અક્ષરની આકાશગંગા – દિનકર જોષી

[ આદરણીય સાહિત્યકાર દિનકરભાઈ જોશીની કલમે લખાયેલા સર્જકોના જીવન વિશેના મનનીય લેખો તેમજ રમૂજી પ્રસંગોના સુંદર પુસ્તક ‘અક્ષરની આકાશંગા’માંથી કેટલાક પ્રસંગો અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપ શ્રી દિનકરભાઈનો આ સરનામે dinkarmjoshi@rediffmail.com અથવા આ નંબર પર +91 9969516745 સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નહિ, દોસ્ત !

ચંદ્રવદન ચીમનલાલ મહેતા – એટલે કે ચં.ચી. તરીકે ઓળખાતા આ મહાનુભાવ અલગારી જીવ હતા. ખરું કહીએ તો એ આ દુનિયા બહારના માણસ હતા. એમના લગ્ન વિલાસ નામની કન્યા જોડે થયા હતા. ચંચીને આ લગ્ન પછી જામ્યું નહીં. ઊલટું ચંચીનો જ એક મિત્ર ચંચીની પત્ની વિલાસના પ્રેમમાં પડી ગયો. વિલાસ પણ આ મિત્રનાં પ્રેમમાં પડી ગઈ. ચંચીને આની ખબર પડી. એણે પત્નીદ્રોહનાં કોઈ કાવ્યો ન લખ્યા, મિત્રદ્રોહ સામે તલવાર ન વીંઝીં. ઊલટું પત્નીને લઈને ચંચી વડોદરા ગયા. મિત્રને મળ્યા. બેયની સંમતિ મેળવીને પોતે વિલાસ જોડે છૂટાછેડા લીધા અને વિલાસને પોતે સુખી ન કરી શક્યા તો કંઈ નહીં, હવે આ રીતે એને સુખી કરવામાં પોતે નિમિત્ત તો બન્યા એનો સંતોષ લીધો.

આ પછી વરસો વીતી ગયાં. ચંચી વિદેશ જતા રહ્યા. વરસો પછી વિદેશથી પાછા આવ્યા ત્યારે પૂર્વજીવનની પત્ની વિલાસ હૉસ્પિટલના બિછાના પર છેલ્લા શ્વાસ લઈ રહી હતી. ચંચી ત્યાં પહોંચી ગયા. ચંચીનો પેલો મિત્ર અને વિલાસનો વર્તમાન પતિ પણ ત્યાં ઢગલો થઈને બેઠો હતો. વિલાસ ભાનમાં હતી. એણે ચંચીને જોયા. એક હાથ એણે ચંચીના હાથમાં મૂક્યો અને બીજો હાથ પેલા વર્તમાન પતિના હાથમાં મૂક્યો અને પછી પ્રાણ છોડી દીધો. આ મૃત્યુ વિલાસનો પતિ સહી ન શક્યો. એ છૂટ્ટા મોઢે રડી પડ્યો અને બાજુમાં જ બેઠેલા ચંચીના ખભા પર એણે માથું ઢાળી દીધું. જરાય અસ્વસ્થ થયા વિના ચંચીએ એનો ખભો થપથપાવ્યો અને શાંતિથી કહ્યું – ‘રડ નહિ દોસ્ત ! તારા માટે હું બીજીવાર પરણીશ.’

[2] થાય તે કરી લો !

ઈ.સ. 1960માં વિલૅપાર્લામાં એક વાર્તાકાર સંમેલન યોજાયેલું. શ્રી ઉમાશંકર જોશી એમાં અધ્યક્ષસ્થાને હતા. સવારની બેઠક રંગેચંગે પૂરી થઈ. બીજી બેઠક સાંજે ચાર વાગે શરૂ થઈ. ઉમાશંકરભાઈ સમયસર આવ્યા નહીં. અર્ધો કલાક રાહ જોયા પછી આ બેઠક, એમની અવેજીમાં દર્શકે કામ સંભાળ્યું અને શરૂ થઈ. પાંચ વાગે ઉમાશંકરભાઈ આવ્યા. હકડેઠઠ્ઠ ભરાયેલા સભાખંડની એમણે ક્ષમા માગી અને ખુલાસો કર્યો કે એમની આંખે હમણાં તકલીફ થતી હતી. એટલે બપોરના સમયે આંખની તપાસ માટે ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટરે નિર્ધારિત સમયે તપાસ્યા નહીં. ત્યાં અણધાર્યું રોકાણ થયું. પોતે સમય ચૂકી ગયા એ માટે એમણે દિલગીરી વ્યક્ત કરી.

પણ શ્રોતાઓ પૈકી એક જણ – ઘણું ખરું ભાઈ શ્રી શંકર પંડ્યાએ ઉમાશંકરભાઈની ક્ષમાનો સ્વીકાર ન કર્યો. એમણે આગ્રહ કર્યો કે જે સંસ્થા અને જે શ્રોતાઓએ એમને અહીં નોતર્યા હતા, એમના પ્રતિ ઉમાશંકરભાઈની પ્રથમ ફરજ હતી. આંખની સારવાર એ એમનો અંગત પ્રશ્ન હતો અને આ અંગત પ્રશ્નના ઉકેલ માટે એમણે શ્રોતાઓના સમયનો ભોગ લેવો ન જોઈએ ! આ દલીલમાં તર્ક હતો એટલે ઉમાશંકરભાઈએ એનો સ્વીકાર કર્યો અને પુનઃ ક્ષમા માંગતા કહ્યું કે એમનો ઉદ્દેશ તો વચલા સમયનો ઉપયોગ કરવાનો જ હતો. પણ એકવાર ડૉક્ટર પાસે ઉપસ્થિત થયા પછી એમની તપાસ ચાલતી હોય ત્યારે એને અધવચ્ચે છોડી શકાય નહીં. એટલે અણધાર્યું મોડું થઈ ગયું ! આમ છતાં શ્રી શંકરભાઈને સંતોષ ન થયો. એમણે ઉમાશંકરભાઈનો ખુલાસો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. હવે ઉમાશંકરભાઈના ધૈર્યનો અંત આવી ગયો. એમણે પોતાની આગવી ઉમાશંકરસાઈ રીતે સૌમ્યતાથી પણ મક્કમતાથી કહ્યું – ‘જુઓ ભાઈ ! હું ક્ષમા માગું છું. તમે ક્ષમા આપી શકો તો સારી વાત છે ! ન આપી શકો તોય કંઈ વાંધો નહીં ! તમને રુદ્રરૂપ ધરવાનો અધિકાર છે કેમકે તમારું નામ શંકર છે…. પણ ભૂલશો નહીં કે તમે તો માત્ર શંકર છો…. હું તો ઉમા અને શંકર બેય છું. એટલે જો માફી ન જ આપી શકો તો પછી તમારાથી જે થાય એ કરી લો !’

[3] …અને આમ ‘વેવિશાળ’ લખાઈ

અમદાવાદની એક હૉટેલમાં સર્વ શ્રી ગુણવંતરાય આચાર્ય, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ જોધાણી, અનંતરાય રાવળ અને અન્ય સાહિત્યિક મિત્રો દર રવિવારે સવારે ગપસપ કરવા એકઠા થાય. મેઘાણી તો બોટાદ રહે પણ રવિવારની આ ચા-ઘરની બેઠકમાં હાજરી આપવા બોટાદથી આવે. એકવાર આ બેઠકમાં ગુણવંતરાય આચાર્યે એમના એક સંબંધી પરિવારની કન્યાના વેવિશાળની વાત કરી. વેવિશાળ બાળપણમાં થયેલું પણ પછી કન્યા પક્ષની આર્થિક સ્થિતિ બહુ સુધરી ગઈ અને વર પક્ષ નબળો જ રહ્યો એટલે કન્યાના વડીલોએ આ સંબંધ તોડી નાખવાનું વિચાર્યું પણ કન્યાએ જ સામે ચાલીને પોતાના વડીલોના આ નિર્ણય સામે અણગમો વ્યક્ત કર્યો.

આટલીક અમથી સામાજિક વહેવારની વાતની તે દિવસે ચા-ઘરમાં ચર્ચા થઈ. ચર્ચામાં રંગ ભળ્યો. સહુએ આગ્રહ કર્યો- આટલીક અમથી આ વાત ઉપર ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ અને મેઘાણી ત્રણેય જણ એક એક કૃતિ લખે. ત્રણેય જણે આ વાત સ્વીકારી. આ સ્વીકારનું પરિણામ એટલે ગુણવંતરાયની નવલકથા ‘પુત્ર જન્મ’ ધૂમકેતુની લાંબી વાર્તા ‘બિન્દુ’ અને મેઘાણીભાઈની કીર્તિદા કૃતિ ‘વેવિશાળ’ ! આજે લગભગ પોણોસો વરસ પછીય એવી ને એવી તરોતાજા લાગતી નવલકથા ‘વેવિશાળ’નું બીજારોપણ આમ ચા-ઘરમાં અને એય બીજા કોઈકની વાતમાંથી થયેલું એવું આ કૃતિ વાંચતા માની શકાય એવું છે ? લેખક માટે અનુભવથી વિશેષ સર્જકબળ અનુભૂતિ છે !

[4] મૂળ ધણીની થાપણ

ઘણું ખરું 1967ની સાલમાં દિલ્હીમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થયેલું. પન્નાલાલ પટેલ સાથે ત્યારે પહેલીવાર પ્રત્યક્ષ પરિચય થયો. આ અગાઉ અમે અછડતા પત્ર-વહેવારથી જ માત્ર મળેલા. દિલ્હી પરિષદ ટાંકણે પન્નાભાઈના કાને બહેરાશ આવી ગઈ હતી. ઓછું સાંભળે એટલે આપણને વારંવાર મોટેથી બોલવાનું કહે અને પોતેય મોટેથી બોલે ! એ પછી 1970માં જૂનાગઢમાં સાહિત્ય પરિષદ યોજાઈ ત્યારે ફરીવાર પન્નાભાઈને મળવાનું થયું. આ વખતે કાને સાવ બહેરાશ આવી ગઈ હતી. થેલીમાં એક પ્લાસ્ટીક કે રબ્બરની ભૂંગળી રાખીને ફરે અને કોઈની જોડે વાત કરવી હોય ત્યારે આ ભૂંગળીનો એક છેડો પોતાના કાને રાખીને બીજો છેડો તમારી સામે ધરે એ રીતે વાતચીત થાય ! હું જ્યારે એમને મળ્યો અને ખબરઅંતર પૂછ્યા કે તરત જ એમણે પેલી ભૂંગળી કાઢીને મારા મોં સામે ધરી દીધી – ‘લ્યો, હવે બોલો.’
‘પન્નાભાઈ ! કાન તો સાવ ગયા ! બહુ તકલીફ પડતી હશે !’ મેં સમભાવથી કહ્યું.
‘તકલીફ ? તકલીફ મને તો કંઈયે પડતી નથી, મારે તો જ્યાં સુધી જે સાંભળવું હોય એ સાંભળું અને પછી ભૂંગળી કાઢી નાખું એટલે છુટ્ટો ! તકલીફ તો તમને પડતી હશે !’ એમણે સાવ તટસ્થભાવે કહ્યું અને પછી ઉમેર્યું : ‘જુઓ ભાઈ ! આ કાન, દાંત, આંખ આ બધું આપણી પાસે તો ઈશ્વરની થાપણ છે. મૂળ ધણી એની થાપણ પાછી માગે ત્યારે એને પાછી તો આપવી જ પડે ને ! મારી પાસેથી એણે આ થાપણો પાછી માંગવાની શરૂઆત કાનથી કરી એટલે મેં એ પાછી વાળી દીધી ! એમાં વળી તકલીફ શાની ?’
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

[5] જોડિયા પ્રમુખ

સુરતમાં કોઈ સાહિત્ય મંડળનો કશોક સમારંભ હતો. મંડળના બે મંત્રીઓ વચ્ચે કંઈક ગેરસમજ થઈ ગઈ અને એક મંત્રીએ આ સમારંભનું અધ્યક્ષસ્થાન લેવાનું ચંદ્રવદન ચીમનલાલ મહેતાને આમંત્રણ આપી દીધું અને બીજા મંત્રીએ આ જ સ્થાન માટે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપી દીધું. આ બેય મંત્રીઓ વચ્ચે સભાના દિવસ અને સમય સુધી કોઈ સ્પષ્ટતા પણ ન થઈ. પરિણામે ચં.ચી. મહેતા અને જ્યોતીન્દ્ર દવે બેય સભાસ્થળે પ્રમુખસ્થાન લેવા આવી પહોંચ્યા. હવે જ થયેલા ગોટાળાની સહુને ખબર પડી ! બધાને ધ્રાસકો પડ્યો. હવે શું થશે ? ના કોને પાડી શકાય ? પણ ચંચી અને જ્યોતીન્દ્રે વહેવારુ ઉકેલ કાઢ્યો. બેય જણ એકી સાથે પ્રમુખસ્થળે બેઠા અને ચંચીએ જાહેર કર્યું – ‘તમારી મંત્રી બેલડીએ અમને બન્નેને પ્રમુખસ્થાને નોતર્યા છે, એટલે અમે બન્ને જોડિયા પ્રમુખ તરીકે કામગીરી બજાવીશું.’ બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે અધ્યક્ષીય પ્રવચન, બેય જણ શી રીતે કરશે ? પણ બન્નેએ કર્યું. એક વાક્ય ચંચી બોલે અને એક વાક્ય જ્યોતીન્દ્ર બોલે. એ પછી અર્ધું વાક્ય ચંચી બોલે અને બાકીનું અર્ધું વાક્ય બોલીને જ્યોતીન્દ્ર એને પૂરું કરે. આમ છેલ્લે એકએક શબ્દ અને એકએક અક્ષર બોલ્યા અને છતાં પ્રવચનનું સાતત્ય ક્યાંય તૂટ્યું નહીં. પ્રેક્ષકો ચાળીશ મિનિટ સુધી આ ધન્યતા અનુભવી રહ્યા અને તાળીઓના ગડગડાટથી સાંભળતા રહ્યા.

[6] વાચક વાચકમાં ફેર છે

શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાય ભલે બંગાળી લેખક રહ્યા પણ ગુજરાતના આ શરદબાબુ, રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઝવેરચંદ મેઘાણી જેટલા જ ગુજરાતી વાચકો માટે પોતીકા છે. શરદબાબુના ગ્રંથોના કુલ 138 અનુવાદો ગુજરાતીમાં થયા છે. આમાં એકનું એક પુસ્તક બે કે ત્રણ જુદા જુદા અનુવાદોએ કર્યું હોય એવું ય બન્યું છે ! (જો કે એવું કહેવાય છે કે આ 138 અનુવાદો પ્રગટ થયા પછી એકેય પ્રકાશકે કે અનુવાદકે શરદબાબુને એક પૈસોય રોયલ્ટી આપી નથી.)

આ શરદબાબુ એક વાર રવીન્દ્ર સાહિત્ય ઉપર વ્યાખ્યાન આપવા ગયા. રવીન્દ્રનાથની નવલકથાઓને એમણે ઉત્તમ નવલકથાઓ તરીકે વર્ણવી. વ્યાખ્યાનને અંતે એક શ્રોતાએ શરદબાબુને કહ્યું – ‘તમે રવીન્દ્રનાથની નવલકથાઓ વિષે આટલો ઊંચો અભિપ્રાય ધરાવો છો એ તો જાણે સમજ્યા, પણ અમને તો રવીન્દ્રનાથ કરતા તમારી નવલકથાઓ વધુ પસંદ છે !’
‘સ્વાભાવિક છે.’ શરદબાબુએ શાંતિથી જવાબ આપ્યો.
‘પણ એવું શા માટે છે ?’ પ્રશ્નકર્તાએ પ્રશ્ન લંબાવ્યો.
‘એનું કારણ એ છે કે હું મારી નવલકથાઓ તમારા જેવા વાચકો માટે લખું છું અને રવીન્દ્રનાથ એમની નવલકથાઓ મારા જેવા વાચકો માટે લખે છે.’ શરદબાબુએ સ્પષ્ટતા કરી.

[કુલ પાન : 154. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ. રાજકોટ. ફોન : +91 79 2232460/2234602.]

[poll id=”45″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કોશિશ – મનોજ દોશી
કાન – રમણલાલ છનાલાલ પટેલ Next »   

12 પ્રતિભાવો : અક્ષરની આકાશગંગા – દિનકર જોષી

 1. Kalidas V. Patel { Vagosana } says:

  મુ.દિનકરભાઈ,
  આપણા મુર્ધન્ય લેખકોનાં આટલાં સારાં ‘ સ્મરણો ‘ આપવા બદલ આભાર.
  કાલિદાસ વ.પટેલ { વાગોસણા }

 2. bhoomi panchal says:

  all nice stories n heart touching story! like 1st one “nahi dost” DUKH NI LAGNI sathe nankdu smit pan chalkai jay!!!

  gr8 stories!!!

 3. jaykrishna shah says:

  ખુબ જ મજા આવે અને પુસ્તક હાલ જ લેવા જાઉ એમ થાય છે

 4. Rajni Gohil says:

  ખૂબ જ સુંદર બોધપાઠ આપતા પ્રસંગો બદલ આભાર.

 5. Apeksha says:

  Very intresting. I enjoy.

 6. Jashubhai K Patel says:

  Very good articles. I like very much.

 7. Amee says:

  Really really very good and intresting stuff……

 8. V.A.Patel Dantali (Tampa,Fla.U.S.A> says:

  I love true stories ,enjoyed reading nice articles

 9. harisinh says:

  માનનીયશ્રી, આટલાં સારા સાહિત્‍યકારોની ખાસ વેવિશાળની કૃતિઓનું સત્‍ય પ્રગટ કર્યં તે જ રીતે જયોતિષીઓનાં સાહિત્‍ય રચનાઓ વિશે પણ લખો તો વધુ હ્રયપુર્વકની અનુભૂતિ થવા પામે. હરિસિંહ ડોડીયા

 10. neallesh says:

  દુનિયા મા બધા આવા ગુજ્રરાતિ હોય તો દુનિયા સ્વર્ગ બનિ જાય.

 11. Mamtora Raxa says:

  ખરેખર આ સત્ય ઘટનાઓ વાંચવાની ખૂબ જ મજા આવી .જોડિયા પ્રમુખ વાંચી ને ખરેખર કખૂબ જ આસ્ચર્ય થયુ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.