તને ગમે તે મને ગમે – નવીન જોશી

[ ગીત, ગઝલ અને બાળગીતોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘તને ગમે તે મને ગમે’ માંથી કેટલીક રચનાઓ અત્રે સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી નવીનભાઈનો (ધારી, જિ. અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427230254 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતે આપવામાં આવી છે.]

[1] દંપતી

તું ઘરવાળી હું ઘરવાળો
30 વરસનો કર સરવાળો

બાળકો તો મોટા થઈ ગયા
ધ્યાન રાખતો કૃષ્ણકાળો

તારા હાથમાં હાથ મૂકી
હાલી નીકળ્યો હું પગપાળો

ક્યાં મળ્યા’તા યાદ કરી જો
ઓટો હતો એ પીપરવાળો

માંડ કરીને શાંત થયો
ત્યાં કોઈ કરે ના કાંકરીચાળો

રાત થોડી ને વેશ ઝાઝાં છે
મારી જાતે હું તરગાળો

સાત જનમના પુણ્ય ભર્યા છે
મેળાપ કરશે ઉપરવાળો
.

[2] ગમતું એક ગીત

મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં
બારીમાંથી સૂર્યકિરણ જેમ પ્રવેશે ઘરમાં.

રણઝણતું એકાંત લઈને વાટલડી હું જોતી
યાદ કોઈની એમ સમાણી જેમ છીપમાં મોતી
મારો ચહેરો મને ગમે ના સામે દર્પણ ધરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં

ઝૂરવું એટલે ચડી બેસવું ઉજાગરાના ઢગલે
ખાલીપો તો સૂના ઢોલિયે આવે બિલ્લી પગલે
આકળવિકળ આંખને મારી ખોડી છે ઉંબરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં

રહી સહી જે આશ હતી તે તોડી દીધી કાગે
આ આંખ જાણે સરવરમાં હોડી તરતી લાગે
તો ય જીવું છું કારણ ભરચક શ્રદ્ધા છે ઈશ્વરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં
.
[3] ભાઈ બહેનની જોડી (બાળગીત)

બેની મારી નાનકડી છે રમકડાંથી રમે
નાની થાળીમાં ઘી-ખાંડ-ભાત જમે

નિશાળે હું જાવ તો હાથને હલાવી
‘ટાટા ટાટા’ કરે પાછી મોં ને મલકાવી

ટાટા કરી પોતે પાછળ પાછળ આવે
મમ્મી મારી માંડ માંડ એને સમજાવે

ભાઈ હમણાં આવે ત્યારે ચોકલેટ લાવે
ભાઈને પણ ભાવે ને બેનને પણ ભાવે

આવું ત્યારે ભાઈ ભાઈ કરી વળગી પડે
મમ્મી મને વહાલ કરે તો તેની સાથે લડે

કોઈ મને ખોટું ખોટું હાથ પણ અડાડે
તો તો વાઘણ થઈને કપડાં એના ફાડે

[કુલ પાન : 60. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવદુર્ગા પ્રકાશન, સ્પંદન, યોગીનગર, ધારી-365640. ફોન : +91 2797 222281.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “તને ગમે તે મને ગમે – નવીન જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.