- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ

[ ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર. લેખિકાનો આપ આ સરનામે સંપર્ક કરી શકો છો : pinkidalal@gmail.com ]

જો તમે અનુભવ્યું હોય કે નોંધ્યું હોય તો આજકાલ રોજ સવારે એકમેકને મોટિવેશન મેસેજીસ મોકલવાનો શિરસ્તો વણલખ્યો નિયમ બની રહ્યો છે. માનો યા ન માનો પણ મોટા ભાગના લોકો સવારે આંખો ખોલી ‘કરાગ્રે વસતે……’ બોલ્યા ન બોલ્યા ને પહેલું કામ મોબાઈલ હાથમાં લેવાનું કરે છે. એક રાતમાં શું ઈમ્પોર્ટન્ટ મેસેજીસ આવી પડવાના હોય ? સવારના પહોરમાં તમારા ઈનબોક્સમાં ખડકાયેલા મેસેજીસ માત્ર ને માત્ર મોટિવેશનલ, પોઝિટિવ થિંકિંગના જ હશે તેની ખાતરી હોવા છતાં તે જોવા જ એ આજનો મંત્ર છે, હેપ્પીનેસ મંત્ર.

એ મંત્રનું રટણ માત્ર સવાર પૂરતું જ સીમિત નહીં. એ દોર દિનભર, રાત્રે, મધરાત સુધી ચાલ્યા જ કરે સતત, અવિરત, બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવ, ટેક ઈટ ઈઝી, સ્માઈલ, ચિયર, પેપ- આ શબ્દો આખા દિવસમાં નહીં નહીં ને લગભગ પાંચસો વાર તમારા કાને, આંખે, મગજ પર અથડાતા હોય છે તેનો ખ્યાલ છે ? એટલું જ નહીં પુસ્તકો મેનેજમેન્ટને લગતાં હોય કે સેલ્ફ ડેવલપમેન્ટનાં, આજકાલ ‘બી હેપ્પી’ નામનો ગુરુમંત્ર વાઈરસની જેમ ચીપકી રહ્યો છે. સવાલ એ છે કે પ્લેસિબો ઈફેક્ટની જેમ આ બી હેપ્પી, બી કૂલ (Full, not fool !), બી પોઝિટિવનાં રટણ કરવાથી ખરેખર માણસ સુખી સંતોષી, આંતરિક રીતે સભર, સમૃદ્ધ થઈ જાય છે ?

છેલ્લાં દસ વર્ષથી આ ‘બી હેપ્પી’ જુવાળની ગાડી ફિફ્થ ગિયરમાં ભલે દોડી હોય પણ હવે હાંફી રહી છે. હવે ફરી એક નવી ફિલોસોફી ક્ષિતિજ પર દશ્યમાન થઈ રહી છે જે છે બી હેપ્પી, બી નેગેટિવ. નવાઈ લાગે તેવી વાત છે ને ? પણ આ થિયરી હળવેકથી પગપેસારો કરી રહી છે. જેનાં પગરણ વિદેશમાં થઈ ચૂક્યાં છે. હવે ધીરે રહીને આ ફિલોસોફીથી તમારાં ઈનબોક્સ છલકાવાનાં છે તે વાત પણ નક્કી છે. સુખી થવાનો મંત્ર નેગેટિવ થિંકિંગમાં કઈ રીતે હોઈ શકે તેવો પ્રશ્ન થાય તો ઉત્તર બહુ સહેલો છે. પોઝિટિવ થિંકિંગ શિખવનાર પુસ્તકો તમને ગમે તે શીખવતાં હોય પણ આ જ પુસ્તકોના લેખકો હવે તેમની નવી થિયરી વેચવા કમર કસી રહ્યા છે. એ થિયરી છે સુખી થવા માટે વિચાર કરી લો કે એટલાસ્ટ શું ? આખરે કંઈ જ કારગત ન નીવડે તો છેલ્લે થઈ શું શકે છે ?

જે સાઈકલ A થી B તરફ જાય છે તેના પેડલ B થી A તરફ ચલાવવાની વાત. જેમ કે કોઈક સ્વજનનું હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હોવું. એ વખતે સતત આશાવાદ સેવવાથી સ્વજન બચી જાય તેવો આનંદ જેવો તેવો ન જ હોય, અને તેનો યશ મળે પોઝિટિવ થિંકિંગને, પરંતુ ધારો કે તમામ પોઝિટિવિટી એટલે કે માત્ર આશાવાદી વિચારો જ નહીં, બાધા-આખડી, દવા, દુઆ સાથેના પોઝિટિવ થિંકિંગ પછી જો એ સ્વજનને ગુમાવવાની ઘડી આવે ત્યારે પરિસ્થિતિની વિષમતા કલ્પી શકાય ? અહીં જરૂરી બને છે સરખામણી. નેગેટિવ કે પછી વાસ્તવિક વિચારોથી પરિસ્થિતિનો સ્વીકાર આ ક્ષણને સહ્ય બનાવે ? કે પછી આશાવાદનો ભ્રમિક આશરો જ્યારે હવા હવા થઈ જાય તે પરિસ્થિતિ સહ્ય બને ? આશાવાદ એક એવી રમત છે જે માનવીય મગજને એક ભાગેડુવૃત્તિની બારી ખોલી આપે છે. જો એવું ન હોત તો છેલ્લા આશાવાદ એટલે કે, પોઝિટિવ થિંકિંગને લગતી ફિલોસોફી અને થિયરીઓનાં પુસ્તકોનું થોડા સમયમાં જે વિક્રમજનક વેચાણ થયું તે સંભવિત જ નથી.

ચાર વર્ષ પૂર્વે રહોન્ડા બર્ને ‘સિક્રેટ’ નામનું પુસ્તક શું લખ્યું કે વિશ્વભરમાં પંકાઈ ગયું. જગતની લગભગ તમામ ભાષામાં અનુવાદ થયેલા પુસ્તકની ‘સિક્રેટ’ શું ? ચાવી જ છે પોઝિટિવ થિંકિંગની. ભારતમાં ઈંગ્લિશમાં ચાર લાખથી વધુ અને ભારતીય ભાષાઓમાં વેચાયેલા તેના આંકડા પ્રાપ્ય નથી તેવા આ સિક્રેટની સિક્રેટ ગુજરાતીની જૂની કહેવતમાં છે : ‘કર વિચાર તે પામ.’ બસ આ જ બીજમંત્ર પર ‘સિક્રેટ’ નામનું વટવૃક્ષ ઊગ્યું ને પાંગર્યું. સિક્રેટ, ધ મેજિક બ્લિન્ક, હુ મુવ્ડ માય ચીઝ જેવાં પુસ્તકોની હારમાળા ચાલી છે. પુસ્તકો પછી વારો આવે છે આ પ્રકારની ફિલોસોફી શીખવતા કોર્સના કલાસીસનો. એ પછી આર્ટ ઓફ લિવિંગ હોય કે એસ્ટ કે પછી પાવર યોગા. મન અશાંત છે ? મગજ વ્યગ્ર છે ? ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો, સ્ટ્રેસ દૂર થઈ જશે, પણ સ્ટ્રેસની ઉત્પત્તિ વિશે મૂળમાં ઊંડા ઉતરવાની સલાહ કોઈ ‘Be’ પોઝિટિવવાળા જ્ઞાનીઓ આપતા નથી. એમ શા માટે ? એવો પ્રશ્ન પણ કરાય નહીં, કારણ કે કેમ ? શા માટે ? કેમ નહીં ? એમ ? એ તમામ શબ્દો નેગેટિવ કેરેક્ટર ધરાવે છે, અલબત્ત, એવું આ વિષયના જ્ઞાની લોકો માને છે. ખરેખર તો હવે વાત થોડી સ્પષ્ટ થતી જાય છે. સવારની પહોરમાં એસએમએસ દ્વારા, ઈમેઈલ દ્વારા કે પછી ફેસબુકની વૉલ પર, ટ્વીટ દ્વારા પોઝિટિવ થિંકિંગના મેસેજ આપનારા શક્ય છે બીજાને નહીં, બલ્કે પોતાની જાતને જ આશ્વાસન આપતા હોઈ શકે. એવા સંજોગોમાં પરિસ્થિતિ સામે બાંયો ચઢાવી જંગે ચઢવાના એટિટ્યૂડમાં થોડું પરિવર્તન લાવી તેનો સહજ રીતે સ્વીકાર કરવાની કલ્પના કેટલાં દુઃખ ને સમસ્યા હળવાં કરી શકે છે તે હવે આવી રહેલો નવો થિયરીફીવર કહેશે.

આજકાલ તમે ફેસબુક વૉલ પર જાતભાતના પોઝિટિવ નેગેટિવ સંદેશાનું ફ્યુઝન જુઓ તો નવાઈ ન પામતા, કારણ કે આ આવતીકાલે આવી રહેલા ટ્રેન્ડનું ટ્રેલર છે. અમારા એક કલ્યાણમિત્ર અમને હંમેશ આ પોઝિટિવ, નેગેટિવ થિંકિંગના ઓવરડોઝથી દૂર રહેવાની સલાહ આપતાં કહે છે કે ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાની સામે એક કાલ્પનિક બોર્ડ મૂકી રાખવું જોઈએ. જેના પર માત્ર બે વાક્ય લખાયાં હોય. એક : છેલ્લે થઈ શું શકે છે ? એટલે મન તરત જ એ, બી, સી, ડી માર્ગ શોધવા માંડશે. જેમાંથી એક તો તમારો હાઈવે હશે જ અને ન પણ હોય તો શું ? અને બીજું મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાક્ય : હેવન વૉન્ટ ફોલ. એટલે કે જે થશે જોયું જશે, આકાશ નથી તૂટી પડવાનું. છે ને નેગેટિવ થિંકિંગમાં પોઝિટિવ વાત ? કાળા વાદળની રૂપેરી કોર !!

[poll id=”56″]