ભાડાની ઓરડી – નીતિન ત્રિવેદી

[ માણસના મનની અતૃપ્ત ઈચ્છાઓ ક્યારેક રમત રમતમાં માણસ પર અજાણતાં જ હુમલો કરી બેસે છે. એના પ્રત્યે સભાન રહેનાર જ તેમાંથી બચી શકે છે, અન્યથા ક્યારે લપસી પડ્યાં એની જાણ સુદ્ધાં રહેતી નથી. કંઈક આવો સંદેશ આપતી આ પ્રસ્તુત વાર્તા ‘જલારામદીપ’ સામાયિક, દીપોત્સવી અંક ભાગ-2 માંથી સાભાર લેવામાં આવી છે.]

[dc]દ[/dc]રિયાનાં મોજાંઓને ક્યાંય સુધી તાકતો રહ્યો. પ્રાથમિક શાળાનાં બાળકો રજા પડે ત્યારે જે રીતે ઊછળકૂદ કરતાં બહાર આવે એમ મોજાં કિનારે આવીને મારા પગ સાથે અટકચાળા કરી જતાં હતાં. આ દરિયાની જેમ દૂર દૂર વતનથી છેક આ વેરાવળ તાલુકાના અંતરિયાળ ગામ સુધી નોકરી માટે આવ્યો હતો. આખા તાલુકામાં કોઈ પરિચિત નહીં. ખોપાળા ગામમાં બૅંકની શાખામાં નોકરી હતી. આજુબાજુમાં નજીકમાં કોઈ મોટું ગામ પણ નહીં. નજીક આ વેરાવળ. તો ય ખોપાળાથી ખાસ્સું દૂર. રજાના દિવસે વેરાવળ-સોમનાથ આવવું કૈંક ઠીક રહે. નાના ગામડામાં બૅંકની ‘વન-મૅન-બ્રાંચ’. એક ઑફિસર ને એક કલાર્ક.

ગામડાઓમાં એકલા માણસને કોઈ નાની ઓરડીય ભાડે ન આપે. ગામબહાર મંદિરની આશ્રમ જેવી જગ્યામાં બે દિવસ માંડ કાઢ્યા હતા. બ્રાંચ મૅનેજર બાજુના ગામડાઓ પૈકીના જ એક ગામના હતા. એ પણ ખોપાળા ગામમાં મકાન ભાડે અપાવવા સક્ષમ નહોતા. બે-ત્રણ જગ્યા ગામડાના પ્રમાણમાં કંઈક ઠીક કહેવાય એવી હતી. પણ એકલા પુરુષ માટે તો કોઈ જગ્યા નહોતી. અહીં નોકરિયાત માટે પુરુષ હોવું એ દોષ હતો. ને એકલા હોવું એ મોટો દોષ હતો.

વેરાવળમાં મકાન રાખી અહીં સુધી રોજ અપ-ડાઉન શક્ય હોત તો એ જ કરત. અહીં વખાર જેવી જગ્યામાંય રહેવાની તૈયારી હતી, પણ આ નોકરી સ્વીકારી ન હોત તો કોઈ પ્રશ્ન જ ન હોત, પણ ધારત તો પરણેલો છું એવું જૂઠું બોલીને…. ને થોડો સમય જ એકલા રહેવું પડશે એવું કહીને ય મકાન ભાડે મેળવી લીધું હોત. પણ… જો કે પરણેલા હોવાનું પ્રમાણપત્ર આપવાનું થતું હતું… અચાનક હું ઝબકી ગયો. દરિયામાં એકાએક આવેલાં મોજાંએ મને ચમકાવી દીધો ને પલાળી ય દીધો. કેટલાંક ડગ પાછો હટ્યો…. અને મારા ચિત્તમાં એક ઝબકાર થયો. આંખો ઝીણી થઈ. ખ્યાલમાં કશોક આકાર ઊપસવા લાગ્યો. હું યુક્તિ-પ્રયુક્તિનો માણસ નહોતો એટલે સ્પષ્ટ થવામાં ઝડપ આવતી નહોતી.

મારા ફ્રૅન્ડસર્કલમાં એક પૂર્વી હતી, જે દોઢ-બે વર્ષ પહેલાં પરણીને જૂનાગઢ આવી હતી. એનો પતિ દવાની કોઈ કંપનીમાં એમ.આર. હતો. મારી અત્યારની સમસ્યામાં પૂર્વીની સહાય લેવી જોઈએ એવું મારા મનમાં બેસવા લાગ્યું હતું. પછી ધીમે ધીમે એક યોજના આકાર લેવા માંડી. મનમાં આખીય વાત સ્પષ્ટ થઈ. એટલે પૂર્વીને સહાય માટે આખી વાત સમજાવીને દરખાસ્ત કરવા ધાર્યું. યોગ્ય સમયે મેં પૂર્વીનો મોબાઈલ પર સંપર્ક કર્યો. મારા ફોનથી એ ખુશ થઈ. ઉમળકાથી કેટલીયે વાતો અમારા વચ્ચે થઈ. આ પછી મેં મારી સમસ્યાની વાત ટૂંકમાં સ્પષ્ટ રીતે કહી. પૂર્વીએ પૂછ્યું કે તારી અપેક્ષા શું છે ? એટલે મેં એને મારી યોજના સવિસ્તાર સમજાવી. આ યોજનાના ભાગરૂપે પૂર્વીની કોઈ હાલની સખીઓમાંથી કોઈ યોગ્ય એવી યુવતીએ થોડા કલાકો પૂરતાં મારી પત્ની તરીકે અભિનય કરવાનો હતો. પૂર્વીએ આખી વાત ધ્યાનથી સાંભળી. એ વિચારમાં પડી ગઈ. એણે વિચારીને જવાબ આપીશ એમ પણ કહ્યું. વાત અહીં પૂરી થઈ. પણ કલાકમાં તો એનો વળતો ફોન આવ્યો, ‘તારી યોજના મુજબ મારા સર્કલમાંથી યોગ્ય એવી બે-ત્રણ છોકરીઓમાંથી કોઈ એકને આ માટે તૈયાર કરી શકાશે.’ હું ખુશીનો માર્યો ઊછળી પડ્યો, ‘વાહ, વાહ ! ક્યા બાત હૈ !’ હું આનંદમાં ભાન ભૂલીને બૂમ પાડી ઊઠ્યો. આજુબાજુ ઘૂમી રહેલાં લોકો ઘડીકભર અટકીને મને જોઈ રહ્યા. હું સહેજ છોભીલો પડ્યો. પણ મને ઝાઝી પરવા નહોતી. ‘થૅંક્સ પૂર્વી…. હાર્ટલી થૅંક્સ….’ મેં કેટલીયવાર કહ્યું. ‘ઓ..કે….ઓ…કે….’ કહી ‘વળી પાછો ફોન કરીશ…’ એમ જણાવી એણે ફોન કટ કર્યો. હું તરબોળ થઈ ગયો. દરિયા તરફ પગ ઉપાડ્યા. જાણે મોજાંઓ પર હું સવાર થઈ જવા માંગતો હતો. મોજાંઓએ મને ભીંજવી દીધો. મને લાગ્યું કે આ મોજાં દીવાદાંડીને પણ ભીંજવી રહ્યાં છે, આખા વેરાવળને ભીંજવી રહ્યા છે, છેક ખોપાળા સુધી મોજાં ફરી વળ્યાં છે. અને મને કંઈક જચી ગયેલા ઘરની ભાડાની પેલી ઓરડીનેય તરબોળ કરી રહ્યાં છે. મેં આંખો મીંચી દીધી. એક ઓરડી…. માત્ર એક ઓરડી જ ભાડે મળી જવાની કલ્પનામાત્રથી કેટલો બધો આનંદ થતો હતો ! મને લાગ્યું કે આ સામે છે એ દરિયામાં પાણી નથી, આનંદ છે. આ ઊછળે છે એ મોજાં નથી, મારું હૈયું છે…… કેટલીયે ભીની ભીની કલ્પનાઓમાં હું ડૂબવા લાગ્યો. ‘ચલ, દરિયામેં ડૂબ જાયે……’ એવું ગીત પણ ગાઈ ઊઠ્યો. પછી થયું, આ તો યુગલગીત છે ને હું તો એકલો છું !

ગામડે જઈને પહેલું કામ પેલી ઓરડીવાળા મકાનના માલિક વજાદાદાને મળવાનું કર્યું. એ મકાનમાં એ અને એનો પરિવાર હતો. ભાડે રહેવા પરણેલાં હોવું જરૂરી હતું. આ મકાનની ઓરડી ગામમાં સૌથી બહેતર હતી એવું બ્રાંચ મૅનેજરે મને કહેલું. ને આ શરત વિશે પણ કહેલું. વજાદાદાને મેં કહ્યું કે ‘હું પરણેલો છું. હા, મારી વહુ એકાદ આંટો હમણાં આવી જશે. વળી વતને પાછી જઈ ત્યાં બધી ગોઠવણ થઈ જાય એટલે આવતી રહેશે.’ વજાદાદાને મારી વાત ગળે ઊતરી હતી અને એ સાથે મારે માથેથી ભાર ઊતર્યો હતો.

થોડાઘણા સામાન સાથે એમના મકાને આવ્યો ત્યારે મારી રહેવાની જગ્યા ચોખ્ખીચણાક થઈ ગઈ હતી. રોજિંદી જરૂરિયાતો માટે પૂરતી સગવડ હતી. ને મારેય એથી વિશેષ કંઈ જોઈતું પણ નહોતું. પહેલો તબક્કો હેમખેમ પાર ઊતર્યો એથી હું ખુશ હતો. યોગ્ય સમયે મેં પૂર્વીને જૂનાગઢ મોબાઈલ કર્યો,
‘તારી જે કોઈ ફ્રૅન્ડની ઍક્ટ્રેસ તરીકે વરણી કરી લીધી હોય તેને વહેલી તકે નાટક કરવા મોકલી દે.’
પૂર્વી હસી : ‘હજી સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે.’
‘ઓ.કે.’ મેં કહ્યું, ‘સ્ક્રિપ્ટ પાવરફુલ હોવી જોઈએ.’ અમે બંને હસ્યા. મોકળ મને હસ્યા. બીજી યે વાતો થઈ.

હવે નિરાંતે નોકરી થતી હતી. વજાદાદા અને તેમના ઘરનાંને વાતવાતમાં કહી દેવાની તક લઈ લેતો હતો કે મારી ઘરવાળી આજકાલમાં આંટો આવી જશે. શાંતિથી નોકરી કરવા માટે ને એમાંય ભાડાની નાની ઓરડી માટે કેવા કેવા ઉધામા ને કેવાં કેવાં નાટકો કરવાં પડે છે એ વાતે હસવું પણ આવી જતું હતું. હવે પૂર્વીના દિગ્દર્શન હેઠળ એકાદ કુશળ અભિનેત્રીનું નાટક સંપન્ન થઈ જાય એટલે ભયો ભયો ! વજોદાદોય ખુશ, ને એનું કુટુંબેય ખુશ. પછી જેટલો સમય એકલા રહેવાનું થાય એટલો સમય આ બંદા ખુશ. વતનમાં બદલી માગે તો પણ મળવાની નહોતી. મારી સમસ્યાના ઉકેલ માટે સહકાર આપવા પૂર્વીએ હા પાડી એટલે એક ભાર પણ ઊતરી ગયો હતો. અમારા ફ્રૅન્ડસર્કલમાં બીજાં તો હતાં જ. નિશિત, વિનય. અર્ચિતા, પૂર્વી, રચના ને હું તો ખરો જ. પાંચ-સાત વર્ષ અમે ભણવામાં સાથે હતાં. છેલ્લાં બે વર્ષથી નોકરી અને લગ્નના કારણે દૂર જતા ગયા. પછી તો પ્રસંગોપાત અને મોબાઈલથી જ નજીક રહેવાનું બનતું. છોકરીઓમાં રચના વિશે અંગત રીતે વિચારવાનું જ નહોતું કેમ કે એનું સંજય સાથે ચાલી રહ્યું હતું. પછી સાવ પાકું થતાં પાકે પાયે જોડાઈ ગયેલાં. પૂર્વી એવી રૂપાળી હતી કે કમસેકમ હું એના માટે યોગ્ય નહોતો લાગતો. દોઢ વર્ષ પહેલાં એનાંય લગ્ન થઈ ગયાં ને અર્ચિતા મને મારા માટે યોગ્ય નહોતી લાગતી. બીજે દિવસે પૂર્વીનો ફોન આવી ગયો,
‘હલ્લો સુનીત, તારી વાઈફનું નામ કયું રાખવું છે ?’
મેં કહ્યું : ‘નામ તો ગમે તે રાખી દે ને ! એ ક્યાં આડું આવવાનું છે ? જેમ કે તું પૂર્વી છો, તો એનું નામ ‘પશ્ચિમી’ રાખ…..’
પૂર્વી હસી પડી, ‘એટલે કે મારા સામા છેડાની ?’
‘આ તો નામ પૂરતું જ….’
‘નામ પૂરતું જ ?’
‘હં તો શું વળી ? બાકી તો તારા જેવી જ સમજને !’
વળી અમે બંને હસી પડ્યા. ફર્ક એટલો હતો કે મારું હાસ્ય રોમાંચક હતું.

પૂર્વીના કહેવા મુજબ એમણે ‘પાત્રાવરણી’ કરી લીધી હતી. માંગને અનુરૂપ ‘સ્ક્રિપ્ટ’ પણ તૈયાર થઈ ગયેલી. રવિવારે નહીં, પણ એ પહેલાં આડા દિવસે આવતી એક રજાના દિવસે મારી ‘ઘરવાળી’ નાટક કરવા આવી જશે એ પણ નક્કી થઈ ગયું. હું આખીય વાતથી ભારે ઉત્તેજિત હતો. વતનથી છેક અહીં સુધી અચાનક આવવાનું બન્યું. એ તો સમજો ને કે નવા સંજોગો તરીકે સ્વીકારી લો એટલે રાબેતા મુજબ બધું ગોઠવાઈ જાય. પણ એક આ ભાડાની ઓરડીએ ભારે કરી હતી ! જો કે પૂર્વીની મૂલ્યવાન મદદ મળી રહી હતી એ મોટી વાત હતી. એ જો જૂનાગઢમાં ન હોત તો ? ઘણે દૂર હોત તો ? આખા જૂનાગઢ જિલ્લામાં બીજું હતું ય કોણ ? વળી આ પ્રકારની ‘સહાય’ કરવામાં એ સંમત ન થઈ હોત તો ? ઓહ ! થૅન્ક્સ પૂર્વી !’ તણાવની જગ્યાએ હવે થોડો ડર ને ઝાઝો રોમાંચ ગોઠવાઈ ગયા હતા. જેમ જેમ રજાનો દિવસ નજીક આવતો જતો હતો એમ ઉત્તેજના વધતી જતી હતી. મારી ભીતર જે કંઈ ચાલી રહ્યું હતું એ મારા ચહેરા પર કે વાણીમાં કે વર્તનમાં ડોકાઈ ન જાય એવી સતત કાળજી રાખ્યા કરવી પડતી હતી. જો કે આની કાળજી રાખવામાં મજા આવ્યા કરતી હતી.

રજાના આગલા દિવસે પૂર્વીનો ફોન આવી ગયો.
‘તારી પશ્ચિમી એની જાતે આવતીકાલે ત્યાં પહોંચી જશે ને નામ ‘પશ્ચિમી’ જ રાખીએ છીએ.’
‘ભલે ત્યારે, હું એ નામે સંબોધન કરીશ પણ એને ઓળખીશ કઈ રીતે ?’
‘તું ઓળખી જ જઈશ. તારા ફેવરીટ કલરની સાડી પહેરી હશે.’
‘જવા દે એ બધી વાત ! બસ, તું તારા લેવલે સારી ઍક્ટીંગ શીખવજે. કૉલેજના એન્યુઅલ ડેમાં આપણે ભજવેલું એ પ્રહસન હતું. અહીં પ્રહસન ન થઈ જાય એ ખાસ જોજે.’
‘ઓ.કે.ઓ.કે…!’ પૂર્વીએ નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું હશે એવું પ્રતીત થતું હતું.

આખરે એ દિવસ આવી પહોંચ્યો. આગલી રાત્રે ઊંઘ બરાબર આવી નહોતી. જે થવાનું હતું એનું રિહર્સલ ચાલ્યા કર્યું હતું. મોડેથી આંખ મળી ત્યારે જાગવાના સમયને ઝાઝી વાર નહોતી. કહેવાતી ‘પશ્ચિમી’ પોતાની રીતે, કદાચ ટ્રેનમાં અહીં સુધી પહોંચી જવાની હતી. મારે માત્ર પ્રતીક્ષા કરવાની હતી. વજાદાદા અને એનો પરિવાર પણ મારી ‘પત્ની’ના સ્વાગત માટે આતુર હતા. એને ત્યાં જ ચા-પાણી અને ભોજનનો પ્રબંધ હતો. મહેમાન માટે એ પરિવારના નાના-મોટાં સૌ કોઈ ઉત્સાહમાં હતાં. સવારની ચા મારી ઓરડી પર સમયસર આવી જતી હતી. એ પછી પ્રાતઃકર્મો પતાવી હું ઝડપથી ‘પત્ની’ના સ્વાગત માટે સજ્જ થઈ ગયો. પૂર્વીએ સ્પષ્ટ કહ્યું હતું કે પશ્ચિમી એની જાતે સીધી ઘરે પહોંચી જશે. જો કે બહારગામથી એકલી આવતી સ્ત્રીને, જાણ હોય ત્યારે લેવા ન જવું યોગ્ય ન ગણાય. અને આવા સાધારણ સંજોગોમાં તો બિલકુલ યોગ્ય ન કહેવાય. મકાનમાલિકના પરિવાર પર પણ સારી છાપ ન પડે. પૂર્વી ભલે કહે, મારાથી સૌજન્ય ન ચુકાય. વળી, આ ઘરમાં પશ્ચિમીના આગમન પૂર્વે મારે એને ઓળખી લેવી પણ જરૂરી તો હતી જ.

નાનકડા ગામના નાનકડા સ્ટેશને હું સમયસર પહોંચી ગયો. ટ્રેન આવવાનો સમય પણ થવા આવ્યો હતો. મને પરણ્યા વગર એક સ્ત્રી મારી પત્ની થઈને આવી રહી હતી, એ આખી વાત જ સાવ અનોખી અને રોમાંચક લાગતી હતી. વળી એ સ્વેચ્છાએ આવી રહી હતી એ વાતે પણ અનોખો રંગ ચઢ્યો હતો. મારું હૃદય પણ ધડકી રહ્યું હતું. બસ, થોડી જ વારમાં ટ્રેનમાં આવી પહોંચશે. કેટલાંક લોકો ઊતરશે. એમાં સૌથી અલગ તરી આવે એવી આછા ગુલાબી રંગની સાડીમાં સજ્જ થયેલી મારી પશ્ચિમી… યસ મારી…. કમ સે કમ આજે તો આવો ભાવ ઘુંટવો જ પડવાનો છે, તો કેમ અત્યારથી જ એવું ન કરવું ? ને હું એમ જ પશ્ચિમીના ખ્યાલમાં ખોવાઈ જવા લાગ્યો.
‘સુનીતભાઈ…. ઓ સુનીતભાઈ….!’
હું ઝબકી ગયો. પાછળ ફરીને જોયું તો વજાદાદાનો દીકરો વિક્રમ હસીને બોલાવી રહ્યો હતો : ‘પશ્ચિમીભાભી તો ઘરે પહોંચી ગયાં. ચાલો, હું તમને લેવા આવ્યો છું.’
‘ઓહ….’ કરતો હું એની પાછળ ખેંચાયો. બહાર નીકળી બાઈક પર વિક્રમની પાછળ ગોઠવાયો.
‘કોઈ પ્રાઈવેટ વાહન મળી ગયું એટલે ભાભી અહીં વહેલાં પહોંચી ગયાં.’
પશ્ચિમીને પહેલાં મારે જોવાની હતી એને બદલે અડધા ગામે અને વજાદાદાના કુટુંબે જોઈ લીધી. થોડીવાર માટે મનમાં ઊઠેલા તરંગો અને ભાવો બદલાઈ ગયા. ઘરે પહોંચતા સુધી હું મૌન થઈ ગયો.

ઘર આખાનો માહોલ બદલાઈ ગયો હતો. મારી ઘરવાળીને મારા પહેલાં બધાએ જોઈ લીધી હતી. અને સ્વાગત પણ મારા પહેલાં એ લોકોએ કરી લીધું હતું. આમ તો રંજ હતો, પણ વ્યર્થ હતો. આખરે તો આ નાટક છે. એટલે આ અને આવી વાતો છેક હૃદય સુધી થોડી લાવવાની હોય !
‘અરે, આવી ગયા તમે ? સ્ટેશન જવાની જરૂર ક્યાં હતી ? ના નહોતી પાડી તમને ?’ આછા ગુલાબી રંગમાં લપેટાયેલી એ સ્ત્રી અચાનક જ ખિલખિલ હસતી સન્મુખ આવી. હું હસીને કશુંક કહેવા ગયો, પણ ચરરર…… કરતી બ્રેક લાગી ગઈ. મારી આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્યથી મોં પહોળું થઈ ગયું, ‘પ….પ…..’
‘ચા તૈયાર થવામાં જ છે. ત્યાં સુધી દાદા સાથે વાતો કરો.’ કહીને હસી અને થોડુંક આંખો કાઢવા જેવું પણ કર્યું. હું સચેત થઈ ગયો. અને પરાણે હસ્યો. બીજા કોઈને કંઈ ખબર પડે એ પહેલાં થોડીક ક્ષણો કશુંક ભજવાઈ ગયું.
‘ઓહ પૂર્વી !’ મનોમન બોલી હું બેસી ગયો. વિક્રમની બહેન એને પૂછતી હતી :
‘હેં ભાભી ! સુનીતભાઈ તમને પ….પ… કહે છે ?’
‘હા, એ તો એની બેંકનું નામેય આખું બોલતા નથી. એમ મારું નામેય નથી બોલતા. એ તો સારું છે કે મારું ‘પશ્ચિમી’ નામ ટૂંકું કરીને ‘પશુ’ નથી કહેતા !’ સાંભળ્યું એ બધાં હસ્યાં. મેં પણ હસવાનું નાટક કર્યું. મારે ઝડપથી પૂર્વીને પચાવવાની હતી. વજાદાદા અને બીજા સાથે પરાણે હસીને વાતો કરવા લાગ્યો. મારું મગજ ઘુમરી ખાતું હતું. કારણ કે પૂર્વી પોતે જ પશ્ચિમી થઈને આવી ! કેટલા બધા પ્રશ્નો થતા હતા. અને એના ઉત્તરો તો માત્ર પૂર્વી જ આપી શકે. અત્યારે તો વાતચીતમાં અને રસોઈમાં પૂર્વી આસાનીથી ભળી ગઈ હતી ને વહુ તરીકેનો ગરિમાપૂર્ણ વ્યવહાર કરતી હતી. એને સાંજની જ ટ્રેનમાં નીકળી જવું પડશે એનાં નક્કર કારણો પણ આ લોકોને એવી રીતે સમજાવ્યાં હતાં કે સૌને લાગતું હતું કે ના, વહુ એટલે વહુ. વજાદાદાએ ય કહ્યું : ‘બાંયણેથી જ વવના લખણ વરતાઈ જાય. હંધુય હારું સે ને હારું જ થાવાનું….’ હું વજાદાદાને જોઈ રહ્યો. હવે પૂર્વી મારી સાવ અંગત બની ગઈ હતી. જમી-કારવીને નિરાંતે ઓરડીમાં જવાનું થયું ત્યારે કેટલા બધા સવાલો ઉભરાવા લાગ્યા હતા.

ઓરડીમાં એકાંત હતું. જેના અહીં હોવાની કલ્પના સરખીય નહોતી કરેલી એ પ્રત્યક્ષ હતી. સદેહે હતી, સ્વેચ્છાએ હતી. હા, એ ખરેખર પૂર્વી હતી. દામ્પત્યનું નાટક તો બીજાઓ સામે હતું, પણ એકાંતમાં તો સવારથી સ્થાપિત થઈ ગયેલા ભાવ મન અને હૃદયમાંથી અત્યારે હાંકી કાઢવા સહેલા નહોતા.
‘સૉરી સુનીલ, તારી પશ્ચિમી તરીકે આ પૂર્વી પોતે આવી ગઈ. એક કારણ, તને સરપ્રાઈઝ આપવા. બીજું કારણ, ભેદ જાળવી રાખવા. આ નાટકની વાત આપણા બે સિવાય કોઈ ન જાણે એ માટે. ત્રીજી વ્યક્તિને ભેદની જાણકારી હોય તો એમાં જોખમ પણ હોય. એટલે મારી કોઈ બહેનપણીના બદલે હું પોતે જ તૈયાર થઈ. હું મારી ફ્રૅન્ડઝ સાથે અવારનવાર સવાર-સાંજ આઉટીંગમાં જતી હોઉં છું. આજે પણ એ જ રીતે નીકળી છું.
‘ઓહ, તેં જે કર્યું એ સારું કર્યું. અજાણી સ્ત્રી માટે હું અને મારા માટે એ, પતિ-પત્નીની ઍક્ટીંગમાં ઊણાં ઊતરત. એને બદલે તને….’ હું અટકી ગયો. પૂર્વી મને તાકી રહી. એના હોઠ પર આછું અને સહેજ લજ્જાભર્યું સ્મિત હતું.
‘આગળ તો બોલ….’ એ ધીમેથી બોલી.
વર્ષોથી પૂર્વીને જે કહેવા તલસતો હતો એ બધું ઘરબાઈ ગયું હતું. લઘુતાભાવે પહેલા પણ મને પૂર્વી તરફ આગળ વધતો અટકાવી રાખ્યો હતો અને અત્યારે પણ એ જ ભાવ બળવત્તર થઈ રહ્યો હતો.
‘સાચું કહું, પૂર્વી !’ આગળ બોલતાં હૃદયના ધબકાર વધ્યા, ‘જેને હકીકતમાં બદલી ન શકાયું, એને આભાસરૂપે તો પામી શકાયું.’
‘હકીકતમાં કેમ બદલી શકાયું નહીં… અને એવું કંઈ છે એવું કેમ દેખાયું નહીં ?’ પૂર્વીએ પૂછ્યું ત્યારે એની આંખોમાં સહેજ ભેજ વર્તાયો. મારા માટે કંઈક આશ્ચર્યની બાબત હતી. કોઈ જ પ્રકારના અભિનય વગરની આ ક્ષણો ભીની ભીની હતી. ભાવોના દ્વંદ્વમાંથી બહાર આવવામાં સમય ખર્ચાઈ રહ્યો હતો. આટલાં વરસોમાં કેટલીય ક્ષણો અવસર બનીને આવેલી એ આમ જ સરકી ગયેલી. અત્યારે એવું કંઈ ન બને એની કાળજી લેતાં હું બોલ્યો :
‘મારા મનના ખૂણે તારો વસવાટ પહેલેથી જ કાયમી રહ્યો છે, તને હું કેટલુંય કહી શક્યો નથી.’
‘સુનીત, કહેવાનું હોય એ આંખોમાં વંચાતું હોય છે, પણ તું તો આંખ સાથે આંખ પણ મેળવતો નહોતો. યુ વેર સફરીંગ ફ્રૉમ ઈન્ફીરિયારીટી કૉમ્પલેક્સ ઓલ્સો. કૉલેજના મેગેઝિનોમાં ને બીજા સામાયિકોમાં તારા કાવ્યોની પંક્તિઓ મને ઝંકૃત કરી દેતી. તારા નિબંધોનું લાલિત્ય મારા ચિત્તને સ્પર્શી જતું. પણ તારાં લખાણોમાંનો રોમાંસ તને મારી સાથે light flirting પણ કરવા દેતો નહોતો. સુનીત, એ મને ક્યારેય સમજાયું નહીં….!’

કેટલીક ક્ષણો મૌનમાં પસાર થઈ ગઈ.
‘અત્યારે કરેલા નાટક માટે કોઈ રિહર્સલની જરૂર નહોતી. પણ તને propose કરવા નાટક નહોતું કરવાનું તો પણ કેટલાંયે રિહર્સલ કરેલા…. પણ પૂર્વી, સાચું કહું ? તારા માટે અનુરૂપ એવા પાત્ર તરીકે હું મને યોગ્ય નહોતો લાગ્યો. વળી, તારા મનમાં હતું, એનો સહેજ અણસાર પણ નહોતો એટલે તો હિંમત પણ ન કરી શક્યો.’ પછી કેટલોય સમય મૌન પથરાઈ ગયું. ભારોભાર રંજ ઊતરી આવ્યો. હળવાં પગલે પૂર્વી પાસે ગયો. એના ખભે હાથ મૂકતાં જ એ મને વિંટળાઈ વળી. કલ્પના નહોતી એવું થઈ રહ્યું હતું. ક્યાંય વાગતી નહોતી છતાં શરણાઈ સંભળાતી હતી. ક્યાંય મંત્રોચ્ચાર પણ થતા નહોતા, છતાં સંભળાતા હતા. ક્યાંય અગ્નિ નહોતો છતાં એનું પ્રાગટ્ય થયું હતું. એની પાવકજ્વાળાથી જાણે સ્મૃતિમોક્ષ થઈ રહ્યો હતો, ઈચ્છામોક્ષ થઈ રહ્યો હતો…. રંજ ઓગળી રહ્યો હતો. ચારેતરફ હવામાં પ્રસન્નતા ભળી રહી હતી.

છેક સાંજે અમે ઓરડીમાંથી બહાર નીકળ્યા. ચાના સમયે અમારી ઘણી રાહ જોવાયેલી. જમવા રહેવામાં મોડું થાય છતાં આગ્રહ હતો એટલે નાસ્તો કર્યો. સાંજની ટ્રેન આવવાના સમયે પૂર્વીને સ્ટેશને મૂકવા જવાનું હતું. નીકળતાં પહેલાં અમે ‘સજોડે’ મોટેરાં સહુને પગે લાગ્યાં. વજાદાદાને પણ પગે લાગ્યા. એમણે આશીર્વાદ આપીને કહ્યું : ‘આ સાયેબની કાંઈ ચંત્યા નો કરતાં હોં, વઉ….. આંયથી બદલી થઈને સાહેબને બીજે વયા જવાનું થાય તો ય બેય માણહ આંયા આવતા રે’જો. સાહેબ આયાં સે ન્યાં લગણ અમે ધ્યાન રાખશું. બાકી તો વવ, ધ્યાન રાખવાવાળાં તમે તો સો જ ને !’
‘હા, દાદા !’ કહી પૂર્વી વળી એમને પગે લાગી.
‘ઈ તો હાર્યે જ હોય ને !’ વિક્રમ બોલ્યો, ‘ઓયડી ભાડાની સે, બાયડી થોડી ભાડાની સે ?’ બધાં ખડખડાટ હસ્યા. અમે બંને પણ હસ્યા. પણ એમના અને અમારા હાસ્યમાં જે ફરક હતો એ અમારા બે સિવાય કોઈના ધ્યાને ચઢ્યો નહોતો.

[poll id=”52″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “ભાડાની ઓરડી – નીતિન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.