મહાકવિ કાલિદાસનું જીવન – ગૌતમ પટેલ

[ સંસ્કૃત સાહિત્યની જેમણે આજીવન સેવા કરતાં કરતાં 100થી વધુ ગ્રંથો અને 300થી વધુ લેખો, 70 જેટલા શોધપત્રો સહિત વિપુલ સાહિત્ય સર્જ્યું છે તેમજ અનેક ગ્રંથોના ગુજરાતી અનુવાદ કરીને આપણી સંસ્કૃતિને યુવાવર્ગ સુધી પહોંચાડી છે એવા શ્રી ગૌતમભાઈ પટેલ (મુંબઈ)ના સંપાદિત પુસ્તક ‘મહાકવિ કાલિદાસ વિરચિત “કુમારસંભવ”’ માંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ર[/dc]સસિદ્ધ કવિશ્વરોમાં આંગળીના વેઢે ગણાતાં જેનું સ્થાન પ્રથમ આવે તેવા કવિવર કાલિદાસના જીવન વિશે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ. તેઓ પોતે પણ પોતાના જીવન વિશે આપણને માહિતી આપતા નથી. બીજી બાજુ, રાજશેખર તો આપણને એક નહિ પણ ત્રણ કાલિદાસ ગણાવે છે. ટી.એસ. નારાયણ શાસ્ત્રી તો વળી નવ કાલિદાસનો ઉલ્લેખ કર્યો છે ! બધાંનાં નામ, કામ કે ઠામ પણ શું નોંધીએ ? કાલિદાસ એ નામ તેનું જન્મનામ છે કે પછી માતા કાલીના ઉપાસક બન્યા પછીનું છે ? કારણ, તેઓ માતા કાલીના ઉપાસક હતા એવું દર્શાવતી દંતકથાઓ મળી આવે છે. કાલિદાસ માટેની ઉપલબ્ધ દંતકથાઓ એકત્ર કરીએ તો પણ એક રસપ્રદ ગ્રંથ બને ! અરે, તેઓ માતા કાલીના ભક્ત હતા એ દર્શાવતી એક દંતકથા અનેકરૂપે મળી આવે છે.

પ્રસિદ્ધ જૈન વિદ્વાન મેરુતુંગાચાર્ય નોંધે છે કે કાલિદાસ અવન્તિના રાજા વિક્રમાદિત્યના જમાઈ હતા. વિક્રમાદિત્યની પુત્રી પ્રિયંગુમંજરી ભણીને હોંશિયાર થઈ એટલે અભિમાનથી તેના ગુરુ વરરુચિનું અપમાન કરવા લાગી. આથી તેઓએ યેન કેન પ્રકારેણ એક મહામૂર્ખ ભરવાડ સાથે તેનું લગ્ન કરાવી દીધું. આ વાતની ખબર પડતાં રાજકુમારીએ તે ભરવાડને ઠપકો આપ્યો અને માતા કાલીની ઉપાસનાથી તે ભરવાડ પાછળથી મહાન વિદ્વાન બની ગયો.

પ્રચલિત દંતકથા મુજબ કાલિદાસ બ્રાહ્મણના બાળક હતા. બાળપણમાં જ માતાપિતાનો દેહાન્ત થતાં ભરવાડોએ તેઓને મોટા કર્યા. રૂપયૌવનસંપન્ન હોવા છતાં પોતે બેઠા હોય તે ડાળ કાપે તેવા તેઓ મૂર્ખ હતા. જે નગરમાં તેઓ રહેતા હતા તે નગરની સુશિક્ષિત યુવાન કન્યા માટે રાજાએ મંત્રીને વર શોધવાનું કામ સોંપ્યું. મંત્રીને આ મહામૂર્ખ મળ્યો અને તેણે યુક્તિ કરીને, સુંદર વસ્ત્રાદિથી વિભૂષિત કરીને, આ મૂર્ખને શાસ્ત્રાર્થમાં કપટથી અતિવિદ્વાન સાબિત કરીને એ કન્યા સાથે પરણાવી દીધો. પાછળથી ખબર પડી કે આ તો મૂર્ખ છે. રાજકુમારીએ તેને ઠપકો આપ્યો અને તેણે માતા કાલીની ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું. ફરી મળતાં રાજકુમારીએ પ્રશ્ન કર્યો કે ‘अस्ति कश्चित वाग्विशेष: ?- ‘હવે તારી વાણીમાં કોઈ વિશેષતા છે ?’ અને પોતાની વાણીની વિશેષતા સિદ્ધ કરવા કાલિદાસે अस्ति થી શરૂ કરીને કુમારસંભવ, क़श्चित થી શરૂ કરીને મેઘદૂત અને वाग થી શરૂ કરીને રઘુવંશ નામનાં કાવ્યોની રચના કરી. આ દંતકથા ઘણી પ્રાચીન છે, કારણ કે લગભગ 200 વર્ષ પૂર્વે મેઘદૂત પર લખાયેલી સુબોધિકા નામની ટીકામાં આનો ઉલ્લેખ છે. કોઈ આ પ્રસંગ ઉજ્જયિની રાજકન્યા સાથે બન્યો તેમ કહે છે, તો કોઈ કહે છે કે કન્યાએ કાલિદાસને ઠપકો આપી તગડી મૂક્યો. તો કોઈ નોંધે છે કે કન્યાએ જ કાલીની ઉપાસનાનો માર્ગ બતાવ્યો. એક વાત જરૂર સાચી કે પ્રિય પત્નીનો ઉપાલંભ પતિને મહાકવિ બનાવી દે તેવું હિન્દીના મહાન સંતકવિ તુલસીદાસના જીવનમાં બનેલું નોંધાયું છે ખરું અને કાલિદાસ રાજકુળથી પરિચિત હશે એમ પણ તેની કૃતિઓ પરથી લાગે છે. બાકી આ દંતકથા એક દંતકથા જ છે. ઈતિહાસની આરસીમાં તેનું પ્રતિબિંબ સફળતાથી ઝીલી શકાય તેમ નથી.

ડૉ. કુન્હન રાજાએ કાલીની કૃપા માટેની કથા કાંઈક જુદી જ નોંધી છે. કાલિદાસ બાળપણમાં બેવકૂફ હતા અને તેનાં લગ્ન બાદ પત્ની તેઓની મૂર્ખામી માટે હંમેશ મેણાં મારતી. આથી તેઓ માતા કાલીના મંદિરમાં જઈને મૂર્તિ સામે બેસી ગયા. રોજના નિયમ મુજબ માતા રાત્રે શિકાર માટે બહાર ગયાં ત્યારે તેઓએ અંદરથી બારણાં બંધ કરી દીધાં. પાછા ફરી બારણાં બંધ જોતાં કાલીએ ‘અંદર કોણ છે ?’ એવો પ્રશ્ન કર્યો. જવાબમાં ‘બહાર કોણ છે ?’ એવો સામો પ્રશ્ન કાલિદાસે કર્યો. માતાએ પોતે કાલી છે એવો જવાબ આપ્યો. અંદરથી ઉત્તર આવ્યો કે અંદર કાલિદાસ (માતા કાલીનો સેવક) છે અને બારણાં ખોલી નાખ્યાં. માતા ખુશ થઈ ગઈ અને તેમની ઈચ્છા મુજબ વરદાન આપ્યું. પરિણામે કાલિદાસ મહાન કવિ થઈ ગયા. આમ, તેનું નામ કાલી+દાસ (માતા કાલીનો સેવક) સમજાવવા માટે અનેક કથાઓ ઘડી કાઢી હોય તેમ લાગે છે. વળી, કેટલાક કાલિદાસ એ તો pen name – તખલ્લુસ છે એમ પણ માને છે.

બીજી દંતકથા મુજબ કાલિદાસનું મૃત્યુ સિંહલદ્વીપ (શ્રીલંકા)માં થયું હતું. જે રાજકુમારીએ તેઓને દેવીની ઉપાસના કરાવી વિદ્વાન બનાવ્યા તેને તેઓ માતા માનવા લાગ્યા. આથી ગુસ્સે થઈને તેણે શાપ આપ્યો કે તેઓનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થશે. આ પછી કાલિદાસ વિષયી બની ગયા અને સ્ત્રીઓના સંગમાં જીવન વ્યતીત કરવા લાગ્યા. એકવાર એ સિંહલદ્વીપમાં તેના મિત્ર રાજા કુમારદાસને મળવા ગયા અને તે એક વેશ્યાને ત્યાં રહ્યા. રાજાને ખબર પડતાં કાલિદાસની શોધ માટે સમસ્યાપૂર્તિ જાહેર કરી કે –
कमले कमलोत्पति: श्रूयते न तु दश्यते ।
(કમળમાંથી કમળ ઉત્પન્ન થાય છે એવું સંભળાય છે, પણ દેખાતું નથી.) વેશ્યાએ આ પંક્તિ કાલિદાસ સમક્ષ પ્રસંગોપાત ઉચ્ચારી અને તરત શીઘ્રકવિ કાલિદાસે કહ્યું :
बाले तव मुखाम्भोजे कथमिन्दीवरद्वयम ।।
(હે બાલા, તારા મુખકમળ પર બે (નેત્રરૂપી) નીલકમળ ક્યાંથી આવ્યાં ?) સમસ્યાપૂર્તિ થઈ ગઈ અને મોટા ઈનામની લાલચે વેશ્યાએ કાલિદાસનું ખૂન કર્યું. ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ કહે છે કે આજે પણ સિંહલદ્વીપમાં માટર નામના દક્ષિણના પ્રાન્તમાં કિરિન્દી નદીને કાંઠે જ્યાં કાલિદાસની ચિતા બળી હતી તે સ્થળ બતાવવામાં આવે છે.

कविचरित्र માં એક દંતકથા આપવામાં આવી છે. એક પ્રસંગે સરસ્વતીદેવી એક સુંદર યુવતિનું સ્વરૂપ લઈને કંદુકથી રમવા લાગી. ભવભૂતિ, દંડી અને કાલિદાસે આ યુવતીનું વર્ણન પોતપોતાની શૈલીમાં કર્યું. ભવભૂતિએ વર્ણન કરતાં કહ્યું કે : ‘હે કન્દુક, તારું હૃદય જણાઈ ગયું છે. સુંદર યુવતિના કરકમળથી પ્રહાર પામીને નીચે વારંવાર પછડાતો હોવા છતાં, દયિતાના અધરનો લોભી હોય તેમ ફરીથી ઊંચે ઊછળે છે.’ દંડીએ આ પ્રસંગને આ પ્રમાણે વર્ણવ્યો : ‘આ કંદુક એક હોવા છતાં જાણે કે ત્રણ હોય તેમ લાગે છે. (હાથમાં હોય ત્યારે) રમણીની હથેળીની રતાશથી રક્ત, જમીન પર તેનાં ચરણનખનાં શ્વેત કિરણોથી શ્વેત અને અવકાશમાં નેત્રનાં નીલકિરણોથી નીલ જણાય છે. કાલિદાસે નીચેનો શ્લોક રચ્યો :

पयोधराकारधरो हि कन्दुकः करेण रोषादभिहन्यते मुहु: ।
इतीव नेत्राकृतिभीतम्त्पलं स्त्रियः प्रसादाय पतात पादयो: ।।

કંદુક પયોધર (સ્તન) જેવો આકાર ધરાવતો હોવાથી, રોષપૂર્વક વારંવાર હાથથી પ્રહાર પામે છે. એમ માનીને નેત્ર સાથે સામ્યતા ધરાવનાર કમળ જાણે કે ડરીને સુંદરીને પ્રસન્ન કરવા તેના પગે પડ્યું. આ દંતકથા પ્રમાણે દંડી, ભવભૂતિ અને કાલિદાસ સમકાલીન ઠરે છે. વાસ્તવમાં ઐતિહાસિક દષ્ટિએ આની શક્યતા નહિવત છે. બીજી એક દંતકથા પ્રમાણે દંડી અને કાલિદાસ વચ્ચે પોતપોતાની શ્રેષ્ઠતા વિશે વાદવિવાદ થતાં સરસ્વતીએ પ્રગટ થઈને નિર્ણય આપ્યો કે :
‘કવિ દંડી, કવિ દંડી, કવિ દંડી… તેમાં કોઈ શંકા નથી.’
એટલે કાલિદાસે ગુસ્સે થઈને પૂછ્યું કે : ‘હે મૂઢા ! તો કહે હું કોણ ?’
ત્યારે સરસ્વતીએ ઉત્તર આપ્યો કે : ‘તું તો હું જ છું. એમાં શંકા નથી.’

ભોજપ્રબંધ નીચેની એક દંતકથા આપે છે.
મૃગયાએ નીકળેલો ભોજરાજા થાકીને જંગલમાં જ સૂઈ ગયો. સવારે ઊઠતાં અસ્તાચળ પર ચંદ્રબિંબને જોઈને તેઓને આ પંક્તિ સ્ફૂરી : ‘चरमगिरिनितम्बे चन्द्रबिम्बं ललम्बे ।’ અને તેમણે ભવભૂતિ, દંડી અને કાલિદાસને બાકીની પંક્તિઓ પૂરી પાડવાનું કહ્યું. ભવભૂતિએ કહ્યું :
अरुणकिरणजालैरन्तरिक्षे गवाक्षे
દંડીએ કહ્યું-
चलति शिशिरवाते मन्दमन्द प्रभाते ।
કાલિદાસે કહ્યું-
युवतिजनकदम्बे नाथमुतकौष्ठबिम्बे ।
અને આમ શ્લોક પૂરો થયો. આખા શ્લોકનો અનુવાદ આમ થાય છે : ‘અંતરિક્ષના ગવાક્ષમાં જ્યારે અરુણ કિરણો આવ્યાં, પ્રભાતે ઠંડો પવન વહેવા લાગ્યો, પતિથી યુવતિઓનાં ઓષ્ઠબિંબ મુક્ત કરાયાં, ત્યારે ચંદ્રબિમ્બ અસ્તાચળે ઝળુમ્બ્યું.’ એક દંતકથામાં કહેવાયું છે કે મહાકવિ કાલિદાસ, બાણ અને રાજા ભોજ એક દિવસ ફરવા નીકળ્યા હતા. આ સમયે કાલિદાસ ભોજ રાજાના જમણા હાથ તરફ અને બાણ ડાબા હાથ તરફ ચાલતા હતા. બાણને ગમ્મત કરવાનું મન થયું. તેઓએ પોતાનું મહત્વ દર્શાવવા ડાબા હાથનું વર્ણન કરવા માંડ્યું કે : ‘આ ડાબો હાથ દુશ્મનનું માથું પકડે છે, વેગથી દોડતા ઘોડાની લગામ ખેંચે છે, રણભૂમિમાં ધનુષ્યખેંચીને તે આગળ થાય છે. વળી તે નથી જુગાર રમતો, નથી ચોરી કરતો કે નથી સોગન ખાતો…..’ આમ કહી બાણ ડાબો હાથ જમણા હાથ કરતાં વધુ સારો છે એવું કાંઈક છેલ્લી પંક્તિમાં કહેવા જાય ત્યાં તો કાલિદાસે કહી દીધું કે :
‘दानानुधमतां विलोक्य विधिना शौचाधिकारी कृतः ।’
‘દાન આપવા માટે તે પ્રવૃત્ત થતો નથી માટે બ્રહ્માએ તેને શૌચાધિકારી બનાવ્યો છે.’ બાણનો બધો જ પ્રયત્ન કાલિદાસે તરત નિષ્ફળ બનાવીને જમણા હાથની ઉત્તમતા સિદ્ધ કરી દીધી અને એ પણ એક જ પંક્તિમાં.

કથાસાહિત્યમાં કાલિદાસ અને ભવભૂતિને સમકાલીન દર્શાવવામાં આવ્યા છે કે કાલિદાસ સુવિખ્યાત સર્જક થઈ ચૂક્યા હતા ત્યારે ભવભૂતિ એક ઉદીયમાન કલાકાર હતા. તેઓ પોતાનું ઉત્તરરામચરિત નામનું નાટક લખીને મહાકવિ કાલિદાસ પાસે માર્ગદર્શન અને અભિપ્રાય લેવા ગયા. કાલિદાસ એ સમયે ચોપાટની રમત રમતા હતા. તેમણે ભવભૂતિને તેમનું લખેલું નવું નાટક વાંચવા કહ્યું. કાલિદાસ ચોપાટ રમતા ગયા અને ભવભૂતિ ઉત્તરરામચરિત વાંચતા ગયા. નાટક આખું વંચાઈ ગયું. કાલિદાસે ભવભૂતિની કાવ્યકલાની પ્રશંસા કરી. ભવભૂતિએ આગ્રહપૂર્વક કોઈ સુધારો સૂચવવા વિનંતી કરી ત્યારે કાલિદાસે કહ્યું, ‘આમ તો બધું બરાબર છે પણ એક શ્લોકમાં થોડુંક સુધારવું પડે તેમ છે.’
‘ક્યા શ્લોકમાં ?’ ભવભૂતિએ પૂછ્યું.
કાલિદાસે બતાવ્યું –
किमपि किमपि मन्दं मन्दमासक्तियोगा-
द्विरलितकपोलं जल्पतोरक्रमेण ।
अशिथिलपरिरम्भव्यापृतैकैकदोष्णो-
रविदितगतयामा रात्रिरेवं व्यरंसीत ।। – ઉત્તરરામચરિત 1-27
આ શ્લોકના ચોથા ચરણમાં જે रात्रिरेवं व्यसंसीत પાઠ છે ત્યાં एवं માંથી અનુસ્વાર દૂર કરી रात्रि एव व्यरंसीत એવો પાઠ લેવો જોઈએ.’ આ શ્લોકમાં રામ સીતા પાસે ભૂતકાળની સ્મૃતિ વાગોળી રહ્યા છે. ત્યાં તેઓ કહી રહ્યા છે કે ગોદાવરીના તટે આપણે હતા ત્યારે રાત્રે એકબીજાની અતિ નિકટ આવ્યા હતા. ગાલથી ગાલ અડકાડ્યા હતા, કોઈક ક્રમ વિનાનું બોલતા હતા. એકબીજાના હાથ ગાઢ આલિંગનમાં ગૂંથાયા હતા અને આ પ્રકારે- આ રીતે (एवम) આપણી રાત પસાર થઈ ગઈ તે ખબર ન પડી. કાલિદાસે જે एवम ના સ્થાને एव મૂકવાનું સૂચવ્યું એથી અર્થ બદલાઈ ગયો કે આમ કેવળ (एव) રાત્રિ જ પસાર થઈ ગઈ (આપણો પરસ્પરનો રસ કે આનંદ પૂરો ન થયો.) અહીં ફક્ત એક અનુસ્વાર અર્થાત બિંદુના પરિવર્તનથી કમનીય કવિતા સર્જાઈ ગઈ. અલબત્ત, આ દંતકથામાં કવિતા છે, વાસ્તવિકતા નથી.

કહેવાય છે કે મહાકવિ કાલિદાસને પોતાના આશ્રિત રાજા ભોજના દરબારમાં અનેક વર્ષો વીતી ગયા. એના પ્રત્યે રાજા ભોજને એટલું બધું તો માન થઈ ગયું હતું કે જેથી નવો કોઈ પણ કવિ આવે તે ખાસ માનસન્માન પામે નહિ. આનાથી કંટાળીને ચાર વૃદ્ધ દરબારીઓએ વિચાર્યું કે આપણે કોઈ યુક્તિ કરીને આ કાલિદાસને અહીંથી દૂર કરવા જોઈએ. પરસ્પર વિચાર વિનિમય કરી તેઓએ નક્કી કર્યું કે આપણે સંન્યાસ લઈએ અને કાલિદાસ પણ આપણી ઉંમરના છે માટે રાજાને કહીએ કે એ પણ અમારી સાથે સંન્યાસ લે. જો રાજા આ બાબતમાં સંમતિ આપે તો કાલિદાસ સંન્યાસી થઈ જાય. પરિણામે કવિઓની ભાવિ પેઢી માટે અને ખાસ કરીને તેઓના દીકરાઓ માટે ઉન્નતિનો માર્ગ મોકળો થઈ જાય. રાજા ભોજ પાસે જ્યારે આ પ્રસ્તાવ ગયો ત્યારે એ ભોળા રાજાએ વાત સ્વીકારી લીધી અને કાલિદાસ માટે ચતુર્થ આશ્રમમાં પ્રવેશવાની ઉજ્જવલ તક આવી તે બદલ કાલિદાસને અભિનંદનપૂર્વક અનુજ્ઞા આપી. હવે કાલિદાસ અને બીજા ચાર વૃદ્ધ દરબારીઓ ગંગા કિનારે વારાણસી પહોંચ્યા અને કોઈક સંન્યાસીનો આશ્રમ શોધી કાઢ્યો. પછી પાંચને સંન્યાસી બનાવવા માટે આશ્રમના અધિપતિને વિનંતી કરી. પેલા આશ્રમના અધિપતિએ પાંચેને તેમની વિનંતી બદલ આવકાર્યા અને સૂચન કર્યું કે આવતી કાલે સવારે દરેકે પોતાના હૃદયની અંતિમ ભાવનાને વ્યક્ત કરતો એક એક શ્લોક લખી લાવવો.

બીજે દિવસે સવારે ઉંમરમાં સહુથી વૃદ્ધ એવા દરબારીએ આવીને ઉલ્લાસભેર શ્લોક સંભળાવ્યો, જેનો અર્થ કંઈક આમ હતો : ‘ક્યારે હું વારાણસી નગરીમાં, ગંગાના કિનારે રહેતો, કૌપીન ધારણ કરતો, માથા ઉપર બે હાથ જોડીને ઊભો રહી ‘હે ગૌરીનાથ ! હે ત્રિપુરહર ! હે શંભુ ! હે ત્રિનયન ! મારી પર કૃપા કરો’ એમ મોટેથી વિનંતી કરતો કરતો (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની જેમ પસાર કરી શકીશ ?’ આ સાંભળીને આશ્રમના અધિપતિ સંન્યાસી ખુશ થઈ ગયા અને એને સંન્યાસની દીક્ષા આપી દીધી. પછી બીજા દરબારીનો વારો આવ્યો. તેણે પોતાના હૃદયની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે : ‘ક્યારે હું અયોધ્યામાં નિર્મળ સરયુનદીના કિનારે જનકરાજાની દીકરી સીતા અને લક્ષ્મણની સાથે વિહાર કરતા રામને ‘હે રાજા રામ ! હે જનકની પુત્રીના પ્રેમી ! હે વિભુ ! મારી પર કૃપા કરો.’ એમ મોટેથી, વિનંતી કરતો (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની જેમ પસાર કરી શકીશ ?’ આની ભાવના જોઈને આશ્રમના અધિપતિએ એને સંન્યાસની દીક્ષા આપી દીધી. હવે ત્રીજા દરબારીનો વારો આવ્યો. તેણે પોતાની અંતિમ ઈચ્છા પ્રકટ કરી : ‘ક્યારે હું વૃંદાવનમાં નિર્મળ યમુના નદીના કિનારે બલરામ, સુદામા વગેરે સાથે વિહાર કરતા શ્રીકૃષ્ણને ‘હે શ્રીકૃષ્ણ ! હે નાથ ! હે મધુર મુરલીવાદક ! હે વિભુ ! મારી પર કૃપા કરો’ એમ મોટેથી વિનંતી કરતો હું (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની જેમ પસાર કરી શકીશ ?’ આની ભાવના જોઈને પ્રસન્ન થયેલા આશ્રમના અધિપતિએ એને પણ સંન્યાસની દીક્ષા આપી દીધી. હવે ચોથા દરબારીનો વારો આવ્યો. એણે પોતાની ઈચ્છા દર્શાવી કે : ‘ક્યારે હું વૈકુંઠમાં, નિર્મળ વિરજા નદીને કાંઠે, સાગરની દીકરી લક્ષ્મી અને નારદ સાથે ફરતા શ્રી વિષ્ણુને ‘હે વિષ્ણુ ! હે નાથ ! હે લક્ષ્મીના વલ્લભ ! હે વિભુ ! મારી પર કૃપા કરો’ એમ મોટેથી વિનંતી કરતો કરતો (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની જેમ પસાર કરી શકીશ ?’ આ ચોથા દરબારીની ભાવનાથી પ્રસન્ન થઈને આશ્રમના અધિપતિએ એને પણ દીક્ષા આપી દીધી. હવે ઉંમરમાં સરખામણીમાં સહુથી યુવાન કાલિદાસનો વારો આવ્યો. આશ્રમના અધિપતિએ એની સામે જોયું અને આ પેલા ચારે ઘરડાઓની કપટ યુક્તિને જાણી લેનાર કાલિદાસે શ્લોક ઉચ્ચાર્યો કે –
कदा कान्तागारे परिमलमिलत्पुष्पशयने
शयानः श्यामायाः कुचयुगमहं वक्षसि वहन ।
अये स्त्रिग्धे मुग्धे चपलनयने चन्द्रवदने
प्रसीदेत्याक्रोशन्निमिषमिव नेष्यामि दिवसान ।।
‘ક્યારે મારી પ્રિયાના નિવાસસ્થાનમાં અત્તરથી યુક્ત ફૂલની પથારીમાં સૂતેલો, શ્યામા-યુવાન સુંદરીના વક્ષઃસ્થળને મારી છાતી પર ધારણ કરતો ‘હે પ્રિયે ! હે મુગ્ધા ! હે ચંચળ નેત્રોવાળી ! હે ચંદ્રમુખી ! તું મારી પર પ્રસન્ન થા’ એમ મોટેથી બોલતો હું (મારા જીવનના બાકીના) દિવસો એક ક્ષણની માફક પસાર કરી શકીશ ?’ આ શ્લોકની ભાવના સાંભળતા જ આશ્રમના અધિપતિના મનમાં ક્રોધનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે તો ડંડો ઉપાડ્યો, બે-ચાર ચોપડાવી દીધી અને કાલિદાસને આશ્રમમાંથી બહાર ધકેલી દીધો. કાલિદાસને તો જોઈતું હતું તે વૈદ્યે કર્યું જેવી દશા થઈ. એ તો હસતા હસતા રાજાના દરબારમાં પાછા પહોંચ્યા. પેલા વૃદ્ધ દરબારીઓના પુત્રોને પોતાના વડીલોની યુક્તિ નિષ્ફળ ગયાનો વસવસો રહી ગયો.

આમ દંતકથાઓમાં કાલિદાસ, બાણ, ભવભૂતિ વગેરે અનેક કવિવરોને એક સમયે થયેલા વર્ણવ્યા છે, જે ક્યારેય માન્ય રાખી શકાય નહિ. વાસ્તવમાં દંતકથાના દીવાથી કાલિદાસનો જીવનપંથ પ્રકાશિત થતો નથી. ત્યારે ‘कालिदासश्च स्वयं शृंगारी’ કહી દેનાર સ્થિરદેવ કે દિકનાગ અને નિચુલનો તે સમકાલીન છે એમ દર્શાવનાર મલ્લિનાથ જેવા ટીકાકારો પણ તેના જીવનને લગતી માન્ય રાખી શકાય તેવી માહિતી પૂરી પાડતા નથી. જ્યાં લેખક પોતે માહિતી ન આપે ત્યાં તેના સમયના અન્ય લેખકની તેના વિશેની નોંધ કામ આપે. પણ કાલિદાસની બાબતમાં એવું બન્યું નથી. આ બધું ન હોય ત્યારે શિલાલેખ, સિક્કા વગેરે સામગ્રી કામ આપે તે પણ કાલિદાસ માટે મળતી નથી. કાલિદાસના જન્મસ્થાનની બાબતમાં પણ વિદ્વાનોમાં મતભેદ છે. બંગાળીઓ માને છે કે કાલિદાસનો જન્મ મુર્શિદાબાદના ‘ગડ્ડા સિંગરૂ’ નામના ગામમાં થયો હતો. દિલ્હી યુનિવર્સિટીના પ્રો. લક્ષ્મીધર કલ્લા માને છે કે કાલિદાસનો જન્મ કાશ્મીરમાં થયો હતો. શ્રીમતી કમલારત્નમ તેને હિમાલયના કાવીઠા ગામનો કહે છે. તો ડૉ. પી. એન. કવઠેકર તેનું બાળપણ ઉજ્જૈન નજીક વીત્યું હશે તેમ કહે છે. એફ.જી. પિટર્સને કાલિદાસને વિદર્ભમાં જન્મેલો બતાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. પ્રો. પરાંજપે તેને વિદિશાનો માનવા પ્રેરાય છે, જ્યારે અનેક વિદ્વાનો તેનો ઉજ્જૈન-પ્રેમ જોઈને તેની જન્મભૂમિ નહિ તો કર્મભૂમિ ઉજ્જૈન છે એવું માને છે.

લેખકના જીવન અને દર્શનનું આછું પાતળું પ્રતિબિંબ તેઓની કૃતિઓમાં પડે છે એમ માનીને કાલિદાસના જીવન વિશે થોડી માહિતી તેઓની કૃતિઓ પરથી તારવી શકાય કે કાલિદાસ જાતે બ્રાહ્મણ હશે, ધર્મે શૈવ હશે. એ શિવના ઉપાસક હશે, કારણ કે તેઓનાં નાટકોની નાન્દીમાં શિવની સ્તુતિ છે. છતાં બ્રહ્માની કુમારસંભવમાં અને વિષ્ણુની રઘુવંશમાં સ્તુતિ આપી હોવાથી તેઓ ધર્માંધતાની સંકુચિત ભાવના કે વાડાઓની બેડીઓથી પર હશે. તેઓએ વેદ, ઉપનિષદ, દર્શનગ્રંથો, ધર્મશાસ્ત્રો, સ્મૃતિઓ, પુરાણો, રામાયણ, મહાભારત વગેરે તે સમયના ઉપલબ્ધ સાહિત્યનો પૂરતો અભ્યાસ કર્યો હશે. વ્યાકરણ, છંદ, જ્યોતિષ વગેરેનો પણ તેઓનો ઊંડો અભ્યાસ હશે. સંગીત, નૃત્ય, ચિત્ર, નાટ્ય વગેરે કલાઓથી તેઓ સુપરિચિત હશે. રાજદરબારના રીતરિવાજો, નીતિનિયમો તેમજ દૂષણો અને ભૂષણોથી તેઓ જ્ઞાત હશે. સેનાપતિ કે સૈનિક, સખી કે મહર્ષિ, મિત્ર કે મદન સહુના સ્વભાવોનું સુંદર ચિત્રણ તેઓ કરી શકે છે. તેઓએ ભારતભરમાં લાંબો પ્રવાસ ખેડ્યો હશે એમ રઘુના દિગ્વિજય, રામના વિમાનપ્રવાસ અને મેઘમાર્ગના વર્ણન પરથી માની શકાય છે. તેમને સૌંદર્ય- પછી તે સ્ત્રીનું હોય કે પ્રકૃતિનું- પેટ ભરીને જોવાની દષ્ટિ હશે. તેઓને બાળકો તરફ વાત્સલ્ય હશે; ધર્મ તરફ અનુરાગ, સમાજ તરફ સ્નેહ અને કુટુંબ તરફ પ્રેમ હશે. તેઓ મિત્રનો હંમેશ આદર કરતા હશે અને ફરજ તરફ હંમેશ સભાન હશે. પ્રસન્ન દામ્પત્યને તેઓએ અવશ્ય માણ્યું હશે. વધુ તો શું, પણ એમ કહી શકાય કે તેઓએ જીવનનું દર્શન સમગ્રતાથી અને તેનું વિવેચન સૌંદર્યલક્ષી દષ્ટિથી કર્યું હશે. તેઓએ ભારતીય સંસ્કૃતિના વારસાને પચાવ્યો હતો, પોતાનો બનાવ્યો હતો, સમૃદ્ધ કર્યો હતો અને પહેલાં કરતાં પણ વધુવ્યાપક રીતે રજૂ કર્યો હતો. આથી જ તો સંસ્કૃત સાહિત્યના નંદનવનમાં વ્યાસ અને વાલ્મીકિ જેવાં કલ્પવૃક્ષોની વચ્ચે યુગોથી કાલિદાસ પારિજાત માફક પોતાનો પમરાટ પ્રસરાવે છે.

કાલિદાસની કૃતિઓનું પરિશીલન કરતાં સ્પષ્ટ જણાય છે કે તેઓ પ્રત્યેક ધર્મ કે વાદ તરફ સમભાવી અને સહિષ્ણુ હોવા છતાં ભગવાન શિવના અંતરથી ભક્ત હશે. તેઓનું નામ કાલિદાસ અને દંતકથાઓમાં તેઓને કાલીના દાસ બતાવ્યા છે. છતાં તેઓની કૃતિઓમાં કાલી શિવના વરઘોડામાં કેવળ એકવાર ઉલ્લેખ પામે છે. બાકી ત્રણે નાટકોની નાન્દીમાં કે ‘રઘુવંશ’ જેવા મહાકાવ્યના આરંભમાં એ ભક્તિનમ્ર બની શિવનું જ સ્મરણ કરે છે. અલબત્ત, ‘કુમારસંભવ’ના બીજા સર્ગમાં વિષ્ણુની તેઓએ કરેલી સ્તુતિ તેમના અન્ય દેવ પ્રત્યેના સદભાવની દ્યોતક છે. તેઓના સમયમાં ત્રિમૂર્તિનો સિદ્ધાંત અને ત્રણે દેવ એક જ છે એ ભાવના પ્રચલિત હતી એમ તેઓની કૃતિઓમાં થયેલ નિર્દેશો પરથી સિદ્ધ થાય છે. વેદની મહત્તા અને ઉપનિષદોના તત્વજ્ઞાનથી તેઓ સુપરિચિત હતા. નૃત્ય, ગીત, સંગીત, ચિત્ર, સ્થાપત્ય વગેરે કળાઓ કે વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર વગેરે શાસ્ત્રોથી એ સુપરિચિત હતા. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં મહાકાવ્યો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર અથવા ‘મનુસ્મૃતિ’ના સિદ્ધાંતો તેઓથી અજ્ઞાત ન હતા. આથી તેઓ મૂર્ખ હતા, ઊભા હતા તે જ ડાળી કાપતા હતા, પાછળથી કાલીની કૃપાથી વિદ્વાન થયા વગેરે દંતકથાઓમાં કોઈ તથ્ય નથી.

રઘુનો દિગ્વિજય, રામનું લંકાથી અયોધ્યા સુધીનું આગમન અને રામગિરિથી અલકા સુધીનો મેઘમાર્ગ; આ બધું જોતાં એમ કહી શકાય કે તેઓએ ભારતભરમાં વ્યાપક પ્રવાસ કર્યો હશે. વળી, અન્ય દ્વીપથી વાતા પવનોનો તેઓએ કરેલો ઉલ્લેખ એ સિલોન, જાવા, સુમાત્રા જેવા દ્વીપોથી પરિચિત હશે તેની સાખ પૂરે છે. આમ છતાં મધ્યભારતના ભૂમિભાગો, નાનીનાની નદીઓ, વહેળાઓ (જેમાંની નવનદી કે નગનદી તો આજ લુપ્ત થઈ ગઈ હોવાથી સંશોધનનો વિષય બની ગઈ છે) કે ‘મેઘદૂત’માં મળતી જનજીવનની ઝીણવટભરી નોંધ એવું માનવા પ્રેરે છે કે તેઓને આ ભાગનો વધુ ગાઢ પરિચય હતો. કદાચ તેઓ ત્યાં બહુ ઘૂમ્યા હોય અથવા ત્યાં કોઈક ભાગમાં જન્મ્યા હોય. તેઓએ પ્રકૃતિના સૌંદર્યનું મન ભરીને પાન કર્યું હતું. જો તેઓની કૃતિઓમાંથી પ્રકૃતિના સઘળા સંદર્ભો દૂર કરીએ તો કદાચ એ વાંચવાયોગ્ય પણ ન રહે – એટલા બધા એ પ્રકૃતિમય હતા ! જીવનની તડકી-છાંયડી તેઓએ જોઈ હશે, છતાં રાજદરબારના વ્યવહારની તેઓની સૂક્ષ્મ સૂઝ એમ માનવા પ્રેરે છે કે તેમને કોઈ રાજ્યાશ્રય મળ્યો હોય તો નવાઈ નહિ, તેઓએ સંધિવિગ્રાહક અથવા રાજદૂત તરીકે સેવાઓ આપી હતી એવો પણ એક મત છે ખરો. બીજી બાજુ તેઓની કૃતિઓમાં મળતી ઉદાત્તતા જોઈને કવિવર રવીન્દ્રનાથ ઠાકૂરે તેમને રાજસભાના નહીં પરંતુ ‘શિવસભાના કવિ’ તરીકે નવાજ્યા છે.

[ કુલ પાન : 331 (પાકું પૂઠું). કિંમત રૂ. 180. પ્રાપ્તિસ્થાન : સંસ્કૃત સાહિત્ય અકાદમી. જૂનું વિધાનસભા ભવન, સેક્ટર-17, ગાંધીનગર-382017. ફોન : +91 79 23256797/98.]

[poll id=”44″]

Leave a Reply to Mohin mandaviya Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “મહાકવિ કાલિદાસનું જીવન – ગૌતમ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.