સૂત્રો : પોથીમાંનાં રીંગણાં ? – રોહિત શાહ

[‘અખંડ આનંદ’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. આપ લેખકશ્રી રોહિતભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 79 27473207 સંપર્ક કરી શકો છો.]

[dc]દુ[/dc]નિયાની દરેક ભાષા પાસે કેટલાંક ચોટદાર સૂત્રો હોય છે. સૂત્રની ખૂબી એ છે કે એ ટૂંકું હોય છે અને વળી મર્મવેધક હોય છે. પ્રત્યેક સૂત્ર આપણને કોઈ ને કોઈ ‘પોઝિટિવ થૉટ’- હકારાત્મક વિચાર આપે છે. એ દષ્ટિએ જોઈએ તો આવાં સૂત્રો માણસ માટે ‘માઈલસ્ટોન’ જેવાં બની રહે છે.

આજે એક તરફ માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે મારી વાત આપણી માતૃભાષાની જનેતા સંસ્કૃત ભાષાનાં સૂત્રોની વાત- કદાચ તમને વિચિત્ર લાગશે. પરંતુ તમને જાણીને આનંદ થશે કે આપણી અનેક સંસ્થાઓ આજે પણ સંસ્કૃત ભાષાનાં સૂત્રોને પોતાનો આદર્શ માને છે. અલબત્ત, ક્યારેક એવું જોવા મળે છે કે એ સૂત્ર, માત્ર ‘શોભાના ગાંઠિયા’ જેવું કે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું બની ગયું હોય છે. ઉદાહરણો સાથે આગળ વધીએ.

સત્યમેવ જયતે
તમને ખબર છે ખરી કે ભારત સરકારનું આ મૂળ સૂત્ર છે : ‘સત્યમેવ જયતે’ ? સરકારમાં બેઠેલા લોકોને વિશ્વાસ છે કે સત્યનો જ સદા વિજય થાય છે. અથવા એવું એ આપણને કહેવા માગે છે. જે હોય તે, ભારત સરકારનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ છે, એ કોઈ જોક નથી- ફેક્ટ છે.

સત્યં શિવં સુન્દરમ
ટેલિવિઝનનું સૂત્ર ‘સત્યં શિવં સુન્દરમ’ છે. જ્યારે પણ દૂરદર્શન કેન્દ્રનું સિમ્બોલ ટી.વી. સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવે છે ત્યારે આ સૂત્ર વાંચવા મળે છે. દૂરદર્શન એના દર્શકોને કેટલું સત્ય, કેટલું શિવમ-કલ્યાણકારી અને કેટલું સુંદર બતાવે છે એ પ્રશ્ન પૂછવામાં મજા નથી.

અહર્નિશ સેવામહે
આપણા તાર-ટપાલ ખાતાનું સૂત્ર છે ‘અહર્નિશ સેવામહે’ એટલે કે હું સતત તમારી સેવા કરું છું. ટપાલખાતાની સેવાઓથી આપણે પરિચિત છીએ. આજકાલ હવે આંગડિયા-કુરિયર સર્વિસને કારણે ટપાલ-ખાતા પાસે ખાસ કામ બચ્યું નથી. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ફેસબૂકને કારણે હવે પત્રવ્યવહાર ખૂબ ઘટી ગયો છે. છતાં આપણું ટપાલ ખાતું આપણી કેવી અહર્નિશ સેવા કરે છે એની આપણને સૌને ખબર છે.

યોગક્ષેમ વહામ્યહં
લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (ભારતીય જીવનવીમા નિગમ)નું સૂત્ર ‘યોગક્ષેમ વહામ્યહં’ છે. એનો અર્થ છે હું યોગ-ક્ષેમનું વહન કરું છું. અલબત્ત, આ કોઈ સેવાભાવી કે સદાવ્રતી પેઢી નથી એટલે ગ્રાહકે પોતાનું યોગક્ષેમ આ સંસ્થા દ્વારા વહન કરાવવું હોય તો એનાં પ્રિમિયમ્સ ભરતા રહેવું પડે છે.

ધર્મચક્રાપ્રવર્તનાય
ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું આ સૂત્ર કોનું છે એ જાણશો તો કદાચ તમને હસવું આવી જશે ! લોકસભા (સંસદ)- નવી દિલ્હીનું કાર્ય ભારતમાં ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું છે. સંસદસભ્યોને ગાળાગાળી કરતા અને ખુલ્લા હાથની મારામારી કરતા જોયા પછી આ સંસદ કેવા ધર્મચક્રનું પ્રવર્તન કરશે એવી દહેશત જાગશે.

યતો ધર્મસ્તતો જયઃ
જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશે- આવું સૂત્ર આપણી સુપ્રીમ કોર્ટનું છે. એ વાત જુદી છે કે આપણે સાચા હોઈએ તોય ન્યાય મેળવવામાં એક ભવ ટૂંકો પડે છે. ન્યાયતંત્ર ઉપર જેને ભરોસો હોય એ સૌ પોતપોતાની આંગળી ઊંચી કરે, એવું પૂછવામાં જોખમ છે. ન્યાય મળવામાં વિલંબ થાય એ જ અન્યાય નથી શું ?

કોષ મૂલો દંડ :
ઈન્કમટેક્સ વિભાગનું આ સૂત્ર જ કેવું કાંટાળું છે ! કોષ (ભંડાર અથવા સમૃદ્ધિ)નું મૂળ દંડ (પનિશમેન્ટ) છે. જો દંડની જોગવાઈ ન હોય તો પછી ઈન્કમટેક્સ ભરવા કોણ જવાનું હતું ?

નાદ બ્રહ્માણે નમઃ
નાદ એટલે કે સ્વરના બ્રહ્મને નમન કરવાની ભાવના ધરાવતું આ સૂત્ર ‘બૃહદ ગુજરાત સંગીત સમિતિ’નું છે. સંગીતને તમામ લલિત કલાઓમાં શુદ્ધ કલા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એનું સાધન સ્વર છે. સ્વર હંમેશાં નિષ્કપટ હોય છે. નાદ બ્રહ્મને પ્રણામ કરવાથી સ્વરને સમજવાની પાત્રતા આવે છે.

પાકા નઃ સરસ્વતી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)નું સૂત્ર છે ‘પાકા નઃ સરસ્વતી’ એટલે કે સરસ્વતી (વિદ્યા) આપણને સૌને પાવન કરે !

યોગઃ કર્મસુ કૌશલમ
ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર ‘યોગઃ કર્મસુ કૌશલમ’ એટલે કે યોગ અને કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવાનું છે.

સ્વાધ્યાયઃ પરમં તપઃ
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર કેવું અર્થપૂર્ણ છે, ‘સ્વાધ્યાયઃ પરમં તપઃ’ અર્થાત સ્વાધ્યાય એ જ પરમ તપ છે. સ્વાધ્યાય દ્વારા જ માણસ પરફેક્ટ બને છે.

સેવા અસ્માકં ધર્મ
ભારતીય ભૂમિદળનું સૂત્ર છે : ‘સેવા અસ્માકં ધર્મ’ અર્થાત સેવા અમારો ધર્મ છે.

નભઃ સ્પૃશં દીપ્તમ
વાયુસેના (એરફોર્સ)નું સૂત્ર છે : ‘નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે આભને આંબતું અને વ્યોમમાં શોભતું. જોકે ભારતીય વાયુસેના (મેન્ટેનન્સ કમાન્ડ) નાગપુરનું સૂત્ર છે : ‘સર્વદા ગગને ચરેત’ એટલે કે હંમેશાં ગગનમાં વિહરતું.

શં નો વરુણઃ
નૌસેના (નેવી)નું સૂત્ર છે : ‘શં નો વરુણઃ’ એટલે કે વરુણદેવ આપણું રક્ષણ કરો !

એકાદ સૂત્ર અપનાવીએ
અહીં રજૂ કરેલાં તમામ સૂત્રો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છે. આપણી સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે અને આપણને સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલો બધો આદર છે એ આ સૂત્રો દ્વારા અને વિવિધ સંસ્થાઓમાં થતા તેના ઉપયોગ દ્વારા પુરવાર થાય છે. દરેક માણસે પોતાની લાઈફમાં આવાં કેટલાંક સૂત્રો અપનાવી લેવાં જોઈએ. આવાં સૂત્રો આપણને નૈતિક અધઃપતનમાંથી બચાવી શકે છે. યાદ રહે કે આ સૂત્રો ‘પોથીમાંનાં રીંગણાં’ ન બની રહેવાં જોઈએ. એનો સભાનપણે અને આદરપૂર્વક અમલ પણ થવો જોઈએ. સૂત્ર એ છે કે જેમાં કશોક પોઝિટિવ થૉટ હોય અને આપણું તો હિત હોય પરંતુ કોઈનુંય અહિત ન હોય. તમને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં તમારું અંગત સૂત્ર અપનાવવાની તમને છૂટ છે.

[poll id=”59″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ‘સુપરમૂન’ – રશ્મિન મહેતા
વિશ્વના સર્વોત્તમ જ્ઞાનની વેબસાઈટ : વેદમંત્રો – ડૉ. હર્ષદેવ માધવ Next »   

6 પ્રતિભાવો : સૂત્રો : પોથીમાંનાં રીંગણાં ? – રોહિત શાહ

 1. Kalidas V. Patel { Vagosana } says:

  રોહિતભાઈ,
  તાર ટપાલ ખાતાની સેવાની મજાક સાથે હું બિલકુલ સહમત નથી. માત્ર ૫૦ પૈસાની ટિકિટમાં આપણા સમાચાર – લેખિતમાં – કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોચાડે છે અને માલિક ન મળે { સરનામુ બરાબર ન કર્યુ હોય તો – જે આપણી ભૂલને કારણે – } તો પોસ્ટકાર્ડ આપણા ઘરે પરત આપે છે, જ્યારે કુરિયર ૧૦ રૂપિયાથી વધુ રકમ લીધા પછી પણ ગામડાઓમાં ટપાલ પહોચાડતી નથી ! દુનિયામાં સૌથી સસ્તી ટપાલસેવા ભારતની છે જે આપની જાણ સારુ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. gita kansara says:

  શુભસ્ય શેીઘ્રમ્.જાગ્યા ત્યાથેી સવાર્ .

 3. Piyush S. Shah says:

  100% agree with Sh. Kalidas bhai on requirement / job done by our Postal department…

  Otherwise, message well taken.. We can definitely connect with one of those slogans and make it difference…

 4. paresh mehta says:

  ટપાલ ખાતાનિ સેવા ખરેખર સારિ તમારિ વાત સાથે સહમત નથિ

 5. Bhailal Bhanderi says:

  ધર્મચક્રાપ્રવર્તનાય –
  ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું આ સૂત્ર ! કેવી સરસ માહિતી આપી.

 6. ઈશ્વર ડાભી says:

  ખબર નહીં …….. આપણે આપણી સરકારી સેવાઓને વગોવવા માથી બહાર ક્યારે આવીશું ?
  ખાનગી કંપનીઓ ના વ્યવહારો કેટલા પારદર્શક છે તે આપણે નથી જાણતા ?
  આ એક પ્રકાર ની ગુલામ માનસિકતા સિવાય કઈ નથી .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.