‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ પુસ્તક પરિચય – વંદના શાંતુઈન્દુ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]‘આ[/dc]પો ઉત્તર ઓ સપ્તવર્ણી’ કવિતા સંગ્રહ મૂળ હિન્દી કવિયત્રી સુશ્રી બિનય રાજારામ, જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે સુશ્રી નિર્ઝરી મહેતાએ. અનુવાદનું કામ એ એક અનુષ્ઠાન છે જે નિર્ઝરીબેને સુપેરે પાર પાડ્યું છે. આ કાવ્યસંગ્રહમાં કુલ પચાસ કાવ્યો સામેલ છે; જેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. દરેકને ‘વર્ણ’ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વર્ણ પુરાતન સાથે સંવાદ છે. દ્વિતીય વર્ણમાં વર્તમાન છે તો તૃતિય વર્ણમાં છે મન.

અહીં ‘સપ્તવર્ણી’ એટલે કે સૂર્ય પાસે જવાબ માગવામાં આવ્યો છે. સૂર્ય પાસે જવાબ માગવાની હિંમત કોણ કરી શકે ? અલબત્ત સ્ત્રી જ. કેમ કે સ્ત્રી તો છે સૂર્ય સમોવડી. સમગ્ર સૃષ્ટિને જન્માવનાર તો છે સૂર્ય અને સ્ત્રી. અન્યો માટે બળવું, પ્રકાશવું, ઉદિત થવું, અસ્ત થવું, સાત-સાત રંગો વચ્ચે પણ સફેદ રહેવું…. કોણ કરે છે આ બધું ? જવાબ છે સૂર્ય અને સ્ત્રી. આમ, સૂર્ય પાસે જવાબ માગવા જેવું ખુમારીનું કામ અહીં કર્યું છે મૂળ ઓરિસ્સાના અને હાલ ભોપાલ ખાતે અધ્યાપન કાર્ય કરતા કવિયત્રી સુશ્રી બિનય રાજારામે.

પુસ્તક તરફ હું આકર્ષાઈ તેના મુખપૃષ્ઠને લીધે. પ્રથમ પૃષ્ઠ પર છે જગપ્રસિદ્ધ અને ભારતીય વાસ્તુશાસ્ત્રથી સિદ્ધ કોણાર્કના સૂર્યમંદિરનું રથચક્ર. અને પાછલા પૃષ્ઠ પર છે સ્થાપત્ય કળાનો બેનમુન નમૂનો અને આપણી બેનમૂન સંસ્કૃતિની અમુલ્ય ધરોહર સમું સ્વયં કોણાર્ક મંદિર. દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. કાનમાં રથના પૈંડાનો કિચૂકાટ, નાની ઘંટડીનો મંજુલ રવ, હથોડી-ટાંકણા અને છીણીનો લયબદ્ધ અવાજ…. અને એ સાથે સલાટો, મજુરોનો ઝીણો કર્ણપ્રિય કોલાહલ સંભળાવા લાગ્યો. હાથમાનું પુસ્તક અનાયાસ કાને મંડાઈ ગયું. ઓહ ! આ તો શબ્દોનો અવાજ ! કોઈ ચક્રની જેમ ગતિ કરતા, કોઈ ઘંટડી જેવા મધુર, કોઈ હથોડીની જેમ પથ્થરદિલ પર ઘા કરતા, કોઈ ખરબચડા મનને ઘસીને લીસ્સા કરતા શબ્દો…શબ્દો મળીને કંડારતા હતા કવિતાનું કોણાર્ક…. અને પૃષ્ઠ ખુલી ગયા… કોઈ કોઈ કવિતા અદ્દભુત તો કોઈ કવિતા જ નહિ, ફક્ત એક ભાવન કે જે શબ્દ બની ગઈ હતી. છતાં પણ વાંચી ગઈ દરેક કવિતા અને થોડીને તો માણી.

બિનય રાજારામનો જન્મ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં. માતૃભાષા ઉડિયા. પ્રાથમિક શિક્ષણ વનસ્થલી વિદ્યાપીઠમાંથી. રાજસ્થાન વિશ્વવિદ્યાલયથી એમ.એ. અને બરકતઉલ્લા વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટ કર્યું. ઉડિયા, સંસ્કૃત, હિન્દી, બંગાળી, ડિંગલ, માલવી, ગ્રીક અને અંગ્રેજી ભાષા બોલીનું જ્ઞાન. ફણીશ્વરનાથ રેણુની એક નવલકથા પર લઘુશોધ તથા યુનાનના એરિસ્ટોટલ વિશ્વવિદ્યાલય થેસાલોનિકીમાં ઈસાઈ ધર્મગ્રંથ ‘બારલામ અને યોઆસફ’ તથા અશ્વઘોષ કૃત ‘બુદ્ધચરિતમ’ અંગે તુલનાત્મક સંશોધન કર્યું. ગ્રીસમાં તેમને એશિયન સ્તરે ચાર વર્ષ માટે શિષ્યવૃત્તિ તેમજ રાષ્ટ્રિય સ્તરની સ્કોલરશિપ મેળવેલ છે. તેઓને તેમના કાવ્યો તેમજ નવલિકા માટે રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર મળેલા છે. તેમને માનદ ડૉક્ટરેટની પદવી પણ પ્રાપ્ત થયેલ છે. ‘લંકામાં હરી શ્રીરામ’ પુસ્તક માટે મધ્યપ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા ‘શ્રી અંબિકા પ્રસાદ દિવ્ય પુરસ્કાર’ મળેલ છે. રાષ્ટ્રિય આંતરરાષ્ટ્રીય શોધ-સેમિનારમાં સંશોધન, વક્તવ્ય આપેલ છે. તેઓ બાળસાહિત્યના સર્જક પણ છે.

આવી વિદુષી કવિયત્રીની કવિતાઓનો અનુવાદ એવા જ વિદુષી ગુજરાતી-હિન્દી સર્જક કવિયત્રી સુશ્રી નિર્ઝરી મહેતાએ કર્યો છે. તેઓ ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. થયેલા છે. તેઓ ‘બ્રોકર સુવર્ણચંદ્રક’ મેળવનાર સર્વપ્રથમ વિદ્યાર્થી છે. ‘આરવ’ તેમનો કાવ્યસંગ્રહ છે. યુ.જી.સી. આયોજિત ગાંધી શતાબ્દિ નિબંધ ‘હું ગાંધીજીને કેવી રીતે સમજું છું’માં તેઓનો નિબંધ પ્રથમ પુરસ્કૃત થયેલો. વિવિધ સાહિત્યિક સામાયિકોમાં તેમની રચનાઓ અવારનવાર પ્રકાશિત થતી રહે છે. ‘બાલભવન’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં નિર્ણાયક તરીકે સેવા આપે છે. ‘જે.ટી.વી.’ પર ‘સાહિત્ય આચમન’ નામની શ્રેણીનું લાંબા સમય માટે સંચાલન તેઓએ કરેલું. તેઓ મુંબઈની કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપતા હતા. હાલ વડોદરા સ્થાયી થયા છે.

પ્રસ્તૃત કવિતાસંગ્રહના પ્રથમ વર્ણમાં કવિયત્રી મત્સ્યાવતાર, કૂર્માવતાર, વરાહવતાર ને યાદ કરીને તેમની મહાનતા દર્શાવીને કવિયત્રીએ ભારતીય સંસ્કૃતિના એ અભિગમને ઉજાગર કર્યો છે કે માનવી તુચ્છમાંથી મહાન બની શકે છે. આની સામે કાફકાની ‘મેટામોર્ફોસીસ’ યાદ આવે છે જેમાં માનવીનું તુચ્છ જંતુમાં પરિવર્તન થાય છે. બે સંસ્કૃતિ વચ્ચેનો ભેદ સાહિત્યિક સ્તરે સ્પષ્ટ થઈ આવે છે. ‘જડતો નથી એકેય વાલ્મિકી’ કાવ્યમાં કવિયત્રી પ્રશ્ન કરે છે કે કહેવાતા બુદ્ધિજીવી વર્ગને સીતાહરણ, અગ્નિપરીક્ષા, સીતાનો પુનઃવનવાસ તો યાદ છે. વારંવાર તે વિષયને કોઈ ને કોઈ સંદર્ભે ઉખેડવામાં આવે છે પરંતુ રામના ગુણો, મહાનતા અને રામાયણની નરવાઈ-ગરવાઈને ઈરાદાપૂર્વક ભૂલી જવામાં આવ્યા છે. કેમ ભાઈ, ભારતની મહાનતાની વાત છે એટલે ? ‘તું અહલ્યા નથી’ કાવ્યમાં સ્ત્રીઓને સરસ સંદેશ મળે છે કે તું તારા ઉદ્ધાર માટે કોઈની રાહ શા માટે જુએ છે ? તું જ તારી રામ થા. રૂઢિઓના બંધનમાં બંધાઈને જડ થઈ ગયેલા સ્ત્રીત્વને આનાથી વધારે સારો સંદેશ શું હોઈ શકે ? ‘સત્યને નામે હે યુધિષ્ઠિર’માં પ્રશ્ન યુધિષ્ઠિર તરફ તકાયો છે, ‘તમે ધર્મરાજા હતા તો પણ પત્નીને દ્યૂતમાં મૂકી દીધી ! અને એટલેથી ન અટક્યા તે જીવનસંધ્યાએ સુખ-દુઃખની સંગીની પર આંખ ચડાવીને સર્વપ્રથમ એને જ ત્યાગી ? અને આ વાતને વર્તમાનના સંદર્ભમાં મૂલવતા કહે છે કે આજે પણ આ જ થાય છે. પત્નીને સંપત્તિ માનીને ઈચ્છા પ્રમાણે વ્યવહાર કરાય છે. ‘એક પત્ર દ્રૌપદીને નામ’માં દ્રૌપદીને કહે છે કે તે ભિન્ન પ્રકૃતિના પાંચ પતિઓને નિભાવ્યા કેમ કરીને ? તે મુશ્કેલ તો હતું જ પરંતુ સાંભળ શ્યામા, એક જ પુરુષમાં રહેલી પાંચ-પાંચ વિસંગતતાઓને નિભાવવી વધારે મુશ્કેલ નથી શું ? ગાંધારીને ઉદ્દેશીને કહે છે કે આંખ તો બારી છે બહારની દુનિયાને જોવાની, પામવાની અને તેં તેને જ બંધ કરી દીધી ! અને વ્યંગ કરે છે કે, આમ પણ સ્ત્રીઓ અંધપત્ની જ હોય છે ને ! પતિએ પહેરાવેલા ચશ્માથી દુનિયાને જોવાની એ જ એની નિયતિ. ‘ગોળ છે પૃથ્વી’ કાવ્યમાં કવિયત્રી ઈતિહાસના પુનરાવર્તનની વાત કરે છે. અંગ્રેજો તંબુ લઈને આવ્યા હતા વેપાર કરવા અને શાસક થઈ ગયા. એ જ રીતે વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓએ આ વખતે મૉલ નામના તંબુમાં ડેરા તાણ્યા છે. શું ફરીથી એ જ થશે ? કવિયત્રી આશાનો સૂર છેડતા કહે છે કે ફરીથી એ જ થશે તો ફરી એક લડાઈ લડીશું અને ઈતિહાસને પુનરાવર્તનની જ ટેવ હોય તો ભારતમાતા ફરી વૈભવના શિખર પર પહોંચશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. મૃત્યુથી પણ ભયાનક ઘટના છે પોતાના લાડકવાયાઓનું ખોવાઈ જવું. કવિયત્રી પૂછે છે કે ક્યાં જતાં હશે ? પછી પોતે જ જવાબ આપે છે, બલિ ચઢી જતાં હશે ? આતંકવાદીઓના કેમ્પમાં દફન થઈ જઈને આતંકમાં વધારો કરતા હશે દેશના દુશ્મનો ?

‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’માં લાગે છે તો એવું કે સૂર્ય પાસે જવાબ માગવામાં આવે છે પરંતુ કવિતા પૂરી થતા સુધીમાં એ પ્રશ્ન સમગ્ર માનવજાત સામે તકાય છે. કવિયત્રી પૂછે છે કે હે સપ્તવર્ણી ! કોણાર્ક પર પ્રથમ કિરણરૂપે તમે જ ફેલાવ છો, ગ્રીસની રાજધાની એથેન્સમાં આવેલ એથેના દેવીના મંદિર પાર્થેનોનના બાહુ તમે જ પંપાળો છો, કન્યાકુમારીમાં તમે જ ઉદિત-અસ્ત થાઓ છો, હિમાલયના બર્ફીલા શિખર પર તમારો વૈભવ ચકાચૌંધ કરી દે છે તેમજ સૂનિઅન (દ.ગ્રીસમાં ત્રણ સમુદ્રથી વિંટળાયેલું એ સ્થળ જ્યાંનો સૂર્યાસ્ત અદ્દભુત કહેવાય છે.) માં પણ તમે જ છો. આમ ઠેર-ઠેર સૂર્ય હી સૂર્ય જ પૂજાય છે. તો દેશ-વિદેશ એવું અંતર શા માટે ? માણસ-માણસ વચ્ચે ભેદ શા માટે ?

આમ અનેક પ્રશ્નોના જવાબ અને અનેક જવાબો પ્રશ્નો બનીને ઊભા છે ‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ પુસ્તકમાં. આ કવિતાઓ લાગણીના લયમાં વિહરવા કરતાં વિચારોના વાતાયનમાંથી આપણને દૂર દૂર લઈ જાય છે જે ક્યારેક ભૂતકાળ તરફ હોય છે તો ક્યારેક ભવિષ્ય તરફ. અને આપણને ઊભા રહેવા મજબૂર કરે છે વર્તમાનના વાતાયન સામે.

[poll id=”51″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ પુસ્તક પરિચય – વંદના શાંતુઈન્દુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.