પાણી હરામ ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]‘કાં ?[/dc] પતી ગયાં લગન ?’
‘હા, મોટાંબા ! એ લોકોએ અમને એક પૈસો ન ખર્ચવા દીધો. કહે કે અમારે માત્ર છોકરી જોઈએ, ન હુંડો ન સોનું.’
‘જાનને ખવડાવવા-પિવડાવવાનો તો ખર્ચ થયો હશે ને ?’
‘ના, બા ! એ લોકો ખાધે-પીધે સુખી છે. મને કહે, ‘ભાઈ, તું ગરીબ માણસ. વળી તને ત્રણ દીકરી. ભગવાને અમને ઘણું આપ્યું છે. જાનનું સીધું-સામાન પણ એ જ લાવેલા !’
‘શિવ…..શિવ….શિવ !….. એટલે તેં છોકરીના પૈસા લીધા ? હાય રે ! આ કાંઈ કન્યાદાન ન કહેવાય. અમે તો છોકરીના ઘરનું પાણીયે ન પીએ. તેં તો ગજબ કર્યો ! આવો અધર્મ ? હવે તો મને તારા હાથનું પાણીયે ન ખપે.’

રામુ બિચારો અવાક થઈ ગયો. મોટાંબાની અકળામણ જોઈને થવા માંડ્યું કે પોતાનાથી ભારે મોટો અધર્મ થઈ ગયો છે. અને જ્યારે એણે જાણ્યું કે આ વાત પર તેને નોકરીમાંથી રજા મળવાની છે, ત્યારે તો જાણે તેના માથે આભ તૂટી પડ્યું ! 30 વરસથી એ આ કુટુંબમાં કામ કરતો હતો. સવા રૂપિયાના પગારે રહેલો. સાહેબનેય ત્યારે પોણોસો-સો મળતા. પણ પછી સાહેબની બઢતી થતી ગઈ. બંગલો, મોટર થયાં. રામુ આ ઘરનાં સુખદુઃખને પોતાનાં સુખદુઃખ માનતો. નવા વરસે ઠેકેદાર પાસેથી લાખ રૂપિયા ખાધાના આરોપસર સાહેબને સસપેન્ડ કરવામાં આવ્યા ત્યારે સાહેબની નહીં, પોતાની આબરૂ ગઈ એમ એને લાગેલું. એણે બાધા લીધેલી કે અંબા મા, મારા સાહેબને બચાવજે, નાળિયેર વધેરીશ !

કેટલીક વાર તો આ ઘરથી દૂર દૂર ડુંગરે પોતાનું ઘર છે તેય રામુ ભૂલી જતો. દુર્ગા આંસુ સાથે કહેતી, ‘લશ્કરના સિપાઈ પણ વરસે એક-બે મહિના ઘેર રહે છે. તમે તો આવતાં પહેલાં જ જવાની તૈયારી…..’
‘અરે દુર્ગા, આખું ઘર મારા પર અવલંબિત છે ! રામુ…. રામુ…. કહેતાં બધાંનું ગળું દુઃખી જાય છે. એકાદ દિ’ બહાર હોઉં તો બધું અસ્તવ્યસ્ત.’ આવો ઓતપ્રોત થઈ ગયેલો એ આ ઘર સાથે. વરસથી પોતાના ગામના ભીખુનેય તેણે અહીં નોકરી અપાવેલી. ત્યારે નાનપણમાં કાકાએ જે શિખામણ પોતાને આપેલી, તે જ તેણે ભીખુને આપી હતી : ‘જોજે, મોટે મોટેથી હસવું-બોલવું નહીં. હંમેશાં નીચી નજર રાખી વિનયથી વરતવું, સાહેબ જે કાંઈ સારું-નરસું કહે તે મૂંગે મોઢે સાંભળી લેવું. પાણી કે દૂધના ગ્લાસને અંદર આંગળી બોળીને ન પકડવો….’

આજુબાજુના એના જેવા બધા નોકરચાકરોની મંડળીનોયે એ મુખી. કેટલાયને એણે નોકરી અપાવેલી. નવાઓને એ હંમેશાં કહેતો, ‘આપણી મૂડી આબરૂ અને શેઠનો આપણામાંનો વિશ્વાસ.’ પોતે એક જ ઘેર 30 વરસથી રહ્યો છે તે વાત એ ગર્વભેર કહેતો : ‘મોટાંબાને પેટના છોકરા પર ન હોય એટલો વિશ્વાસ મારા પર છે. આ વિશ્વાસ કેવી રીતે મેળવ્યો તે મને પૂછો. ઘરમાં દરદાગીનો, પૈસો ગમે ત્યાં પડ્યો હોય, પણ મારા મનમાં કાળો વિચારેય આવ્યો હોય તો અંબામાનાં સોગન !’ એટલે આજે એણે ભીખુને કરગરીને કહ્યું : ‘ભાઈ, તું બધાને એમ જ કહેજે કે રામુકાકા ઘરડા થયા એટલે જાતે જ છુટ્ટા થયા. શેઠે કાઢી મૂક્યા એમ કોઈને ન જાણવા દેતો. આ ઘરડે ઘડપણ આબરૂ સાચવજે, મારા ભાઈ !’ શેઠ-શેઠાણીનેય મુખ્ય તો આ ઘરડા ડોસાથી છૂટવું હતું. ભીખુ હવે તૈયાર થઈ ગયેલો. તેમાં આ બહાનું મળ્યું ! સાંજે ભાવિ વેવાઈ આવવાના હોવાથી સાહેબે રામુને એક દિ’ વધુ રોક્યો.

રામુ ડાઈનિંગ ટેબલ પર ભાતભાતની વાનગીઓ સજાવી રહ્યો હતો. સાહેબ કહેતા હતા :
‘ઈંગ્લેન્ડથી આવ્યા બાદ અમારા સતીશનો વિચાર નોકરી નહીં, સ્વતંત્ર ધંધો કરવાનો છે.’
‘વેરી ગૂડ…. નોકરી એ નોકરી…. કરીને નો…..કરી….. પરાધીન સપને હી સુખ નાહીં….’ કહેતાં સતીશના ભાવિ સસરા ખડખડાટ હસ્યા.
‘હા, પણ મેં સતીશને કહી દીધું છે કે મારી હેસિયત મુજબ મેં તને હીરો બનાવ્યો. હવે આગળનું જે ઝવેરી તારું મૂલ પારખશે તે સંભાળશે. ખરું ને ? કેમ ન બોલ્યા ?’
‘હાસ્તો, હાસ્તો ! એમાં પૂછવાનું હોય ?’
ત્યાં શેઠાણીબાએ મમરો મૂક્યો : ‘આજકાલ પચાસેક હજાર વિના કોઈ ધંધો જ ક્યાં થઈ શકે છે ?’
સાહેબનો હાથ હાથમાં લઈ વેવાઈ બોલ્યા : ‘બસ ને ! આપણને કબૂલ-મંજૂર. સતીશચંદ્રની ફિકર તમારે હવે કશી નહીં !’

રામુ સાંભળતો જ રહ્યો. તેનો બધો અવસાદ ઘડીકમાં દૂર થઈ ગયો. તેને થયું, હવે હું આ ઘરનું પાણી પીશ, તોયે ભારે અધર્મ થઈ જશે.

(શ્રી નરેન્દ્ર ખજુરિયાની હિંદી વાર્તાને આધારે.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સમયપાલન અને હું – નિરંજન ત્રિવેદી
રંગભૂમિને મારું સર્વસ્વ આપ્યું છે…. – સિદ્ધાર્થ રાંદેરિયા Next »   

10 પ્રતિભાવો : પાણી હરામ ! – હરિશ્ચંદ્ર

 1. Moxesh Shah says:

  In the starting, I consider it very normal, as usual story. But as we go through the end, the way of conveying the message was very nice and it’s different. Excellent story.

 2. Mukund P. Bhatt says:

  Very Good story. There are such type of persons who demanding dowry, though they have enough to spend.

 3. Dinesh Sanandiya says:

  Very Good I agree with Mr.Moxesh Shah

 4. Ilias Shaikh San Francisco CA says:

  Short but super end

 5. જાતે જ માની બેઠેલા મોટાઓની મફતીયાવ્રુત્તી રજુ કરતી સુંદર વાર્તા.

 6. Priti says:

  Very nice story to convey the dowry concept.

 7. ધનવાનો વધુ ધન ભેગુ કરવા ગમે તે હદ સુધી જતા હોય છે.
  જ્યારે ગરીબો આબરુ બચાવવા ઘણુંબધુ જતુ કરતા હોય છે.

 8. jignisha patel says:

  ખુબ સુંદર. મે લગભગ બધી જ વાર્તા વાંચી છે રીડ ગુજરાતી ની. તેમા આ વાર્તા તદ્દન અલગ છે. ધનના લાલચુ લોકો હંમેશા ગરીબો ને શિખામણ આપે છે શું કરવું અને ના કરવું. નાનો માણસ બિચારો તેને જ અનુસરે છે. પરિણામે તેના માં સારા ગુંણો રહે છે.

 9. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સુંદર બોધદાયક વાર્તા આપી. આભાર. સાચે જ નાના માણસોની “મોટાઈ” વંદનીય હોય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 10. Arvind Patel says:

  આજના જમાનામાં લોકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે, તે કહેવત છે, એકદમ સાચી છે. વાતો સારીસારી કરવાની પણ તેનું પાલન બીજાએ કરવાનું. આવા લોકોને કુદરતનો ન્યાય મળે છે, વખત આવે. કારણ કે કુદરતના રાજ માં દેર છે અંધેર નથી, અરે દેર પણ નથી. કુદરત નોએ ન્યાય ઘણો સરળ હોઈ છે, જે માણસને સમજમાં આવતો નથી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.