બાપ-બેટો – રવીન્દ્રનાથ ટાગોર

[ ‘રવીન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકમાંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે. આ પુસ્તકનું સંપાદન શ્રી એલ. જે. જોશીએ કર્યું છે. આ પુસ્તક રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ‘વાંચે ગુજરાત’ અભિયાન પ્રોજેક્ટ હેઠળ પસંદ થયેલું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

[dc]તે[/dc] દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ સુશીલને નિશાળે જવાનું મન નહોતું થઈ રહ્યું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું તે ટોળાના બોઝ કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સુશીલનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં આવે. ખૂબ સમજી-વિચારીને તે નિશાળે જવાના સમયે પથારી પર જઈને સૂઈ ગયો. સુબલચંદ્રએ પાસે આવીને પૂછ્યું :
‘કેમ રે, પથારીમાં કેમ પડ્યો છે ? આજે નિશાળે નથી જવું ?’
સુશીલ બોલ્યો : ‘પેટમાં બહુ જોરથી દુઃખી રહ્યું છે. આજે નિશાળે નહીં જઈ શકું.’

સુબલ તેનાં બધાં બહાનાં સમજી ગયો ને મનોમન બોલ્યો ‘થોભ, આજે તને પાઠ ભણાવું છું.’ પણ તેના સામે આમ કહ્યું : ‘પેટમાં દુઃખે છે ? ત્યારે તો આજે ક્યાંય જવાની જરૂર નથી. બોઝના ઘેર આતશબાજી જોવાના માટે હરિને એકલો જ મોકલી આપીશ. તારા માટે લેમનજ્યૂસ ખરીદીને રાખ્યો હતો તે પણ આજે વધ્યો. તું ચૂપચાપ પડ્યો રહે, હું થોડોક હાજમો બનાવી લાવું છું.’ સુબલચંદ્રએ સુશીલને ઘરમાં બંધ કરીને સાંકળ લગાવી દીધી અને ખૂબ કડવો પાચકરસ બનાવી લાવવા ચાલ્યો ગયો. સુશીલ ભારે લફરામાં પડી ગયો. તેને લેમનજ્યૂસ જેટલો પસંદ હતો, પાચકરસથી તેના દેવતા એટલા જ ભાગતા હતા. ત્યાં બોઝના ઘેર જવાના માટે તેનું મન ગઈ રાતથી જ તરફડી રહ્યું હતું. લાગ્યું કે તે મોકો પણ હાથથી ગયો.

સુબલબાબુ મોટા કટોરામાં જુલાબ લઈને ઘરમાં ઘૂસ્યા કે સુશીલ બબડતો પથારીથી ઊતરી પડ્યો અને બોલ્યો:
‘પેટનો દુઃખાવો બિલકુલ મટી ગયો છે, હવે હું નિશાળે જઈ રહ્યો છું.’
તે બોલ્યો, ‘ના, ના, નિશાળે જવાની કોઈ જરૂર નથી. તું જુલાબ પી લે અને ચૂપચાપ પડ્યો રહે.’ એણે જબરજસ્તી પાચક પિવડાવી દીધું અને બહાર જઈને ઘરને તાળું લગાવી દીધું. સુશીલ પથારીમાં પડ્યો-પડ્યો આખો દિવસ રડતો રહ્યો અને વિચારતો રહ્યો. ત્યાં સુબલ બહાર એકલો બેઠો-બેઠો વિચારતો રહ્યો, ‘મા-બાપ મને બહુ લાડ-પ્યાર કરતાં હતાં તેથી મારું ભણતર સારી રીતે થઈ શક્યું નહીં. જો બાળપણના તે દિવસો પાછા આવી જાય તો જરા પણ સમય બગાડું નહીં અને એકએક પળ અભ્યાસમાં જ વીતાવું.’

સુશીલ વિચારતો હતો કે, કાલથી તેની ઉંમર પિતાના જેટલી થઈ જાય તો મનનું ધાર્યું જ કરીશ જેથી તેને કોઈ આમ બંધ ન કરી શકે. બરાબર આ સમયે ઈચ્છારાણી તે ઘરના બહારના રસ્તા પરથી પસાર થઈ રહી હતી. પિતા-પુત્રનાં મનની ઈચ્છા જાણીને તે વિચારવા લાગી, ‘સારું તો ઠીક છે. થોડાક દિવસો એમની ઈચ્છા પૂરી કરીને જ જોઈ લેવામાં આવે.’ આ વિચારીને તે બાપની પાસે ગઈ અને બોલી, ‘તારી ઈચ્છા પૂરી થશે. કાલથી તું તારા બેટાની ઉંમરનો હોઈશ.’ અને બેટાની પાસે જઈ બોલી, ‘કાલથી તું તારા બાપની ઉંમરનો હોઈશ.’ સાંભળીને બંને બાપ-બેટો મનમાં ફૂલ્યા ન સમાયા.

વૃદ્ધ સુબલચંદ્ર રાતના બરાબર સૂઈ શકતો નહોતો. તેને વહેલી સવારે નિદ્રા આવતી હતી. પણ તે દિવસે ન જાણે શું થયું કે અચાનક સવારે-સવારે ઊઠીને ઉછળતો પથારીથી કૂદી પડ્યો. તે સાવ નાનો થઈ ગયો. પડેલા દાંત ફરી ઊગી નીકળ્યા. દાઢી-મૂછના વાળ કોણ જાણે ક્યાંય ગાયબ થઈ ગયા. કોઈ નિશાની બાકી ન બચી. રાતના જે ધોતી-ઝભ્ભો પહેરીને સૂતો હતો સવારે તે એટલાં ઢીલાં થઈ ગયાં કે નીચે જમીન પર લટકી રહ્યાં હતાં. તેનું ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. સુશીલનો હંમેશાનો આ નિયમ હતો કે તે સવારે વહેલો ઊઠીને ચારે બાજુ ઉધમ મચાવતો ફરતો હતો. પરંતુ આજે તો તેની નિદ્રા ખૂલવાનું નામ જ લેતી નહોતી. તેના બાપની ધમાચકડીના માર્યા તેની ઊંઘ હરામ થઈ ગઈ. ઊઠ્યો અને ઊઠતાં જ જોયું કે કપડાં-લતાં એટલા ચૂસ્ત થઈ ગયાં છે કે તેના ચીરેચીરા થઈ જવાની નોબત આવી ગઈ છે. આખું શરીર વધી ગયું છે. પાકેલી-અર્ધપાકેલી દાઢી-મૂછથી અડધું મોઢું તો દેખાતું જ નથી. માથા પર ભરપૂર વાળ હતા, પણ હાથ ફેરવીને જોયું તો તેની ખોપરી સફાચટ, સાવ ચીકણીશી ટાલ છે. પથારીમાંથી ઉઠવાનું મન જ થતું નહોતું. કેટલીય વાર ચપટી વગાડી-વગાડીને ઊંચા સ્વરમાં બગાસાં લઈ કેટલીય વાર પાસાં બદલ્યાં અને છેવટે ઉઠ્યો પણ તો બાપ સુબલચંદ્રની ધમાચકડીથી ખિજાઈને જ ઊઠ્યો.

બંનેનાં મનની ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ બંને ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા. સુશીલની ઈચ્છા આ હતી કે બાપુ જેવો મોટો થઈને સ્વતંત્ર થઈ જાઉં તો જેમ મનમાં આવશે તેમ કરીશ, ઝાડ પર ચઢતો ફરીશ, પાણીમાં કૂદ્યા કરીશ, કાચી કેરીઓ ખાધા કરીશ, ચકલીનાં બચ્ચાં માળામાંથી ઉતાર્યા કરીશ, આખા દેશમાં ફરીશ, જ્યારે મનમાં આવશે ત્યારે ઘેર આવીને જે મન કહેશે તે ખાઈશ, ના કહેનાર કોઈ નહીં હોય. પરંતુ નવાઈની વાત છે કે તે દિવસે વહેલી સવારે ઊઠીને ઝાડ પર ચઢવાની તેને ઈચ્છા જ ન થઈ. તે ચૂપચાપ ઓસરીમાં ચટાઈ બિછાવીને બેસી ગયો અને જાતજાતની વાતો વિચારવા લાગ્યો. એક વાર મનમાં થયું કે રમત-ગમત છોડી દેવી ઠીક નહીં કહેવાય, થોડું રમી લેવામાં વાંધો શું છે. તેથી તે પાસેના આંબાના એક ઝાડ પર ચડવાની કોશિશ કરવા લાગ્યો. કાલ સુધી જે ઝાડ પર તે ખિસકોલીની જેમ સ્ફૂર્તિથી ચડી જતો હતો, આજે તેના ઘરડા શરીરે તેના પર ચડવાની સાફ ના પાડી દીધી. નીચેની એક કોમળ ડાળીને પકડીને ચડવા ચાહ્યું તો તેના શરીરના વજનથી તે તૂટી ગઈ અને ઘરડો સુશીલ ધમ્મ કરતો નીચે જમીન પર પટકાઈ પડ્યો. બાજુના રસ્તા પરથી પસાર થતાં લોકો ડોસાને બાળકના જેમ ઝાડ પર ચડતો અને પડતો જોઈને હસી હસીને લોથપોથ થઈ ગયા. સુશીલ શરમનો માર્યો મોઢું નીચું કરી ફરી તે ચટાઈ પર આવી બેઠો. કાલ સુધી જે છોકરા સુશીલની સાથે કબડ્ડી રમ્યા કરતા હતા તે તેની શોધમાં આવ્યા તો વૃદ્ધ સુશીલને જોઈને દૂર ભાગી ગયા.

સુશીલે વિચાર્યું હતું – બાપની જેમ આઝાદ થઈ જવાથી મારા દોસ્તોની સાથે આખો દિવસ હૂતૂતૂતૂ કરતો કબડ્ડી ખેલ્યા કરીશ. પરંતુ આજે રાખાલ, ગોપાલ, અક્ષય, નિવારણ, હરિશ અને નંદને પોતાની તરફ આવતા જોઈને તેને મનોમન ભારે કઠવા લાગ્યું. તે વિચારવા લાગ્યો, ‘કેવો મજાથી ચૂપચાપ બેઠો હતો. હવે આ છોકરા કોણ જાણે ક્યાંથી ટપકી પડ્યા ધમાચકડી મચાવવા માટે.’

સુબલચંદ્ર રોજ સવારે ઓસરીમાં ચટાઈ નાખીને બેઠો બેઠો આ જ વિચાર કરતો- બાળપણમાં બધો સમય રમતગમતમાં જ પસાર કર્યો હતો. પણ હવે તો ફરીથી બાળપણ પાછું આવે તો આખો દિવસ શાંત થઈને, બારણું બંધ કરીને ઘરની અંદર બેસીને બસ પુસ્તકો લઈ રાખીશ અને પાઠ યાદ કરતો રહીશ. આટલું જ નહીં, સાંજ પડે દાદીમાની પાસે વાર્તા સાંભળવાનું પણ બંધ કરી દઈશ. રાતના દીવો સળગાવીને દસ-અગિયાર વાગ્યા સુધી વાંચન-લેખન જ કર્યા કરીશ. પરંતુ બાળપણ ફરીથી હાથમાં આવી જવા છતાં સુબલચંદ્ર નિશાળે જવા જ નહોતો ચાહતો. સુશીલ કડવાશથી તડૂકતો, ‘બાપુ, નિશાળે નહીં જાઓ ?’ સુબલ માથું ખંજવાળીને મોઢું ઉતારી દેતો અને ધીમેથી કહેતો, ‘મારા પેટમાં દુઃખે છે, આજે નિશાળે નહીં જઈ શકું.’ સુશીલ શાણો થઈને કહેતો, ‘કેમ નહીં જઈ શકો ? નિશાળે જતાં સમય મને પણ આવા દુઃખાવા ઘણા થતા હતા, હું આ બધું ખૂબ જાણું છું.’

સાચે જ સુશીલ નિશાળે નહીં જવા માટે એટલાં બહાનાં કરતો હતો કે તેને પકડી પાડવો તે તેના બાપની હાથની વાત નહોતી. સુશીલ તેના નાનાશા પિતાજીને જબરજસ્તી નિશાળે મોકલવા લાગ્યો. નિશાળેથી છૂટ્યા પછી સુબલ ઘેર આવીને મન ભરીને ભાગ-દોડ કરવા અને ખેલવા-કૂદવા માટે બેચેન થઈ ઉઠતો, પરંતુ બરાબર ત્યારે જ તેનો છોકરો ડોસો સુશીલ આંખો પર ચશ્માં ચડાવીને રામાયણનો સ-સ્વર પાઠ કરી રહ્યો હતો અને સુબલની ધમાચકડી તેના પાઠમાં ભંગાણ પાડતી. તેથી તે સુબલને જબરજસ્તી પકડીને પોતાની પાસે બેસાડી લેતો અને હાથમાં પાટી પકડાવીને કહેતો, ‘લો પિતાજી, ગણિતનો અભ્યાસ કરો.’ એવા-એવા સવાલ પસંદ કરી દેતો કે એક-ક સવાલમાં બિચારા બાપને એક-એક કલાક સમય લગાવવો પડતો. સાંજના વૃદ્ધ સુશીલના ઓરડામાં કેટલાક ડોસાઓ શતરંજ રમવા આવી બેસતા. તે સમયે સુબલને શાંત રાખવા માટે સુશીલે એક શિક્ષક રાખી દીધો. તે શિક્ષક રાતના દસ વાગ્યા સુધી ભણાવ્યા કરતો હતો. ભોજનની બાબતમાં સુશીલ ભારે કડક હતો. કારણ, તેના પિતાજી સુબલ જ્યારે વૃદ્ધ હતા ત્યારે એને ખોરાક બરાબર પચતો નહોતો. થોડુંક પણ અધિક જમી લેતો તો ઓડકાર આવવા લાગતા હતા. સુશીલને આ વાતની બરાબર ખબર હતી. તેથી તે તેના બાપને અધિક ખાવા દેતો નહોતો. અચાનક નાના થઈ જવાથી હવે તેની ભૂખ ખૂબ વધી ગઈ હતી. સુશીલ તેને ખોરાક એટલો ઓછો આપતો હતો કે ભૂખના માર્યા તે બેચેન ફર્યા કરતો હતો. છેવટમાં સુકાઈને તે સાવ કાંટો થઈ ગયો અને હાડપિંજર બહાર દેખાવા લાગ્યું. સુશીલે વિચાર્યું કે એને કોઈ બૂરી બીમારી લાગી ગઈ છે. તેથી તે તેને જાત-જાતની દવાઓ ખવડાવવા લાગ્યો.

ઘરડા સુશીલની સ્થિતિ પણ એવી જ હતી. ગામમાં ક્યાંય નાચ-તમાશાના સમાચાર મળતાં તો ઘેરથી ભાગીને ત્યાં જઈ પહોંચતો અને આ વાતની કોઈ પરવા ન કરતો કે કડકડતી ઠંડી પડી રહી છે કે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવે ઘરડો સુશીલ તે પ્રમાણે કરતો તો તેને શરદી લાગી જતી, ખાંસી થવા લાગતી, શરીર તૂટવા લાગતું, માથું ફાટવા લાગતું અને તેને ત્રણ-ત્રણ અઠવાડિયાં પથારીમાં પડ્યા રહેવું પડતું. ભૂલથી તે આસન પરથી ઉછળીને ઉતરતો તો હાડકાં દુઃખવા માંડતાં. મોઢામાં આખું પાન મૂક્યા પછી જ તેને ધ્યાનમાં આવતું કે, હાય, દાંત તો છે જ નહીં, પાન ચાવવું તો અસંભવ છે. ભૂલીને તે વાળ ઓળવા લાગતો ત્યારે તેને ક્યાંક ભાન થતું કે હાય, આખું માથું તો ટાલિયું છે. કદી-કદી તે અચાનક ભૂલી જતો, ‘હું મારા બાપની ઉંમરનો વૃદ્ધ થઈ ગયો છું.’ અને પછી પહેલાંની જેમ તોફાન કરવા લાગતો, મહોલ્લાની ઘરડી આનંદી ફોઈની માટલીને ધક્કો મારીને ફોડી નાખતો અને તે બિચારી પાણીથી નહી જતી. ડોસાની આ બાળક જેવી દુષ્ટતા જોઈને લોકો તેને મારવા દોડતાં. સુબલચંદ્ર પણ કદી-કદી અચાનક ભૂલી જતો કે તે બાળક થઈ ગયો છે. પોતાને પહેલાંના જેવો વૃદ્ધ સમજીને તે ઘરડાંઓનાં પત્તાં-ચોપાટની રમત જોવા લાગતો અને પાસે બેસીને વૃદ્ધો જેવી વાતો કરવા લાગતો. આથી બધા તેને ડાંટતા-ધમકાવતા, ‘જા-જા બાળકોની સાથે ખેલ-કૂદ જા.’ અને તેનો કાન પકડીને તેને ત્યાંથી ભગાડી દેતા.

હંમેશાં પોતાના પુરાણા ઘડપણના ધ્યાનમાં ભૂલીને શિક્ષકને કહી બેસતો, ‘જરા તંબાકુ તો ખવડાવો.’ આથી શિક્ષક તેને બેંચના ઉપર એક પગ પર ઊભો કરી દેતો. હજામને કહેતો, ‘અરે ભાઈ, કેટલા દિવસ થઈ ગયા, તું મારી દાઢી બનાવવા કેમ નથી આવતો ?’ નાઈ વિચારતો કે છોકરાએ ખૂબ મશ્કરી કરવાનું શીખી લીધું છે. કહેતો, ‘બસ હમણાં આવ્યો દસ વરસમાં.’ અને કદીકદી આદતવશ તેના બેટા સુશીલને મારી પણ બેસતો. સુશીલ ખૂબ જ નારાજ થઈને કહેતો, ‘ભણી-ગણીને આ જ બુદ્ધિ થઈ રહી છે તારી ? વ્હેંતભરનો છોકરો થઈને પણ તું ઘરડા બાપ પર હાથ ઉઠાવે છે ?’ તંગ આવીને સુબલે પ્રાર્થના શરૂ કરી કે, ‘હાય, જો મારા બેટા સુશીલની જેમ વૃદ્ધ અને સ્વાધીન થઈ જાઉં તો આ મુસીબતથી જાન છૂટે.’ ત્યાં સુશીલ પણ રોજ હાથ જોડીને કહેતો : ‘હે દેવતા ! બાપુની જેમ મને નાનો બાળક બનાવી દે કે જેથી મનમાન્યા ખેલ રમતો રહું. બાપુ એટલા નટખટ થઈ ગયા છે કે એને સંભાળવા મારા હાથની વાત નથી રહી. ચિંતાના કારણે મને ઘડીવાર પણ ચેન નથી.’
ત્યારે ઈચ્છારાણી આવી અને બોલી : ‘કેમ તમારી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ ?’
બંને બાપ-બેટો દંડવત પ્રણામ કરીને બોલ્યા, ‘જય હો ઈચ્છારાણીની. હવે તો અમને તે જ બનાવી દો જે અમે પહેલાં હતાં.’
ઈચ્છારાણી બોલી : ‘સારું કાલે સવારે ઊઠ્યા પછી તમે લોકો ફરી તે જ થઈ જશો.’

બીજે દિવસે સવારે સુબલ પહેલાં જેવો વૃદ્ધ થઈને ઊઠ્યો અને સુશીલ પહેલાં જેવો બાળક થઈને ઊઠ્યો. બંનેને એવું લાગ્યું, જાણે કોઈ સપનામાંથી જાગ્યા હોય. સુબલે ગળું ભારે કરીને કહ્યું :
‘સુશીલ પાઠ યાદ નહીં કરે ?’
સુશીલે માથું ખંજવાળતાં કહ્યું : ‘બાપુ, મારી ચોપડી ખોવાઈ ગઈ છે.’

[કુલ પાન : 120. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : સૂર્યા પ્રકાશન. ન્યુ ઝવેરી બુક સેન્ટરની બાજુમાં. ગાંધી રોડ. અમદાવાદ-1.]

[poll id=”48″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મામાનું ઘર – નિશા નિરવ સચદેવ
સમયપાલન અને હું – નિરંજન ત્રિવેદી Next »   

5 પ્રતિભાવો : બાપ-બેટો – રવીન્દ્રનાથ ટાગોર

 1. MANOJ DOSHI says:

  આપણે જ્યા છીએ, જેવા છીએ, સારુ છે. આખાય વિશ્વમા બધે, બધુ સારુ જ છે. ક્યાય કોઇ ફેરફારની જરુર નથી.

 2. durgesh oza says:

  બાપ જયારે બેટાની ભૂમિકાએ આવીને વિચારે તો જ એ બાળકના હ્રદય સુધી પહોચી શકે.શ્રી રવીન્દ્રનાથ ઠાકુરની વાર્તાઓની મજા એ છે કે સીધીસાદી સરળ ભાષામાં જ્ઞાન સાથે ગમ્મત ને કળા સાથે સંદેશ હોય છે. ‘બાપ-બેટો’વાર્તા ખુબ જ પ્રેરક ને સુંદર. અભિનંદન.શ્રી મૃગેશભાઈ,આપે સરસ વાર્તા મૂકી.વાહ.

 3. ગોપી says:

  ટાગોર તો ટાગોર જ છે, એમની વાર્તા માં કઈં કહેવાપણુ હોય જ નહીં.

 4. Ekta Palsingh says:

  ખુબ સરસ રિતે વાર્તા લખિ છે શ્રિ રવિન્દ્રનાથ ટાગોરૅ. આપણૅ જે જગ્યાએ હોઇઍ ઍ આપના માટે જ સારુ હોય છે. જે મળૅ ઍમા સન્તોશ હોવો જોઇઍ.

 5. Jay vakhariya says:

  Very good story ever…your roll is very important as per your age n every step…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.