બકલ નં. 11062 – ચંદ્રકાન્ત સંઘવી

[ સત્યઘટનાઓ પર આધારિત પુસ્તક ‘લાગણીભીનો સ્પર્શ’માંથી સાભાર. આપ લેખક શ્રી ચંદ્રકાન્ત ભાઈનો (મુંબઈ) આ સરનામે sanghavichandrakant@gmail.com અથવા આ નંબર પર +91 9892165100 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]‘ભા[/dc]ઈસાબ જરા આપ પીછે આ જાઈએ. યહાં બહોત જગા હૈ.’
‘ક્યું ? બસમેં કહાં ખડા રહેના યે તુમ નક્કી કરેગા ?’
‘ક્યુંકિ, મેં કબકા દેખ રહા હું પીછે જગા હૈ ફિર ભી આપ…. છી….’
‘કંડકટર, માઈન્ડ યોર ડ્યુટી. મેં વકીલ હું સબ કાનૂન જાનતા હૂં’
‘મેરા નામ રામજનમ તિવારી હૈ. બકલ નં. 11062. કંડકટર બી.ઈ.એસ.ટી., મેરી બસમેં મેરી મા-બહેન જાતી હૈ. વકીલસાબ અગર અબ જરાસા ઉફ કીયા તો દફા સીધી પુલીસ સ્ટેશનમેં બના દૂંગા. અબ આપ કા પૈસા મેં ભરુંગા મગર મેરી બસમેં આપ નહિ જાયેંગે. ગાડી રોક પવાર.’ ગાડી ઊભી રહી ગઈ અને નાછુટકે વકીલ ઊતરી ગયો. સવારનાં 8:15ની બોરીવલીથી માહિમ જતી બસ સૌથી ખીચોખીચ જાય. મોટા ભાગે સ્ત્રીઓ આ જ બસ પસંદ કરે. રામજનમની બસમાં કોઈની મજાલ નહિ કે સ્ત્રીઓને ચીપકીને કોઈ યુવાન ઊભો રહે.

રામજનમ તિવારીને મુંબઈ બીઈએસટીમાં કંડકટરની નોકરી મળી ત્યારે સુલતાનપુરનાં અખાડામાં સોપો પડી ગયો. ‘હમારા પઠ્ઠા ગયા’ અને રામજનમની મા જાનકીએ તે પત્ની સાથે મુંબઈ જવા નીકળ્યો ત્યારે વચન લઈ લીધું, ‘બેટા, હરામનો પૈસો નહિ લેતો. મા-દીકરીઓનું ધ્યાન રાખજે. એ જગતજનની અને શક્તિનો અવતાર છે. બેટા સ્ત્રીની ઈજ્જત કરજે.’

મુંબઈની ચાલમાં રહેવા આવ્યો ત્યારે કાકાની બાજુની રૂમમાં જગ્યા મળી ગઈ. થોડા દિવસમાં તેને મુંબઈગરો સમજવા લાગ્યાં. પચરંગી મેળો માણતો થયો, પણ તેને એક વાત સતત ખટકતી. મુંબઈનો માણસ જેવો દેખાય છે તેવો નથી. કોઈ કોઈ માણસ સજ્જન હોવાનો ઢોંગ કરીને કારણ વગર બસમાં સ્ત્રીઓને સ્પર્શી લે છે. તિવારીને આ વાતનો ભારે ગુસ્સો. ક્યારેક જોરથી બોલી જતો, ‘અરે ક્યા મિલતા હૈ ?’ આવા બધાને કઈ કલમથી સીધા કરવા તેનાં બેસ્ટનાં કાયદા કાકા પાસેથી રામજનમે શીખી લીધાં, જેથી માણસમાંથી જાનવર બનતા લોકો રોકી શકાય. એ પણ કાનૂની રીતે, એ સમજણ એને પડી ગઈ હતી. ઘણી વખત સાથી કંડકટરો, ડ્રાઈવરો તેની ફિરકી લેતાં,
‘તિવારી તારે પુલીસમાં જવાની જરૂર હતી.’
‘કેમ ?’
‘સમાજસેવાનો તારો શોખ પૂરો થાય. નહિતર મંદિરમાં પૂજારી થવાની જરૂર હતી. આ રોજ તારું માથું ફરી જાય છે. તેમાંથી તને અને અમનેય શાંતિ.’
‘જુઓ દોસ્તો, તમારી દીકરી આવી જ રીતે બસમાં જતી હોય અને કોઈ છોકરો અડીને ઊભો રહી જાય તો તમે શું કરો ?’
‘અમે તો એને મારી મારીને ભુંસું બનાવી નાખીએ.’
‘તો બસમાં જતી ધાવણા બાળકવાળી મા, નાની કૂમળી દીકરીઓને જોઈને તમને તમારી દીકરી કેમ યાદ નથી આવતી ? તમારી અંદરનો રામ મરી ગયો કે શું ? કેમ તમે એને રોકતા નથી ? પેસેન્જરમાં આવો તો કોઈક જ જાનવર હોય. બાકીનાં બધાં તમને મદદ કરશે. તમે મારી વાત માનો. મારી ફિરકી લેવાને બદલે તમારી જાતની ફિરકી લ્યો.’

વીસ વર્ષ પછી રામજનમની તારદેવ ડેપોમાં બદલી થઈ. સમય સાંજનો ચારથી આઠ વાગ્યાનો. બસ મળી 9 લીમીટેડ. આટલા વરસમાં મુંબઈ ઘણું બદલાયું હતું, પણ રામજનમ જેમનો તેમ. કૉલેજનાં છુટવાના ટાઈમની બસ. બે માળની બસ. રામજનમ ઉપરનાં માળે હોય. રોજ કોલેજિયન છોકરા છોકરીનું એક ગ્રુપ આ જ બસ પકડે અને દરેક સીટમાં એક છોકરો-છોકરી ગોઠવાઈ જાય અને હરકતો થઈ જાય શરૂ. છોકરીઓ છોકરાને ખભે માથું રાખીને સુતી હોય. ફેમીલી પેસેન્જરો મોટી ઉંમરના તો આ બસ જ છોડી દે. સંસ્કારી સજ્જનો નિવેદનોમાં રામજનમ શું કરે ?
‘કુછ તો કરના પડેગા…..’ ઘરમાં જમતાં જમતાં રામજનમ બબડ્યો.
‘રામજનમ લફડા નહીં કરના. તુમ્હે કુછ કરના નહિ હૈ…. પહેલે મુજે બતા…’ પત્ની સવિતાએ આખી વાત સાંભળી.
‘એક વાત પાકી છે… બધા છોકરા-છોકરીઓ કાચી ઉંમરનાં છે. બધા સુખી ઘરનાં છે. બધાં શિવાજી પાર્કથી માહિમ સુધીમાં રહે છે.’
‘હું છોડીશ નહિ. મારી બસમાં નહિ ચલાવું.. મારી દીકરી કમલા આજે સત્તરની થઈ છે… હું એક બાપ છું… મારી દીકરી જેવી આ છોકરીઓ છે…. મારું ચિત્ત નથી ચોંટતું… અબ તો આર યા પાર….’
‘દેખ રામજનમ, મુંબઈ પહેલાં જેવું નથી. છોકરી જ એમ કહે કે એમને વાંધો નથી તો ? કળથી કામ લેજે, બળથી નહિ.’ આખી રાત રામજનમ તરકીબ વિચારતો રહ્યો. વહેલી સવારે ઊંઘ અને સંકલ્પ સાથે આવ્યાં.

‘ગાયકવાડ સાહેબ, મેં બકલ નં. 11062, મેરી બસ નં. 9… મારી બસમાં કૉલેજના છોકરા-છોકરીઓ વી.ટી.થી બેસે છે અને એવી હરકતો કરે છે કે સાહેબ આપણું માથું શરમથી ઝૂકી જાય… હવે જે કરવાનું છે એ તમારે કરવાનું છે….’ ગાયકવાડ સાહેબ ક્રાફડ માર્કેટમાં સોશ્યલ સિક્યોરીટી બ્રાંચનાં હેડ. ખૂબ જ સમજદાર. રામજનમની જેમ સમાજનાં બદલાતા ઢાંચાથી ખૂબ વ્યથિત.
‘રામજનમ એક કામ કરીએ. તારી વાતનો આજે જ ફેંસલો કરી દઈશ… મારો દોસ્ત છે, મેટ્રો સિનેમા પાસે જાવલે ફોટો સ્ટુડિયો છે એનો.. તેને મારી આ ચિઠ્ઠી આપી દે જે અને ગાડીનો નંબર લખાવી દે જે. વી.ટી.થી ઉપડવાનો પાક્કો ટાઈમ શું ?’
‘સાહેબ, ચાર ને પાંચ મિનિટ…’
‘ઓ.કે. રામજનમ…’ રામજનમ પોલીસ સ્ટેશનેથી બહાર નીકળીને પાનનાં ગલ્લે આવ્યો… ‘એ બબુઆ, આજ તો ચકાચક પાન બના દે…. આજ સબકા બંધ અકલકા તાલા ખૂલ જાયેગા….’

સાંજનાં ચાર ને પાંચ થઈ. રામજનમની બસનો ઉપરનો માળ લવબર્ડસથી ખીચોખીચ ભરેલો. યુવાની હેલે ચઢી હતી. આજે રોજ ગુસ્સામાં રહેતો રામજનમ ટેસમાં હતો. લવબર્ડસમાંથી કોઈ બોલ્યું પણ ખરું :
‘કંડકટર, ક્યા બાત હૈ ? આજ ખુશ દિખતા હૈ… લુગાઈ આનેવાલી હૈ ક્યા ?’ અને બધા ખડખડાટ હસી પડ્યા. નિખાલસપણે રામજનમ પણ જોરથી હસી પડ્યો. બધાંની ટિકિટ કાપી. ઘંટી મારી. રામજનમ મેટ્રોનાં ત્રીજા સ્ટોપની રાહ જોઈ રહ્યો.

ત્રીજા સ્ટોપ ઉપરથી ગાડી ઉપડી ને રોડ સાઈડમાં ઊભી રહી ગઈ. ઈન્સ્પે. ગાયકવાડ ઉપરનાં માળે દાદરા ઉપર આવી ગયાં. જાવલે આગળ આવીને બોલ્યો.
‘ડીયર લવબર્ડ્સ સ્માઈલ પ્લીઝ….’
‘ક્લિક…ક્લિક……’
લવબર્ડઝ કંઈ સમજ્યાં નહિ, એ અચાનક કોણ ફોટા પાડી ગયું. પાછળથી સત્તાવાહી અવાજ સંભળાયો.
‘બોઈઝ એન્ડ ગર્લ્સ. બધાં પોતાનાં આઈકાર્ડ મને આપી દો અને મારી સાથે તમારે બધાંએ ક્રાફડ માર્કેટ પોલીસ સ્ટેશન આવવાનું છે…. જાવલે બધાના ફોટા લીધાં છે ને ?’
‘યસ સર.’
‘કાલે બધાં છાપામાં એ ફોટા આવવા જોઈએ… ઓ.કે. ? કમઓન હરી અપ….. તમારા બધાનાં મા-બાપને મારે બોલાવવાના છે. તમારી ઉપર જાહેરમાં બિભત્સ વર્તનની કલમ પ્રમાણે કામ ચાલશે. પાંચ વર્ષની કેદ.’
આખી બસમાં સન્નાટો પડી ગયો.
જે યુવાનો-યુવતીઓ સમજ્યાં તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. નીચા મોં કરી નીચે ઊતરવા લાગ્યાં. કંડકટર રામજનમની પીઠ ઉપર ગાયકવાડે શાબાશીનો ધબ્બો લગાવી દીધો. લવબર્ડસ ઊતરી ગયાં. રામજનમે ઘરેથી લાવેલી ગંગાજળની બોટલ કાઢી….. ‘પૂરા બસમેં છીડકના પડેગા… યે રામજનમ કા બસ હૈ !… જય સિયારામ.’

[કુલ પાન : 128. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : સુમન બુક સેન્ટર. 88, પ્રિન્સેસ સ્ટ્રીટ, આનંદ ભવન બિલ્ડિંગ. મુંબઈ-400002. ફોન : +91 22 22056305. ઈ-મેઈલ : sumanbc@rediffmail.com ]

[poll id=”50″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “બકલ નં. 11062 – ચંદ્રકાન્ત સંઘવી”

Copy Protected by Chetan's WP-Copyprotect.