‘સુપરમૂન’ – રશ્મિન મહેતા

[ યુવા-કિશોરવર્ગને રસપડે તેવી માહિતી અને જ્ઞાનથી સભર તાજેતરમાં પ્રકાશિત થયેલ વિજ્ઞાન વિષયક પુસ્તક ‘વિજ્ઞાન-વૈભવ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.]

[dc]પૃ[/dc]થ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,84,400 કિ.મી છે, પરંતુ 19મી માર્ચ,2011ના રોજ ચંદ્ર પૃથ્વીથી 4 લાખ 56 હજાર 577 કિ.મી. દૂર હતો. એ દિવસે ફાગણ સુદ પૂનમ હતી. ચંદ્રની સપાટીના ભાગ પરનું ગુરુત્વાકર્ષણ એ પૃથ્વીની સપાટીના ગુરુત્વાકર્ષણના છઠ્ઠા ભાગ જેટલું સામાન્ય રીતે હોય છે. કેટલાક ભવિષ્યવેત્તાઓએ એવી આગાહી કરી હતી કે પૃથ્વીની નજીક આવવાથી ચંદ્રનું પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ વધશે અને તેના કારણે ભૂકંપ, વાદળોનું તોફાન અને જ્વાળામુખી ફાટવા જેવા ઉપદ્રવોનો પૃથ્વીવાસીઓએ સામનો કરવો પડશે.

જાણીતા જ્યોતિષી રિચર્ડ નોહેએ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવવાની ઘટનાને ‘સુપરમૂન’ તરીકે ઓળખાવી હતી. ‘સુપરમૂન’ની પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ એટલે કે 11મી માર્ચ, 2011ના રોજ જાપાનમાં 8.9ની તીવ્રતા ધરાવતો ભારે ભૂકંપ આવ્યો. એણે કરેલા વિનાશની વિગતો બહાર આવે તે પહેલાં ‘સુનામી’એ હાહાકાર મચાવ્યો. (જાપાની ભાષામાં ‘ત્સુનામી’ (TSUNAMI) એ સાચો શબ્દ છે.) ભૂકંપ પછી ઉદ્દભવેલી ‘સુનામી’એ લગભગ 30,000 લોકોનો ભોગ લીધો. જહાજો અને વિમાનો તણાઈ ગયાં. ટ્રેનો ઊથલી પડી અને તેના ડબ્બાઓ વેરણછેરણ થઈ ગયા. આવું પ્રલયકારી નુકશાન ‘સુપરમૂન’ના કારણે જ થયું હશે તેવું સામાન્યજનોને લાગ્યું હશે.

દરિયામાં જ્યારે મોટો ભૂકંપ થાય તે પછી કેટલીક વખત ‘સુનામી’ પણ આવે છે. તેનું કારણ એ છે કે ધરતીની એક વિશાળ પ્લેટ બીજી પ્લેટ તળે સરકવાથી પૃથ્વીની ભીતરમાં પ્રચંડ દબાણ સર્જાય છે, જેના પરિણામે અત્યંત વિશાળ પોપડો ધસી પડે છે, જે દરિયાના પેટાળમાં પ્રચંડ તાકાતથી પછડાય છે. તેના કારણે દરિયાનું પાણી ચોમેર ધકેલાય છે અને ‘સુનામી’ સર્જાય છે. જોકે, દરિયાની સપાટી પર ‘સુનામી’ની પ્રચંડ તાકાત દેખાતી નથી, પરંતુ દરિયાનું પાણી જમીન નજીક પહોંચતાં તે પાણીની અનેક ફૂટ ઊંચી વિશાળ દીવાલનું રૂપ ધારણ કરે છે. દરિયાના કાંઠા નજીક પાણી છીછરું હોવાથી દરિયાનાં મોજાં બહુ ઊંચાં ઊછળે છે અને તેના પ્રચંડ પ્રવાહમાં અવરોધક ઘણી વસ્તુઓ, ઝૂંપડાં, નબળી ઈમારતો, વૃક્ષો, પ્રાણીઓ, વાહનો અને માનવીઓ પણ દરિયા તરફ ખેંચાઈ જાય છે. બધું જ જમીનદોસ્ત થઈ જાય છે. ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક 2011ની સાલમાં જ આવ્યો એવું નથી બન્યું. આ અગાઉ 1995, 1974, 1992 અને 2005ની સાલમાં પણ ચંદ્ર પૃથ્વીની નજીક આવ્યો હતો, પરંતુ ત્યારે કોઈ ભયંકર હોનારત થઈ નહોતી. માત્ર હવામાનમાં ફેરફારની ઘટનાઓ બની હતી. જાપાનમાં 11મી માર્ચ, 2011ના રોજ ભૂકંપ અને સુનામીની ઘટના થઈ તે દિવસે હકીકતમાં તો ચંદ્ર પૃથ્વીથી તેના સરેરાશ અંતર કરતાં દૂર હતો. પૃથ્વી અને ચંદ્રનું આકર્ષણ જોતાં 11મી માર્ચનો દિવસ અન્ય સાધારણ દિવસ જેવો જ હોવાથી ચંદ્ર અને જાપાનમાં થયેલા ભૂકંપ વચ્ચે કોઈ સંબંધ જોડી શકાય તેમ નથી. જાપાન મૂળતઃ ભૂકંપપ્રવણ ક્ષેત્રમાં છે, તેથી ત્યાં અવારનવાર ભૂકંપ થાય છે. ચંદ્ર પૃથ્વીની નજીક આવવાથી જાપાનમાં ભૂકંપનું પ્રમાણ વધ્યું હોવાનો કોઈ આધારભૂત ઈતિહાસ નથી.

ઘણી વખત એવું બને છે કે એકાદ ખગોળશાસ્ત્રીય ઘટના અંગે લોકોમાં ખોટી અથવા ભીતિ ફેલાય તેવી અફવાઓ વહેતી મૂકીને તેનો ગેરલાભ ઉઠાવવાનો કેટલાંક તત્વો પ્રયત્ન કરે છે. સુપરમૂનની બાબતમાં, વ્યવસાયે જ્યોતિષી એવા રિચર્ડ નોહે પ્રસિદ્ધિ મેળવવા માટે આવો પ્રયત્ન કર્યો હોવાની શંકા જાગે છે. તેના કારણે 19મી માર્ચ, 2011ના દિવસે દેખાનારા સુપરમૂનનું દર્શન કરવાના બદલે લોકોમાં ડરની ભાવના પેદા થઈ હતી. ખરેખર તે બીક છોડીને મોટું દેખાતું ચંદ્રબિંબ અને તેની વધુ તેજસ્વિતા નિહાળવાની તક ઝડપી લેવા સામાન્યજનોને અનુરોધ કરવાની વિવિધ માધ્યમોની ફરજ હતી.

ચંદ્રની પૃથ્વીની આજુબાજુ પૂર્ણ ગોળાકારે નહિ, પરંતુ લંબવર્તુળાકાર કક્ષામાં આંટો મારે છે તેવું 400 વર્ષ પહેલાં કૅપ્લર નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું હતું. ચંદ્ર પૃથ્વીની સામાન્ય રીતે નજીક આવે ત્યારે તેનું અંતર ઓછામાં ઓછું 3,56,400 કિલોમીટર હોઈ શકે છે, જ્યારે વધુમાં વધુ અંતર 4,06,700 કિ.મી. હોઈ શકે છે. ચંદ્રની કક્ષા અનેકવિધ કારણોસર બદલાતી હોવાથી પૃથ્વી અને ચંદ્રનું અંતર સતત બદલાતું જણાય છે. વૈજ્ઞાનિકોએ – ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી-ચંદ્ર અંતરનો 400 વર્ષ સુધી અભ્યાસ કરીને નોંધ લીધી હતી કે, તા. 4થી જાન્યુઆરી, 1912ના રોજ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક એટલે કે 3,56,375 કિ.મી.ના અંતરે આવ્યો હતો. તે પૃથ્વીથી દૂરમાં દૂર એટલે 4,06,726 કિ.મી.ના અંતરે તા. 3જી ફેબ્રુઆરી, 2124ના રોજ પહોંચશે.

પૂર્ણિમા-અમાસ તેમજ ચંદ્રનું પૃથ્વી નજીક આવવાનું ગ્રહણ પ્રમાણે જ એક ચક્ર હોય છે. દર 413 દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે, ત્યારે પૂર્ણિમા-અમાસ થાય છે. તેનો અર્થ એ થયો કે દર 413 દિવસે ‘સુપરમૂન’ દેખાય છે, પરંતુ આ સ્થિતિથી પૃથ્વી પર કોઈ બહુ મોટું માઠું પરિણામ આવતું નથી. કારણ કે ચંદ્રના વધેલા ગુરુત્વાકર્ષણનો પૃથ્વી સામનો કરી શકે છે. નોહેની સુપરમૂનની વ્યાખ્યા પ્રમાણે ઘણી વખત સુપરમૂન દેખાય છે, પરંતુ તેના કારણે પૃથ્વી પર ઉત્પાત થતો નથી. ‘નાસા’ના વૈજ્ઞાનિકોએ પણ ખાતરીપૂર્વક કહ્યું છે કે સુપરમૂનથી ગભરાવાનું કોઈ કારણ નથી.

19મી માર્ચ, 2011ના રોજ ચંદ્ર અને પૃથ્વીનું અંતર સરેરાશ અંતર કરતાં આઠ ટકા ઓછું થયું હતું, એટલે કે ચંદ્ર રાબેતા મુજબ પૃથ્વીની નજીક આવે છે; તેના કરતાં બે ટકા વધારે નજીક આવ્યો હતો. આ અગાઉનાં વર્ષોમાં ચંદ્ર 1955, 1974, 1992 અને 2005માં જરા વધારે નજીક આવ્યો હતો. હવે પછી 14મી નવેમ્બર, 2016ના રોજ જ્યારે ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક આવશે ત્યારે તે હંમેશના કરતાં 14 ટકા મોટો અને 30 ટકા તેજસ્વી દેખાશે. અલબત્ત, એ ફરક નરી આંખે સામાન્યજનોને જણાશે નહિ. દર પૂર્ણિમાએ ચંદ્રનું બિંબ હંમેશના કરતાં મોટું દેખાય છે. જેમજેમ તે ક્ષિતિજ પર ઊંચે ચડતો જાય છે તેમતેમ તેનું પ્રતિબિંબ નાનું દેખાતું જાય છે. સુપરમૂન જોવો એ પણ એક લહાવો છે. આશંકા સેવવાની જરૂર નથી. સુપરમૂન દુર્ઘટનાઓ કરવા માટે પૃથ્વીની નજીક આવતો નથી.

[કુલ પાન : 182. કિંમત રૂ. 140. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

[poll id=”57″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાજસુર, તું ક્યાં છો ? – રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ
સૂત્રો : પોથીમાંનાં રીંગણાં ? – રોહિત શાહ Next »   

3 પ્રતિભાવો : ‘સુપરમૂન’ – રશ્મિન મહેતા

 1. Kalidas V. Patel { Vagosana } says:

  રશ્મિનભાઈ,
  ખગોળશાસ્ત્રની સાચી માહિતી આપવાને બદલે મોટા ભાગના કહેવાતા જ્યોતિષીઓ જનતાને કંઇક અમંગળ થવાનું છે કહી બિવડાવતા હોયછે તેવા માહોલમાં આપે બહુ સારી અને સાચી માહિતી આપી. … આભાર.

 2. Arvind Patel says:

  આ શ્રુષ્ટિ ને સમજવી ખુબ અઘરી વાત છે. જો આપણે શ્રુષ્ટિ નો ક્રમ સમજીશું તો આપણને ઘણું બધું સમજાઈ જશે. ભગવાન ગીતા માં કહે છે કે સર્જન , વિસર્જન અને પોષણ બધું જ મારા હાથ માં છે. પાંચ તત્વો ની બનેલી આ શ્રુષ્ટિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આમાં થી જ બધું ઉત્પન થાય છે અને અંતે બધું આમાં જ ભળી જઈ છે. આપણે મન થી કુદરત માં ભાઈ જૈયે તો ઘણું બધું સમજાઈ જશે. કુદરત તરફ ફરિયાદ રહેશે નહિ. ઉગતા સૂર્ય માં , ફૂલ ના ખીલવા માં, બાળક ના હાસ્ય માં , સમુદ્ર , પહાડ, દરેક માં આપણને ઈશ્વર ના દર્શન થશે. જો આમ થાય ત્યારે કદાચ મંદિર નહિ જાવ તો પણ ચાલશે.

 3. Mausam says:

  Khoob sundar and saral bhasha ma varnan aa Supermoom Phenomenon nu. Thank you Rashminji.

  Please check this statment:
  થ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,84,400 કિ.મી છે, પરંતુ 19મી માર્ચ,2011ના રોજ ચંદ્ર પૃથ્વીથી 4 લાખ 56 હજાર 577 કિ.મી. દૂર હતો.

  I believe for 19th March, 2011 it should 3 lac rather than 4 lac.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.