કહ્યું એમ નહિ, કર્યું એમ…..! – કલ્પના જિતેન્દ્ર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકા કલ્પનાબહેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

‘અમદાવાદથી ધારાનો પત્ર છે.’
પતિની બૂમ સાંભળી ભૂમિ હાથ લૂછતી લૂછતી રસોડામાંથી બહાર આવી.
‘શું લખે છે ધારા ? મજામાં તો છે ને….? અને મલયકુમાર ? ક્યારે આવે છે બંને ?’
‘તેં તો પ્રશ્નોની ઝડી વરસાવી… હજુ મને વાંચવા તો દે ! આ તો કવર હાથમાં લેતાં જ મેં તને બૂમ પાડી…. તારી નજર સામે જ કવર મારા હાથમાં છે, ખોલ્યું સુદ્ધાં નથી…. પણ તને અધિરાઈ આવી ગઈ.’

‘લો ! ખોલો હવે….! ને વાંચો ! નહીંતર લાવો હું જ વાંચું !’ કહેતાં એણે હાથ લંબાવ્યો.
‘શાંતિ રાખ, તું નિરાંતે વાંચજે ! પહેલા મને તો વાંચવા દે !’
‘શાંતિ ક્યાંથી રહે ! હમણાં તો ધારાના કાંઈ સમાચાર જ નથી ! નથી નિરાંતે ફોન કરતી, નથી લાંબા પત્ર લખતી ! બસ એક પોસ્ટકાર્ડ લખી નાખે ! કાં તો ‘કેમ છો ? મજામાં ને ?’ કહી ફોન મૂકી દે…. જોકે બિચારી કેટલી કામમાં હોય છે ! એનેય વાતો કરવાનું મન તો થતું જ હોય ને….! પણ નવરાશ મળે તો ને…! આ તો સાસરે વળાવી કે દીકરી પારકી થઈ ગઈ ને કામમાં ખૂંપી ગઈ….! ભૂમિ ગળગળી થઈ ગઈ. ભીની આંખ સાડલાના છેડેથી લૂછી નાખી.
‘એમ નિસાસા નાખ મા ! દીકરી તો સહુ વળાવતાં જ હોય….! એ પારકી થઈ ગઈ એમ ન કહેવાય, પોતાના ઘરે ઠરીઠામ થઈ ગઈ એમ કહે…’ કહેતા અવાજ તો અશોકભાઈનો પણ રુંધાયો, પણ સહેજ ખોંખારો ખાઈ ગળું સાફ કરી લીધું….. ‘હેં…. હું શું કહેતો હતો….? હા…. આ…. અફસોસ કરવાની વાત જ નથી…. આ તો હરખનો કાગળ છે ! લે, તું જ વાંચ !’ એમણે નિરાંતે વાંચવાનું પ્રલોભન ટાળી ઉપર ઉપર નજર ફેરવી પત્ર ભૂમિના હાથમાં આપી દીધો….

પત્ર ધારાનો નહીં પણ એનાં સાસુનો હતો. વહુને વખાણતાં હતાં. ‘ધારાએ ઘરને કેવું સંભાળી લીધું ! સાસરીમાં કેવી સમાઈ ગઈ ! સહુને પોતાનાં કરી લીધાં ને પોતેય સહુમાં ઓતપ્રોત થઈ ગઈ વગેરે લખતાં હતાં. પ્રસન્ન હતાં પુત્રવધૂ પર ને એટલે જ આનંદથી છલકાતાં એમણે પત્ર લખ્યો છે.’
ભૂમિને ધરપત વળી.
એ પરણીને આવી ત્યારે ધારા તેર વર્ષની કિશોરી હતી. મુગ્ધાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશવાનો અત્યંત નાજુક તબક્કો ! કૌમાર્યાવસ્થામાંથી સ્ત્રીત્વ પામવાનો પ્રારંભ ! શારીરિક ફેરફારો ને એના કારણે ઊઠતાં આવેગો ! કેટલાય નાજુક નાજુક પ્રશ્નો ! આ એવો તબક્કો હતો કે તેની પાસે એની મા કે મોટી બેન અથવા તો અત્યંત નિકટની સ્ત્રીની ઓથ હોવાનું જરૂરી હતું. પણ અફસોસ કે ધારા સાત વર્ષની હતી ત્યારે જ એને મોટા ભાઈના હાથમાં સોંપી મા મૃત્યુ પામી. પિતાએ તો પહેલા જ વિદાય લીધી હતી. આમ ધારાને જે તબક્કે માની ખોટ સાલતી હતી ત્યારે જ ભૂમિ આ ઘરમાં ભાભી નહિ, પણ ધારાની મા બનીને આવી. ધારાને એણે પુત્રીવત લાડકોડથી સાચવીને સંવારી. એનો ખરો ઉછેર ને ઘડતર ભૂમિના હાથે જ થયો. કૉલેજના અભ્યાસ સાથે જ ડાન્સિંગ, પેઈન્ટિંગ, સ્પોર્ટ્સ, વક્તૃત્વ જેવી ઈતર પ્રવૃત્તિમાં રસ લેતી કરી તો ગૃહકાર્ય, રસોઈ, બજારની ખરીદી, બેંકનું કામકાજ… શું નહોતું ફાવતું ધારાને ? સરળ ને હસમુખો સ્વભાવ, શાલિનતા ને સંસ્કારિતા…. સાસરીમાં ધારાનાં વખાણ ન થાય તો જ આશ્ચર્ય !

સૌથી વિશેષ તો એ જેટલી લાડકી, એટલી જ લાગણીવાળી ! ઠાવકી ને કહ્યાગરી ! ભૂમિનું કહ્યું માનતી. ભૂમિને અહેસાસ થતો કે પોતાનું વાવેલું ઊગે છે. ધારાને સાસરે વળાવતી વખતે માત્ર એક જ વાતની ચિંતા હતી….! એને ગૃહકાર્ય ને રસોઈમાં દિલચશ્પી ઓછી હતી ! જો કે આળસ નહોતી. માથે પડે તો રસોઈ પણ સ્વાદિષ્ટ ને ચીવટથી બનાવે…! પણ સામે ચાલીને રસોડામાં આવે નહિ ! આનાં બે કારણો હતાં. એક તો પ્રવૃત્તિમાં રત રહેવાને કારણે સમય ઓછો મળતો ને બીજા કારણમાં ભૂમિ ખુદ હતી. એને થતું કે પછી તો સાસરીમાં કરવાનું જ છે ને ! અત્યારે ભલે આરામ કરે ! પરણ્યા પછી ધીમે ધીમે સંભાળી લેશે. પણ આ ધીમે ધીમેને બદલે બહુ ઝડપથી ધારાને માથે જવાબદારી આવી ગઈ ! અચાનક ને અણચિંતવ્યું ઘણું બની ગયું ! સંજોગો જ એવા ઊભા થયા કે….. લગ્ન પછી બે-ત્રણ મહિના ધારા હરવાફરવા ને સગાંસંબંધીને મળવામાં વ્યસ્ત રહી, વચ્ચે થોડા દિવસ પિયર આવી ગઈ એ જ ! પછી બન્યું એવું કે ચોથા મહિને જ એનાં સાસુને ગંભીર અકસ્માત નડ્યો ! બંને પગ કપાવી નાખવા પડ્યા ! ઈશ્વર કૃપા કે તેઓ બચી ગયાં….! પથારીવશ સાસુ, ઘરની જવાબદારી, હોસ્પિટલની દોડાદોડી અને ખબર કાઢવા આવનારની સરભરા….. ત્રણ-ચાર મહિને માંડ થાળે પડ્યું ત્યાં ધારાની નણંદને ખોળો ભરીને તેડી લાવ્યાં. સીમંતવિધિ ધારાએ જ આટોપી… એ પછી નણંદની પ્રથમ સુવાવડ…. ને એમાંય બીપી વધી જતાં તબિયત બગડી ! સૌનો જીવ પડીકે બંધાયો…. ને હોસ્પિટલની દોડાદોડી ! નાની બાળકી તો ધારાએ જ સાચવી. નણંદ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવી ગઈ એટલો ઈશ્વરનો પાડ ! આ બધું જ ધારાએ સાંભળ્યું હસતા મુખે ! એને પોતાને પણ આશ્ચર્ય થયું…. આ બધું કઈ રીતે પાર પાડ્યું ! કઈ રીતે કરી શકી એ ?

આશ્ચર્ય તો ભૂમિને પણ હતું ! ધારા કઈ રીતે સંભાળી શકી આ બધું ! એના મનમાં જે ફડક હતી એ તો ઊડી ગઈ, નાપાસ થવાને બદલે ધારએ પ્રથમ વર્ગમાં સ્થાન મેળવ્યું ! હા, પણ આ સુખદ, આનંદ આશ્ચર્ય સાથે ભૂમિને ઊંડો વસવસો પણ રહેતો…! આ બધી ધમાલ, દોડધામમાં ધારા ફરીથી પિયર આવી શકી નહિ. લગ્ન પછી થોડા દિવસ આવી ગઈ એ જ ! નિરાંત લઈને આવી શકી નહિ. અરે ! નિરાંતે, મજાથી ફોન પર વાત કરવાનો કે વિગતથી લાંબો પત્ર લખવાનો સમય પણ એને મળતો નહિ ! હા, એ પોતે ત્રણવાર ધારાને સાસરે જઈ આવી, એનાં સાસુની ખબર કાઢવાં, નણંદની સીમંતવિધિમાં અને એને બાળકી અવતરી ત્યારે…. પણ એ તો એક એક દિવસ જઈને પાછી આવતી રહી હતી ને ત્યાં ધારા પણ ખૂબ કામમાં વ્યસ્ત રહેતી. એની સાથે નિરાંતે વાત કરવાનો સમય મળતો નહિ. હવે આજે એની લાડકી દીકરી…. નણંદ એક મહિના માટે પિયર આવી રહી છે.

ધારા ગાડીમાંથી ઊતરી ને ભૂમિની નજર ધારાના અંગેઅંગ પર ફરી વળી. શરીર થોડું ભરાયેલું, રતુંબડા ગાલ, સુરખી ભરેલી આંખ ને ચહેરા પર છલોછલ હાસ્ય. કૌમાર્ય ઓળંગી સૌભાગ્યના સુખથી ઓપતી ધારા ભૂમિને ભેટી પડી. હરખનાં આંસુ છલકાયાં ને સૌ વાતે વળગ્યાં. ભૂમિએ કહ્યું :
‘તારા સાસુનો પત્ર છે. ખૂબ પ્રસન્ન છે તારા પર ! મને આનંદ છે ધારા કે મારું ઘડતર તેં ઉજાળ્યું. મેં આપેલા સંસ્કાર-સલાહ-શિખામણ, મારું કહ્યું તે માન્યું…’ કહેતાં અવાજ ગળગળો થઈ ગયો.
ધારા આછું મલકી, ‘ભાભી, બહુ પોરસાતા નહીં હો ! તમે કહો છો એવી કહ્યાગરી હું નથી હોં…. ! મેં તો….’ બોલતાં બોલતાં સહેજ મલકી, ત્રાંસી આંખે ભૂમિ સામે જોયું. ભૂમિ એકદમ ચમકી ! એક ઝાટકો લાગ્યો ! શ્વાસ ઘડીભર થંભી ગયો.
ધારાએ અધૂરું વાક્ય પૂરું કર્યું….. ‘મેં તમે કહ્યું છે એમ નહિ, તમે કર્યું એમ કર્યું છે. મારો ઉછેર, મારું ઘડતર તમારા હાથે જ ! મારાં વખાણ થાય છે તે તમારાં કારણે ! હું જે કાંઈ છું એ તમારાં પ્રતાપે….! નાનપણથી તમને આ ઘર, વ્યવહાર સંભાળતાં જોયાં છે… મેં તો માત્ર તમારું અનુકરણ કર્યું છે.’

[poll id=”55″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ
વાજસુર, તું ક્યાં છો ? – રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ Next »   

9 પ્રતિભાવો : કહ્યું એમ નહિ, કર્યું એમ…..! – કલ્પના જિતેન્દ્ર

 1. ગોપી says:

  ધારા જેવી છોકરીઓ આજકાલ ભાગ્યેજ જોવા મળે છે.સોનુ અને સુગંધ જેવી વાત છે.કોક જ નસીબદાર હશે ત્યાં આવી દીકરીઓ ઊચ્છેરાતી હશે અને ભાગ્યશાળી હશે તેઓ જેના ભાગે આવતી હશે.આજે તો સાસરીયા માં પગ મુકતાજ વહુ પોતાનુ અલગ ઘર માંડવા માં લાગી જાય છે,કારણ કે જમાનાની હવાજ એવી છે, માટે વાર્તા ની હદ સુધી બધુ મધુર મધુર લાગે, વાસ્તવીક સાથે શાયદ કોક જ્ગ્યાએ આવુ જોવા મળે.કલ્પના બહેને વાર્તાની સુંદર માવજત કરી છે.અભિનંદન ના હકદાર ગણાય.

 2. Indeed a nice story ,,,,enjoyable

 3. MANOJ DOSHI says:

  વેરી ગુડ કલ્પનાબેન. સરસ વાર્તા., હકિકતમા બદલવાલાયક.

 4. gita c kansara says:

  લેખિકા બેનનો પ્રયાસ સરસ્. ધારા જેવા પાત્રો કેતઆ.
  પુત્રવધુ સારેી તો ઉજાલે કપાત હોય તો સત્યાનાશ વાલે.

 5. Vaishali Maheshwari says:

  Beautiful story – short and sweet!

  Both the characters described in this story are very positive.

  Bhumi – Dhara was her sister-in-law, but she took care of her just like her daughter, which is great. She taught her good values and cared for her so much!

  Dhara – She accepted all the ups and downs in her in-laws family with lot of grace and with a smiling face. It is very difficult to do so, but not impossible…The last few sentences said by Bhumi are the real essence of her character. She gave all credit to Bhumi – it is true that kids learn more on what they see their Parents doing.

  Thank you Ms. Kalpana Jeetendra for writing this beautiful story.

 6. Shantilal says:

  સરસ વાર્તા.

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  કલ્પનાબેન,
  ખૂબ જ સચોટ વાત કહી. ” તમે કહ્યું તેમ નહિ, પરંતુ તમે કર્યુ તેમ મેં કર્યુ. ” આ વાક્ય જ કેટલું બધુ શીખવી દે છે ? સુંદર રજુઆત કરી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 8. VIPUL SHAH says:

  બહુ જ સુન્દ્ેર વર્ત

 9. VIPUL SHAH says:

  Nice story

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.