- ReadGujarati.com - http://www.readgujarati.com -

રંગભૂમિને મારું સર્વસ્વ આપ્યું છે…. – સિદ્ધાર્થ રાંદેરિયા

[ ગુજરાતી નાટ્યક્ષેત્રે ‘સિદ્ધાર્થ રાંદેરિયા’ ખૂબ જાણીતું નામ છે. તેમના ખડખડાટ હસાવતાં નાટકોથી સૌ કોઈ પરિચિત છે. ‘ગુજ્જુભાઈ’ શ્રેણીનું ‘ગુજ્જુભાઈની ગોલમાલ’ નામનું તેમનું નાટક હાલ ચાલી રહ્યું છે. આ વર્ષના ‘શબ્દસૃષ્ટિ’ સામાયિકના દીપોત્સવી અંક ‘નાટક અને હું’માં તેમણે તેમની નાટ્યયાત્રા પોતાના શબ્દોમાં આલેખી છે, જેનો લેખ અત્રે પ્રસ્તુત છે. પ્રતિવર્ષ ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક દ્વારા દીપોત્સવી પર્વ નિમિત્તે જુદા જુદા વિશેષાંકો પ્રકાશિત કરવામાં આવે છે જેમ કે ‘કવિતા અને હું’, ‘નવલકથા અને હું’. તાજેતરનો આ અંક ‘નાટક અને હું’ એટલો જ સુંદર અને રસપ્રદ છે. રીડગુજરાતીને આ અંક ભેટ મોકલવા બદલ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી તેમજ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી સિદ્ધાર્થભાઈનો (મુંબઈ) આ નંબર પર +91 9820124384 સંપર્ક કરી શકો છો.]

[dc]‘ભ[/dc]ગવાન “ખાસ” માણસને અભિનેતા બનાવે છે, અથવા અભિનેતાને “ખાસ” માણસ બનાવે છે.’ આ મારું મંતવ્ય છે. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે ભગવાને આ યાદીમાં મારો સમાવેશ કર્યો છે. નાટ્યકલા એક અવર્ણનીય અનુભૂતિ છે. અભિનેતા ખુદ એક ચમત્કાર છે અને ચમત્કારોનું સર્જન કરી શકે છે. ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ લગભગ એકસોને પાંસઠ વર્ષ જૂનો છે. જેના ત્રણ તબક્કા પાડી શકાય :
જૂની રંગભૂમિ : 1842-1945
નવી રંગભૂમિ : 1922-1952
આધુનિક રંગભૂમિ : 1952 થી આગળ…..

રંગભૂમિ સાથે મારો સંબંધ બંધાયો 1965થી; એટલે કે દસ વર્ષની ઉંમરથી મુંબઈમાં સિક્કાનગર ખાતે આવેલી મોડર્ન સ્કૂલની પરંપરા હતી કે દર શુક્રવારે જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓ નાનકડી નાટિકાઓ રજૂ કરે. હું અચૂક એમાં ભાગ લેતો. મેકઅપ, પ્રોપર્ટી કે સંગીતને બહાને પણ બીજા વર્ગની નાટિકાઓમાં ઘૂસી જતો. બસ, અહીં ચડ્યો હું મારી નાટ્યયાત્રાનું પ્રથમ પગથિયું ! શાળાજીવન દરમ્યાન જ અનેક રેડિયો નાટકોમાં પણ ભાગ લીધો. એ સમયે બાળકો માટે ‘બહુરૂપી’ નામનો ખાસ કાર્યક્રમ પ્રસારિત થતો હતો. રેડિયો નાટકોનો અનુભવ અને તાલીમ મને આજે પણ અત્યંત ઉપયોગી લાગે છે. રંગભૂમિ ઉપર નાટકનું દિગ્દર્શન કરતી વખતે હું મારા સાથી કલાકારોને ભાર દઈને કહું છું કે દરેક નાટકને એક સારું રેડિયો નાટક બનાવવાનો પ્રયત્ન કરો. કારણ કે વાચિક અભિનય દ્વારા થતી અભિવ્યક્તિ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે અત્યંત મહત્વની છે, અવાજના આરોહઅવરોહ અને ઉચ્ચારશુદ્ધિ પર પૂરતું ધ્યાન આપો. બીજી મહત્વની બાબત એ છે કે દરેક અભિનેતાએ પોતાના સંવાદો પોતે પણ સાંભળવાની આદત પાડવી જોઈએ. વાચિક અભિનયમાં સાહજિકતા કેળવવાની પ્રક્રિયા એક કલાકાર માટે ખૂબ જરૂરી છે.

1968 થી 1970ની સાલ દરમ્યાન મને તક મળી Indian National Theatre (INT) દ્વારા નિર્મિત બાળનાટકોમાં ભાગ લેવાની. આ મારી નાટ્યયાત્રાનું બીજું પગથિયું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલા બાળકલાકારો દ્વારા શ્રી પ્રાગજીભાઈ ડોસાની કલમે લખાયેલાં અને શ્રીમતી વનલતાબેન મહેતાએ દિગ્દર્શિત કરેલાં બાળનાટકો જેવાં કે ચાલો બટુકજીના દેશમાં, બટુકજીનો ન્યાય અને છકો-મકો ખૂબ સફળતાથી રજૂ થયાં. છકો-મકોમાં મેં છકોની ભૂમિકા ભજવી હતી. 1972 થી 1974નો સમયગાળો સૌથી રોમાંચક અને રસાકસી ભર્યો હતો. એ દરમ્યાન જયહિંદ કૉલેજમાંથી ભાગ લીધો આંતર કૉલેજ નાટ્યસ્પર્ધાના એકાંકીઓમાં એ મારી નાટ્યયાત્રાનું ત્રીજું પગથિયું. હું દઢપણે માનું છું કે કલાકારોનું, દિગદર્શકોનું અને લેખકોનું ઘડતર કરવા માટે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધાનો વિકલ્પ નથી. આ સ્પર્ધા થકી નવા વિચારો, નાવિન્યપૂર્ણ રજૂઆત અને નવી ટેલેન્ટ રંગભૂમિને મળે છે. આ જ સ્પર્ધામાંથી મારી સાથે જે અન્ય કલાકારો બહાર પડ્યા એમાં મુખ્યત્વે પરેશ રાવલ, હોમી વાડિયા, મુકેશ રાવલ, સનત વ્યાસ, મહેન્દ્ર જોષી, હેમંત જહા, સુજાતા મહેતા, સુરેશ રાજડા, લતેશ શાહ વગેરે. ભારતીય વિદ્યાભવન, કલાકેન્દ્ર આયોજિત આ સ્પર્ધામાં ‘ઉપર ગગન ઘનઘોર’ (દિગ્દ : સુરેશ રાજડા) અને ‘જીવનાં ખોળિયાં’ (દિગ્દ : શફી ઈનામદાર) એકાંકીઓ માટે શ્રેષ્ઠ અભિનયના પારિતોષિક મેળવ્યા.

1974ની સાલમાં મેં વ્યાવસાયિક ત્રિઅંકી નાટક ‘ખાધું, પીધું ને તારાજ કર્યું’માં ભૂમિકા કરી. સાથી કલાકારો હતા કિશોર ભટ્ટ, અશોક ઠક્કર અને લેખક હતા તારક મહેતા. એ જ અરસામાં INT એ આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાના યુવાન કલાકારોને લઈને સિતાંશુ યશશ્ચંદ્ર લિખિત અને અરવિંદ ઠક્કર દિગ્દર્શિત નાટક રજૂ કર્યું ‘વૈરી’. જેમાં મારી સાથે પરેશ રાવલ, હોમી વાડિયા, મહેન્દ્ર જોષી, અરુંધતી આવ અને શંકર નાગ જેવા ખમતીધર કલાકારો હતા. આ મારી નાટ્યયાત્રાનું ચોથું પગથિયું. 1974થી લઈને આજ સુધીમાં લગભગ એંશી જેટલા વ્યાવસાયિક નાટકોમાં ભાગ લીધો છે. 1981માં મારું સર્વ પ્રથમ દિગ્દર્શિત નાટક ‘સવિતા દામોદર પરાંજપે’ જેનું મરાઠી પરથી ગુજરાતી રૂપાંતર પણ મેં જ કર્યું હતું. સરિતા જોશીની મુખ્યભૂમિકામાં અત્યંત સફળ રહ્યું. 1992ની સાલમાં ‘ભાઈ’ નાટકમાં દિગ્દર્શન અને મુખ્ય ભૂમિકા ભજવી. એ નાટકે પણ ત્રણસો ઉપરાંત પ્રયોગોનો વિક્રમ સ્થાપ્યો. તો આ છે સાડા ત્રણ દાયકાની મારી કારકિર્દીની રૂપરેખા જે દરમ્યાન દસ હજારથી વધુ પ્રયોગો ભજવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. વાચકમિત્રો, હવે આ લેખને સવાલ-જવાબના સ્વરૂપે આગળ વધારીએ :

સવાલ : રંગભૂમિને વ્યવસાય (પ્રોફેશન) તરીકે સ્વીકારી શકાય ?
જવાબ : ઘણાં જુવાનિયાઓના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવે છે. હું કહીશ, વ્યવસાય તરીકે અઘરું હતું, છે અને રહેશે. એકસો પાંસઠ વરસના ઈતિહાસ પછી પણ ગુજરાતીઓમાં રંગભૂમિ પ્રત્યે કાંઈક અંશે અણગમો છે. મરાઠી કે બંગાળીઓની જેમ આપણે નાટ્યકલાને દરજ્જો આપ્યો નથી. એનું કારણ એ હોઈ શકે કે ગુજરાતી મૂળે વેપારી પ્રજા છે અને આ ક્ષેત્રમાં આર્થિક સધ્ધરતા કે સફળતાની કોઈ ગેરંટી નથી. (જોકે એવું તો વેપારમાં અને અન્ય વ્યવસાયમાં પણ છે.) મારી જ વાત કરું તો પ્રથમ નાટકમાં મારું મહેનતાણું હતું રૂપિયા પચ્ચીસ. આજે ધોરણો બદલાયાં છે. નાટ્યજગતમાં પ્રવેશવા ઉત્સુક યુવક-યુવતીઓને એટલું જ કહેવાનું કે આવડતની સાથે સાથે ધીરજ, નિષ્ઠા અને હિંમત પણ એટલાં જ જરૂરી છે. લેખન, દિગ્દર્શન કે અભિનયની વિધિસરની તાલીમ આપે એવી ‘ગજાની’ સંસ્થાઓ ઓછી છે માટે પ્રૅક્ટિકલ એક્સપિરિયન્સ પર જ આધાર રાખવો રહ્યો.

સવાલ : નાટક કોનું ? લેખક, દિગ્દર્શક કે અભિનેતાનું ?
જવાબ : મારા મત મુજબ લેખકનું. (જો એ મૌલિક હોય તો.) ભારે હતાશા સાથે કબૂલ કરવું પડે છે કે ગુજરાતી રંગભૂમિ ઉપર સૌથી મોટી ખોટ સારા, સક્ષમ મૌલિક લેખકોની છે. નાટક લખવું એક વાત છે અને ભજવાઈ શકે એવું નાટક લખવું એ બીજી વાત છે. એ માટે લેખકોએ પણ રંગભૂમિનો અનુભવ લેવો જરૂરી છે. ગુજરાતી રંગભૂમિને વાઈબ્રન્ટ બનાવવા નવા લેખકોનો ફાલ આવે એ અતિ મહત્વનું છે. મુંબઈની રંગભૂમિની વાત કરીએ તો 1952 થી 1970 સુધી અંગ્રેજી નાટકોના અનુવાદ થયા અને ત્યારબાદ મરાઠીના નીવડેલા નાટકોનાં રૂપાંતરો ભજવાયાં. મૌલિક કૃતિઓ બહુ જૂજ પ્રમાણમાં આવી. નાટકને એક ‘બાળક’ તરીકે ગણીએ તો લેખક, દિગ્દર્શક અને અભિનેતા, આ ત્રણે એના ‘પાલક’ ગણાય. લેખક કૃતિને જન્મ આપે છે. દિગ્દર્શક એને દિશા આપે છે અને કલાકાર એને ઉછેરીને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. પડદો ઉઘડ્યા પછી નાટક કલાકારનું બની જાય છે. ક્યારેક નબળું નાટક સારા અભિનયને લીધે ‘જીવી’ જાય છે તો ક્યારેક સારું નાટક નબળા અભિનયને લીધે ‘ગુજરી’ જાય છે.

સવાલ : તમારા મનગમતાં નાટકો કયા અને શા માટે.
જવાબ : મેં ભજવેલાં નાટકોમાંથી પસંદ કરું તો- 1977ની સાલમાં રજૂ થયેલું ‘જૂઠ બોલે કૌઆ કાટે.’ ગુજરાતી તખ્તાના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે હું જેમની ગણના કરું છું એવા શ્રી પ્રવીણ જોષીના દિગ્દર્શનમાં મુખ્ય ભૂમિકામાં કામ કરવાની તક મળી. સાથી કલાકારો હતા પરેશ રાવલ અને ડેઈઝી ઈરાની (પદ્મારાણીનાં પુત્રી) સંતુ રંગીલી- ગાજેલું નાટક. એમાં સંતુના બાપની ભૂમિકા કરી.
થેંક્યુ મિસ્ટર ગ્લાડ- પ્રવીણ જોષીએ તદ્દન ભિન્ન કથાવસ્તુને માત્ર Levels (જુદી જુદી ઉંચાઈના પ્લૅટફૉમ્સ) દ્વારા બખુબી પેશ કરી. આ નાટકમાં સિત્તેરવર્ષના વૃદ્ધની ભૂમિકા મારી ત્રેવીસ વર્ષની ઉંમરે ભજવી.
રંગીલો રાજા – તખ્તાના Legend કહી શકાય એવા બે કલાકારો મધુકર રાંદેરિયા અને જયંતિ પટેલ સાથે જુગલબંદી કરવાની તક મળી.
છિન્ન – સુરેશ રાજડાના દિગ્દર્શનમાં એક Bold કથાવસ્તુની રજૂઆત. સાથી કલાકાર તરલા મહેતા.
ચીલઝડપ – એક થ્રિલર. પ્રથમવાર ફિલ્મી વિલનની યાદ અપાવે એવી નૅગેટિવ ભૂમિકા ભજવી. જે લોકોએ ખૂબ વખાણી.
ગુરુબ્રહ્મા – શફી ઈનામદારના દિગ્દર્શનમાં નિવૃત્ત શિક્ષકની શીર્ષક ભૂમિકા ભજવી.
મહામાનવ – કાન્તિ મડિયાના દિગ્દર્શનની એક અપ્રતિમ કૃતિ. માનસિક રીતે અવિકસિત યુવાનની ભૂમિકા માટે ઈન્ડિયન ઍક્સપ્રેસનો શ્રેષ્ઠ કલાકારનો ઍવૉર્ડ મળ્યો. આ ઉપરાંત ‘ભાઈ’, ‘અમારી દુનિયા-તમારી દુનિયા’, ‘તું જ મારી મોસમ’, ‘બસ કર બકુલા’, ‘લગે રહો ગુજ્જુભાઈ’ (સળંગ સાતસો પ્રયોગો) વગેરે વગેરે.

મુંબઈની ગુજરાતી રંગભૂમિની વાત કરું તો આજથી વીસ વર્ષ પૂર્વે કથાનક અને પ્રસ્તુતિનું વૈવિધ્ય વધારે હતું. પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, અરવિંદ ઠક્કર, ઉપેન્દ્ર ત્રિવેદીએ વિભિન્ન પ્રકારનાં સુંદર નાટકો આપ્યાં. તો યોગેન્દ્ર દેસાઈ અને અવિનાશ વ્યાસે અદ્દભુત ડાન્સબેલે પણ રજૂ કર્યા. ગુજરાતી પ્રેક્ષક નાટકને સવિશેષ મનોરંજનના માધ્યમ તરીકે જ ગણે છે, જેથી સામાજિક કથા વસ્તુવાળા (મેલોડ્રામા) કે પ્રહસનો (કૉમેડી) વધારે ભજવાય છે. સમાંતર અને પ્રયોગાત્મક રંગભૂમિ હજુ પગભર નથી થઈ. Alternative Entertainment ની જગ્યા અને જરૂર છે, એ માટે બને તેટલા પ્રયત્નો થવા જોઈએ. જે માટે ગુજરાતમાં વસતા યુવાન લેખકો અને દિગ્દર્શકોએ પહેલ કરવાની આવશ્યકતા છે.

મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ પર ભજવાનાં મોટા ભાગનાં નાટકો આજે જ્ઞાતિ મંડળો કે કપલ્સ ગ્રુપના પ્રાયોજિત પ્રયોગો પર વધુ નિર્ભર થાય છે. જેને લીધે કથાવસ્તુ અને ભજવણીનો વ્યાપ સીમિત થઈ રહ્યો છે. બીજી એક ખૂબ જ ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતી ભાષાનો પ્રસાર ઘટી રહ્યો છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં યુવાનો ગુજરાતી નાટકોથી વિમુખ થઈ રહ્યા છે. જેના ફળસ્વરૂપે પ્રેક્ષકોની સંખ્યા સ્થગિત થઈ ગઈ છે. નાટક નિર્માતાઓને પણ ઘણીબધી મુશ્કેલીઓ નડે છે. ફુગાવાની સરખામણીમાં નાટકોની ‘કિંમત’ વધી નથી. થિયેટર અને જાહેરખબરોનાં મોંઘાદાટ દરો પ્રત્યેક પ્રયોગ પર બહુ મોટો બોજ લાદે છે. ટી.વી. સિરિયલોને કારણે રંગભૂમિ પરથી લેખકો, કલાકારો અને કસબીઓનું ધોવાણ થઈ રહ્યું છે. થિયેટરોની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે જેથી નાટ્યપ્રયોગોનું આયોજન કરવું કઠીન બની ગયું છે.

ખેર, આ બધી અડચણો હોવા છતાં નાટક હજુ ટકી રહ્યું છે. મારી અંગત વાત કહું તો મેં રંગભૂમિને મારું સર્વસ્વ આપ્યું છે તો એણે મને અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. પરકાયા પ્રવેશનો રોમાંચ અને જાદૂ માત્ર એક અભિનેતા જ અનુભવી શકે છે – એની તોલે બીજું કાંઈ ન આવે.

[poll id=”49″]