મુખોમુખ – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’

[ દાહોદ નિવાસી ડૉ. સતીનભાઈના ગઝલસંગ્રહ ‘મુખોમુખ’માંથી કેટલીક રચનાઓ અત્રે સાભાર પ્રકાશિત કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિ માટે આપ તેમનો આ નંબર પર +91 2673 221339 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.]

[1]
અષાઢી અંધારાં ખેડી,
તડકો ભીની આંખે વાવો.

સમળી પાંખે તરતો ભાળું,
તડકાનો ભમ્મર ચકરાવો.

પ્હાડોનો અંતિમ નિર્ણય છે,
તડકાને ખીણમાં ગબડાવો.

વૃક્ષે લીલી છાયા ગળતી !
તડકાને ક્યાં પોરો ખાવો !

ઝળહળતું કૈં ડાળે ડાળે,
તડકો થોડો ચૂંટી લાવો !

વણતાં વણતાં થાકી જાશું,
તડકાનો અનવણ ઘેરાવો.

બાળક સમ ઊંબર અડવડતો,
તડકો ઘરમાં ઊંચકી લાવો.

તડકો આંગણ મલકે છલકે,
તડકાનાં તોરણ બંધાવો.

.

[2]
હાથ લંબાતો રહે આકાશમાં,
સૂર્ય તો ટપકી પડે છે ઘાસમાં !

એક શંકા સળવળે વિશ્વાસમાં,
કોણ વાંચે છે મને ઈતિહાસમાં !

શબ્દની ચાદર બિછાવું છું હવે,
ઊંઘ આવે છે ગઝલને પ્રાસમાં !

દૂરથી ભીંજે મને ભરપૂર તું,
સાવ સૂક્કી ઊતરે છે શ્વાસમાં !

સાવમૂંગું ફરફરે અંધારમાં,
સ્વપ્નની પાંખો ખરે અજવાસમાં !

આયનાનો અર્થ સમજાતો નથી,
કેટલા ચ્હેરા તૂટે આયાસમાં !

નાવ દરિયા રેતનું સગપણ સમજ,
કૈં કિનારા હોય શ્વાસેશ્વાસમાં !
.

[3]
ખુદ નોળિયા જ સાપને મૂકી ગયા હશે
વગડા ય ઘેનમાં પછી ડૂબી ગયા હશે.

મારે નગર સવારનો રથ ઊપડે નહીં,
સાતે કિરણ ઊલૂક થઈ ઊડી ગયાં હશે.

પાણી નહોતું એટલે તરતા ન આવડ્યું,
એથી જ એ વિચારમાં ડૂબી ગયા હશે.

કૈં ના મળ્યું તો વાવનું તળિયું ઉલેચવા,
તારા પ્રસંગ ત્યાં તરત પૂગી ગયા હશે !

ખોટો ખરો હિસાબ પણ માંડી શકાય ના,
ઘૂંટી ક્ષણો ઉપર ક્ષણો ભૂંસી ગયા હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “મુખોમુખ – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’”

Copy Protected by Chetan's WP-Copyprotect.