- ReadGujarati.com - http://www.readgujarati.com -

બાળઉછેર માટે સંયુક્ત કુટુંબ આદર્શ – પ્રા. બિંદુ મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

[dc]કો[/dc]ઈ પણ દેશના ભવિષ્યનો આધાર તે દેશનાં બાળકો પર રહેલો છે. બાળકોનો ઉછેર કેવો થાય છે તે પ્રમાણે યુવાપેઢી ઘડાય છે. યુવાનો દેશનો આધારસ્તંભ છે, જેની પર વૃદ્ધો અને બાળકો આધારિત છે અને દેશનો વિકાસ યુવાનોની શક્તિ પર અવલંબિત છે. બાળપણમાં રોપાયેલાં બીજ પ્રમાણે મનુષ્યનું સમગ્ર જીવન થોડા ઘણા ફેરફારો સાથે વિકાસ પામે છે એટલે બાળઉછેરનું મહત્વ સવિશેષ છે. બાળકનો જન્મ કુટુંબમાં થાય છે ત્યારે તે કુટુંબ સંયુક્ત છે કે વિભક્ત તે ઘણું મહત્વનું છે. ભારતમાં સંયુક્ત કુટુંબ એક બહુ જ મહત્વની સંસ્થા છે, જેમાં બાળકોનો સર્વાંગીય વિકાસ થાય છે.

નાનપણથી બાળક સ્પર્શથી, પ્રેમથી હૂંફની લાગણી અનુભવે છે, જે પરિવારમાં રહેતા દરેક સભ્યને સ્પર્શથી અને જોઈને તેનામાં બધાને ઓળખવાની શક્તિ બહુ જલદી આવે છે અને તેનો આત્મવિશ્વાસ પણ ઘણો જલદી મજબૂત બને છે, કારણ કે બાળકની બધી જ પ્રવૃત્તિ સાથે પરિવારનાં સભ્યો સંકળાયેલા હોય છે. બાળક જન્મે છે ત્યારથી તેના સાથે કુટુંબના સભ્યો રમાડતા, વાતો કરતા હોય છે. તેને દૂધ પીવડાવતા, પણ વાતો કરતાં તે જલદી ભાષા સમજી શકે છે અને એક વર્ષનું થાય છે ત્યારે બાળક બહુ જલદી માતૃભાષા બોલતાં શીખે છે. પરિવારના જુદાજુદા સભ્યો સાથે કેવી રીતે બોલવું, કઈ રીતનો વર્તનવ્યવહાર કરવો તે સાથે એક પરિવારના સભ્યો સાથે મજબૂત પોતાપણાની ભાવના વિકસે છે, જે તેના વિકાસમાં મહત્વની પુરવાર થાય છે. બાળક વધુ સભ્યો વચ્ચે રહેતાં તેનામાં નીડરતા આવે છે. તે નીડરતા તેને અનેક પ્રવૃત્તિમાં ઉપયોગી પુરવાર થાય છે. બાળક કુટુંબના સભ્યો પાસેથી સાહજિક રીતે અનૌપચારિક રીતે બધું જોઈ-જોઈને, સાંભળીને શીખે છે. તેની લાગણી પણ પરિવાર તરફ સવિશેષ હોય છે.

ખાસ તો સંયુક્ત કુટુંબમાં તેનું શબ્દભંડોળ અને સમજશક્તિ ઘણાં વિકસે છે. માતા-પિતા સાથે પરિવારના સભ્યોમાં રહેલી શક્તિ, કુનેહ તે સહજતાથી શીખે છે. ઘરનાં વડીલ દાદા-દાદીનો પ્રેમ, વહાલ, કાળજી, તેમના અનુભવોનું જ્ઞાન, વાતો, કોઠાસૂઝનો લાભ બાળકને નાનપણથી મળે છે. ઘરના સભ્યો તેને માટે એક સુરક્ષાચક્ર બની રહે છે. બાળકને શાળાના શિક્ષકો, જે શીખવે તે ઘણી વાર ઘરમાંથી સાહજિક રીતે શીખાય છે, જે લાંબો સમય સુધી યાદ રહે છે. સંયુક્ત કુટુંબના સભ્યોના સ્વભાવમાં ઘણી વિવિધતા અને એકરૂપતા હોય છે તે બાળકમાં આપોઆપ જોઈ સાંભળીને આવી જાય છે, જેથી બે પેઢી વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે. સંયુક્ત પરિવારમાં ખોરાકમાં વૈવિધ્ય હોય તે બાળક નાનપણથી ખાતાં શીખે છે.

બાળક પરિવારના સભ્યોને એકસૂત્રે બાંધે છે. બાળક માટે પરિવાર સર્વસ્વ છે અને પરિવાર માટે બાળક એક જીવતું જાગતું રમકડું છે. બાળક વહાલનો દરિયો છે. આજે સંયુક્ત કુટુંબ તૂટતાં ગયાં છે, જેથી બાળક વિભક્ત કુટુંબમાં માતા-પિતા સાથે રહેતાં તેનો વિકાસ સીમિત થઈ જાય છે. મા-બાપનો ધ્યેય બાળકના સર્વાંગી વિકાસનો હોય છે. તેના માટે તે ઘરમાં સેવકો અને બહુ નાની ઉંમરથી શિક્ષકોને હવાલે તેને વિવિધલક્ષી પ્રવૃત્તિ માટે ઘરની બહાર મોકલે છે કે ઘરમાં શિક્ષકો દ્વારા ઔપચારિક રીતે શીખે છે તે ઘણું ભારરૂપ બને છે. માતા-પિતા બન્ને બહાર કમાવા જતાં હોય તો બાળકને પારણાંઘરમાં મોકલવામાં આવે છે અથવા ઘરમાં કામવાળાના ભરોસે મુકાય છે. સેવકો અને શિક્ષકો બાળકનો સંયુક્ત કુટુંબ જેવો વિકાસ સાધી શકતા નથી. તેમાં પ્રેમ, લાડ, હૂંફ મળતાં નથી. બાળકોમાં જે એક પોતાપણું આવવું જોઈએ તે ઘરની બહારના લોકોમાંથી આવતું નથી અને તેનો આત્મવિશ્વાસ પણ સંયુક્ત કુટુંબ જેવો મજબૂત બનતો નથી. બાળક માટે સંયુક્ત કુટુંબ જ આદર્શ પુરવાર થાય છે અને પછી બાળક મોટું થતાં તેના વિકાસ માટે બાહ્ય સંસ્થાનો આશરો પૂરક બને છે અને બાળકના વિકાસમાં અભિવૃદ્ધિ કરે છે. આજે વિશ્વના વિકસતા દેશોમાં પણ સંયુક્ત કુટુંબ જોવા મળે છે.