એકલતાની સામે લડી લેવાનું હોય…. – રાજ પરમેશ્વર

[ મોટે ભાગે નવી પેઢીને ઉપદેશ આપવામાં આવે છે કે જૂની પેઢી જોડે કેવો વ્યવહાર કરવો. પરંતુ ‘પરિવારની પારાયણ’ નામના આ પુસ્તકમાં જૂની પેઢીએ નવી પેઢી સાથે કેવો સમજણભર્યો અને સ્નેહપૂર્વક વ્યવહાર કરવો જોઈએ, એ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાંથી અત્રે એક લેખ પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]ત[/dc]મારી સાથે લાંબો સમય વાત કરનારું કોઈ ન હોય અને તમારે કહેવું હોય તે સાંભળવાનો સમય કોઈની પાસે ન હોય તેવું બનવાનું. તમે બીજાના આધારે જીવવા માગો છો કે પોતાના આધારે ? તમારી પાસે બેસનારું કોઈ ન હોય અને તમને જેની પાસે બેસવાનું ગમે તેવું કોઈ દેખાતું ન હોય તેવું તમને લાગી શકે છે. આ વિચારની ઘેરી અસર પડે છે તમારી પર. તમને તમારી જાત માટે દુર્ભાવ થઈ જાય અથવા તમને જિંદગી નિરર્થક ભાસવા લાગે. તમે તમારા છેલ્લા દિવસોમાં નિરાધાર બની ગયા છો એવું માનવા લાગશો. આ એકલતાની સામે લડવાનાં હથિયાર તમારે સજવાં જોઈએ. તમે માની લીધી હોય તેવી એકલતા તમારા માથે આવી ન શકે. તમે અલગ-અલગ સ્તરે કામ શરૂ કરો.

[1] સૌથી પહેલાં તમે એક મનોચિકિત્સકને બતાવો. તમે મનથી થાકી ગયા છો. તમને માનસિક આરામની જરૂર છે. તમે કેટલી હદે થાકી ગયા છો તે ડૉક્ટરને સમજાશે. તમને નહીં. તમારી ચિંતાનો વિષય કોણ છે અને શું છે તેની ડૉક્ટરને ખબર પડે તેનાથી સંકોચ ન રાખશો. પરિસ્થિતિને લીધે તમારી ભાવના પર કેટલું દબાણ આવ્યું છે તે ડૉક્ટર સમજી લેશે. તેનાથી તમારો ઉપચાર સરળ બની જશે. તમે એક માણસ છો. તમને લાગણી હોય તે સ્વાભાવિક છે. તમારી લાગણી ઘવાય નહીં, દબાય નહીં કે દુભાય નહીં તેનું ધ્યાન રાખવામાં કોઈ ચૂકે તેની અસર તમારી વિચારપદ્ધતિ પર પડે છે. તમે તમારી જાતને તકલીફ થાય તેવા વિચારોમાં ફસાઈ શકો છો. ડૉક્ટર તમને સહાય કરે છે. ડૉક્ટર બે કામ કરે છે. એક, કાઉન્સેલિંગ અને બે, ટ્રીટમેન્ટ. તકલીફને તમે જે રીતે સમજ્યા છો તેનાથી અલગ રીતે તકલીફને જોવાની કલા ડૉક્ટર પાસેથી તમારે શીખવાની છે. તમારી વિચાર કરવાની પદ્ધતિ બદલાય છે તેને લીધે તમારી એકલતા તૂટી જાય છે.

જંગલમાં એક દશ્ય સર્જાતું હોય છે. એક સિંહની સામે એક હરણ. સિંહ પણ એકલો છે. હરણ પણ એકલું છે. સિંહની સાથે કોઈ નથી, પરંતુ સિંહ અડોલ છે. હરણની સાથે કોઈ નથી, પરંતુ હરણ ધ્રૂજી રહ્યું છે. ફકત સથવારો ન હોવાની પીડાને લીધે તમે સાવ એકલવાયા બની ન શકો. તમે આ પરિસ્થિતિને તટસ્થભાવે જોવાનું શરૂ કરો. તમે દુઃખી છો માટે તમને એકલા રહેવાનું ગમતું નથી તેવું બની શકે છે. તમારું દુઃખ તમારી વિચારસરણીમાંથી આવ્યું છે. તમે તેમાં ફેરફાર કરો. તમારા મનનું દુઃખ તમારા જ વિચારો દ્વારા ઘટશે. આમાં ડૉક્ટરનું માર્ગદર્શન ઘણું કામ લાગશે. ડૉક્ટર મગજની દવા આપશે એ અર્થમાં તમે મગજના દર્દી બની જતા નથી. ઘવાયેલી ભાવના લઈને જીવનારા કરોડો લોકોમાંથી થોડાક લાખ લોકો જ દવા કરાવે છે અને સ્વસ્થ બની જાય છે. જે લોકો દવા નથી કરાવતા તે મગજના દર્દી બની જાય છે. તમે લાખોમાં એક છો. તમે કરોડોમાં એક નથી.

[2] તમારી જેમ એકલા-એકલા જીવી રહેલા લોકો ઘણા છે. બાજપેયી અને કલામજી. ઉંમર વધી. સાથીદારો ઓછા થયા તેને લીધે તેમની તેજસ્વિતા ઘટી નથી. તેઓ પોતાના માટે સદાય ઉપયોગી પુરવાર થયા છે. તમે ખુશ રહેવાનાં તમારાં સ્વતંત્ર કારણો શોધી લો. તમે લક્ષ્ય જ એ બનાવો. તમે જેનામાં ખુશ છો તેનામાં જોડાઈ જાઓ છો. તમે જેનાથી ખુશ નથી તેનાથી અળગા બની જાઓ છો. તમે જન્મ લીધો ત્યારે એકલા જ હતા. તમે જશો ત્યારે એકલા જ જવાના છો. આ સત્ય છે. અત્યારે વળી નવી એકલતા આવી છે તેવું નથી. હકીકત એ છે કે તમે બીજા લોકોની સાથે સતત ભળતા રહ્યા અને તેને લીધે તમારી એકલતા પર તમારું ધ્યાન ન ગયું. આજે સમજાય છે કે બીજાની સાથે હળવામળવાની જે માનસિકતા બનાવી લીધી છે તે જ એકલવાયા હોવાની લાગણીનું નિર્માણ કરે છે. તમારા શારીરિક જીવનનો એક પણ હિસ્સો બીજાના હાથમાં નહોતો. તમે તમારા જ શ્વાસ લીધા છે, બીજાના નહીં, તમે તમારી જ આંખે જોયું છે બીજાની આંખે નહીં. તમે તમારા મોઢામાં આવેલા કોળિયાથી જ પેટ ભર્યું છે બીજાના એંઠા કોળિયા તમે લીધા નથી, લેવાય પણ નહીં. તમારી સાથે કોઈ નથી આ વસ્તુસ્થિતિને હળવાશથી લો. તમારી સાથે તમારું આયુષ્ય છે. તમારી સાથે તમારું આરોગ્ય છે. તમારી સાથે તમારો આત્મા છે. તમારી સાથે તમારું મન છે. આરોગ્યની અને મનની માવજત કરો. આયુષ્ય અને આત્મા સહીસલામત રહેશે.

[3] સારા વક્તાઓને સાંભળતા રહો. ધર્મસ્થાનો હોય, મંદિરો હોય, ચૂંટણીપ્રચાર હોય કે સભા-સમારંભ હોય. વક્તાઓનો બોલવાનો જુસ્સો અને રજૂઆતનો લય બહુ સરસ હોય છે. તેમની સામે બેસીને તમે ચૂપચાપ સાંભળજો. તમને વિચારવાના મુદ્દા પણ મળશે અને તમારી એકલતા તૂટશે. તમને કોઈની સાથે બેસીને ફકત પોતાનું જ પુરાણ માંડવાની આદત હોય તો તમે આ આનંદ લઈ શકવાના નથી. એવા લોકો તો એકસો આઠ સહવાસીઓની વચ્ચે પણ એકલા પડી જાય છે. કેમ કે તેમને બોલવામાં રસ હોય છે. સાંભળવામાં નહીં. સારો શ્રોતા ક્યારેય એકલો પડતો નથી. તમે સાંભળવાની કળામાં નિષ્ણાત બનો. તમે બીજાની વાત સાંભળો છો, હા પાડીને અને સવાલો ઊભા કરીને તમે સામા માણસને બોલતો રાખો છો – તો તમે ક્યારેય એકલા નથી પડવાના. વાત કરવાની આદત અલગ હોય છે. વાતોડિયો સ્વભાવ અલગ હોય છે. તમે ક્યાં છો તે તમે શોધો. તમને કોઈ રસ્તો જડી આવશે.

[4] તમે જીવનકથાઓ અને આત્મકથાઓ ખૂબ વાંચો. તમને ઘણુંબધું નવું વિચારવા મળશે. દરેક જીવનકથા અને આત્મકથામાંથી તમે કાંઈક નવું શીખો. તમે જે શીખો તેનો અમલ પણ કરો. આપત્તિના સમયમાં તે તે વ્યક્તિઓએ ધીરજપૂર્વક કામ કર્યું તેનું વર્ણન કરનારાં પાનાંઓ વારંવાર વાંચો. તમે જે વાંચો છો તેની પર તમારા વિચારો ચાલે છે. તમે જે વિચારો છો તેમાંથી તમારી યાદશક્તિને ખોરાક મળે છે. તમારી યાદશક્તિમાં જેટલી પ્રેરણાત્મક વાતો ઉમેરાતી જાય છે તેટલી તમારી એકલતા તૂટતી જાય છે. તમને વાંચવાની આદત હોવી જોઈએ. વાંચવાનો સમય નક્કી કરી લો. વાંચવું તે એક અનોખો આનંદ છે. વાંચવાની બાબતમાં વધુ ગંભીર અને વધુ જવાબદાર બનો. અક્ષરોની સોબતે વીતનારો સમય તમને સમૃદ્ધ અને સાત્વિક બનાવશે.

[5] રોજ થોડું ફ્લેશબેકમાં જીવો. દુઃખ જેમ વારંવાર યાદ આવે છે તેમ સુખ વારંવાર યાદ નથી આવતું. સુખની ક્ષણોને યાદ કરીને બોલાવવી પડે છે. તમે સૌથી વધારે ખુશ હતા બાળપણમાં. યુવાનીએ પરિભાષા બદલી. તમે પચાસ વરસની ઉંમરે બેઠા હો તો તમારા જીવનના અઢાર હજાર દિવસો તમે જીવી ચૂક્યા છો. તમે યાદશક્તિને શિસ્તમાં બાંધશો નહીં તો કેવળ દુઃખદર્દ યાદ આવ્યા કરશે. તમારે તમારી તમામ ખુશીઓને રોજેરોજ યાદ કરવાની છે. ચાર લાખ, બત્રીસ હજાર કલાક તમે જીવ્યા છો. બે કરોડ, ઓંગણસાઠ લાખ સેકંડ તમે વિતાવી દીધી છે. જીવનના એ દિવસો, એ કલાકો અને એ સેકંડોમાં તમને ભરપૂર ખુશી મળી હોય તેવો સમય વારંવાર આવ્યો છે. ખુરશી પર બેસીને, માથા પાછળ નાનો મુલાયમ તકિયો દબાવીને બંધ આંખે એ જૂની ખુશી રોજ યાદ કરતા રહો. કલાપી લખે છે : માણ્યું તેનું સ્મરણ કરવું તેય છે એક લ્હાવો. તમે એવી જ વાતો યાદ કરો જેમાં ખુશી ભરી હોય. તમે રાજી રહેવા માગો છો તે સંકલ્પ કરી લો. એ સંકલ્પને સિદ્ધ કરવા ભૂતકાળ સાથે વાર્તાલાપ કરો. તમારો અતીત અઢળક યાદોથી ભર્યો છે. તમે શોધી-શોધીને એકએક આનંદને નવેસરથી યાદ કરવા માંડો. તમે આ વિષય પર એક આત્મકથા જ લખી કાઢો તોય ચાલશે. આત્મકથાનું નામ : મારા આનંદની આત્મકથા. કેટલાં પાનાં ભરવાં તે તમારા હાથમાં.

[કુલ પાન : 122. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”53″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “એકલતાની સામે લડી લેવાનું હોય…. – રાજ પરમેશ્વર”

Copy Protected by Chetan's WP-Copyprotect.