કોશિશ – મનોજ દોશી

[ અમદાવાદ સ્થિત નવોદિત સર્જક મનોજભાઈ દોશીનું ‘કોશિશ’ નામનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે હળવી શૈલીમાં અમુક પ્રસંગો, ચિંતનાત્મક લેખો અને કાવ્યો લખ્યાં છે. પુસ્તક શરૂઆતથી અંત સુધી સાવ અનોખું છે. પ્રસ્તાવના, આભારવિધિથી લઈને પુસ્તકના તમામ વિભાગો એકદમ અનોખી રીતે લખાયેલાં છે. તેઓ આ પુસ્તકને ‘Something Different’ કહીને ઓળખાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879424232 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સ્ટ્રીટ-લાઈટ

જૂના જમાનાની આ વાત છે. ત્યારની, જ્યારે લાઈટ નહોતી. ઉજાસ માટે લોકો દીવા કરતા હતા. જર્મનીના એક સામાન્ય નોકરિયાત માણસની આ વાત છે. એ સવારે નોકરીએ જાય ને સાંજે અંધારું થતાં પહેલાં ઘેર આવી જાય. આ તેનો નિત્યક્રમ હતો. એક દિવસ વધુ કામ હોવાને કારણે તેને પાછા વળતાં મોડું થયું પોતાના ઘર તરફ એ અંધારામાં ચાલતો પાછો આવતો હતો ત્યારે એના ઘરની નજીક જ રસ્તામાં પડેલા એક ખાડામાં એ પડ્યો. માંડ-માંડ ઊભો થયો ને બહુ સંભાળીને ઘેર પહોંચ્યો. ત્યારે તરત જ એને એવો વિચાર આવ્યો કે મને તો આજે એક દિવસ મોડું થયું ને અંધારામાં આવવાનું થયું. પરંતુ કેટલાય લોકોને તો રોજ અંધારામાં કામેથી આવવાનું કે ક્યાંક જવાનું થતું હશે. લોકો આ રીતે પડતા હશે, ઠેસ ખાતા હશે. એણે નક્કી કર્યું કે કમ-સે-કમ એના ઘર પાસેથી પસાર થતાં લોકોને અંધકારને કારણે કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન એ રાખશે.

બીજા દિવસથી અંધારું થતાં જ, એ એક દીવો એના ઘરની બહાર એ રીતે મૂકવા લાગ્યો કે બંને તરફ થોડે દૂર સુધી અજવાળું ફેલાય. એની સ્થિતિ એટલી સાધારણ હતી કે એક વધારાના દીવાનું ખર્ચ પણ એની આર્થિક ભીંસને વધારતું હતું. એણે એડજસ્ટમેન્ટ શરૂ કર્યું. ઘરમાં રાત્રે જે કામ કરતો એ બધા કામ બહારના દીવાના ઉજાસમાં કરવાનું શરૂ કર્યું. એના ઘર પાસેથી પસાર થતાં લોકો રાહત અનુભવવા લાગ્યા. પોતે ઘરની બહાર બેસીને કામ કરતો રહેતો ને આવતા-જતાં લોકો દ્વારા અનુભવાતી સગવડતા જોઈને મનમાં આનંદિત થતો. એના આ કાર્યથી પ્રભાવિત થઈને બીજા એક માણસે પણ પોતાનાં ઘરની બહાર દીવો મૂક્યો. પછી ત્રીજાએ… ચોથાએ…. ધીમે-ધીમે શેરીએ-શેરીએ દીવા મૂકાવા લાગ્યા. પરિણામ એટલું સુંદર આવ્યું કે આખા જર્મનીમાં આ પ્રયોગ પ્રચલિત થયો ને સમય જતાં એનો વહિવટ સરકારે પોતાના હસ્તક લઈ લીધો. જે ‘શેરી દીવો’ના નામથી ઓળખાયો. એ જ શેરી-દીવો આજે સ્ટ્રીટ-લાઈટ કહેવાય છે.

આજની સ્ટ્રીટ-લાઈટમાં વર્ષો પહેલાંના એક સાધારણ માણસની કેટલી ઉમદા ભાવના સમાયેલી છે ! ‘મારા ઘર પાસેથી પસાર થનાર કોઈનેય અંધકાર ને કારણે કાંઈ તકલીફ ન પડવી જોઈએ’ અત્યારે લોકોના મન એટલા ટૂંકા થઈ ગયા છે કે ઘર પાસેથી પસાર થનારાં તો શું પણ ઘરે આવનારાં માટેય ‘આટલું બધું’ તો કોઈ નથી વિચારતું. આવા વિચારો જ હવે દુર્લભ થઈ ગયા છે કે કોઈ બીજાની સગવડતા માટે પોતે પોતાની સગવડતા ઓછી કરે કે એમાં કાંઈ ફેરફાર કરે. માણસ પોતાના માટે ઘરમાં એક રૂમમાં 6-7 લાઈટો રાખશે. બે મોટી લાઈટ હોય, ચાર સ્પોટ લાઈટ હોય, એક લાઈટ પોસ્ટર કે ફોટા પર ઉજાસ ફેંકતી હોય પણ ઘરની બહાર બીજા માટે એક ડીમ લાઈટેય ન હોય. કોઈનું ગોઠણ છોલાશે તો ટીંચર લગાવી લેશે, એમાં આપણે શું ? જે સ્ટ્રીટ-લાઈટનો વહીવટ સરકારી તંત્ર કરે છે તેની જાણવણી સુધારવાની જરૂર છે. ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે રાત્રે લાઈટો બંધ હોય કે બહુ મોડેથી ચાલુ થાય ને દિવસે બપોર સુધી ચાલુ હોય. જે લાઈટો ઊડી જાય એ ફરીથી ચાલુ કે રીપેર થતી જ નથી. જે કોઈ કર્મચારીઓને આવા ઉમદા કામની જવાબદારી સદભાગ્યે મળી હોય તેઓ પુણ્ય કમાવાના હેતુથી પણ આવા કામમાં સદા તત્પર રહેશે તો પગાર સિવાય ઘણું બધું કમાઈ શકશે.

નવા વિકસતા વિસ્તારોમાં કે સોસાયટીઓમાં જ્યાં સરકારી સ્ટ્રીટ-લાઈટની વ્યવસ્થા ન હોય ત્યાં રહેતાં લોકો પોતાના ઘર-આંગણે એક નાની લાઈટ ચાલુ રાખે તો કાંઈ વધારે બિલ નથી આવી જવાનું. પરંતુ તેમના ઘર પાસેથી પસાર થનારાં લોકોના આશીર્વાદથી જ તેમનાં કેટલાય દુઃખ દૂર થઈ જશે. ફલેટોમાં કે કોમ્પલેક્ષોમાં પણ દરેક માળે કે આગળ-પાછળ જ્યાં કોમન લાઈટોની વ્યવસ્થા હોય ત્યાં ફક્ત લાઈટ ચાલુ-બંધ કરવાની જવાબદારીયે કોઈ સંભાળતું હોતું નથી. બલ્બ ઊડી ગયો હોય તો બદલાતો નથી. નાનું-સરખું રીપેરીંગ પણ કોઈ કરાવતું નથી. બધા એમ જ વિચારે છે કે કોઈ નથી કરતું તો હું શું કામ કરું ? વિચારવું એ જોઈએ કે બીજા કોઈ કરે એ પહેલાં, ‘હું એક શુભ કાર્ય કરી લઉં.’ ઘર આંગણે તો અંધારું એ રાખે, જેના ઘરમાં અંધારું હોય.

[2] કિંમત

તમારી પાસે લક્ઝુરિયસ કાર હોય તો પણ રોજ થોડી વાર ખુલ્લા વાતાવરણમાં સાયકલ ચલાવજો જેથી ઘડપણમાં ઘરમાં પુરાઈને ફક્ત કસરત માટેની સાયકલ ન ચલાવવી પડે. ઘરમાં ઘીની ગંગા વહેતી હોય તો પણ રોજ એક કોરી રોટલી ખાવાની ટેવ રાખજો. સમયથી ચેતતા રહેવું. અઢળક પૈસો હોય તો પણ પાંચ રૂપિયાનીયે કિંમત તમે પોતે પણ સમજજો અને બાળકોને પણ સમજાવજો. આલીશાન બંગલો હોય તો પણ ફરવા જાવ ત્યારે ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરવાને બદલે ધર્મશાળામાં અને એ પણ કૉમન હૉલમાં ઉતરવાનું રાખજો. તો જ ખરા અર્થમાં હવાફેર થશે. ઘેર જેટલી સુખ-સગવડતા ભોગવતા હોવ એવી જ સાહ્યબી હોટલમાં ભોગવીને પાછા આવશો તો તમને કે તમારા પરિવારને કાંઈ ખાસ ફેરફાર નહીં જણાય. કાંઈ જુદું જોવા, જાણવા કે માણવા નહીં મળે. પરંતુ સરકારી કે કોઈ ટ્રસ્ટની ધર્મશાળામાં રહેવામાં, ભોજનાલયોમાં જમવામાં, બસમાં કે રેલ્વેના જનરલ કોચમાં મુસાફરી કરવામાં કંઈક અલગ અનુભૂતિ થશે. આવી જગ્યાએ થોડી અગવડતા ભોગવશો તો મજા પણ આવશે અને તમારા ઘરના સભ્યોને ઘરની સાહ્યબીની અને તમારી મહેનતની કિંમત સમજાશે.

[3] રામ

રિટાયર થઈએ ત્યારે ધીમે રહીને રિટાયર્ડનો સ્પેલિંગ બદલી નાખવો જોઈએ. RETIRED ને બદલે RETYRED કરી નાખવું. જેમ ગાડીના ટાયર બદલવામાં આવે ત્યારે એની ગતિ અને આયુષ્ય વધી જાય છે તેમ નિવૃત્ત થઈએ ત્યારે પગના ટાયરો બદલાવ્યા હોય એવો અનુભવ કરવો અને ઉત્સાહિત બની જવું. બમણાં વ્યસ્ત થઈ જવું. સંપૂર્ણ નોકરી દરમિયાન કરેલાં કામ કરતાં કંઈક જુદી જ એક્ટિવિટી પસંદ કરવી. કંઈક નવું શીખવા મળશે. કંઈ પણ શીખવા માટે કોઈ જ વયમર્યાદા હોતી નથી. પૈસાના વળતર વિશે જરૂર પૂરતું જ વિચારવું. લોકોપયોગી કાર્ય કરવાની ગોઠવણી કરવી. સાથે સાથે પરિવાર પ્રત્યે ધ્યાન આપવું. કેટલાક લોકો રિટાયરમેન્ટ નજીક આવતાં જ થાક અનુભવવા માંડે છે. એવું વિચારે છે કે આખી જિંદગી બહુ કામ કર્યું, હવે કાંઈ કરવું નથી. હવે ફક્ત આરામ. પરંતુ ફક્ત આરામ તો ‘રામ બોલો ભાઈ રામ’ તરફ આગળ વધારે છે. ‘આરામ’ કરવાને બદલે ‘રામ’ બનવાનો આ સુંદર સમય હોય છે.

[4] રમખાણ

માણસનું મગજ કોઈ પણ નેગેટીવ શબ્દ સ્વીકારતું નથી. માટે નેગેટીવ શબ્દ આવે એવી કોઈ સૂચના કોઈનેય આપવી નહીં. ‘ટી.વી. ન જોજે.’ એવી સૂચના અપાય તો મગજમાં બે જ શબ્દ પ્રવેશે છે, ‘ટી.વી. જોજે.’ ‘ન’ શબ્દ નેગેટિવ છે એટલે મગજ એને પ્રવેશવા દેતું નથી. એટલે ટી.વી. જોવાઈ જાય છે. ‘ટી.વી. ન જોજે’ ને બદલે ‘ચોપડી વાંચજે’ કહેવું. ‘ઊંઘી ન જજે’ ને બદલે ‘જાગજે’ કહેવું. આમ તો આ સમસ્યા આદિકાળથી ચાલતી આવે છે. આદમ અને ઈવના વખતથી. આદમને સૂચના અપાઈ હતી, ‘આ સફરજન ન ખાજે’. આના બદલે જો એમ કહેવામાં આવ્યું હોત કે આ સફરજન બહુ ખાટાં છે તો આટલું મોટું રમખાણ (કે નિર્માણ…?) ન થયું હોત….!

[5] ડાયવર્ઝન

શુભ કાર્ય સસ્તાં પડે છે. અયોગ્ય કામ જ હંમેશા મોંઘા હોય છે. ચાર જણાં હોટલમાં જમવા જાય તો આશરે 200-300 (કે તેથી વધુ) ખર્ચ થાય છે. ઘરે શીરો-પૂરી ને દાળ-ભાત-શાક જમીએ તોય 70-80 થી વધુ ન થાય. બાકીના 120માં (કે થોડા વધુ ઉમેરીને) બીજા 10 જણને કંઈક સારું જમાડી શકાય. બાર મહિનામાં બાર વખત હોટલમાં જતાં હોઈએ એને બદલે 6 વખત જઈએ તો 6 વખતનાં બચેલાં 720માં તો કેવું સુંદર કામ થઈ શકે ! નવું ઘડિયાળ, સુંદર પોસ્ટર, ચણની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, નાનું-મોટું રિપેરીંગ વગેરે કેટલુંયે યોગ્ય સ્થળે કરી શકાય. 6 જરૂરિયાતમંદ પરિવારોને 6-6 કિલો અનાજ આપી શકાય. ગરીબોને નવા ચંપલ, ચાદર, ટુવાલ, વાસણ, સુટકેસ જેવી ઉપયોગી વસ્તુ વહેંચી શકાય. હોટલના વાર્ષિક ખર્ચની તુલનામાં આ બધું કંઈ મોંઘું હોતું નથી. વાત ફક્ત કાપ મૂકવાની છે. હા, હિસાબ રાખવો પડે. કેટલીવાર હોટલમાં જતાં અટક્યાં ? કેટલા બચાવ્યા ? ક્યાં વાપરીશું ? પછી સ્વહસ્તે, સ્વવિચાર મુજબ શુભકાર્ય કરવાનો અનોખો આનંદ મેળવી શકાય. ખોટાં ખર્ચનું આવું ડાયવર્ઝન બહુ આનંદ આપશે…. કરી જોજો એકવાર !

[કુલ પાન : 70. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : સેજુલ દોશી. એ/8, ન્યુ વાઘેશ્વરી સોસાયટી, પો.બો. ઘોડાસર, અમદાવાદ-380050. ફોન : +91 79 25396893.]

[poll id=”46″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “કોશિશ – મનોજ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.