સમયપાલન અને હું – નિરંજન ત્રિવેદી

[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

[dc]કે[/dc]ટલાંક કાર્યો એવાં છે કે મારી પહોંચ બહારનાં છે. તેમાંનું એક કાર્ય છે સમયપાલનનું. મારા માટે એ ભગીરથ કાર્ય છે. મારા મિત્રો સમયપાલનમાં મારી નિષ્ફળતાથી વાકેફ છે. અને તે લોકો મારા કિસ્સાઓમાં મીઠું-મરચું ભભરાવીને બધે કહેતા હોય છે. એમાં આધી હકીકત અને જ્યાદા ફસાના હોય છે.

એક વાર એક કાર્યક્રમમાં અમારા ચાર હાસ્યલેખકોનાં પ્રવચન ગોઠવાયાં હતાં. સમય થઈ ગયો હતો પણ હું પહોંચ્યો ન હતો, આયોજકે પરિચયવિધિ શરૂ કરવાની તૈયારી કરી. પછી બોલ્યા, ‘પણ નિરંજન ત્રિવેદી તો આવ્યા નથી…’ ત્યારે રતિલાલ બોરીસાગર હસી પડ્યા અને કહ્યું : ‘તમતમારે પરિચયવિધિ શરૂ કરી દો. આભારવિધિના સમય પહેલાં નિરંજન આવી જશે.’

એક વાર વિનોદ ભટ્ટ, વિનોદ જાની (જેને હું નાટ્યમહર્ષિ કહેતો) અને મેં સુરત ભગવતીકુમારને ત્યાં ત્રણ-ચાર દિવસ માટે જવાનું નક્કી કર્યું. જાની અને ભટ્ટ સ્ટેશને પહોંચી ગયા હતા. હું હજી પહોંચ્યો ન હતો. ગુજરાત એક્સપ્રેસનું બુકિંગ હતું. હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાર્ડ ઝંડી ફરકાવી રહ્યા હતા. પેલા મિત્રોને લાગ્યું કે કદાચ હું નહીં આવું એટલે મારી ટિકિટ કેન્સલ કરાવી નાખી. ગાડી છૂટવાના સમયે જ હું પહોંચ્યો હતો. ટી.સી. પાસે બીજી ટિકિટ બનાવડાવી. તે વખતે પેનલ્ટીના દસ રૂપિયા થયા હતા. સુરતની ટિકિટ સત્તર રૂપિયા હતી. ત્યારે અમે ગૌરવપૂર્વક કહ્યું હતું કે આ મિત્રો સત્તરવાળી સીટ ઉપર બેઠા છે. હું સત્તાવીસવાળી સીટ ઉપર છું. સાહિત્ય પરિષદનું મુંબઈ ખાતે અધિવેશન હતું. વિનોદ ભટ્ટ અને ગિરીશ ભગત (પૂર્વ ડ્રગ કમિશનર) પણ સાથે હતા. તેઓ રાબેતા મુજબ ખૂબ જ વહેલા સ્ટેશને પહોંચી ગયા હતા. ટ્રેનની ટિકિટ ઉપર ‘રિપોર્ટિંગ ટાઈમ’ લખ્યો નથી હોતો છતાં જાણે ટ્રેન એમણે જ ડ્રાઈવ કરવાની હોય તેમ ખાસ્સા વહેલા પહોંચી ગયા હતા. હું રાબેતા મુજબ લગભગ ટ્રેન ઊપડવાના સમયે જ પહોંચ્યો. મારી સમયપાલનની અશક્તિ અંગે એ મિત્રોએ છેક વડોદરા સુધી મારી ઉપર ટીકાઓ કરી. પછી એમને ઊંઘ આવી એટલે બંધ થઈ ગયા. અમારે બોરીવલી ઊતરવાનું હતું. બોરીવલી આવ્યું ત્યારે એ મિત્રો હજી સમાન પેક કરતા હતા અને હું પ્લેટફોર્મ ઉપર પહેલાં ઊતરી ગયો અને એ મિત્રોને કહ્યું, ‘ભલે હું તમારા કરતાં મોડો ગાડીમાં બેઠો, પણ તમારા કરતાં પહેલાં મુંબઈ પહોંચ્યો છું.’

શાળામાં ભણતા, ત્યારે રોજ માર્ક આપવાની ત્યારે પ્રથા હતી, તેમાં શાળામાં સમયસર આવવાના વીસ માર્ક હતા. મને સમયસર આવવાના માર્ક મળે તો મળે. પરીક્ષામાં પણ સમયસર પહોંચવા માટે મારી માતા મદદ કરતી. પોળમાં હું ક્રિકેટ રમતો હોઉં (એમની ભાષામાં બોલબેટ રમતો હોઉં) ત્યાં માતા આવી બૂમ પાડે, ‘અલ્યા તારે પરીક્ષા આપવા નથી જવાનું ?’ ત્યારે હું બેટ ફેંકી, પેન પકડીને દોડતો, સ્વાભાવિક છે પરીક્ષામાં મારો સ્કોર ! જવા દો… ગણિતમાં તો સ્વચ્છતાના ચાર માર્કથી સંતોષ માનવો પડતો. સમયસર લગ્ન કરી લેવા માટે ટકોર કરતાં એક મિત્રે કહ્યું હતું, ‘તું લગ્ન સમયસર કરી લે નહીં તો પછી છોકરીને કહેવું પડશે… મુઝે બુઢ્ઢા મિલ ગયા…’ શાયરે લખ્યું હતું ‘દેર કરતા નહીં દેર હો જાતી હૈ’ એ ગીત મારું ‘થીમ સોંગ’ કહી શકાય.

નોકરીમાં ઘણો સમય અપ-ડાઉન કરેલું. એક મિત્રે મને પૂછેલું : ‘સમયપાલન અંગે તારો વ્યવહાર જોતાં તું ટ્રેન ચૂકી નથી જતો ?’ મારે કહેવું જોઈએ એક વાર હું ટ્રેન ચૂકી ગયેલો, કારણ કે તે દિવસે ટ્રેન એકદમ એટલે એકદમ સમયસર હતી. કોઈ સ્થળે હું સમયસર પહોંચું એ માણસ કૂતરાને કરડવા જેવા સમાચાર ગણાય. સમય અંગેની મારી અનિયમિતતા અંગેનું એક કારણ મને મળ્યું છે. મારો જન્મ સાવરકુંડલાની પોસ્ટ ઑફિસના મકાનમાં થયો હતો. પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં સમય અંગે આદર નથી હોતો તેવો ઘણાને અનુભવ છે. પોસ્ટમાં પાંચ વરસે પહોંચ્યું હોય તેવા ઘણા દાખલા નોંધાયા છે. ક્યાંક જન્મસ્થળની જગ્યાનો પણ પ્રભાવ પડતો હોય છે. મિત્રો, મારો વાંક નથી….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સમયપાલન અને હું – નિરંજન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.