- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઊભી ચોટલીવાળો – રમણલાલ સોની

[ બાળકોને મજા પડે તેવી સુંદર બાળવાર્તાઓના પાંચ પુસ્તકના સેટનું નામ છે ‘સુમંગલ બાલવાર્તાવલિ’ જેમાંથી અત્રે ‘ઊભી ચોટલીવાળો’ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ સેટ ભેટ મોકલવા બદલ ડૉ. શ્રીરામભાઈ રમણલાલ સોનીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26460225 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિસ્થાનની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

[dc]ના[/dc]રદ જેનું નામ, એ કેમ ચૂપ બેસી રહી શકે ? ધરતી પર લોકો શું કરે છે, એ જોવાનું એમને મન થયું. કહે : ‘જોઉં તો ખરો, આ લોકોમાં કંઈ દયામાયા છે કે નહિ !’ એમણે ભિખારીનો વેશ લીધો. નહિ લૂગડાંનું ઠેકાણું, નહિ પહેરવેશનું ઠેકાણું ! પગ ઉઘાડા, અડધું શરીર ઉઘાડું, વાળ જથરપથર, હાથમાં શકોરું – આવા વેશે નારદજી સ્વર્ગમાંથી ધરતી પર ઊતર્યા, ને ‘કોઈ આશરો આલો, બા !’, ‘કોઈ ગરીબની દયા આણો, મારા શેઠિયા !’ કરતા ફરવા લાગ્યા.

રસ્તાઓ પર લોકોની ભારે અવરજવર હતી. એકબીજાને પકડવા દોડતા હોય એમ સૌ હડી કાઢીને જતા હતા. કોઈને આ ભિખારીની વાત સાંભળવાની ફુરસદ નહોતી. ભૂલેચૂકે ય જો કોઈ સજ્જન કે સન્નારીની એના પર નજર પડી જાય તો એકદમ એ સજ્જન અને સન્નારી મોં ફેરવી લે, ને બબડે : ‘મૂઓ એ !’ નારદજી આ બધું જોતા હતા, ને મનમાં સરવાળો કરતા જતા હતા : પચીસ થયા, પચાસ થયા, સો થયા, બસો થયા…. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર થયા, પાંચ થયા, છ થયા, સાત થયા…. કંઈ કેટલા યે દિવસ થયા. એક ગામ જોયું, બે ગામ જોયાં, ત્રણ જોયાં, ચાર જોયાં, પાંચ જોયાં…. કેટલાંયે ગામ જોઈ નાખ્યાં. સજ્જનો ને સન્નારીઓની સંખ્યાનો આંકડો હજારોનો થયો, લાખોનો થયો પણ હજી નારદનું મન ધરાયું નહોતું. હજી એ ભિખારીના વેશમાં ભટકતા હતા, ભીખ તથા આશરો માગતા હતા.

મધરાત થવા આવી હતી. પવન જોરથી ફૂંકાતો હતો, વરસાદનું તોફાન પણ શરૂ થઈ ગયું હતું. આકાશમાં વીજળીના કડાકા ને ભડાકા બોલતા હતા, તેવે વખતે ગામમાં નારદજી ભિખારીના વેશમાં ફરતા હતા ને કરુણ સ્વરે પોકારતા હતા : ‘કોઈ આશરો આલો, બા ! કોઈ દુખિયાની સામું જુઓ, મારા બાપલા !’ મોટા રસ્તા પરથી તે ગલીમાં પેઠા. ભિખારીના વેશમાં તે એકએક ગલી વટાવતા ગયા ને સાદ પાડતા ગયા. ગામને છેવાડે એક ઝૂંપડી હતી. તેમાં એક દરજણ રહેતી હતી. બિચારી ખૂબ ગરીબ હતી. જેમ તેમ કરી કપડાં સીવી તથા શ્રીમંત પડોશીને ત્યાં વૈતરું કરી પોતાનું ને છોકરાનું પૂરું કરતી હતી. એના એ છોકરાને આઠ દિવસથી તાવ આવતો હતો, તેથી તે અત્યારે તેની પથારી આગળ જાગતી બેઠી હતી. એવામાં તેના કાને અવાજ આવ્યો :
‘કોઈ નિરાધારને આશરો આલો, બા !’
અવાજ સાંભળીને તે એકદમ ચોંકી પડી : ‘અરે ! આવી ભયાનક રાતે આશરા વગરનું આ કોણ ભટકતું હશે ? ભગવાન એનું ભલું કરે !’ એ ધીરેથી ઊભી થઈને બારણા પાસે ગઈ. એણે તરત બારણું ખોલી નાખ્યું. તે જ વખતે વીજળીનો ઝબકારો થયો અને એ ઝબકારામાં એણે જોયું તો ચીંથરેહાલ લૂગડાંમાં એક કંગાળ આદમી વરસાદમાં ભીંજાતો ને ઠૂંઠવાતો એના ઘર પાસે ઊભો હતો.

એકદમ બાઈથી બોલાઈ ગયું :
‘અરે, અરે, ભાઈ ! તમે આમ કેમ ઊભા છો ? અંદર આવો !’
ભિખારીએ ધ્રૂજતા અવાજે કહ્યું : ‘હું ઘરબાર વગરનો છું, મા ! મારું સગું સાગવી કોઈ નથી. હું ભિખારી છું !’
બાઈએ કહ્યું : ‘ભગવાનની આગળ આપણે બધાંયે ભિખારી છીએ, ભાઈ ! તું ઘરમાં આવ ! પછી નિરાંતે વાતો થશે.’ આ સાંભળી એકદમ ભિખારીની આંખો આનંદથી ચમકી. ભિખારીને ઘરમાં દાખલ કરી બાઈએ બારણાં બંધ કરી દીધાં. પછી તે બોલી : ‘અજાણ્યા દુઃખી ભાઈ, દુનિયામાં તમે એકલા દુઃખી નથી, હોં ! આ જુઓ, મારો દીકરો આઠ દિવસથી તાવમાં તરફડે છે. હું રાત-દિવસના ઉજાગરા કરી, હાડ તોડી એની સેવાચાકરી કરું છું. વળી, દવાદારૂનું ખરચ કાઢવા ને પાપી પેટ ભરવા મહેનત મજૂરી કરું છું, ને મધરાત લગી કપડાં સીવું છું.’ ભિખારી કંઈ બોલ્યો નહિ, માત્ર પથારીમાં પડેલા બાળકની સામે એકીટશે જોઈ રહ્યો. પછી બાઈએ એને એક ચાદર આપી કહ્યું : ‘ભાઈ, મારી પાસે બીજું કશું નથી; માત્ર આ એક ચાદર છે. તે પહેરીને તમારાં ભીનાં કપડાં ઉતારી નાખો !’
ભિખારીએ તેમ કર્યું. પછી બાઈએ એને સાદડી પર બેસાડી પીવાને પાણી આપ્યું. ભિખારીને ગટ ગટ પાણી ગટગટાવતો જોઈ બાઈએ કહ્યું : ‘અરે, તમે ભૂખ્યા લાગો છો !’ ઘડીકમાં તેણે વિચાર કરી લીધો : ‘રોજ સવારે રોટલો ખાઈને કામ પર જાઉં છું. એક દિવસ ખાધા વગર જઈશ તો હું કાંઈ મરી જવાની નથી ! માર કરતાં આને અત્યારે રોટલાની વધારે જરૂર છે.’
‘જરા રહો !’ કહી તે દોડી, ને સવાર માટે રાખી મૂકેલો રોટલો ને ગોળ લઈ આવી. ભિખારીના હાથપગ ધોવડાવી તેણે તેને જમવા બેસાડ્યો. ભિખારીએ શાંતિથી ખાધું ને પાણી પીધું. પછી ભિખારીએ કહ્યું :
‘મા, આવા વા-વંટોળમાં ને વરસાદમાં હું ક્યાં જાઉં ? આજની રાત મને અહીં પડી રહેવા દેશો ?’
બાઈએ કહ્યું : ‘અરે, અરે, એ શું બોલ્યા ! રહો, હમણાં હું પથારી કરી દઉં છું.’ પણ ઘરમાં માત્ર એક જ પથારી હતી. તે મનમાં બોલી, ‘હું તો આમે ય છોકરાની ચાકરીમાં જાગતી જ પડી રહું છું ને ! તો આજની રાત બેઠાં બેઠાં જ પૂરી કરીશ. મારા કરતાં આને અત્યારે પથારીની વધારે જરૂર છે.’ આમ કહી તેણે પોતાની જ પથારી ઉપાડી ને ઘરમાં એક ખૂણે ભિખારીને પથારી કરી આપી.

ભિખારી પથારીમાં પડ્યો, એટલે વળી બાઈએ વિચાર કર્યો કે આની પાસે પહેરવા કશું લૂગડું નથી, તો હું એને એક અંગરખું સીવી આપું તો કેવું ! સામે આખી રાત જાગતી બેસી રહેવાની છું, તો બેઠાં બેઠાં કંઈ કામ કરું ! મારો વખત જશે, ને એનું અંગરખું થશે ! ઘરમાં થોડું કોરું કપડું પડ્યું હતું તે લાવી એણે તેમાંથી થોડો ટૂકડો કાપી ભિખારી માટે અંગરખું સીવવા માંડ્યું. કોડિયાના ઝાંખા દીવાના અજવાળે બાઈ અંગરખું સીવતી હતી. એવામાં તેનો બીમાર દીકરો પથારીમાં સળવળ્યો. એ જોઈ બાઈ એના મોં પર ઝૂકીને બોલી :
‘બેટા !’
‘મા !’ છોકરાના કંઠમાંથી અવાજ આવ્યો.
માનું હૈયું આનંદથી છલકાઈ ગયું. તાવમાં બેભાન પડેલો છોકરો આજ બે દિવસે ભાનમાં આવ્યો હતો. પછી છોકરાએ ધીરેથી આંખો ઉઘાડી.
માએ કહ્યું : ‘બેટા, હવે કેમ છે ?’
‘સારું છે, મા ! હું નથી મરવાનો !’
‘ઘણું જીવો, મારા લાલ !’ માએ કહ્યું.
‘મા, મને કંઈ દેખાય છે.’ આંખો ફરી બંધ કરીને છોકરાએ કહ્યું.
‘શું દેખાય છે, દીકરા ?’
‘આકાશમાંથી કોઈ ઊતરે છે, ધીરે ધીરે ભજન ગાય છે. માથા પર ઊભી ચોટલી ધજાની પેઠે ફરફરે છે. એ આવ્યો, આ બેઠો ! એ મારી સામે જુએ છે, મા !’ આ સાંભળી મા ગભરાઈ ગઈ. જમરાજાના દૂતો મરનારની પથારી પર આવીને બેસે છે એવું એણે સાંભળ્યું હતું. તે બોલી ઊઠી : ‘ભગવાન તારી રક્ષા કરો, બેટા !’
‘એ પણ એવું જ કહે છે, મા !’
પણ આ વખતે મા કંઈ બોલી નહિ. તે મૂંગી મૂંગી છોકરાના માથા પર હાથ ફેરવવા લાગી. તેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. પછી છોકરો કંઈ બોલ્યો નહિ. કેટલીયે વાર સુધી એની મા એની સામે જોઈ રહી; પછી ઊંચે જોઈ બે હાથ જોડી તે ભગવાનને પ્રાર્થના કરતાં બોલી : ‘પ્રભુ, હું મૂર્ખ છું. પામર છું. મંદિરમાં નથી જતી, તારી સેવા પૂજા નથી કરતી, પણ તું તો દયાળુ છો. મારા પર દયા કર.’ થોડી પળ આમ ગઈ. એકાએક તે ચમકીને બોલી : ‘અરે, આ અંગરખું તો રહી ગયું ! સવાર પહેલાં તો મારે એ પૂરું કરવાનું છે.’ ઝટ દઈને એ સીવવા બેસી ગઈ. મનમાં મનમાં ભગવાનનું નામ લેતી જાય ને ટાંકા દેતી જાય.

એકાએક સૂતેલો ભિખારી ખડખડ કરતો હસી પડ્યો. એ જોઈ બાઈને ખૂબ નવાઈ લાગી. તેણે તેની સામે જોઈ કહ્યું : ‘કેમ, ભાઈ, હસવું આવે છે ?’
ભિખારીએ કહ્યું : ‘હસવું આવે એવી વાત છે એટલે હસવું જ આવે ને ?’
‘એવી તે શી વાત છે ?’
‘બાઈ, તું ખરેખર મૂર્ખ છે !’
એકદમ બાઈને આંચકો લાગ્યો. પોતે જેને આશરો દીધો એ જ માણસ એને મૂર્ખ કહેતો હતો ! છતાં બાઈએ કહ્યું : ‘કેવી રીતે ?’
ભિખારીએ કહ્યું : ‘તારે ખાવાને અન્ન નથી. છતાં તું બીજાને ખાવાનું આપે છે. તારે સૂવાને પથારી નથી, છતાં તું બીજાને પથારી આપે છે. તારે પહેરવાને વસ્ત્ર નથી, છતાં તું બીજાને વસ્ત્ર આપે છે. આ મૂર્ખાઈ નહિ તો બીજું શું ?
બાઈ કહ્યું : ‘વાત તો ખરી, પણ ભાઈ, સાચું કહેજે, મારા કરતાં તારે એની વધારે જરૂર નહોતી ?’
‘હં.’ કહી ભિખારી ચૂપ રહ્યો.
એમ કરતાં સવાર થઈ. બાઈએ અંગરખું પૂરું કરી નાખ્યું.

સવારે ભિખારીએ જવાની રજા માગી, ત્યારે બાઈએ એને પેલું અંગરખું પહેરાવી દીધું. ભિખારી ખુશખુશ થઈ ગયો. તેણે આનંદમાં આવી કહ્યું : ‘મા ! આજે મારી આંખોએ જોવાની વસ્તુ જોઈ ! આજે મારા કાને સાંભળવાની વસ્તુ સાંભળી. આજે મારી જાત્રા સફળ થઈ ! આજે મારી ઢબૂરી ગયેલી ચોટલી ઊભી થઈ !’ આમ કહી એણે પોતાના માથા પર હાથ ફેરવી ચોટલીને ઊભી કરી દીધી – જાણે માથા પર મંદિરનું શિખર ખડું થઈ ગયું ! માથા પર ખડી થઈ ગયેલી ચોટલીને જોઈ દરજણથી હસી પડાયું. તે બોલી, ‘વાહ ભાઈ ! તમે તો હવે હાલતા-ચાલતા મંદિર જેવા લાગો છો !’
‘શું કહ્યું ? હું કેવો લાગું છું ?’ ભિખારીએ હસીને કહ્યું.
બાઈએ કહ્યું : ‘હાલતાચાલતા મંદિર જેવા ! બરાબર મંદિર જેવા !’ બોલતાં બોલતાં એ ખૂબ આનંદમાં આવી ગઈ. ભિખારીએ બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપતાં કહ્યું : ‘મા ! આપણે બધાંયે પ્રભુનાં હાલતાંચાલતાં મંદિર છીએ. મંદિરમાંથી જેમ ઘંટારવ થાય છે તેમ આપણાં હૃદયમાંથી પણ પ્રભુના નામનો ઘંટારવ થતો હોય છે. પ્રભુ તારું કલ્યાણ કરો !’ ભિખારીના મુખમાંથી આવા સુંદર શબ્દો નીકળતા જોઈ બાઈ નવાઈ પામી ગઈ. તે મૂઢ બની ઊભી. અચાનક જ તેનાથી ભિખારીને હાથ જોડાઈ ગયા.
ભિખારીએ કહ્યું : ‘મા, આજે જેવા ભાવથી તેં મારી સેવા કરી છે તેવા જ ભાવથી હું તને કહું છું કે આજે તું જે પહેલું કામ હાથમાં લેશે તે સાંજે પૂરું થશે !’
આમ કહી ભિખારી ચાલ્યો ગયો.

બાઈએ ઘરમાં આમતેમ નજર કરી. એકાએક તેને વિચાર આવ્યો :
‘લાવ જોઉં તો ખરી, ભિખારીને અંગરખું સીવી આપ્યા પછી કેટલું લૂગડું વધ્યું છે !’ લૂગડાનો વધેલો કકડો લઈને માપવા બેઠી – એક હાથ, બે હાથ, ત્રણ હાથ, ચાર હાથ….. તેની ધારણા મુજબ કપડું બહુ તો ચારેક હાથ રહેવું જોઈએ – પણ કપડું હજી વધારે હતું. તેણે આગળ ભર્યું.. પાંચ હાથ, છ હાથ – આ શું ? હજી કપડું પૂરું મપાઈ નથી રહ્યું ! તેને થયું, ચાર હાથ નહિ, આઠ હાથ થશે. તેણે આગળ ભર્યું- સાત હાથ, આઠ હાથ…. અરે, હજી કપડું પૂરું ભરાયું નથી ! નવ હાથ- દશ હાથ…. હજી કપડું તો બાકી છે ! બાર હાથ, ચૌદ હાથ, વીસ હાથ….
આ શું ?
આટલું બધું કપડું નહોતું જ એ વાત નક્કી છે. તો આ આવ્યું ક્યાંથી ? મનમાં આવા વિચારો ચાલતા હતા. અને હાથ કપડું ભરવાનું કામ કરતા હતા. વીસ હાથ, ત્રીસ હાથ, ચાલીસ હાથ, પચાસ હાથ…. કપડું તો ખૂટતું જ નથી ને બાઈના હાથમાંથી એ છૂટતું નથી. એ તો ભરાયે જ જાય છે. જોતજોતામાં આખો ઓરડો કપડાથી ભરાઈ ગયો. તોય કપડું પૂરું થતું નથી. બાઈને હવે પેલા ઊભી ચોટલીવાળા ભિખારીના શબ્દો યાદ આવ્યા : ‘તું જે પહેલું કામ હાથમાં લેશે તે સાંજે પૂરું થશે !’ બાઈને ન લાગી ભૂખ, ન લાગી તરસ ! તેણે સવારથી બપોર ને બપોરથી સાંજ સુધી લૂગડું ભર ભર કર્યું. કંઈ હજારો હાથ લૂગડું ભરાઈ ગયું, ત્યારે મોડી સાંજે તેના હાથમાંથી લૂગડું છૂટ્યું ! તે બોલી :
‘ભગવાન ! આટલું બધું લૂગડું ! ખરેખર, એ ઊભી ચોટલીવાળા ભિખારીના આશીર્વાદથી હવે હું પૈસાદાર બની ગઈ !’ એટલામાં એનો છોકરો પથારીમાંથી બેઠો થઈને બોલ્યો :
‘મા, પેલા ઊભી ચોટલીવાળાના આશીર્વાદથી હું સાજો થઈ ગયો ! એ બહુ ફક્કડ ભજન ગાતો હતો, મા !’
‘ઘણું જીવો, મારા લાલ !’ કહી બાઈ દોડીને દીકરાને વળગી પડી. એની આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં.

પડોશમાં એક શ્રીમંતનું ઘર હતું. વાડી હતી, વજીફો હતો, નોકર હતા, ચાકર હતા. સઘળી વાતે લીલાલહેર હતી. પણ ઘરધણિયાણી બાઈનું મન બહુ કૃપણ હતું- કંજૂસ હતું, ઈર્ષ્યાળુ હતું. એને ત્યાં પેલી ગરીબ દરજણ બાઈ રોજ કામ કરવા જતી. બીજે દિવસે બાઈ ત્યાં કામ કરવા ગઈ ત્યારે શેઠાણીએ ગુસ્સામાં કહ્યું :
‘કાલે ક્યાં મરી ગઈ’તી ?’
બાઈએ કહ્યું : ‘મરી નહોતી ગઈ, જીવતી હતી. પણ જરા કામમાં હતી !’
‘એવું તે શું કામ હતું તારે ? ઘરમાં નથી ખાવાનું, નથી પીવાનું, નથી ખાટલો, નથી પાટલો; પછી ત્યાં કામ ક્યાંથી આવ્યું ?’
બાઈએ કહ્યું : ‘જરા લૂગડું ભરવા બેઠી હતી, પણ ભરતાં ભરતાં આખો દિવસ થઈ ગયો. મને થાય કે હમણાં ભરાઈ રહેશે, પણ એ તો જેમ ભરું તેમ વધતું જાય – બાઈ સાહેબ, મારે તો દ્રૌપદીના ચીર જેવો ખેલ થયો’તો કાલે !’
‘એમ કહે ને કે તારે કામ પર નહોતું આવવું ! ખાલી આવાં બહાનાં શીદ બતાવે છે ?’ શેઠાણીએ કહ્યું.
‘ના, બાઈસાહેબ, બહાનું નથી બતાવતી. સાચું કહું છું. માન્યામાં ન આવતું હોય તો આવીને જુઓ, મારા આખા ઘરમાં લૂગડું જ લૂગડું થઈ ગયું છે !’
‘હેં ! શું કહે છે ? એટલું બધું લૂગડું ?’ હીંચકા પરથી ઊતરી શેઠાણીએ દોટ મૂકી દરજણના ઘર ભણી. જઈને જુએ તો વાત ખરી હતી. જોઈને એની આંખો ફાટી ગઈ. એણે કહ્યું : ‘હેં અલી ! આ કેવી રીતે બન્યું ? કોણે આપ્યું તને આ બધું ? મને બધી વાત કહે !’ પછી દરજણ બાઈએ બનેલી બધી વાત કરી. તે સાંભળી શેઠાણીને થયું : હું પણ આવું વરદાન મેળવું ! આખો દિવસ તેને ચેન પડ્યું નહિ. ન ખાવું ભાવ્યું, ન પીવું ભાવ્યું, મન બળ્યા જ કર્યું : હાય હાય ! આ મૂઈના ઘરમાં આટલું બધું ધન થઈ ગયું, ને મને કાંઈ નહિ ! ભિખારી પીટ્યો ત્યાં મૂઓ તેવો અહીં મૂઓ હોત તો તેને શા ઘા પડી જવાના હતા ?

એમ કરતાં રાત પડી.
નારદજી ભિખારી વેશે ફરતાં ફરતાં ફરી પાછા આ તરફ આવ્યા. ધોધમાર વરસાદ વરસતો હતો. શેઠાણી ઘરમાં સગડીનો શેક લેતી બેઠી હતી. એવામાં તેના કાને અવાજ આવ્યો : ‘કોઈ નિરાધારને આશરો આલો, બા !’ બરાબર એ જ શબ્દો ! શેઠાણીના મનમાં આશા જાગી. ધડ દઈને તેણે બારણું ઉઘાડી દીધું. એટલામાં વીજળીનો ઝબકારો થયો અને ઝબકારામાં શેઠાણીએ જોયું તો બરાબર દરજણ બાઈએ વર્ણવેલો તેવો જ ચીંથરેહાલ કંગાળ આદમી વરસાદમાં ભીંજાતો ને ઠૂંઠવાતો તેના ઘર સામે ઊભો હતો.
શેઠાણીએ કહ્યું : ‘આવો, અંદર આવો !’
ભિખારી અંદર આવ્યો એટલે શેઠાણીએ મનમાં વિચારો કરી જોયા કે હવે શું કરવું ? દરજણે કહેલું કે મેં એને ખવડાવ્યું પિવડાવ્યું ને એક લૂગડું સીવી આપ્યું હતું. શેઠાણી મનમાં બોલી : તો હું પણ એવું કરીશ !

ભિખારી હજી ભીને કપડે ઊભો હતો, પણ શેઠાણીને એ દેખાયું નહિ. ભિખારીને ઊભો રાખી એ ખાવાનું લેવા દોડી. ખાવાનું કાઢતાં એને વિચાર આવ્યો : શું ખાવાનું આપું ? લાડુ આપું ? ફરસાણ આપું ? ના, ના, ભિખારીને એ નહિ ભાવે. દરજણે રોટલો ખવડાવેલો, તો હું પણ એને રોટલો જ ખવડાવું. પાછલી રાતનો વાસી રોટલો હતો તે પતરાળામાં લઈને એ રસોડામાંથી બહાર આવી. સાથે માટીની કુલડીમાં પાણી લાવી. ન એણે ભિખારીના હાથ ધોવડાવ્યા, ન પગ ધોવડાવ્યા. ભીને લૂગડે જ એણે એને ખાવા બેસાડ્યો. જેમ તેમ કરી ભિખારીએ લૂખો રોટલો ગળે ઉતાર્યો ને પાણી પીધું. પછી શેઠાણીએ વિચાર કર્યો કે અહીં સુધી તો બરાબર ઊતર્યું છે – હવે એને અહીં એક રાત આરામ કરાવી છૂટું ! ભિખારી માટે પથારી શોધવા જતાં તેને થયું : શું આપું ? સવા મણ રૂનું ગાદલું આપું ? મશરૂની તળાઈ આપું ? ના, ના, ભિખારીને એ નહિ ફાવે. એને તો સાથરા પર જ ઊંઘ આવશે. છેવટે કાતરિયામાંથી ગંદી ફાટેલી ગોદડી કાઢી તેણે ભિખારી માટે પથારી કરી. ભિખારી ભીને લૂગડે જ સૂઈ ગયો.

સવાર થતાં ભિખારીએ જવાની રજા માગી. શેઠાણીએ વિચાર કર્યો કે દરજણે ભિખારીને ઝભ્ભો આપ્યો હતો, તો હું પણ આપું ! પણ નવો ઝભ્ભો એને કામનો નહિ. એને તો મેલાં ફાટેલાં લૂગડાં જ જોઈએ. શેઠનો એક ફાટેલો ડગલો ખૂણામાં પડ્યો હતો, તે લાવીને એણે ભિખારીને આપ્યો ને કહ્યું : ‘લો, હું રાજીખુશીથી આ ભેટ આપું છું. ખુશ થાઓ !’
ભિખારીએ ભેટ લઈ કહ્યું : ‘વાહ, ખૂબ સરસ ! જેવા ભાવથી તમે મારી સેવા કરી છે તેવા જ ભાવથી હું કહું છું કે જે પહેલું કામ તું આજે હાથમાં લેશે તે સાંજે પૂરું થશે !’ આમ કહી ભિખારી ચાલ્યો ગયો. શેઠાણી ખુશ થઈ ગઈ કે વાહવાહ ! મને પણ વરદાન મળી ગયું ! હું ફાવી ગઈ ! એક વાસી રોટલો ને એક ફાટેલા ડગલા સાટે મેં કેટલું બધું મેળવી લીધું !

એટલામાં એની નજર એક દાસી આંગણમાં કચરો કાઢતી હતી તે તરફ પડી. નોકરચાકરના કામમાં વાતવાતમાં ભૂલ કાઢવાની એને ટેવ પડી હતી, તેથી તે એકદમ બોલી ઊઠી : ‘અરે અભાગણી, તું તે કચરો કાઢે છે કે રમત કરે છે ! અહીં આ કચરો રહી ગયો તે તને દેખાતું નથી ? આંખો ફૂટી ગઈ છે શું ?’ આમ કહી એણે દોડીને નોકરડીના હાથમાંથી ઝાડુ પડાવી લઈ કહ્યું : ‘દેખ, આમ કચરો કઢાય !’
અને શેઠાણીએ કચરો કાઢવા માંડ્યો.
સવારના પહોરમાં આ એનું પહેલું કામ થયું. હાથમાં ઝાડુ પકડી એણે જોરથી કચરો કાઢવા માંડ્યો ને બોલવા માંડ્યું : ‘દેખ, આમ કચરો કઢાય !’
થોડી વાર પછી નોકરડીએ કહ્યું : ‘દેખ્યું બાઈસાહેબ, હવે હું એમ કચરો કાઢીશ. લાવો ઝાડુ મારા હાથમાં !’ પણ શેઠાણી ઝાડુ આપે તો ને ? એ તો કચરો કાઢ્યા જ કરે, ને કહે : ‘દેખ, આમ કચરો કઢાય !’
નોકરડી કહે : ‘બાઈસાહેબ, મેં દેખ્યું, હવે મને ઝાડુ આપો !’
પણ શેઠાણીના હાથમાંથી ઝાડુ છૂટે તો ને ? એ તો એકની એક જગાએ ફરી ફરી ઝાડુ ફેરવ્યા કરે ને કહે : ‘દેખ, આમ કચરો કઢાય !’ આમ કેટલોયે વખત વીતી ગયો. કલાક, બે કલાક, ચાર કલાક થયા, પણ શેઠાણી ઝાડુ છોડે નહિ ને કચરો કાઢતી અટકે નહિ ! ઘરનાં નોકરચાકર બધાં ગભરાઈ ગયાં. તેમણે શેઠને વાત કરી.
શેઠ કહે : ‘શેઠાણી, ઝાડુ પડ્યું મેલ, નિકર હું તને પડી મેલું છું !’
શેઠાણી જોરથી ઝાડુ ફેરવીને શેઠને કહે : ‘દેખ, આમ કચરો કઢાય !’
શેઠ કહે : ‘બળ્યાં મોંની, મને કચરો કાઢવાનું કહે છે ?’
જવાબમાં શેઠાણી ઝાડુ ફેરવીને કહે : ‘દેખ, આમ કચરો કઢાય !’

એટલામાં શેઠનો છોકરો આવ્યો, છોકરી આવી, છોકરાની વહુ આવી. બધાં કહે : ‘બા, ઝાડુ મેલી દો. એ આપણું કામ નહિ !’
શેઠાણી જોરથી ઝાડુ ફેરવીને કહે : ‘દેખ, આમ કચરો કઢાય !’
દીકરાદીકરીએ કહ્યું : ‘બાને સનેપાત થયો છે. હકીમને બોલાવો !’
હકીમે કહ્યું : ‘મગજ પર ગરમી ચડી ગઈ છે. માથા પર ઠંડું પાણી રેડો !’ ઘડેઘડા પાણી શેઠાણીની ઉપર રેડવામાં આવ્યું, પણ તેની કશી જ અસર થઈ નહિ. એ તો ઝાડુ ફેરવતી જ રહી, ને બોલતી રહી : ‘દેખ, આમ કચરો કઢાય !’
દીકરાની વહુએ કહ્યું : ‘હકીમનું અહીં કામ નથી; મારાં સાસુજીને તો ભૂત વળગ્યું છે !’
‘હેં ! ભૂત ?’ દીકરાએ પૂછ્યું.
‘હા, રોજ મને અમથાં અમથાં વઢે છે, ત્યારથી હું તો સમજી ગઈ છું કે સાસુજીને ભૂત વળગ્યું છે. કોઈ ભૂવાને બોલાવો, ઈલમીને બોલાવો !’ આખા ગામના ભૂવા આવ્યા ને ઈલમી આવ્યા. મંતરતંતર ને હાકોટા છાકોટા કરી એમણે આખું ગામ ત્યાં ભેગું કર્યું. શેઠાણીની ઉપર અડદના દાણા નાખી તેમણે કહ્યું : ‘અરે દુષ્ટ ડાકણી, શાકણી, પાપણી ! કહું છું, ભાગ અહીંથી નિકર તારો ચોટલો ઝાલી તને પછાડું છું !’ આમ કહી ભૂવો શેઠાણીનો ચોટલો ઝાલવા એની નજીક ગયો, તો જોરથી ફટાક કરતું ઝાડુ એના માથા પર થઈને ફરી ગયું :
‘દેખ, આમ કચરો કઢાય !’
ભૂવો કહે : ‘બાપ રે, આ તો રાખસણી છે !’

એમ કરતાં સવારની બપોર થઈ અને બપોરની સાંજ થઈ. સૂરજદાદા ઊગ્યા, તપ્યા ને આથમ્યા. તુલસી-ક્યારે દીવા થયા ને મંદિરમાં ઘંટ વાગ્યા. ત્યારે શેઠાણીના હાથમાંથી ઝાડુ છૂટ્યું !
‘ઓ મા !’ કરી તે ઢગલો થઈને જમીન પર પડી. પડી એવી તે થાકથી બેભાન થઈ ગઈ.
દીકરાની વહુએ કહ્યું : ‘હવે ભૂત ગયું ! બરાબર પછાડીને ગયું છે એટલે ફરી નહિ આવે !’
સૌ શેઠાણીને ઊંચકીને ઘરમાં લઈ ગયાં. શેઠાણી ભાનમાં આવી ત્યારે એનો આખો સ્વભાવ બદલાઈ ગયો હતો.

[કુલ પાન : 56. કિંમત રૂ. 50. (પાંચ ભાગની કિંમત રૂ. 150.) પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

[poll id=”61″]