જાણકારી મેં મેળવી લીધી છે.’

ભાઈથી અળગી થતાં ભાઈની આંખોમાં આંખો પરોવતાં એણે પૂછ્યું :
‘એટલે ?’
‘મયંક તારી રાહ જોતો નીચે ઊભો છે.’
‘ભાઈ….. ભાઈ, આ તમે….. ?’
‘તું અત્યારે ને અત્યારે ચાલી જા.’
‘તમારા આશીર્વાદ વગર….’
‘મારા આશીર્વાદ અને શુભકામનાઓ હંમેશાં તારી સાથે જ છે અને રહેશે. તારી લાગણીઓ દૂભવવા બદલ મને માફ કરજે.’ અવાજ ભીનો થયો.
‘પણ…. પણ…. ભાભી જાણશે તો ?’ આનંદભર્યા અવાજે ગભરાતાં પ્રણોતીથી પૂછી જવાયું.
‘એ મારા વિશ્વાસે આરામથી સૂતી છે. તું ઝડપ કર.’
‘ભાઈ…ભાઈ….’
નાઈટ લેમ્પ બંધ કરી બહાર જતા ભાઈને પ્રણોતી જોઈ રહી.

[poll id=”40″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “વિશ્વાસ – ડૉ. નીલેશ રાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.