મામાનું ઘર – નિશા નિરવ સચદેવ

[ નવોદિત સર્જક નિશાબેનનો (ગાંધીનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : nishamansata@yahoo.co.in અથવા આ નંબર પર +91 9016771811 સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]જે નાનકડી આશીની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. તેથી તે ખૂબ ખુશ હતી. રોજ મારી સાથે સરસ રીતે ભણી લેતી આશીનું મન આજે ભણવામાં હતું નહિ.
‘આશી બેટા, ધ્યાન ક્યાં છે તારું ? હવે બસ છેલ્લી વાર જોઈ લે બધું. ચાલ હું તને પૂછું. તેના જવાબો તું આપજે એટલે એક વાર રિપીટ થઈ જાય….’ પણ ના, આશી આજે ફક્ત પરીક્ષા પૂરી થવાની છે એટલે જ ખુશ છે એવું મને લાગ્યું નહિ. એટલે મેં તેને ફરી પૂછ્યું :
‘ધ્યાન ક્યાં છે તારું ? કેમ આજે આટલી ખુશ છે ? પરીક્ષા પૂરી થવાની છે એટલે ?’
તેણે કહ્યું : ‘ના મમ્મા, હવે પરીક્ષા પૂરી થશે એટલે લાંબુ વેકેશન આવશે. અને વેકેશન એટલે શું ? મામાના ઘરે જવાનું…..’
તેના એ શબ્દો ‘મામાના ઘરે જવાનું…’ તેની આંખની ચમક, એ પરીક્ષા પૂરી થવાની રાહ… એ બધું મને મારા નાનપણની યાદ અપાવી ગયાં. આશીની જેમ જ હું પણ પરીક્ષાઓ પૂરી થતાં રોજ-રોજ મારી મમ્મીને પૂછતી કે, ‘હેં મમ્મી, હવે તો વેકેશન પડી ગયું. મામાના ઘરે ક્યારે જઈશું ?’ અને મારા મમ્મીની જેમ હું પણ મારી આશીને જવાબ આપું છું કે, ‘બેટા, અથાણાં-મસાલાં, ઘઉં બધું પતી જાય પછી આપણે બહુ બધા દિવસ માટે જઈશું….’ અને એ મારી નાનકડી આશી મને કહે, ‘લાવ ને મમ્મા, હું તને મદદ કરાવું…..’ એને એમ છે કે મમ્મીને જો મદદ કરાવું તો મને જલ્દી મામાના ઘરે જવા મળે ને !

આજે સવારથી હું આશીના નાનાં-નાનાં પગલાંઓની દોડાદોડી જોઈ રહી હતી. તે પેકિંગ કરતી હતી. ખબર નહીં એણે ક્યારે મારી અને મમ્મીની ફોન પર થતી વાત સાંભળી લીધી કે, ‘આજકાલમાં રાજકોટ આવશું.’ આશીની દોડાદોડી ખૂબ જ વધી ગઈ હતી. અને તે તેની દરેક ચીજવસ્તુ રાજકોટ મામાના ઘરે લઈ જવા માંગતી હતી. કોણ જાણે ક્યારે કઈ વસ્તુની જરૂર પડી જાય. હું અને મારા પતિ નિરવ બંને એકબીજાની સામે હસીને આ બધું જોતાં હતાં. એટલામાં આશી મારી પાસે આવી ને કહે : ‘મમ્મા, મારી પેલી ગેઈમ ક્યાં છે ? મારે એ ત્યાં રમવી હશે તો ?’ અને નિરવ કહે, ‘બિલકુલ તારા પર ગઈ છે. એને બધું એની સાથે ત્યાં લઈ જવું છે.’ નિરવે આશીને પૂછ્યું : ‘પપ્પાને મૂકીને રાજકોટ ચાલી જઈશ ? પપ્પાને તો તારા વગર ગમશે પણ નહિ.’ ત્યાં તો નાનકડી આશી બોલી, ‘પપ્પા, એ તો અમે થોડાંક દિવસમાં આવી જઈશું.’ અને નિરવ હસતાં હસતાં અમને બંનેને ગાંધીનગર-રાજકોટની બસમાં બેસાડી ગયાં. બસમાં આશી તો સૂઈ ગઈ હતી પણ એની આંખોમાં સવારથી જે ચમક હતી તેની ખુશી અત્યારે પણ તેના મોં પર દેખાતી હતી. તેની આ ચમક મને મારા નાનપણની અને મારા મામાના ઘરની યાદ અપાવી ગઈ.

મને હજી પણ એવાં ને એવાં જ યાદ છે એ દિવસો. અમારું ઘર રાજકોટમાં હતું અને અમારા મામાનું ઘર જૂનાગઢમાં આવેલું હતું; એટલે એ નક્કી જ હતું કે અમારા પપ્પા સવારે 8:30 વાગ્યે અમને દુકાન જતાં-જતાં જૂનાગઢની નોનસ્ટોપ બસમાં બેસાડી જતાં. અમને એટલે કે મને, મારી મોટી બહેન દીપા અને નાના ભાઈ જીગરને મમ્મી સાથે બેસાડી જતા. બસ પછી તો ભાઈ-બહેન સાથે ઝઘડીને બારી પાસેની સીટ પર બેસવાનું, ઘરેથી લઈ ગયેલો નાસ્તો આખા રસ્તે કર્યે જ રાખવાનો અને આખા રસ્તે વારંવાર મમ્મીને પૂછ્યે જ રાખવાનું, ‘હેં મમ્મી ! આ જૂનાગઢ ક્યારે આવશે ?’ અને મારાં મમ્મીનો એક જ જવાબ : ‘જો હમણાં ગિરનાર દેખાવા લાગશે એટલે પછી તરત જ આવી જશે.’ આથી ફરી પાછું બારીની બહાર ગિરનાર દેખાય છે કે નહીં તે જોવામાં અમે મશગૂલ થઈ જતાં. જેતપૂર ગામ પછી થોડીવારમાં ગિરનાર સૌથી પહેલો મને જ દેખાતો. હું મનોમન ગિરનાર જોઉં કે જૂનાગઢ પહોંચી જાઉં એ પહેલાં આશીએ ઊઠીને આંખો ચોળતાં ચોળતાં પૂછ્યું : ‘મમ્મા, રાજકોટ ક્યારે આવશે ?’ મેં એને પાછી સુવાડી દેતાં કહ્યું : ‘હમણાં આવી જશે, સૂઈ જા થોડી વાર. રાજકોટ આવશે એટલે તને ઉઠાડી દઈશ.’ મને તો એ જૂનાગઢ જવાનો 2-2:30 કલાકનો રસ્તો પણ ખૂબ જ લાંબો લાગતો, જ્યારે આશીને તો 5-6 કલાક બસમાં રાજકોટ આવવાની રાહ જોવાની હતી.

માંડ-માંડ અમે બે-અઢી કલાક કાપીને મામાના ઘરે જૂનાગઢ પહોંચતા. મામાના ઘરનો પણ અમને ખૂબ લગાવ હતો. એ ઘર નહીં, જાણે કે નાની એવી હવેલી જ હતું. એ ઘરના ખૂબ જ મોટા હવેલી જેવા દરવાજા અને એ દરવાજામાંથી અંદર જઈએ એટલે સૌથી પહેલા મોટું ફળિયું આવે. એ ફળિયું એટલે ધૂળમાટીનું અમારું રમત સ્થળ. ત્યાં ફળિયામાં આંબો, જામફળ અને ચીકુના ઝાડ. આ ઉપરાંત ત્યાં ચારે બાજુ અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ઉગાડેલી હતી. આ સિવાય અનેક શાકભાજી તો ખરાં જ. આ શાકભાજીમાંથી અમે જાતે શાક તોડીને મામીને આપતા અને ત્યારે અમને ન ભાવતો હોવા છતાં પરાણે-પરાણે ભીંડો પણ હસતું મોં રાખી ખાઈ લેતા કારણ કે એ શાકભાજી અમે જાતે તોડેલા હતા. પણ હા, અમને એ શાકભાજી તોડવા સિવાય એક પણ વનસ્પતિ ને હાથ પણ લગાવવાની સખ્ત મનાઈ હતી. તો પણ અમે આસપાસ કોઈ ન હોય ત્યારે લજામણીના છોડને અડકવા દોડ્યા જતાં અને તેની સાથે રમતાં. તે ફળિયા ફરતે મારા પાંચેય મામાના ઘર આવેલા હતા. એ બધાં ઘર એકબીજા સાથે કોઈક રીતે જોડાયેલાં હતાં. એકબીજાના ઘરમાં ફળિયામાં આવ્યા વગર પણ જઈ શકાતું. વળી, બધાં ઘરને પોતાની આગવી ખુલ્લી ઓસરી તો ખરી જ અને એમાં રાખેલી ખાટ (હિંચકો) જે અમારું ખૂબ જ માનીતું સ્થળ હતું. એ અમારું રિસાવાનું સ્થળ હતું. કંઈ પણ થયું હોય કે કોઈ ખિજાયું હોય તો અમે રિસાઈને ત્યાં જ બેસી જતાં અને રાહ જોતા કે કોઈ આવે જલ્દીથી મનાવવા !

મામાના ઘરે જવું એટલે અમારા માટે તો બસમાં બેસી આવડાં મોટા ઘરમાં જવાનું, ત્યાં મારા મામાના-માસીનાં અને અમે ત્રણેય ભાઈબહેન મળીને અમે કેટલાં બધાં બાળકો થઈ જતાં એટલે આટલાં બધાં ભેગાં થઈને બસ રમ્યે જ રાખવાનું ! ધીંગામસ્તી, તોફાનો, ફરવાનું, લાડ કરવાના અને જાતજાતની રમતો શોધી કાઢવાની. અમારા માટે મામાના ઘરનું એ જ સૌથી મોટું આકર્ષણ. અમે બધાં બાળકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જતાં. એક વિભાગમાં મારા કરતાં મોટાં ભાઈ-બહેનો જેમાં મારી મોટી બહેન પણ હતી. એક વિભાગમાં મારા જેવડાં બાળકો અને ત્રીજો વિભાગ મારા કરતાં નાનાં બાળકોનો જેમાં મારા નાના ભાઈનો પણ સમાવેશ થતો હતો. પરંતુ અમારા મમ્મી અને મામીઓ એ અમારી સાથે ચીટિંગ કરી હતી કે નાનાં-નાનાં ટેણિયાંઓને અમારે અમારી સાથે રમાડવાનાં અને ઓછું હોય તેમ અમારે મોટાં લોકો રમતાં હોય ત્યાં નહીં જવાનું ! પરંતુ અમે કંઈ ઓછા નહોતાં. ઘણી વખત મોટાઓના ગ્રુપમાં અમે ઘૂસણખોરી કરતાં અને અમારી સાથે રમતા અમારાં નાનાં ભાઈ-બહેનોને દૂધ-કાકડી બનાવી દઈને અમે અમારી રીતે રમ્યાં કરતાં ! ઘણી વખત અમે નાનાંઓને વચ્ચે ગોળ કુંડાળું કરી દઈને બેસાડીને સમજાવી દેતાં કે ‘તમે જીતી ગયાં છો એટલે અહીં વચ્ચે બેસી જાવ.’ જો કે અમે સાવ નિર્દયી પણ નહોતાં. ક્યારેક એમને હિંચકા ખવડાવતા અને એ લોકોને ટિકિટ-ટિકિટ, રેલગાડી વગેરે રમાડતાં. પરંતુ હા, રેલગાડીમાં એન્જિન તો અમારામાંથી જ કોઈ બનતું ! ખાસ મજા તો અમને ત્યારે આવતી કે થપ્પો-દાવ રમતી વખતે બધાં એક-એક એનાથી નાનાને પોતાની સાથે સંતાડે પરંતુ કોઈ બચાવવા જાય ત્યારે તેની સાથે છૂપાયેલું બાળક સાંજ સુધી ત્યાં જ બેસી રહે તો ક્યારેક કોઈ સાથે છૂપાયેલું બાળક બહાર ડોકું કાઢે કે દાવ દેનાર શોધવાઅ આવ્યું કે નહિ ? અમારા ગ્રુપની આગેવાની હું, મારા માસીનો દીકરો ઓમ અને મારા મામાની દીકરી કવિતા સાથે મળીને કરતાં. આથી ક્યારે કોના પર દાવ ચગાવવો, નાના બાળકો સાથે રેલગાડી રમતી સમયે એન્જિન કોને બનાવવું એ અમે હળીમળીને નક્કી કરતાં. જ્યારે અમે અમારા કરતાં મોટા એટલે કે મારી દીદીના ગ્રુપમાં રમવાં જઈએ ત્યારે એ લોકો પણ અમને નાનકડાં સમજીને અમને સરખું રમાડતાં નહીં. જો કે અમને એ લોકોની રમતો પણ ખૂબ જ કંટાળાજનક લાગતી. એ લોકો આખો દિવસ બેઠાં-બેઠાં જ રમતો રમ્યા કરતાં જ્યારે અમે તો આખો દિવસ દોડા-દોડી જ કર્યે રાખતા.

‘મમ્મા, ભૂખ લાગી છે.’ મને આશીએ હલાવી ને કહ્યું અને હું એ દોડા-દોડીની રમતોમાંથી થોડી વાર માટે પાછી આવી ગઈ. આશીને નાસ્તો કરાવ્યો, એની સાથે થોડી વાતો કરી. એ પણ મારી જેમ એના મામાના ઘરની યાદોમાં મશ્ગૂલ હતી. ‘મમ્મા, નમ્રભાઈ આવી ગયો હશે વેરાવળથી ?’ નમ્ર મારી મોટી બહેન દીપાનો દીકરો હતો. અમે બંનેએ સાથે જ રાજકોટ વેકેશન ગાળવાનું નક્કી કર્યું હતું. મેં કહ્યું : ‘હા, આવી ગયો હશે.’ અને એણે પણ પ્લાનિંગ ચાલુ કરી દીધું કે ‘મમ્મા, અમે ત્યાં વિડિયો ગેઈમ રમીશું અને તારા નવા ફોનમાં પેલી નવી ગેઈમ છે ને એ હું એને શીખવાડીશ, અને અમે રોજ છોટા ભીમ જોઈશું….’ આશી આટલું બોલીને બસમાં મૂકેલા ટીવીમાં પિક્ચર જોવામાં મશ્ગૂલ થઈ ગઈ અને હું વિચારમાં પડી ગઈ કે આ આજના બાળકોની રમતો ક્યાં અને ક્યાં અમારી એ રમતો. અમે તો કેટલી બધી રમતો રમતાં જેમ કે થપ્પો-દાવ, ખો, શોટ-ગો, સાત તાળી… અને અમુક રમતોનાં નામ પણ આજની પેઢીએ નહીં સાંભળ્યા હોય જેમ કે ઉટલી બેટલી, ઈંડા ચોર, ઘર-ઘર, ચોર પોલીસ, ડબ્બાડૂલ, રંગ-રંગ વગેરે…. અમે તો આટલી રમતો હોવા છતાં કંટાળી જતાં અને કંઈ ને કંઈ નવી રમતો શોધ્યા કરતા જેમ કે મગરમચ્છ, જડીબુટ્ટી, ભૂલભૂલૈયા, બ્લફમાસ્ટર, પર્સનાલિટી અને એવી તો અનેક. મને લાગ્યું કે આ બધી નહીં તો થોડીક રમતો તો હું આશીને અને નમ્રને શીખવાડી જ શકું. અને થોડાં તોફાન-મસ્તી કરતાં પણ શીખવાડું !

અમારાં તોફાન-મસ્તી ખૂબ જ નિર્દોષ રહેતા. જેમ કે, જ્યારે બપોરના બધાં સૂઈ ગયા હોય ત્યારે હું અને કવિતા જડીબુટ્ટી-જડીબુટ્ટી (કે જે અમારી બંનેની સંશોધન કરેલી રમત હતી તે) રમતાં. આ રમત અમે ત્યારે જ રમી શકતાં કે જ્યારે બધાં સૂઈ ગયા હોય કારણ કે એમાં અમારે છાનાંમાનાં વનસ્પતિના પાંદડાં તોડી અને કૂંડામાંથી થોડીક માટી કાઢવાની રહેતી, જેમાંથી અમે જાતજાતની દવાઓ બનાવતા અને બધાનાં ઊઠવાના સમય પહેલા અમે આ અમારા શોધ-સંશોધનને એક બેગમાં ભરીને પાણીના ટાંકાવાળા રૂમમાં (કે જ્યાં જતાં પણ બીક લાગતી) ત્યાં દોડીદોડીને જઈ, છુપાવી દઈ, ફરીથી દોડતાં-દોડતાં જાણે કંઈ જ બન્યું નથી એમ ફળિયાની ઓસરીમાં બેસીને પાંચીકા રમવા લાગતાં. વળી, મામાને ઘેર ગયા હોય એટલે ફરવા જવાનું તો હોય જ ને ! અને તેમાંય જો રવિવાર હોય તો મામા દૂર-દૂર પિકનિક પર લઈ જતાં. રવિવાર સિવાયના દિવસે ક્યારેક અમે લોકો સેવમમરા, ડુંગળી, ટામેટાં બધું લઈ જઈને સ્વામિનારાયણ મંદિરે જતાં. ત્યાં મેદાનમાં રમીને ભેળ બનાવીને આરોગતાં. ત્યાં રમતાં-રમતાં પણ અમે બધાં એ જ વિચારતા કે ક્યારે દાવ પૂરો થાય અને અમે ભેળ બનાવીને ખાઈએ. જ્યારે આજે અમે ક્યાંક બહાર નીકળીએ તો આશી મને પૂછતી, ‘મમ્મા, કૂરકૂરે સાથે લીધાં છે ને ?’ ખબર જ ન પડી કે એ સેવ-મમરાંની દુનિયા કૂરકૂરે, વેફર્સ કે બિસ્કિટના પેકેટ્સમાં ક્યારે આવીને છૂપાઈ ગઈ ?

અમે લોકો નાનાં હતાં ત્યારે જૂનાગઢના સક્કરબાગમાં પ્રાણીઓ જોવા પણ ખૂબ જતાં. ત્યાં જાતજાતનાં અને ભાતભાતનાં પ્રાણીઓને જોઈને અમારી નાનકડી આંખો અચંબામાં પડી જતી. વળી, ત્યાંથી આવીને ઘરે બાલ્કનીમાંથી જ્યારે સામેના ઘરની પાળી પર બિલાડી જોતાં ત્યારે અમે એને વાઘ સમજીને બાલ્કનીનું બારણું ફટાફટ બંધ કરી દેતાં. અમારે તો દર વર્ષે ગિરનાર ચડવાનું નક્કી જ રહેતું. નાના-નાના બાળકોને 50-100 પગથિયામાં જ ‘અરે વાહ ! તમે તો આખો ગિરનાર ફટાફટ ચડી ગયાં…’ કહીને સમજાવી દેવામાં આવતાં. જ્યારે અમે લોકો પૂરેપૂરો ગિરનાર ચઢતા. અમે ઘરેથી રસ્તામાં ખાવા માટે જાતજાતનો નાસ્તો લઈ જતાં. જૈન દેરાસરની ટૂંક પર પહોંચીને અમે ભેળ બનાવતાં. એ ઉપરાંત અંબાજીની ટૂંક પર પહોંચતાં મામીએ સવારના બનાવી દીધેલાં પૂરી-શાક આરોગતાં. સાથે લઈ ગયેલાં દહીંમાં પાણી વધારે પડી ગયું હોય તો સરસ મજાની છાશ આરોગવાની મજા પડતી ! સામાન ન ઉપાડવા માટે થતાં બહાનાંઓ અને ઝઘડાંઓ આજના પોલિટિક્સથી તો ઘણાં નાદાનિયત અને માસુમિયતથી ભરેલાં હતાં. પગથિયાં ઉતરતી વખતે કોઈ વસ્તુને લાત મારતાં-મારતાં જવાનું, રેસ લગાવવાની, એ બધી રમતોને તોલે તો ઑલિમ્પિક્સ પણ ન આવી શકે !

વળી, રવિવારની સવારથી સાંજની પિકનિકની તો મજા અલગ જ રહેતી. આજની જેમ વૉટરપાર્ક નહીં પણ ત્યાં નદીમાં નહાવા જવાનું, વનભોજન કરવાનું અને નાનાંથી મોટેરાં બધાંયે ફરજિયાત રમતો રમવાની. એમાં પણ મામા જ્યારે ખેતરે ફરવા લઈ જતા ત્યારની તો વાત જ અલગ રહેતી. ખેતરમાં ખાટલે બેસવાનું, વડની નીચે દોરીમાં લટકાવેલ માટલામાંથી પાણી પીવાનું, બાજરીનો રોટલો અને રીંગણાનું શાક ખાવાનું, ત્યાંની તાજા દૂધની ચા પીવાની, મગફળી-ચણિયાંબોર વીણવાનાં અને ત્યાંના ખેડૂત જ્યારે મગફળીનાં આખા છોડવાને બાળીને મગફળી શેકીને આપતાં ત્યારનો સ્વાદ તો હજી આજે પણ યાદ છે. વળી, ત્યાં ગામડાંમાં મળતી આમલી, સળીવાળો ગોળો, ભૂંગળાં – એ બધું તો હવે શોધવા જતાં પણ મળતું નથી. અમને અમારા મામી રમત-રમતમાં ઘરનું કામ શિખવાડી ને ક્યારે ઘડવાં લાગતાં એની અમને ખબર જ નહોતી. એ સમયે અગાશીમાં સૂતાં-સૂતાં ભૂતોની વાર્તા કરીને બધાંને ડરાવતાં રાખી પોતે ઘસઘસાટ સૂઈ જવું કે સવારમાં બધાની પહેલાં ઊઠી મામી સાથે પાણી ભરવા જવું…. એ બધું આજે ક્યાંથી લાવવું ? આજે પણ જ્યારે અમે જટાશંકર ફરવા જઈએ ત્યારે ત્યાંના જંગલ કે કેડીઓ જેવા રસ્તાઓ કે જૂનાગઢ જેવી નાની-પાતળી શેરીઓ દેખાય કે તરત એ યાદોમાં સરી જવાય છે. ત્યારે તો મામાના ઘરેથી પાછા ફરતી સમયે રડતાં અમને ત્રણેય ભાઈ-બહેનને મમ્મી કંઈ ને કંઈ લાલચ આપીને મનાવી લેતાં. પણ આજે યાદોમાં પહોંચી ગયેલા મનને કેવી લાલચ આપીને વર્તમાનમાં લઈ આવવું એ જ સમજાતું નથી.

આજે તો હું આશી કરતાં પણ વધારે ખુશ હતી. કારણ કે મે નક્કી કરી લીધું હતું કે આશીને પણ મારે એ અદ્દભુત દુનિયા દેખાડવી છે. એને પણ હું એ બધી જાતજાતની રમતો રમતાં શીખવાડવાની હતી. એને પણ એ જ સેવ-મમરાની ભેળની દુનિયામાં પાછી લઈ જવાની હતી…. એટલામાં જ બસવાળા ભાઈએ રાજકોટ આવી ગયાની જાહેરાત કરી અને આશીએ ખુશ થતાં કહ્યું : ‘મમ્મા, રાજકોટ આવી ગયું….’ અને મેં કહ્યું : ‘હા બેટા, રાજકોટ આવી ગયું… ચલો જલ્દી…જલ્દી… મામાને ઘેર…..’

[poll id=”47″]

Leave a Reply to TRUPTI Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “મામાનું ઘર – નિશા નિરવ સચદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.