કાન – રમણલાલ છનાલાલ પટેલ

[ પ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે એક જ લેખ પ્રકાશિત કરી શકાયો છે. અસુવિધા બદલ ક્ષમા કરશો. – તંત્રી.]

[ શરીરના વિવિધ અંગો પર આધારિત હાસ્યના અનોખા પુસ્તક ‘અઢારેય અંગ વાંકાં’ માંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ઘ[/dc]ડી ભર એમ માની લો કે આ આપણું આખું શરીર એ ભારતનો હરતોફરતો નકાશો છે. એ નકશામાં આપણું આ મસ્તક ઉત્તર પ્રદેશ છે એ ઉત્તર પ્રદેશનું મોટામાં મોટું શહેર તે કાનપુર ડાબા અને જમણા એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. ચહેરા પરનું ચામડાનું બનેલું (કેમ કે કાનમાં હાડકાં બહુ ઓછાં છે) એવું અંગ જેમ કાનપુર એના ચર્મ ઉદ્યોગ માટે જાણીતું છે એમ જ સ્તો ! કાનપુર (કાન) અને નેનપુર (નયન-આંખ) પણ ડાબા-જમણા એવા બે વિભાગમાં વહેંચાયેલું છે. નયન એક બાજુ નાકનું તો બીજી બાજુ કાનનું શાખપાડોશી અંગ છે. કેટલીક વાર તો આ કાનપુર અને નેનપુરને ચશ્માંનો લાંબો એવો ઓવરબ્રિજ પરસ્પરને જોડે છે.

કાન પણ શરીરનાં બધાં અંગોની જેમ એકથી વધારે કામ કરે છે, જેમ કે કાન સાંભળવાના કામમાં આવે અને ચશ્માંની દાંડી ટકાવવાના કામમાં આવે. કાનનાં બીજાં બે કામ તે પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ ત્યારે માસ્તરને આમળવાના અને કોઈકની સામે ભૂલ કબૂલ કરવી હોય ત્યારે કાનની બૂટ પકડી ભૂલનો એકરાર કરવાના કામમાં પણ આવે છે. કાનને શ્રવણેન્દ્રિય કહેવામાં આવે છે એટલે કાનથી કોઈ પણ બાબતનું રસપાન કહો કે શ્રવણ-પાન કરી શકાય છે. કોઈનીય પર શ્રદ્ધા કે વિશ્વાસ બને આ શ્રવણ-કાર્યથી જ રાખી શકાય છે, માટે શ્રવણનાં માતા-પિતા તે બીજાં કોઈ નહીં પણ શ્રદ્ધા એ માતા અને વિશ્વાસ એ પિતા. આ બે કાનની નીચે ખભા પર કાવડ રાખીને જ શ્રવણે એની શ્રદ્ધા-માતા અને વિશ્વાસ- પિતાને જાત્રા કરાવેલી ને ? એ તો એ મા-બાપનું કમભાગ્ય કે રાજા દશરથના બાણથી શ્રવણ વીંધાઈને મૃત્યુ પામેલો.

કાન પર જ્યારે બહેરાશ બહાદુર નામનો યોદ્ધો આક્રમણ કરે છે, ત્યારે તે શ્રવણશક્તિનો ખાતમો બોલાવી દે છે. આવા એક બહેરા કાકાની વાત ખૂબ જાણીતી છે. કાકાએ ભત્રીજાને ઘેર જઈ પૂછ્યું કે ‘પેલી મોના ક્યાં ગઈ ?’ ભત્રીજો બોલ્યો : ‘એ તો માસીને ઘેર ગઈ.’ કાકાએ સામો સવાલ કર્યો : ‘નાસી ગઈ ? કોની સાથે નાસી ગઈ ?’ ભત્રીજો ખિજાયો, ‘કાકા, નાસી નથી ગઈ. એને તો અહીં રાખીને ભણાવવાની છે.’ કાકા બોલ્યા : ‘પરણાવવાની ? કોની સાથે પરણાવવાની છે ?’
‘અરે, કાકા ! અત્યારથી લગ્નની શી ઉતાવળ છે ?’
‘મગન ! ઓલ્યા છગનનો છોકરો ને ! છોકરો ખૂબ સારો.’ ભત્રીજો કાકાના ત્રાસથી ગળે આવી ગયો એટલે આ બલાને ટાળવા બોલ્યો, ‘કાકા, ભજનમાં જવા નીકળ્યા છો ? હવે જલદી ભજનમાં જાઓ નહીંતર તમારે મોડું થશે !’ કાકા બોલ્યા : ‘ભોજનને ? ભોજન તો હું જ કરીશ.’ આમ ભત્રીજાને આવ બલા પકડ ગલા જેવું થયું. આપણો વેદાંતી કવિ અખો એના એક છપ્પામાં આવા બહેરા બાબુ અને બહેરી બાનુઓને ઉદ્દેશીને સરસ વાત લખે છે કે :
‘કહ્યું કશું અને સાંભળ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું.’

બીજાં એક બહેરાં બહેનની પણ માઠી દશા બેઠેલી. એ બોલી, ‘સાસુએ ખયું, વહુ કોઢમાં દીવો મેલ. હું મૂઈ એમ સમજી કે સોડમાં દીવો મેલ.’ અને પછી તો વહુએ તો તરત દાઝેલા-ડૉક્ટર (બર્નર હૉસ્પિટલ)ને ત્યાં જવું પડ્યું. આ ડૉક્ટરો પણ ઘોડાના ડૉક્ટર હોય છે, ગળાના ડૉક્ટર હોય છે, એમ દાઝ્યાના ડૉક્ટર પણ હોય છે. એક વાર કાનપુર-નેનપુર ઉજ્જડ એવા બે કાકા કેવો બફાટ કરે છે, તે સાંભળવા જેવો છે :
એક કહે : ‘શાક લેવા ચાલ્યા ?’
બીજો : ‘ના રે ના, હું શાક લેવા જાઉં છું.’
પહેલો : ‘હું તો એમ સમજ્યો કે તમે થાક ખાવા આવ્યા છો !’
પહેલો : ‘ભલા માણસ, નાકમાં તે વળી શું ખાવાનું ? એના કરતાં ચાક ખાવો સારો.’
બીજો : ‘ચાક તે વળી ખવાતો હશે ? થોડા દિવસ તમે ઝાક (ફીણ) ખાઈ જુઓ, તબિયત ઘોડા જેવી થઈ જશે.’
પહેલો : ‘તાક ? તાકવું હોય તો કોઈ ભોડું તાકીને એવો પથ્થર માર કે લોહીના ફુવારા ઊડે !’
બીજો : ‘ખાક ! તમારી વાતમાં શું ખાક-ખાખ-રાખ ભલીવાર છે ? સાવ નાખી દેવા જેવી વાત છે !’

અને હવે સાંભળો એક સાવ સાચી વાત. લીંબડી નામે નગર મધ્યે હું સિમેન્ટ બિલ્ડિંગમાં વસવાટ કરતો હતો. એમાં રહેતી રાજુલ નામની એક યુવતી અમારી કૉલેજની વિદ્યાર્થીની હતી અને સાથોસાથ મારા માલિકની પુત્રી પણ હતી. એ વિશાળ બિલ્ડિંગમાં ચાર-પાંચ દુકાનો ગ્રીનચોક મધ્યે આવેલી. ઉપરના માળે તથા નીચે પાછલા ભાગે બે-ચાર ભાડૂતો રહેતા. બનતું એવું કે એમાં વરસના મોટા ભાગે કોઈ ને કોઈ દુકાન ખાલી રહેતી તો ક્યારેક વળી મકાન ખાલી રહેતું, એટલે આ રાજુલબહેન કાપડિયાને ત્યાંથી પૂંઠાનો એકાદ મોટો ટુકડો લાવી એના પર ચોકથી લખતા કે ‘મકાન ભાડે રાખવા અહીં મળો.’ વળી ક્યારેક એ બોર્ડ પર આમ પણ વંચાતું કે ‘દુકાન ભાડે મળશે.’ પણ વરસતા વરસાદમાં આ બોર્ડનું લખાણ ધોવાઈ જતું અને વાછટથી ભીંજાયેલું આ બોર્ડ પેલા કૂકડાનાં પીંછાં જેમ ચીમળાઈને બેવડું વળી જતું. એથી જતા-આવતા લોકોને એ વંચાતું નહોતું. મેં રાજુલને આઈડિયા આપ્યો કે રાજુલ તું વારે વારે કોઈ ને કોઈ કાપડિયાને કરગરી પૂંઠાનો ટુકડો ઉઘરાવી લે છે અને મારા પાસેથી કૉલેજના વધેલા ચાકના ટુકડા માગી માંડ માંડ બોર્ડ લખી લટકાવે છે. એના કરતાં આ બોર્ડની એક કાયમી સગવડ પર. પતરાના એક નાનકડા ટુકડા પર કોઈ પેઈન્ટર પાસે જઈ કાળા કલર પર સફેદ અક્ષરે આટલું ચીતરાવી લાવ કે ‘-કાન ભાડે રાખવા અહીં મળો.’ એ ખિજાઈ ગઈ, ‘જાવ, તમે પ્રોફેસરો તો સાવ ભૂલકણા. આવી તો ભૂલ કરાતી હશે ? કાન તે કોઈ ભાડે આપતું હોય ખરું ?’ મેં કહ્યું ના જો તારે બોર્ડમાં કાન આગળ એક અક્ષર ધોળા ચાકથી લખી શકાય એવી જગ્યા રખાવવાની અને જ્યારે જ્યારે મકાન ખાલી હોય ત્યારે ‘કાન’ આગળ ‘મ’ લખવો જેથી ‘મકાન ભાડે રાખવા અહીં મળો’ એમ વંચાશે અને જ્યારે દુકાન ખાલી હોય ત્યારે એ ‘મ’ મિટાવી દઈ ત્યાં ઘેરા-જાડા અક્ષરે ‘દુ’ લખી દેવાનો એટલે ‘દુકાન ભાડે રાખવા અહીં મળો’ એમ વંચાશે. કોણ જાણે એણે એ કીમિયો અજમાવ્યો એ નહીં તે ખબર નથી, પછી તો અમે એ ઘર ખાલી કરી બીજે રહેવા જતા રહેલા.

કાન અને પૂમડાને ભારે દોસ્તી હોય છે. કોઈ આપણને અત્તરનું પૂમડું આપે તો એ આપણી મૂછે કે કપડે ઘસી પછી વધેલું પૂમડું કાનમાં ભરાવી દઈએ છીએ. કેટલાક લોકો દિવાળીના દિવસોમાં ફટાકડાના અવાજથી બહેરાશ ના આવે તે માટે કાનમાં પૂમડાં ખોસી ઊંઘી જાય છે. કેટલાક લોકો નવરાત્રિમાં કાન-પડદા તોડ- ધાંધલિયા-ધમાલિયા-ધમધમાટથી બચવા પણ આ પૂમડા-પ્રોસીઝર સાથે પનારો પાડે છે. કેટલાક લોકો તો કાનમાં એવડાં મોટાં પૂમડાં ઘાલે છે જાણે કે કપાસના કાલામાંથી રૂનું ઝીંડવું ના ફાટ્યું હોય ! હું ઘણી વાર એક સમસ્યા પૂછું છું કે-

‘લીલાં પાન, પીળું ફૂલ, ધોળું ફળ
રાખોડી એવાં બીજ તે શું ?’

આનો જવાબ છે કે કપાસનાં પાન લીલાં, એને માથે આવે પીળું ફૂલ અને છોગામાં સફેદ ફળ તે રૂ અને કપાસિયા તે બીજ. પશુને પોષે અને માનવશરીરને ઢાંકે તે આ રૂમાંથી બનેલું કાપડ. આપણે ત્યાં એવી કહેવત છે કે બહેરું અને બોઘું (મૂરખ) બે વાર હસે. આપણે વર્ગમાં વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ હસવું આવે એવી વાત કરી હોય ત્યારે બહેરો વિદ્યાર્થી ના સાંભળવાને લીધે બધાની વાદે વાદે હસે અને બોઘો (ઠોઠ-મૂર્ખ) વિદ્યાર્થી ના સમજાય તોય બધાની જોડાજોડ સમૂહમાં હું એકલો હસ્યા વિના રહી જઈશ તો ? એ વિચારે હસે. થોડી વારે પેલો બહેરો-બોઘો બેય બાજુના મિત્રને પૂછે, સાહેબે શું કહેલું ? એટલે હોશિયાર અને સાવધ-સાબૂત કાનવાળો વિદ્યાર્થી એને સાંભળી-સમજી બધા ચૂપચાપ અને ગંભીર હોય એવા વાતાવરણમાં હા…હા…હા…હી….હી…ના અવાજ સાથે હસી પડે. આને હું મજાકમાં કહું છું કે ટ્યુબલાઈટ મોડી થાય કે સ્ટાર્ટર નબળું પડી જવાથી ધીમે રહીને ઝગઝગે.

કોઈ પણ માણસ એંશી વર્ષની જૈફ વયે પહોંચે ત્યારે એના કાનપુર (કાન) નેનપુર (નયન), નેનપુર આમ તો નડિયાદ પાસે આવેલું ઈન્દુચાચાનું વતન છે, પણ અહીં આપણે આંખોનો અર્થ લેવાનો અને ત્રીજું દંતપુર એ ત્રણે જવાબ દઈ દે છે. કામગીરી ઓછી કરે છે. હવે તો બિસ્ત્રા-પોટલા બાંધો. ક્યાં સુધી તમે અહીં આ પૃથ્વીને પાટલે પડ્યા રહેશો ? બાકી તો બધા વૃદ્ધોની ઈચ્છા હોય છે કે પોતાના કુટુંબીજનો સૌ મળી પોતાને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે લઈ જાય એવી ખડે પગે સેવા કરતા રહે તો સારું ! કોઈ પણ વૃદ્ધને ગમે કે ના ગમે પણ એણે અંતે તો આ જ મંત્ર રટવો પડે છે કે-

‘આ દવાની બાટલી
આ તૂટેલી ખાટલી,
આ પાણીની માટલી
મારી મિલકત આટલી !’

[કુલ પાન : 102. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કાન – રમણલાલ છનાલાલ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.