વિશ્વના સર્વોત્તમ જ્ઞાનની વેબસાઈટ : વેદમંત્રો – ડૉ. હર્ષદેવ માધવ

[ વેદો જ્ઞાનસ્વરૂપ છે. તે જ્ઞાનનો ભંડાર છે. વેદોને આજના સંદર્ભમાં સમજવાની જરૂર છે. તે પ્રાચીન કે પુરાતન નથી. તેને નવી રીતે સમજવામાં આવે તો તે અત્યારે પણ એટલા જ ઉપયોગી છે. જેમણે અપાર આધુનિક સંસ્કૃત સાહિત્ય રચ્યું છે એવા ડૉ. હર્ષદેવભાઈ આપણને આ સમજ તેમના નવા પુસ્તક ‘વિશ્વની સર્વોત્તમ જ્ઞાનની વેબસાઈટ : વેદમંત્રો’ દ્વારા આપે છે. તેમણે મૌલિક રીતે આ મંત્રોનો આજના સમયને અનુરૂપ અર્થ આપવાની કોશિશ કરી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. હર્ષદેવભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે madhavharshdev@gmail.com અથવા આ નંબર પર +91 9427624516 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવમાં આવી છે.-તંત્રી.]

[1] હૃદયરોગને દૂર કરવાની પ્રાર્થના

अनु सूर्यमुदयतां हृदधोतो हरिमा च ते ।
गो रोहितस्य वर्णेन तेन त्वा परि दध्मसि ।। (અર્થવવેદ 1-22-1)

હે રોગગ્રસ્ત મનુષ્ય ! હૃદયરોગને લીધે આપના હૃદયની બળતરા (તથા રક્તની ઊણપનો વિકાર) આપના શરીરનું પીળાપણું સૂર્ય તરફ ચાલ્યું જાય. રક્તવર્ણની ગાયો અથવા સૂર્યના રક્તવર્ણનાં કિરણો દ્વારા અમે આપને દરેક રીતે બળવાન બનાવીએ છીએ.

પ્રસ્તુત મંત્રના બ્રહ્મા ઋષિ છે અને સૂર્ય દેવતા છે અને અનુષ્ટુપ છંદ છે. સ્વસ્થ શરીર હોય તો જ સ્વસ્થ મન અને સ્વસ્થ વિચારો હોઈ શકે. આથી કહેવાયું છે કે नायमात्मा बलहीनेन लभ्यः । ‘આ આત્મા બળ વગરના મનુષ્યને મળતો નથી.’ હૃદયરોગ માટે ઘણાં કારણો છે પરંતુ ચિંતા, તનાવ અને વધુ પડતાં શારીરિક અને માનસિક દબાણોને લીધે હૃદય નબળું પડે છે. હૃદય જ્યારે તેનું કાર્ય પૂરેપૂરું બજાવી ન શકે ત્યારે લોહીને શરીરમાં અભિસરણ કરવાની ક્રિયા પર તેની અસર થાય છે. જ્યારે લોહી અશુદ્ધ બને, જાડું બની જાય ત્યારે રક્તવાહિનીઓ તેને પ્રવાહિત કરી શકતી નથી અને ધમનીઓના કાર્યમાં વિક્ષેપ પડતાં હૃદયની બીમારી સર્જાય છે.

સૂર્ય જગતનો આત્મા કહેવાયો છે. સૂર્ય પ્રાણશક્તિ અને ઊર્જાશક્તિનો દાતા છે. સૂર્યની ઉપસ્થિતિ શરીર અને મનની સ્વસ્થતા માટે જરૂરી છે. મંત્રમાં લાલરંગની ગાયો (गोरोहितस्य) સૂર્યના મધુર કુમળાં કિરણો અને મનોમય કોશ પર તે કિરણોની અસર સૂચવે છે. ‘ગાયો’ શબ્દ ઈન્દ્રિયો માટે પણ વપરાય છે. ઈન્દ્રિયો સવારના સૂર્ય કિરણ જેવી પ્રફુલ્લ હોય ત્યારે રક્તકણોવાળું શુદ્ધ લોહી તેમાં અભિસરણ કરતું રહે છે.

આધુનિક ચિકિત્સાશાસ્ત્રની દષ્ટિએ રક્તકણો ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આ ક્ષમતા ઘટી જાય છે ત્યારે શરીર ફિક્કું (પીળું) પડી જાય છે. નબળાઈ લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને રોગીને અજંપો તથા અરુચિનો અનુભવ થાય છે, જેને ‘એનિમિયા’ કહેવામાં આવે છે. હૃદય શરીરને લોહીનો પુરવઠો પૂરો પાડી ન શકવાને કારણે હૃદયરોગ ગંભીર બને છે. આ સૂક્તમાં ઋષિ મનુષ્ય શરીરનું પીળાપણું સૂર્યનાં કિરણો દ્વારા દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. આ સૂક્તના મંત્રોમાં મનુષ્યના રોગાણુઓ વિવિધ પક્ષીઓમાં અને વનસ્પતિઓમાં પ્રવેશે જેથી રોગનાં પ્રતિરોધક તત્વો (એન્ટી બોડી) ઉત્પન્ન થાય અને તેના સંસર્ગના રોગોનું શમન થાય તેવી પ્રાર્થના છે. આધુનિક બાયોટેકનોલોજી અને રીકોમ્બીનન્ટ DNA ટેકનોલોજીનો આ સિદ્ધાંત પાયારૂપ છે. હૃદય રોગને દૂર કરવા આ આધ્યાત્મિક ચિકિત્સા પણ છે.
.

[2] રુધિરસ્ત્રાવ નિવર્તન ધમની-બન્ધનમન્ત્ર

अमूर्या यन्ति योषितो हिरा लोहातवाससः ।
अभ्रातर इव जामयस्तिष्ठन्तु हतवर्चसः ॥ (અથર્વવેદ 1-17-1)

શરીરમાં લાલ રંગના લોહીનું વહન કરનારી જે યોષા (ધમનીઓ) છે, તે સ્થિર થાય. જે રીતે ભાઈ વિનાની નિસ્તેજ બહેનો (શરમાતી હોવાના લીધે) બહાર નીકળતી નથી, તે જ રીતે ધમનીઓનું લોહી બહાર ન નીકળે.

પ્રસ્તુત મંત્રના બ્રહ્મા ઋષિ છે. લોહિતવાસ સયોષા એટલે કે ધમનીઓ દેવતા છે. અથર્વવેદમાં જીવનને ઉપયોગી એવા ઘણા મંત્રો છે. આ વેદ ઔષધિઓ અને રોગોનું જ્ઞાન પણ આપે છે. આથી, આ મંત્ર સમાજ અને જીવનને ઉપયોગી છે. પરંપરાથી આપણે શરીરને ધર્મનું સાધન માન્યું છે. આયુર્વેદ સાત પ્રકારના ધાતુઓને મનુષ્ય શરીરમાં સ્થાન આપે છે. તેમાં રસ, રક્ત, મેદ, માંસ, મજ્જા, શુક્ર અને અસ્થિ સમાવિષ્ટ છે. વાત, પિત્ત અને કફને કારણે શરીર, વ્યાધિઓથી ઘેરાય છે. આપણા ઋષિમુનિઓએ શરીરને આધ્યાત્મિક સાધન માટે નિરામય રાખવા અને બનાવવા વિવિધ મંત્રોનું દર્શન કર્યું છે. ચિકિત્સા પદ્ધતિઓમાં એક મંત્રોપચાર પણ છે. આધુનિક ચિકિત્સાવિજ્ઞાને હજુ ઘણા રોગોનું નિવારણ કરવાની ક્ષમતા મેળવી નથી. એ સંજોગોમાં આધ્યાત્મિક ઉપચારોનો સહારો અંધશ્રદ્ધા નથી પણ એક પરીક્ષણનો પ્રયાસ છે.

અથર્વવેદનું પ્રથમકાંડનું સત્તરમું સૂક્ત રુધિર-સ્ત્રાવને અટકાવવા માટેની ધમનીઓને પ્રાર્થનારૂપે છે. આપણું સમગ્ર શરીર ચૈતન્યમય છે. આથી ઈન્દ્રિયોમાં પણ તેની અભિમાની દેવતાઓ નિવાસ કરે છે તેવું શાસ્ત્રો કહે છે. આધુનિક વિજ્ઞાનની દષ્ટિએ લોહીની ગંઠાવાની ક્રિયાના ત્રણ સોપાનો છે :
(1) પ્રોથોમ્બિનનું સક્રિય થવું. પ્રોથોમ્બિન લોહીમાં દ્રાવ્યરૂપે હોય છે.
(2) પ્રોથોમ્બિન થ્રોમ્બિનમાં રૂપાંતરિત થાય છે. અહીં કૅલ્શિયમ અને બીજા ઘટકો ભાગ ભજવે છે.
(3) સક્રિય થ્રોમ્બિનની મદદથી ફાઈબ્રિનોજનનું ફાઈબ્રિનમાં રૂપાંતર થાય છે. આમ, લોહીના ગંઠાવાની ક્રિયા સાદી લાગતી હોવા છતાં જટિલ છે. લોહીના ગંઠાવા સાથે હિમોફિલિયા, થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાયટોપેનિઆ વગેરે રોગો જોડાયેલા છે. જો લોહી ન ગંઠાય તો રક્તસ્ત્રાવને લીધે મનુષ્યનું જીવન જોખમમાં મુકાય છે. આ મંત્રમાં ઋષિ શરીરની ધમનીઓને પ્રાર્થે છે કે તે લોહીને સ્થિર કરી દે. જેમ ભાઈ વિનાની બહેન એકલી બહાર ન જાય તેમ ધમનીઓમાંથી લોહી બહાર ન નીકળે. ધમનીઓ લોહીને સ્થિર કરે, આથી આપોઆપ રક્તસ્ત્રાવ અટકી જાય છે. અહીં ‘લોહિતવાસસઃ’ શબ્દ રક્તકણોવાળા લોહીનો નિર્દેશ કરે છે. ધમનીઓ ત્રાકકણોની મદદથી લોહીને થીજાવે છે. અણુએ અણુમાં ઈશ્વરીય તત્વને અનુભવીને જીવનને નિરામય રાખવાની કામના એ ઋષિની મંગલમય દષ્ટિ છે.
.

[3] સુખપ્રસવ અને ગર્ભવિજ્ઞાન

यथा वातो यथा मनो यथा वतन्ति पक्षिणः।
एवा त्वं दशमास्य साकं जरायुणा पताव जरायु पधताम ।। (અથર્વવેદ 1-11-6)

જેવી રીતે વાયુ વેગપૂર્વક વહે છે, પક્ષી જે રીતે વેગથી આકાશમાં ઊડે છે તેમજ મન જે તીવ્ર ગતિથી વિષયોમાં લિપ્ત રહે છે તે રીતે દશમા પાસે ગર્ભસ્થ શિશુ જરાયુ (જેરી) સાથે ગર્ભથી મુક્ત બનીને બહાર આવો.

આ સૂક્તના અથર્વા ઋષિ છે. पूषा અર્યમા, વેધા, દિકદેવતાગણ એનાં દેવતા છે. પથ્યા પંક્તિ છંદ છે. આપણા ઋષિમુનિઓ જેમ આત્માના અમરત્વ વિશે ચિંતન કરતા હતા, જેમ પરલોકના શાશ્વત આનંદની અભિલાષા કરતા હતા તેમ જ આ લોકની વાસ્તવિકતાઓ અને ઐહિક સુખ, આરોગ્ય, દીર્ઘ જીવન અને કૌટુંબિક સુખનું ચિંતન પણ કરતા હતા. ભગવદગીતા જે સ્થિતપ્રજ્ઞની કલ્પના કરે છે કે સંસારમાં રહીને પણ સંસારથી મુક્ત રહી શકાય છે તેવું તેમનું નિર્મળ જીવન હતું ! અથર્વા ઋષિ આ સૂક્તમાં (1-11)માં પૂષા દેવની ઉપાસના કરતાં કહે છે તે પ્રસૂતાની સહાય કરે. પ્રસૂતા નારીનાં અંગો પ્રસવને અનુકૂળ ઢીલાં બને તેવી સહાય કરે. પ્રસવશીલ માતાનો ગર્ભ નીચે તરફ પ્રેરાય એવી પ્રાર્થના કરે છે. ગર્ભસ્થ શિશુની આસપાસના જરાયુ (માંસ, મજ્જા, ચરબી, રક્ત, વગેરે) તેનાથી દૂર થાય. બાળક નાળથી અલગ થઈને સૃષ્ટિના પ્રથમ શ્વાસ લે તેવી પ્રાર્થના ઋષિની કરુણાસભર જીવનદષ્ટિનો ખ્યાલ આપે છે. માતાને બાળકનો સુખપ્રસવ થતાં મુક્તિ અને આનંદ મળે તે જરૂરી છે. શ્રુતિસાહિત્યમાં ઉપનિષદોનો પણ સમાવેશ થાય છે. ઉપનિષદો સામાન્ય રીતે બ્રહ્મવિદ્યા છે છતાં તેમાં ‘गर्भोपनिषद’ નામનું એક ઉપનિષદ છે. તેમાં ગર્ભવિજ્ઞાન વર્ણવાયું છે.

આ ઉપનિષદમાં ગર્ભની ઉત્પત્તિ, વૃદ્ધિ-વિષયક વિચારો છે. આ શરીર પાંચ-મહાભૂતો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મનનું બનેલું છે. આ શરીર જન્મવું-વૃદ્ધિ પામવી-વિકાર થવું-પરિવર્તન પામવું-જીર્ણ થવું-નાશ પામવું એ ગુણોવાળું છે. સાત ધાતુઓ અને ત્રિવિધ મળથી યુક્ત, બે મુખ્ય ઉત્સર્ગ છિદ્રોવાળું આ શરીર ચાર પ્રકારનાં ભોજ્ય-પેય-લેહ્ય અને ચૌષ્ય એ ચાર પ્રકારના આહારથી નિર્માણ પામે છે. શરીરમાં જે કઠણ ભાગ તે પૃથ્વી, જે પ્રવાહી તે જળ, જે ઉષ્ણ તે તેજ, જે સંચરે તે વાયુ, જે ખાલી ભાગ તે આકાશતત્વ છે.

ઋતુકાળમાં સ્ત્રીના સંપર્કમાં પુરુષ આવે ત્યારે શોણિત-શુક્રના સંયોગથી પ્રથમ રાત્રે ગર્ભમાં ભ્રૂણ કલલ જલવદ બને છે. સાત રાત્રી પછી તે બુદબુદ બને છે. એક પક્ષ પખવાડિયા પછી નાના દડા જેવડો બને છે. એક માસ પછી તે કઠણ બને છે. બે માસ પછી મસ્તકનો ભાગ ઘડાય છે. ત્રણ માસ પછી પગનો આકાર બંધાય છે. ચાર માસ પછી દૂંટી, જઠર, કેડ વગેરે ભાગોનો આકાર બંધાય છે. પાંચમે માસે ગર્ભની કમર-કરોડરજ્જુની રચના થાય છે. છઠ્ઠે માસે મુખ-નાક-કાન-નેત્ર વગેરે ઈન્દ્રિયો પ્રાપ્ત થાય છે. સાતમે માસે જીવનો સંબંધ દેહ સાથે બંધાય છે. આઠમા માસે સર્વાંગ લક્ષણતા મળે છે. નવમે માસે ભ્રૂણનો પૂર્ણ વિકાસ થાય છે.

अथ नवमे मासि सर्वलक्षण-ज्ञानकरण-सम्पूर्णो भवति ।
पूर्वज्ञाति स्मरति । शुभाशुभ च कर्म विन्दति । (ગર્ભોપનિષદ-3)

અર્થાત નવમા માસે ગર્ભસ્થ જીવને સર્વલક્ષણો શરીરમાં મળે છે, પણ તેની સ્મૃતિ અખંડ હોવાથી પૂર્વજન્મની જાતિનું સ્મરણ રહે છે. તેને પોતાનાં શુભ-અશુભ કર્મોનું સ્મરણ પણ રહે છે. માતા-પિતાના વિચારોની અસર પણ બાળક પર થાય છે. દંપતીના સંયોગ સમયે મન ઉદ્વિગ્ન હોય તો વિકૃતિવાળું બાળક ઉત્પન્ન થાય છે. પુરાણોમાં આવી કથાઓ છે. આધ્યાત્મિક સંતતિ માટે ‘ગર્ભવિજ્ઞાન’ની જાણકારી આવશ્યક છે.

[કુલ પાન : 184. કિંમત રૂ. 180. પ્રાપ્તિસ્થાન : શ્રી વાણી અકાદમી, C/o ડૉ. હર્ષદેવ માધવ. 8, રાજતિલક બંગલો. સિદ્ધાર્થ-2 તથા ઈન્ડિયન ઑઈલ પેટ્રોલપંપ સામે. બોપલ. અમદાવાદ-58. ફોન નં : +91 2717 230072. મોબાઈલ : +91 9427624516. ઈ-મેઈલ : madhavharshdev@gmail.com]

[poll id=”60″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “વિશ્વના સર્વોત્તમ જ્ઞાનની વેબસાઈટ : વેદમંત્રો – ડૉ. હર્ષદેવ માધવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.