એ રાત – જિતેન્દ્ર દેસાઈ

[‘શાશ્વત ગાંધી’ સામાયિક એપ્રિલ-2012માંથી ‘વાત ત્રણ રાતની’ લેખ ટૂંકાવીને અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે.]

[dc]19[/dc]મી સદીના છેલ્લા દાયકાની વાત. 1893ના જૂન મહિનાની 7મી તારીખ.
દક્ષિણ આફ્રિકાના ડરબન બંદરેથી ઊપડેલી ટ્રેન રાત્રે નવેક વાગ્યે નાતાલની રાજધાની મૅરિત્સબર્ગના સ્ટેશને આવીને ઊભી રહી. આગળની રાતની મુસાફરી માટે ફર્સ્ટ કલાસના મુસાફરોને અહીં પથારી આપવામાં આવતી હતી. તે માટે પાંચ શિલિંગની ટિકિટ લેવાની હતી. ફર્સ્ટ કલાસમાં બેઠેલા યુવાન બૅરિસ્ટાર ગાંધીએ ‘હઠમાં, મદમાં ને પાંચ શિલિંગ બચાવવા’ના ખ્યાલથી પથારીની ટિકિટ કઢાવવાની ના પાડી હતી.

ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી હતી ને રેલવેના માણસે ગાંધીને પૂછ્યું, ‘તમારે પથારી જોઈએ છે ?’ ગાંધીએ ના પાડી ને કહ્યું કે, ‘મારી પાસે મારી પથારી છે.’ આ જવાબ સાંભળી રેલવેનો માણસ ચાલ્યો ગયો. દરમિયાનમાં એક ઉતારુ આવ્યો તેણે ગાંધી સામે જોયું. ‘ફર્સ્ટ ક્લાસમાં તો ગોરાઓ જ પ્રવાસ કરી શકે. આ હિંદી યુવાન ફર્સ્ટ કલાસમાં ક્યાંથી !’ એવી મૂંઝવણ સાથે તે ત્યાંથી ચાલી ગયો અને બે અમલદારને બોલાવી લાવ્યો. તેઓ આને જોઈને કંઈ પણ કહ્યા વગર પાછા ગયા. છેવટે એક અમલદાર ગાંધી પાસે આવ્યો ને કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબ્બામાં જવાનું છે.’
‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’ ગાંધીએ કહ્યું.
‘તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબ્બામાં જવાનું છે.’ અમલદારે જરા સત્તાવાહી અવાજે કહ્યું.
‘હું કહું છું કે, મને ડબ્બામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારુ છું.’ પેલા સત્તાધારી અવાજ સામે યુવાન ગાંધીએ સ્પષ્ટ અને મક્કમ શબ્દોમાં કહ્યું. અમલદાર સહેજ ગમ ખાઈ ગયો. પછી જરા વધુ જોરથી કહ્યું, ‘એમ નહિ બને. તમારે ઊતરવું જ પડશે. ને નહિ ઊતરો તો સિપાઈ ઉતારશે.’
‘ત્યારે ભલે સિપાઈ ઉતારે. હું મારી મેળે નહિ ઊતરું.’ અવાજમાં સ્વાભિમાનનો રણકો હતો.

પણ ત્યાં એક યુવાન હિંદી બૅરિસ્ટરના સ્વમાનને કોણ સાંભળે ? અમલદારના કહેવાથી સિપાઈ આવ્યો. તેણે ગાંધીનો હાથ પકડી, ખેંચી, ધક્કો મારી તેમને ગાડીમાંથી પ્લૅટફૉર્મ પર ઉતારી મૂક્યા. તેમનો સામાન પણ પ્લૅટફૉર્મ પર ફેંકાયો. ગાંધી આ કપરા અનુભવની કસોટીએ ચઢી સમસમી જઈ શાંત રહ્યા. તેમણે છેલ્લા ડબ્બામાં જવાની ના પાડી. ગાડીનો પાવો વાગ્યો. ભખ…ભખ…છખ… અવાજ સાથે ગાડી ચાલી ગઈ ! જે પ્લૅટફૉર્મ પર ગાંધીને ઉતારી પડાયા ને તેમનો સામાન ફેંકી દેવાયો તે જ પ્લૅટફૉર્મ પર એક કોટડી જેવો વેઈટિંગ રૂમ હતો. ગાંધીએ પોતાનો સામાન જ્યાં ફેંકાયો હતો ત્યાં જ પડી રહેવા દીધો ને પોતે પાકીટ લઈ વેઈટિંગ રૂમમાં પેઠા. ઝાંખા અજવાળામાં બેન્ચ શોધી તેની પર બેઠક લીધી. મૅરિત્સબર્ગ દરિયાની સપાટીથી ખાસ્સી ઊંચાઈ પર આવેલું છે. અહીં શિયાળો આકરો હોય છે. ગાંધીને થથરાવી નાખતી ટાઢનો અનુભવ થયો. તેમની પાસે કોટ હતો પણ તે તો સામાનમાં હતો. રેલવેવાળાએ તેમનો સામાન પ્લૅટફૉર્મ પરથી ઉપાડી ક્યાંક મૂકી દીધો હતો. ગાંધીની સામાન માગવાની હિંમત ન ચાલી. ‘ફરી અપમાન થાય તો ?’ એવા વિચારે કોટ વગર ચલાવી લીધું, થથરતાં થથરતાં રાત ગાળી.

આ કપરા કસોટી કાળમાં ઠંડીમાં થથરતાં થથરતાં, પોતાના પર જે વીતી હતી તેનો વિચાર કરતાં બૅરિસ્ટર ગાંધીએ પોતાનો ધર્મ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવા ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ સાતમી જૂન 1873ની એ કાળમીંઢ રાત્રે આવું વિચારતા ગાંધીને સત્યના પ્રકાશ પુંજે પાવન કરી દીધા. આ બનાવે તેમના જીવનની દિશા બદલી નાખી. આગળ તેમણે રંગદ્વેષ સામે લડત ઉપાડી. તેમાંથી તેમને ‘સત્યાગ્રહ’નું અમોઘ શસ્ત્ર મળ્યું.

અમેરિકન મિશનરી જ્હૉન મોટે એક વાર ગાંધીજીને પૂછ્યું કે આપની જિંદગીનો સૌથી વધુ જીવન ઘડનાર (most creative experience) અનુભવ કયો ? ત્યારે ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું કે તેમને તેમના જીવનને નવો વળાંક આપનાર ઘણા અનુભવો થયા છે. પણ એ બધામાં પીટર મૅરિત્સબર્ગના સ્ટેશને કડકડતી ઠંડીમાં ગાળેલી રાતનો, અનુભવ સૌથી મોખરે આવે. ‘મારી સક્રિય અહિંસા તે દિવસથી (રાતથી જ!) શરૂ થઈ.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “એ રાત – જિતેન્દ્ર દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.