આરોગ્ય – વિનોબા ભાવે

[ આ લેખમાં ‘આરોગ્ય’ વિશેનો મૂળ વિચાર રજૂ થયો છે. દેશકાળ પ્રમાણે કદાચ તેમાંની કેટલીક વાતો આજે ઉપયોગી ન પણ હોય પરંતુ તેનો કેન્દ્રવર્તી વિચાર આજે પણ એટલો જ પ્રસ્તુત છે. વિનોબાજીએ સમજાવેલ પદ્ધતિએ જો જીવન ચાલે તો આપણી આંતરિક પ્રસન્નતામાં ચોક્કસ વધારો થાય. આ લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

[dc]સ[/dc]માજમાં ત્રિદોષને લઈને રોગ વધી રહ્યા છે. પહેલો દોષ છે, પોષણનો અભાવ. તેથી અન્ન સમસ્યા હલ કરવી તે આખી દુનિયાનું કર્તવ્ય છે. બીજો દોષ છે સ્વૈરાચાર, અસંયમ. શું નાટક, શું સિનેમા, શું સાહિત્ય, એટલાં ગંદાં છે કે એવી પરિસ્થિતિમાં ચિત્તને શુદ્ધ રાખવું, સ્વચ્છ રાખવું અઘરું થઈ જાય છે. સ્વૈચ્છાચારથી અસંખ્ય રોગો વધશે. ત્રીજો દોષ છે હવામાં દૂષણ. નદીઓમાં કચરો વધી રહ્યો છે. એટલી હદે કે અમુક નદી સમુદ્રમાં મળી ત્યારે સમુદ્ર ખરાબ થયો. કેટલીયે માછલી ભાગી ગઈ, કેટલીયે મરી ગઈ. વનસ્પતિ ગંદી થઈ. હવા દૂષિત થઈ. તેથી જાતજાતના રોગો વધ્યા.

માનવજાત અનાદિ કાળથી અનેક પ્રકારના રોગોથી પીડિત રહી છે. પણ અગાઉ આટલા મોટા પ્રમાણમાં ડૉક્ટરો દ્વારા એવી ફરિયાદ નહોતી કે નવા નવા રોગો, જેના વિશે અમને કોઈ જાણકારી નહોતી, એવા રોગો વધી રહ્યા છે. જૂના રોગો અને નવા રોગો બંને સાથોસાથ ચાલે છે. જેમ જેમ ડૉક્ટરોની સંખ્યા વધી રહી છે તેમ તેમ રોગોની સંખ્યા પણ વધી રહી છે. જેમ જેમ વિજ્ઞાનમાં પ્રગતિ થાય છે, તેમ તેમ ડૉક્ટરોની સંખ્યા પણ વધતી જાય છે. એવું મનાય છે કે જનસંખ્યા અને ડૉક્ટરોનો ગુણોત્તર 100:1 હોવો જોઈએ. જો એમ થશે તો તે એક અભિશાપ હશે. મારું સૂચન છે કે જો પંચવર્ષીય યોજના-કાળમાં દસ હજાર લોકો દીઠ એક ડૉક્ટર છે તો આવતી યોજના-અવધિમાં આ ગુણોત્તર એક લાખ લોકો દીઠ એક ડૉક્ટરનો થઈ જવો જોઈએ અને તે પછીની યોજના-અવધિમાં દસ લાખ લોકો દીઠ એક ડૉક્ટર જોઈએ.

જો તમે યોગી બનો છો તો રોગી નહીં રહો. જ્યાં જીવનમાં યોગ રહેશે, ત્યાં આરોગ્ય સચવાશે. યોગી બનવું એટલે શું કરવું ? સમતોલ આહાર, ઉચિત આરામ, ગાઢ નિદ્રા, ઉચિત કામ અને કોઈના પર ગુસ્સો ન કરવો. પ્રસન્નતાનો અર્થ વ્યક્ત કરવા ભાષ્યકારે ‘સ્વાસ્થ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે, જે યોગ્ય જ છે. ‘સ્વાસ્થ્ય’ શબ્દમાં શારીરિક અને માનસિક, બેઉ પ્રકારના આરોગ્યનો સમાવેશ થઈ જાય છે. વૈદક શાસ્ત્ર મુજબ શારીરિક સ્વાસ્થ્યનો અર્થ છે, ચિત્તની સમતા અને માનસિક શાંતિ. એ બંને અર્થનો સંગ્રાહક એવો આ ‘સ્વાસ્થ્ય’ શબ્દ ‘પ્રસન્નતા’નો યોગ્ય પર્યાય માની શકાય. પ્રસન્નતાનો મતલબ છે રાગ-દ્વેષરહિતતા, સ્વચ્છતા, નિર્મળતા. એનું લક્ષણ એ પણ બની શકે – ‘જેના દર્શનમાત્રથી દુઃખશમન થાય છે, તે છે પ્રસન્નતા.’ કોઈનો પુત્ર મરી ગયો. તેથી તેનું ચિત્ત ખિન્ન થયું. ક્યાંય તેનું મન ચોંટતું નથી. તે એક ઝરણાની પાસે જઈ બેઠો. મન શાંત થયું. એ ગુણ એ ઝરણાની નિર્મળતાનો છે. નિર્મળતા સ્વયં પ્રચારક છે. તેનો પ્રભાવ સહેજે પડે છે. તેના દર્શનથી અવશ્ય આનંદ મળે છે.

લોકો આરોગ્ય પણ ભોગ સારુ ચાહે છે. પરંતુ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ‘પરમેશ્વર-પ્રાપ્તિ માટે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ. બુદ્ધિ નિર્મળ રહે તે માટે શરીર નિર્મળ રહેવું જોઈએ. એથી શરીરને સાફ રાખવા સારુ આયુર્વેદનો આરંભ થયો.’ અર્થાત ભારતની આયુર્વેદ પદ્ધતિ દેહારોગ્ય, બુદ્ધિ-શુદ્ધિ અને ઈશ્વર-સિદ્ધિ માટે છે. આરોગ્ય અને શુદ્ધ બળની ગણતરી આધ્યાત્મિક બાબતોમાં થાય છે, એ વાત ધ્યાનમાં આવી જાય તો આવો પ્રયત્ન સાલભર જ નહીં, અંતિમ શ્વાસ સુધી ચાલવો જોઈએ. ત્યારે એ પ્રયત્ન પ્રયત્નરૂપ ન રહેતાં જીવનનું અંગ બની જશે. પછી જ્યારે પ્રાણપંખેરું ઊડી જશે ત્યારે તે આરોગ્યાવસ્થામાં જ ઊડી જશે તેવી મારી શ્રદ્ધા છે. આધ્યાત્મિક જીવન નિસર્ગતઃ આરોગ્યમય હોય છે. ખરું આરોગ્ય પ્રાપ્ત થયેથી વૃત્તિ પણ નિર્વિકાર થવા લાગે છે. અને વૃત્તિના નિર્વિકાર થવાથી શરીરમાં આરોગ્ય પ્રગટવા લાગે છે. તેથી આરોગ્યને કેવળ શારીરિક અથવા સ્થૂળ વસ્તુ નહીં પણ આત્મિક અને સૂક્ષ્મ વસ્તુ માનવી જોઈએ. ગીતામાં સત્વગુણનાં લક્ષણોમાં કહ્યું છે કે એ જ્ઞાન, આરોગ્ય વધારે છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત છે કે એક જ સત્વગુણનું આ બેવડું પરિણામ છે. જ્ઞાન, આરોગ્ય અને સાત્વિકતા એ ત્રણેય અંદરથી એકરૂપ છે. કેવળ દેહગત મળ-વિશુદ્ધિથી આરોગ્ય નહીં પ્રાપ્ત થાય. ચિત્ત અને દેહ બંનેના મળની શુદ્ધિ થવી જોઈએ. તે પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે.

સત્વગુણ ચારિત્ર્યસૂચક છે. ચારિત્ર્યવાન માનવ બુદ્ધિમાન હોવો જ જોઈએ, એવી અપેક્ષા નથી રખાતી. તે આરોગ્યવાન હોવો જ જોઈએ, તેવો તો કોઈનો આગ્રહ જોવા મળતો નથી. પરંતુ ગીતાની દષ્ટિમાં ચારિત્ર્ય, જ્ઞાન અને આરોગ્ય એ ત્રણેય નિર્મળતાના પરિણામે મળેલ હોઈને સત્વગુણમાં એ અવશ્ય હોવાં જોઈએ. જ્યાં આ ત્રણેયમાંથી કોઈ એકની કમી હશે ત્યાં સત્વગુણનો એટલો ઉત્કર્ષ નથી થયો એમ સમજવું જોઈએ. સત્વગુણનું દેહ પર પરિણામ છે દેહનું આરોગ્ય, મન પર પરિણામ છે દયા-ક્ષમા-શાંતિ અને બુદ્ધિ પર પરિણામ છે સત્યજ્ઞાનની જિજ્ઞાસા.

એક આપત્તિમાંથી છુટકારો મેળવવાની શક્તિ બીજી આપત્તિમાં નથી. તે માટે તો સંપત્તિની જરૂર પડે. એક રોગ હલ કરવાનો આભાસ થાય અને તેને બદલે વધુ ખરાબ રોગ પેદા કરવો અથવા તેનું બીજ વાવવું, એનાથી ભલું ન થાય. આ વિચાર જ કુદરતી ઉપચારના મૂળમાં છે. નિસર્ગોપચાર કહે છે કે જ્યાં આપણે કૃત્રિમ દવાનો ઉપચાર કરીએ છીએ ત્યાં એક રોગ મટી જાય છે, અથવા કહો કે દબાઈ જાય છે અને બીજા રોગનું રૂપ લઈ ફૂટી નીકળે છે. પછી એ નવા રોગનો નવેસરથી ઉપચાર થાય છે. એમ રોગ-ઉપચારની શ્રૃંખલા નિર્માણ થાય છે. રોગી સદા માટે રોગબદ્ધ રહે છે અને મૃત્યુ જ એને રોગમુક્ત કરે છે. કુદરતી-ઉપચાર શરીરમાં સ્વાસ્થ્ય પેદા કરીને રોગ-બીજને જ નષ્ટ કરી દે છે. જેથી રોગીનું પરિવર્તન યોગીમાં થાય છે. પરંતુ અલ્પ ધીરજવાળા, શીઘ્ર-મોચન ઈચ્છનારા ત્વરિત પરિણામની આશાથી તીવ્ર ઔષધિ માંગે છે. આજકાલ તો તેઓ જ ડૉક્ટરને કહે છે : ‘મને ઈંજેક્શન આપો.’ સર્વોદયની જે જીવન-યોજના છે તેમાં કુદરતી ઈલાજ માટે વિશેષ સ્થાન છે. મામૂલી તાવ દવા વિના, આહારમાં ફેરફાર કરવાથી જાય છે. ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે પરમેશ્વરનું નામ લેવું એ સૌથી મોટી દવા છે, જેને અનેક મહાપુરુષોએ અજમાવ્યું છે.

આપણે એ ન ભૂલીએ કે પરમેશ્વરની લીલા અને એની યોજના એવી છે કે તે દરેકને પૂરી રીતે સ્વાવલંબી બનાવે છે. જ્ઞાનનું સાધન તમામને આપ્યું, અન્ન પાચન-શક્તિ સહુને આપી, પરિપૂર્ણ શરીર સહુને આપ્યું, હવા-પાણી સહુ માટે હાજર છે. તેથી તાવનો ઉપાય શો કરવો તે પણ સહુને આપેલું હોવું જ જોઈએ. વળી વનસ્પતિનો બહુ આધાર લેવાની પણ જરૂર ન રહેવી જોઈએ. માટી-પાણીના ઉપચાર થઈ શકે. ઉત્તમ હવાનો ઉપચાર થઈ શકે. પ્રકાશનો ઉપચાર થઈ શકે. એવી વેદોમાં સૃષ્ટિ દેવતાની ઉપાસના અનેક પ્રકારે બતાવી છે. અને કહ્યું છે કે રોગોના ઈલાજમાં પાણીનો કેટલો ઉપયોગ છે, સૂર્યકિરણનો કેટલો ઉપયોગ છે. વળી આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે આપણું આખું શરીર આ બ્રહ્માંડનું બનેલું છે. શરીરમાં જે ચીજો છે તે બ્રહ્માંડમાં મોજૂદ છે. બહાર પાણી છે તો શરીરમાં રક્ત વગેરે છે. બહાર સૂર્યનારાયણ છે તો શરીરમાં આંખ છે. બહાર વાયુ છે તો શરીરમાં શ્વાસ છે. એટલે સુધી કે બહાર જે સોના લોઢાની ખાણ છે તે પણ આપણા શરીરમાં હાજર છે, એટલે કે આપણા શરીરમાં લોહી વગેરેમાં જે ધાતુઓ છે, તેમાં લોઢું, તાંબું અને સોનું પણ છે. શરીર જ જ્યારે આ બ્રહ્માંડનું બનેલું છે ત્યારે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ એ ચીજોનો ખૂબી સાથે નિર્ભયતાપૂર્વક, પ્રેમથી જો ઉપયોગ કરીએ તો ઘણા બધા રોગોનો ઈલાજ થઈ શકે. આ રીતે કુદરતી ચિકિત્સાની વિદ્યા ગામેગામ ભણાવવી જોઈએ.

મારો પોતાનો પાકો વિશ્વાસ છે કે મનુષ્ય બીમાર પડે એવી ભગવાનની સહેજ પણ ઈચ્છા ન હોઈ શકે. એણે મનુષ્યને તમામ ચીજો આપી છે. તેની સાથે ભૂખ પણ આપી છે. તેનો અર્થ એવો થયો કે ભૂખ માટે પરિશ્રમ કરવો એ પરમેશ્વરની આજ્ઞા છે. પરંતુ મનુષ્ય પરિશ્રમ કરવા નથી ઈચ્છતો અને ખાવા ઈચ્છે છે. વળી તે ભૂખથી વધુ પણ ખાવા ચાહે છે. પરંતુ જો આપણે સારી રીતે કુદરતી જીવન જીવીએ અને જરૂરી પરિશ્રમથી જ રોટી કમાવાનો નિશ્ચય કરીએ તો તમે જોશો કે બીમારી ચાલી જશે.

1923માં ઝંડા સત્યાગ્રહ સમયે હું જેલમાં હતો. ત્યારે કર્ણાટકના એક વૈદ્ય પણ જેલમાં હતા. મેં તેમની સાથે વાગ્ભટ વાંચ્યું. તે પછી ‘ચરક’ વાંચવા લીધું. પશ્ચિમના કોઈપણ આરોગ્ય વિષયક ગ્રંથમાં ન મળે એવી દષ્ટિ એમાં જોઈ. તે કહે છે કે નરદેહ મુક્તિનું સાધન છે. એ સાધનને પવિત્ર રાખવું જોઈએ. બીજી વાત, એકાદ રોગ જો અસાધ્ય (દુસ્તર) હોય તો, રોગીને વિના કારણ દવા પીવડાવીને તકલીફ દેવા કરતાં તેને મૃત્યુ માટે તૈયાર કરવો જોઈએ. તેની પાસે બેસી વિષ્ણુ-સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. સંભવ છે કે વિષ્ણુસહસ્ત્રનામના પાઠથી રોગ દૂર થાય, અને તે ન થયો તો પરમેશ્વરના સ્મરણને કારણે રોગી શાંતિથી મરશે. વિના કારણ દવા ન પીવડાવવી એ વાત એ ગ્રંથમાં છે. ત્રીજી વાત બીમાર થતાં સાથે જ તરત દવા ન આપવી. બે-ત્રણ દિવસ અલ્પાહાર કરે, બસ્તી (એનિમા) લે અને નિરીક્ષણ કરે. ચોથી વાત, પંચકર્મ. આજની ભાષામાં પંચકર્મનો અર્થ થાય છે કુદરતી ઉપચાર. તેમાં લાંઘણની સાથોસાથ પોષણ પણ કહ્યું છે. પાંચમી વાત, ઋતુચર્યા. ખોરાકમાં ઋતુ અનુસાર ફેરફાર કરવો. એ ઉપરાંત એ ગ્રંથમાં પથ્ય-પરેજીને પણ ખૂબ મહત્વ આપ્યું છે. રોગી પરેજી પાળે તો ઔષધ સેવનની શી જરૂર ? અને રોગી પરેજી ના પાળે તો ઔષધ-સેવનથી શો ફાયદો ?

રોગીઓ માટે ડૉક્ટર આધ્યાત્મિક શિક્ષક હોવો જોઈએ. વાગ્ભટે લખ્યું છે : વૈદે રોગીના ઓરડામાં કેવી રીતે પ્રવેશ કરવો ? તેનો હસમુખો ચહેરો, ઉત્તમ આરોગ્ય, પ્રસન્ન મુખમુદ્રા જોઈને જ રોગીનો અડધો રોગ તો દૂર થવો જોઈએ. એમ કહીને વાગ્ભટે વૈદ્યનાં જે લક્ષણો બતાવ્યાં છે તે જોઈને મને ગીતાના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ યાદ આવ્યાં. અલ્પાહાર, જીભ પર કાબૂ, કામમાં સમતા, ચિત્ત પ્રસન્ન રાખવું, હૃદય કરુણાથી ભર્યું ભર્યું પણ ખિન્ન ન હોય, પ્રસન્ન હોય, એવાં લક્ષણો ડૉક્ટરોનાં હોવાં જોઈએ. આપણા દેશમાં વૈદકશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો હતો એ કંઈ અદ્વિતીય કે પરિપૂર્ણ હતો એવો દાવો હું નહીં કરી શકું. પણ આપણા દેશ માટે જે દવા જોઈએ તે અહીંની વનસ્પતિમાંથી મળી રહેવી જોઈએ. અહીંના વૈદકશાસ્ત્રે અહીંની વનસ્પતિનું સંશોધન કર્યું અને તે જ આપણા કામનું છે. જો કે અધૂરું છે, પૂરું નથી. આપણી બહુ પુરાણી એવી વનસ્પતિ છે કે જેને આપણે હજી ઓળખતા પણ નથી. એ બધું સંશોધન આપણે કરવાનું છે. આપણા ખોરાક અને વસ્ત્ર જેમ ઔષધિના વિષયમાં પણ સ્વાવલંબી થવું એ દેશનું કર્તવ્ય છે. એ દષ્ટિએ જે કામ આયુર્વેદથી થઈ શકે છે તે કામ એલોપથી કદીયે નહીં કરી શકે. બહારનું ઔષધ પર ભારતવર્ષ નિર્ભર રહી શકે નહીં. અહીંનું ઔષધ અહીં કામ લાગશે. ગામેગામ વનસ્પતિના બગીચા અને જરૂરી જડીબુટીઓ ત્યાં પેદા થાય. સહેજે 500ની વસ્તી દીઠ એકાદ એકરનો ઔષધ બાગ પૂરતો ગણાય. જરૂર એટલી રહે કે વનસ્પતિનો જાણકાર કોઈ હોય.

ઉપચાર ક્રમિકતા : પહેલી વાત તો એ કે રોગ પેદા ન થવા દેવા. તે માટે જેટલા ઉપાયો હોય તે હાથ ધરવા. પ્રાકૃતિક જીવનશૈલી વિકસાવવી. તેની તાલીમ આપી ફેલાવવી. અને ક્યાંય બીમાર પેદા થાય તો કુદરતી ઉપચાર કરવા. વિશેષ જરૂરિયાત પર ગામમાં ઊગતી જડીબુટ્ટિનો ઉપયોગ કરવો. એ દષ્ટિએ આયુર્વેદનું મહત્વ છે . આમ પ્રથમ મહત્વનું છે કુદરતી જીવન. બીજું મહત્વનું છે કુદરતી ઉપચાર. ત્રીજું મહત્વનું છે આયુર્વેદ. આયુર્વેદ બાદ હોમિયોપેથીનો નંબર આવે છે. અનેક દવાઓનું મિશ્રણ આપવાને બદલે એક શુદ્ધ દવા લેવી એ વધુ યોગ્ય છે. આથી હોમિયોપેથી વિશે મારા મનમાં આદર છે. ત્યાર બાદ આવે એલોપથી. તેથી કેટલીક વિશેષ દવા મોકા પર તરત અસર કરે છે. તેથી તેને આપણે છોડી નથી શકતા. એલોપથી વગેરે પદ્ધતિ પશ્ચિમથી આવી છે. તે કહે છે કે શરીર સ્વસ્થ રહેશે તો તમે દુનિયાને આનંદથી ભોગવી શકશો. નહીં તો નહીં. આયુર્વેદ શાસ્ત્ર અને એલોપથીમાં આટલો ફરક છે. એલોપથીનો ઉદ્દેશ્ય છે કે શરીરના આરોગ્યથી ભોગપ્રાપ્તિનો આનંદ લૂંટવો. એ ભોગથી રોગ પેદા થાય છે. કારણ તેમાં શુદ્ધિનો ખ્યાલ રહેતો નથી. ઉપનિષદે 116 વર્ષનું આયુષ્ય બતાવ્યું છે : प्र ह षोडशं वर्षशतं जीवति च एवं वेद ।

કૃષ્ણ ભગવાન 116 વર્ષે ગયા. તેમના પહેલાં 24 વર્ષ ગુરુગૃહમાં વીત્યાં. શેષ 24 થી 68 સુધી 44 વર્ષ કર્મમાં અને પછીનાં આખરી 48 વર્ષ સૂક્ષ્મચિંતનમાં. ભગવાને 68 વર્ષ પછીનું પૂરું જીવન ધ્યાન-ચિંતન-મનનમાં વીતાવ્યું. 68 વર્ષ પછી નિઃસંદેહ સૂક્ષ્મમાં પ્રવેશ કરવો જ જોઈએ.

[poll id=”54″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “આરોગ્ય – વિનોબા ભાવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.