એક પત્ર – રવીન્દ્રનાથ ઠાકુર

[ ખૂબ જ અભ્યાસપૂર્ણ અને વિદ્વત્તાભર્યા ઉત્તમ લેખોના અનુવાદ તેમજ સંકલનનું કાર્ય શ્રી કરમશીભાઈ પીરે તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બહુવચન’ માં કર્યું છે, જેમાંથી અત્રે આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તક ‘ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. ‘એતદ’, ‘ગદ્યપર્વ’, ‘ખેવના’, ‘તથાપિ’ જેવા ઉચ્ચ સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી કમલભાઈ વોરાનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]આ[/dc]પણાં ઈન્દ્રિયસંવેદનોનો વિનિયોગ કરવા જ્યારે આપણે પૂરેપૂરા સમર્થ થઈએ ત્યારે જ આપણા અસ્તિત્વનું આપણને જ્ઞાન થતું હોય છે. ઈન્દ્રિયસંવેદનાની આવી પ્રત્યેક ક્રિયા આપણને આનંદના તત્વથી નવાજી મૂકે છે, જેને કાર્યકારણના નિયમ સાથે કોઈ સીધો સંબંધ નથી – એ તો અસ્તિત્વના આપણા ઉલ્લાસનું અંગ હોય છે.

આંખની નિહાળવાની પ્રક્રિયાનું જ ઉદાહરણ લઈએ. આ ક્રિયા માણતા હોઈએ છીએ એનું કારણ એ નહીં કે જે કંઈ આપણે જોતા હોઈએ તે સુંદર કે સુખદ હોય છે; પરંતુ એનું કારણ એ કે આંખ સમક્ષ દશ્યમાન જગતનો જે પ્રવાહ વહી રહ્યો હોય છે તે આપણી સંવેદનાને પ્રદીપ્ત કરે છે. મને મારું બાળપણ યાદ આવી જાય છે. એક ઓરડામાં મને ગોંધી રાખવામાં આવતો, એ વેળા હું તદ્દન એકલો પડી જતો. કેવળ બહારની દુનિયાને શટરવાળી બારીઓમાંથી ખૂબ રસપૂર્વક જોયા કરતો. આનાથી મારું ચિત્ત સતત જાગ્રત રહેતું. ચિત્રોનું જગત પણ આવું હોય છે – ઉત્કટ અભિરુચિથી જગતને જોવું અને માણવું. આપણા ચિત્તની જેમ જ આંખ પણ જે કશું આપણને આકર્ષવામાં નિષ્ફળ નીવડે એમાંથી પ્રત્યાખ્યાન પામતી હોય છે, વૈવિધ્યના અભાવને કારણે એ સઘળું નીરસ બની જાય છે. જે ખોરાક રુચિ પ્રદીપ્ત નથી કરી શકતો એ પોષક પણ નથી નીવડી શકતો. ખોરાક માટેની આવી અરુચિ સાથે જોવાની અરુચિની તુલના કરી શકાય.

સાચી કળાનું રહસ્ય આ વાતમાં રહેલું છે : એ આપણા માટે જોવાના પદાર્થો પૂરા પાડે છે, એ પદાર્થો આપણે જોયા વિના રહી શકતા નથી અને એમને જોવામાત્રથી ભારે પુલકિત થઈ ઊઠીએ છીએ. આદિમકાળથી મનુષ્ય પોતાને માટે જોવાયોગ્ય પદાર્થો પ્રાપ્ત કરતો રહ્યો છે. આ રીતે, આજે મનુષ્યનું ચિત્ત રૂપરચનાઓ અને બહિર્જગતની છાપના અજસ્ત્ર વૈવિધ્યની સ્મૃતિઓથી ભર્યું ભર્યું છે. જે રેખાઓથી રૂપરચનાનું નિર્માણ થતું હોય એવી રેખાઓ અપરિહાર્ય હોવાથી આવશ્યક હોય, અંતર્નિહિત ગુણવૈશિષ્ટ્યને કારણે ચિત્તનો કબજો લઈ લેતી હોય – ભલે ને પછી રૂપરચના પોતે સમગ્રતયા સુંદરતાનો પ્રભાવ પાડે કે નયે પાડે- તો આ રેખાઓ મનુષ્યનું ધ્યાન આકર્ષવાનો કે સ્વીકૃતિ પામવાનો આવો દાવો કરવા હકદાર બને છે. અમે એની દષ્ટિમર્યાદાનો વિસ્તાર કરી આપીએ છીએ, એની યાત્રા પરિપૂર્ણ કરાવી આપીએ છીએ.

આપણને જોવાની ઈચ્છા થયા જ કરતી હોય છે, કેમ કે પદાર્થો જોવા આપણને ગમતા હોય છે. આવી ઈચ્છામાંથી દશ્યમાન પદાર્થો વૈવિધ્યબહુલ રૂપોથી વિસ્ફુરિત થાય છે. એ કોઈ દાર્શનિક વિભાવનાને સાથે લઈને પ્રગટતા નથી, આપણા રોજ-બ-રોજના જીવનની કોઈ સમસ્યાઓ ઉકેલી આપવાનો દાવો કરતા નથી કે નથી હોતો એમને કોઈ નીતિબોધ આપવાનો. એમની પાસે કેવળ એક જ સંદેશ હોય છે, અને તે એ કે અમે છીએ; નિસંદેહ, અબાધિતરૂપે અમે છીએ. એમના હોવાની હકીકતમાત્ર આપણી ભીતર પણ એવી અભિજ્ઞતા જગાડે છે કે આપણું પણ અસ્તિત્વ છે.

ચિત્ર એટલે શું ? ચિત્ર પણ આપણા નક્કર હોવાપણાના અબાધિત અને આકલનક્ષમ સત્યના ભાવની શાખ પૂરે છે. જેટલી દઢ એની રજૂઆત એટલી એનાં પ્રયોજન અને સાર્થકતાની અપૂર્વતા. એ સિવાયનું સઘળું અપ્રસ્તુત. એ કશોક સંદેશ લઈને આવતું હોય – બોધવાચક કે નીતિવાચક – તો એ એનું વધારાનું અંગ, એનું વિશેષ કર્મ. મેં હજુ ચિત્રો દોરવાનો પ્રારંભ પણ નહોતો કર્યો ત્યારે આ ભૂલોકમાંથી સૂરો આવી આવીને મારા કાનમાં પ્રવેશ કરતા અને એવી લાગણીઓ, એવા ભાવ જગાડી મૂકતા કે એમના શ્રવણના પ્રભાવથી મારું ચિત્ત ઝંકૃત થઈ ઊઠતું. પણ જ્યારે મેં ચિત્રો કરવાનું શરૂ કર્યું કે તરત દશ્યમાન જગતની વણજારમાં મને પણ મારું સ્થાન પ્રાપ્ત થઈ ગયું. વૃક્ષો અને લતાઓ, મનુષ્યો અને પ્રાણીઓ, પ્રત્યેક વસ્તુ એનાં વિશિષ્ટ રૂપો દ્વારા તાદશ વાસ્તવને પામતી ગઈ. એ વખતે રેખાઓ અને રંગનો, પ્રકૃતિના મૂર્ત પદાર્થોના હાર્દનો મારી સમક્ષ આવિષ્કાર થતો રહ્યો. એક વાર કળાકારને પોતાને પોતાની શુદ્ધ અને સરલ દ્રષ્ટા તરીકેની ભૂમિકા સમજાઈ જાય પછી અને વસ્તુઓના હોવાના હેતુઓ વિશે વધુ ખુલાસાની જરૂર ન રહે. કેવળ સાચો કળાકાર આ દશ્યમાન જગતનાં રહસ્યનું આકલન કરી શકે અને એને પ્રગટ કરીને આનંદવિભોર થઈ શકે. બીજા જે બધા ચિત્રોમાં નાહકના અર્થ શોધવા ફાંફાં મારે છે એ સઘળા વ્યર્થતાની ભુલભુલામણીમાં અટવાઈ જવાના.

મોટા ભાગના લોકોને પોતાની આંખનો ઉપયોગ કેમ કરવો એ આવડતું નથી અથવા તો એવો કોઈ ઉપયોગ એ કરવા નથી માગતા. એ બધા પોતાના ક્ષુદ્ર વ્યવહારમાં ખૂંપેલા હોઈને અવલોકનહીન અને ઉદાસીન રહી જતા હોય છે. કળાકારને તો સાદ પાડવામાં આવ્યો હોય છે. એણે દષ્ટિવિહીનોની બહુજન સંખ્યાને, આ દશ્યમાન મૂર્ત જગતના પોતે કરેલા અવ્યવહિત દર્શનના સહભાગી બનાવવાના એને ફાળે આવેલા કર્તવ્યનો પડકાર ઝીલી લઈ પ્રતિસાદ પાડવાનો છે. એ ગીત ગાતો નથી કે નથી બોધ આપતો. એ પોતાની કૃતિને જ બોલવા દે છે. એનો સંદેશ હોય છે : જુઓ, હું તો આવો છું. અયમહમ ભોઃ॥

(જામિની રાયને લખેલો એક પત્ર-1941. ક્ષિતીશ રોયના અંગ્રેજી અનુવાદ પરથી.)
(ગદ્યપર્વ, વર્ષ:2, અંક 6, સળંગ અંક 12, માર્ચ 1990.)

[કુલ પાન : 312 (મોટી સાઈઝ). કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 199/1 ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ફોન : +91 22 22002691. ]

[poll id=”62″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “એક પત્ર – રવીન્દ્રનાથ ઠાકુર”

Copy Protected by Chetan's WP-Copyprotect.