વિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ

[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]ઘ[/dc]રમાં નિરવતા હતી. શાંતી હતી. નિ:સ્તબ્ધતા હતી. અને તે સાંજના ધૂંધળા થતાં જતા પ્રકાશમાં તેના માનીતા હિંચકા પર બેઠો હતો. ધીમે ધીમે આવતો હીંચકાનો કીંચુંડ કીંચુંડ અવાજ અને બાલ્કનીમાંથી દેખાતા આછા અજવાસ સિવાય સઘળું નિષ્ક્રિય લાગતું હતું. તેને થયું કે કદાચ તે પોતે પણ…….પણ ના, તે નિષ્ક્રિય નહોતો. તેનુ મન વિચારોની પકડદાવ રમતું હતું. તેને યાદ આવ્યું કે લગભગ બે કલાકથી તે આમ જ હિંચકા પર બેસી રહ્યો છે. અને હા ! કદાચ કશુંક વિચારી પણ રહયો છે. પણ શું ? ઘરમાં સાવ જ નિર્જનતા હતી. એકલતા હતી છતાં તે ખાલી ન હતો. અચાનક તેના કાનની ચારેબાજુ કિલકિલાટ કરતાં, રમતાં કૂદતાં ઝરણાં જેવું હાસ્ય ફરી વળ્યું.

તેને યાદ આવ્યું આ તો રુચિનું હાસ્ય ! હા ! આ રુચિના હાસ્યનો સથવારો અચાનક જ તેનો સાથી બની ગયો હતો. રુચિ સારી છોકરી હતી. તેને થયું કે હતી ? કેમ શું હવે નથી ? પણ કદાચ તેને માટે જ ફકત હતી. તે ખુબ જ સુંદર ન હતી પણ તેનું હાસ્ય ઘણું જ સુંદર ને મીઠું મઝાનું હતું. એક્દમ મુકત અને નિખાલસ. જ્યારે જ્યારે તે એનું હાસ્ય સાંભળતો…. બસ ખોવાઈ જતો તેમાં. તેને સ્થળ-કાળ અને પોતાની જાતનું વિસ્મરણ થયું અને તે હાસ્યના તરંગોને પકડીને ક્યાંય દૂર ચાલ્યો ગયો એક અનોખી અદભૂત સૃષ્ટિમાં. ત્યાં એ હાસ્યના કણ કણ ચોતરફ ઉડી રહ્યા હોય અને તેની સાથે તે મસ્તી કરતાં થાકતો જ ના હોય.

આજે પણ એમ જ થયું. તેના બધા જ વિચારોની ગંભીરતા, ઘરની એકલતા તોડીને એ હાસ્યના તરંગો હવામાં ફેલાઈ ગયા. તેનાથી રહેવાયું નહી. તેણે હિંચકો હલાવવો બંધ કરી દીધો અને ઉભો થઈ ગયો. પછી જોરથી બે હાથે કાન દાબી દઈને તેણે ત્રાસજનક-ભયજનક ત્રાડ જેવી ચીસ પાડી,
‘નહી…. ! નહી….. !’
થોડીક્ષણ તેનાં પડઘા રૂમમાં ફેલાઈ ગયા અને પાછી એજ નિ:શબ્દ નિરવ શાંતી…… નિર્જનતા…… તેણે કાન પરથી હાથ હટાવી લીધા અને એ શાંતીમાં તેણે કાન દઈને કશુંક સાંભળવાનો પ્રયત્ન કર્યો. પણ વ્યર્થ !
અચાનક તેને ખ્યાલ આવ્યો કે ઘરમાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો છે અને એ અંધકારમાં તરફડીયા મારી રહ્યો છે. અચાનક આ શાંતિ ભેદાઈ ગઈ. તેનું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. અંધકારનો અવાજ તેનાથી સહન નહતો થતો. તે નિ:શબ્દ પણ એકધારો ગળું દાબતો અવાજ…….તેના શ્વાસને રુંધવા લાગ્યો…. પણ લાઈટ કરવાની તેની હિંમત નહોતી થતી. આખરે તે પરસેવે રેબઝેબ થઈને ઢળી પડ્યો ફરસ પર. વીસેક મીનીટ બાદ તે સ્વસ્થ થયો. અને જોયું તો અંધકાર વધું ઘેરો હતો. જાણે તેને ચાર આંખો હતી ને દસ હાથ. અને તેને ભરડો લેવા તેના તરફ ઘસી રહ્યો હતો. અને અચાનક તેને એક અટ્હાસ્યનો ભાસ થયો. તે ખરેખર ડરી ગયો. અચાનક તેને થયું શું રુચી આવી છે ? અને પોતાની કલ્પના પર તે ગુસ્સે થયો. તે તેના હાસ્યને ભૂલી ગયો હતો. ઘણું ઘણું મગજ કસવા છતાં એ હાસ્યનો એક કણ સુધ્ધાં તેના હાથમા આવતો નહતો. તેને થયું કે તે કોણ છે ? તેને લાગ્યું કે તે આ દુનિયાથી અલિપ્ત થઈ ગયો છે. તે અંધકારના બાહુપાશમાં ભીંસાવા લાગ્યો. આખરે તે મરણતોલ જેવો થઈ ગયો.

અચાનક જ આ બધા તત્વોને ભેદતી ડોરબેલ રણકી ઉઠી અને બધામાં જ અચાનક ચેતનતાનો સંચાર થયો. તેણે ઝડપથી લાઈટ ઓન કરી. રૂમનું અજવાળુ તેની આંખોને ખુંચવા લાગ્યું. તેનાથી તેની આંખો પૂરેપૂરી ખોલી શકાઈ નહી. તેણે ઝડપથી દરવાજો ખોલ્યો,
‘તમે જ મી. પ્રકાશ પી. શાહ છો ને ?’
‘હા !’ તેને હાશ થઈ કે તે હવે પોતાને ઓળખી શકશે ‘પ્રકાશ પી. શાહ’ તરીકે. નહીં તો……. તે તો….. ક્યારનો મથતો હતો પોતાને ગોતવા…..
‘તમારા નામનું કુરીયર છે.’
તેણે યંત્રવત સહી કરીને કુરીયર લીધું. અંદર આવીને હિંચકે બેસીને તેણે જરા શ્વાસ લીધો. ફેલાયેલા અજવાસમાં પોતાની આંખોને બળપૂર્વક પૂરેપૂરી ખોલીને કુરિયરમાં આવેલ પત્રના અક્ષ્રર ઉકેલવા મથ્યો. પત્ર રુચીનો હતો. તેના લગ્ન લેવાયાં હતાં અને ઈચ્છતી હતી કે તે હાજર રહે.
ઓહ ! આ કેમ કરી થઈ શકે ?
તેને થયું કે એક કલકલ કરતું ઝરણું અંધકારની ખીણમાંથી વહી ગયું છે. હવે ફક્ત ત્યાં કોરો અંધકાર જ છે. પ્રકાશનું નામોનિશાન નથી. ઈચ્છવા છતાં તેનાથી ઉભા થઈને બત્તી બુઝાવવાનું શકય ન બન્યું.
*****

લગ્નનો માહોલ ચારેકોર જામેલો છે. જાનૈયાઓથી ખીચોખીચ ભરેલા હોલમાં લગ્નગીતો વાગી રહ્યા છે. મંડપમાં વરરાજાની બાજુમાં નવવધુના શણગારમાં બેઠેલી રુચીનાં હૈયામાં ઉચાટ છે. તેની આંખો વારંવાર હોલના ગેટ પર દોડી જાય છે.
‘નહીં આવે કે શું ?’
તેનું હદય જોર જોરથી ધડકી રહ્યું છે. તેના મનમાં હજારો વિચારો આવી રહ્યા છે.
‘તેને મારો પત્ર નહી મલ્યો હોય ? કે પછી તેની હિંમત જ નહી થઈ હોય મારા લગ્ન થતા જોવાની ? અથવા તેણે મારા વિશે કશું બીજું જ વિચાર્યું હશે ? અને જો તેમ હોય તો તેણે કદી કેમ મને જણાવ્યું નહી કે તેના મનમાં મારા પ્રત્યે પ્રેમની લાગણી વહે છે ? કે પછી હું જ એવું સમજી લઊં તેવું વિચારીને કાંઈ બોલ્યો નહીં હોય ?’
‘ઓહ ! આમ તે કાંઈ હોતું હશે ?’
તે બધું જાણે છે કે મારા પિતાજીએ નાનપણમાં જ તેમના ભાઈબંધના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી રાખેલા હતાં. અને અમારા રાજપુત ફેમિલીમાં જુબાનનું કેવું મહત્વ હોય તેની તેને જાણ છે જ. છતાં આજે મને તેને જોવાનો છેલ્લો મોકો તે આપવા માગતો નથી.
‘ઓહ ! પ્રકાશ ક્યાં છે તું ? તને જોયા વગર જઈશ તો મારા આગળના નવા જીવનમાં અંધકારનો દરિયો જ હિલ્લોળા લેતો રહેશે તેની તને જાણ છે ખરી ?’ તેની આંખોમાંથી બે અશ્રુબિંદુ સરી પડયા.

તે અને પ્રકાશ એક જ કોલેજમાં વિજ્ઞાનની શાખામાં અભ્યાસ કરતા હતાં. લેબમાં પ્રેકટિકલ્સ કરતાં કરતાં તેઓ એકમેકના બહુ જ સારા મિત્રો બની ચુક્યાં હતાં. પ્રકાશ એકદમ શરમાળ પ્રકૃતિનો, ઊંચો મજબૂત બાંધાનો, વાંકડીયા વાળ અને મોહક સ્મિતવાળો યુવાન હતો અને રુચિને તે ખુબ ગમતો. તેના દેખાવની સાથે તેના ઉદાત્ત વિચારોએ પણ તેનું દિલ જીતી લીધું હતું. તે એક સ્વપ્નદ્રષ્ટા હતો. તેની આંખોમાં, લોકો માટે, સમાજ માટે, દેશ માટે કંઈ કરી બતાવવાની ઘેલછા હંમેશા તરતી રહેતી. રુચીનું નિખાલસ હાસ્ય અને બાળકશી નિર્દોષતા પ્રકાશના મનને તરબતોળ કરતી. ફક્ત એક જ બાબતનો તેને છોછ હતો કે તે સામાન્ય મધ્યમ વૈષ્ણવ પરિવારનો હતો અને રુચી એક ધનાઢય રાજપૂત પરીવારની એકની એક લાડકોડમાં ઉછરેલી દિકરી હતી. તેના પિતાએ બાળપણમાંજ તેની સગાઈ તેમના બાલગોઠીયા ભાઈબંધના દીકરા સાથે નક્કી કરી રાખી હતી. આને કારણે તે એક અંતર જાળવતો રુચી સાથે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેના માટે મુશ્કેલ બનતું ગયું રુચીથી દૂર રહેવાનું. તેના મન અને દિલો-દિમાગ પર રાત દિવસ રુચીનું ખળખળ વહેતા ઝરણાં જેવું હાસ્ય સતત છવાયેલું રહેવા લાગ્યું. તે રુચીને મળવાથી દૂર રહેવા લાગ્યો પણ જેમ જેમ તે તેનાથી દૂર રહેતો ગયો તેનાથી બમણી ઝડપે રુચી તેના દિલમાં ઉતરતી ગઈ અને એક સમય એવો આવ્યો કે તેને લાગ્યું જો રુચીને તે નહીં પામી શકે તો તે ચોક્કસ પાગલ થઈ જશે.

તેણે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને દૂરના શહેરમાં નોકરી શોધી લીધી. રુચી પ્રકાશના ચાલી જવાને તેનો પલાયનવાદ ગણતી હતી. તેના મનમાં પ્રકાશ માટે એક સન્માનીય ભાવ હતો. તે તેને ખુબ પસંદ કરતી હતી અને દિલના એક ખૂણામાં પ્રકાશનું સ્થાન અકબંધ હતું . તે ચાહતી હતી કે પ્રકાશ તેને અપનાવે. પોતાના પ્રત્યેની ચાહતનો એકરાર કરે પણ એવું કશું બન્યું નહી અને પ્રકાશ નોકરી મળી છે બીજા શહેરમાં તેમ કહીને ચાલ્યો ગયો. કોલેજ પૂરી થતાં જ તેના લગ્ન લેવાયા અને તેણે પ્રકાશનું એડ્રેસ મેળવીને તેને જાણ કરી. તેના મનમાં એકવાર પ્રકાશને જોઈ લેવાની ઈચ્છા હતી લગ્ન કરીને જતાં પહેલાં. ……..પણ મરતો માણસ પાણીના ટીપા માટે ટળવળે તેમ રુચી તેની એક ઝલક માટે ઝંખતી રહી પણ પ્રકાશ ના જ આવ્યો.
******

સમયનું ચક્ર ચાલતું જ રહ્યું. ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. પ્રકાશે આ સમય દરમ્યાન એક હોંશિલા યુવાનેતા તરીકેની નામના મેળવી લીધી હતી. તેની કાર્યદક્ષતા જોઈને તેની પાર્ટીએ તેને ખુબ બધી જવાબદારીઓ આપી રાખી હતી. આજે તે ફરી એ જ શહેરમાં આવ્યો હતો જ્યાંથી તે રુચીને છોડીને ગયો હતો. તેણે રુચી વિશેની જાણકારી મેળવી. તેણી એક કોલેજમાં પ્રોફેસરની નોકરી કરી રહી હતી. તેનો પતિ ધનવાન નબીરાઓની જેમ બાપદાદાઓની રિયાસત સંભાળતો હતો અને મોજમજા પાછળ પૈસા વેરીને ખુવાર થતો હતો. તેને મન થયું કે તે એક વાર રુચીને જોવા જાય……. પણ તેની હિંમત ના ચાલી. તેણે ગામમાં તપાસ કરાવીને રુચીના ફેમિલી વિશે બધી માહીતી એકઠી કરી. એકવાર તે પસાર થતો હતો બજારમાંથી ત્યારે તેણે સામેથી રુચીને આવતી જોઈ. તેણે ચાહ્યું કે તે મોં ફેરવી લે જેથી રુચી તેને જોઈ ના જાય પણ રુચીની નજર તેના પર પડી ગઈ હતી અને તે તેની મોટી મોટી આંખોથી આશ્ચર્યસહ તેને જોઈ રહી હતી. તે નજર નીચે ઢાળીને ઉભો રહ્યો. રુચી નજીક આવતા બોલી :
‘પ્રકાશ !!’
તેણે જરા હસવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ના થયો. રુચી તેની સાવ જ નજીક આવી ગઈ હતી અને તેની સામે જોઇને કહી રહી હતી.
‘તું ક્યારે આવ્યોં અહીં ? ક્યાં ચાલ્યો ગયો હતો ? મારો પત્ર તને મળેલો કે નહી ?’ તે એકટક જોઈ રહ્યો તેની તરફ….તેની કોરીધાકોર આંખોને જાણે અમૃતનું રસપાન કરવા મલ્યું હોય…. તે આંખો દ્વારા રુચીને હૈયામાં જાણે ઉતારી રહ્યો હોય તેમ જોઇ રહ્યો તેની તરફ. કેટલી બદલાઈ ગઈ હતી રુચી…. તેનો દેખાવ, તેના વાળ, તેની ઉંડી ઉતરી ગયેલી આંખો……. શું તેનું હાસ્ય પણ……… ઓહ !! ના જાણે તે તો તેને ક્યારે સાંભળવા મલશે ?
રુચી ફરી બોલી,
‘પ્રકાશ કાંઈ તો બોલ … મારો તો કોઇ વાંક જ ન હતો છતાં તે મને સજા શું કામ આપી ? જવાબ આપ… મને તું કાંઈ બોલ્યા વગર ગયો છે ત્યારથી ચેન નથી. સતત એ જ વિચારો આવે કે મને કેમ તે સજા આપી ?’
તેને થયું તેણે કાંઈ બોલવું જોઇએ……. તેણે પુછ્યું : ‘કેમ છે તું મજામાં ને ?’ તેને પોતાને જ પોતાના શબ્દો બોદા લાગ્યાં. તે આમ તેમ જોવા લાગ્યો. રુચી વેધક નજરે તેની સામે જોતી બોલી કે :
‘મારા પ્રશ્નનો જવાબ આપ….’
બસ બહું થયું હવે……. તે હવે વધારે સમય સુધી રુચીનો સામનો નહીં કરી શકે તેવું તેને લાગ્યું… નહીં તો ક્યાંક તેનાથી સચ્ચાઈ કહેવાઈ જશે અને ત્યારે રુચીનું શું રિએકશન હશે તે કલ્પવું મુશ્કેલ હતું. તે કાંઈ વિચારીને બોલવા જાય તે પહેલાં જ રુચીએ તેનો હાથ પકડી લીધો અને કહેવા લાગી :
‘પ્રકાશ, તારા ગયા બાદ મને લાગ્યું કે જાણે મારું જીવન જ ચાલી ગયું છે. હું અંધકારના દરિયામાં ગોથાં ખાઈ રહી છું. તું ન હતો છતાં જાણે તું મારી ચોપાસ ફેલાયેલો હતો…’ રુચીની આંખોમાં પાણી આવી ગયાં. પ્રકાશ કાંઈ બોલ્યો નહીં. તેણે ફક્ત હાથ લાંબો કરીને તેના આંસુ લુછ્યાં. પણ તેમ કરતાં તેની પોતાની આંખો ભરાઈ આવી. તેણે બીજી બાજુ જોતાં કહ્યું કે :
‘સુખી રહે !!’
અને ઝડપથી તે બીજી દિશામાં ચાલવા લાગ્યો. રુચીનું અંગ અંગ ક્રોધમાં ધ્રુજી રહ્યું હતું તેનું દિલ ચાહયું કે તે પ્રકાશની પાછળ દોડીને તેને પકડીને આખો હચમચાવી નાંખે અને તેના આવા વર્તનનું કારણ પૂછે પણ તેના મને તેને રોકી. તેની આંખોમાંથી ગુસ્સો પાણી બનીને વહેવા લાગ્યો. તેને પછીથી જાણ થઈ પ્રકાશના અહીંના આગમનના કારણની. તેણે વિચાર્યું કે પ્રકાશ સાચે જ એક નિષ્ઠુર નિંભર અઠંગ રાજકારણી બની ગયો છે. તેને મારી લાગણીની શું કિંમત ?
*****

ઘરમાં નિર્મળતા છવાયેલી હતી. વાતાવરણમાં અગરબત્તીની મનમોહક સુગંધ ફેલાયેલી હતી. ઘરમાં પુજાના પવિત્ર મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતાં. એક ટાબરીયો હાથમાં ગજરો લઈને રુચીની નજીક ઉભો ઉભો ‘મમ્મી મમ્મી…’ બોલી રહ્યો હતો. રુચી તૈયાર થવામાં મશગુલ હતી. અને અચાનક તેના ધ્યાનમાં આવ્યું કે મહારાજ બોલાવી રહ્યા હતાં પુજા માટે….તે ટાબરીયાની આંગળી પકડીને બહાર આવી અને આમતેમ જોતાં જોતાં બોલી કે :
‘ઓ ! પ્રકાશ, ક્યાં છે તું ? જલ્દીથી આવ મુહુર્તનો સમય થઈ ગયો છે.’
અને પ્રકાશ સિલ્કના ઝભ્ભાની બાંયોને ઉપર ચડાવતા બહારથી અંદર આવ્યો અને બોલ્યો :
‘દરવાજા ઉપર તોરણ બાંધી રહ્યો હતો.’
‘અચ્છા !!…’ રુચીએ આંખોને નચાવી અને તેનું ચિરપરીચિત હાસ્ય કરતાં કહ્યું કે, ‘મને તો એમ કે તું ઘોડા પલાણી રહ્યો છે….’ અને આખા રૂમમાં રુચીના હાસ્યના કણો ચોતરફ ફેલાઈ ગયાં. પ્રકાશ સંતોષ અને પ્રસન્નતાથી જોઇ રહ્યો તેની તરફ…. ઓહ !!! આ હાસ્યના કણોને આ ઘરની હવાઓમાં વહેતા કરવા માટે મારે શું શું કરવું પડયું….. તે અને રુચી તેમના નવા ઘરના વાસ્તુપૂજનની વિધિ માટે સજોડે ગોઠવાયા…..
હા ! બે વર્ષ પહેલાં રુચીના પતિનું એક જીપ એકસીડન્ટમાં મૃત્યુ નિપજ્યું હતું. વિધવા થયેલી રુચીનો સંસાર ફરી વસે તેવી રાજ્પુત માતાપિતાની ઈચ્છાને કારણે તેમણે રુચીની મરજીને માન આપીને પ્રકાશ સાથે તેના લગ્ન કરાવી આપ્યા હતાં. તેમનો એક નાનો વહાલો પુત્ર પણ હતો. હવે ઘરમાં કદી નિર્જનતા આવવાની ન હતી. હાસ્યના ફુલો સદા મહેક્યા કરવાનાં હતાં. ખુશીઓનું ઝરણું કલકલ કરતું વહ્યા કરવાનું હતું. પૂજાની વિધી વખતે રુચીની સાથે આરતીની થાળી પકડીને ભગવાનની આરતી ઉતારતી વખતે પ્રકાશના મુખ પર વારંવાર એક છૂપું વિજયી સ્મિત ફરકી જતું હતું.

તે દિવસે રુચીથી છુટા પડ્યા બાદ પ્રકાશના દિલ અને દિમાગ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને તે આ પાર કે પેલે પારના નિર્ણય પર આવી ગયો હતો. પોતાની રાજકીય વગ વાપરીને તેને પોતાના રસ્તાનો કાંટો દૂર કરવામાં જરા પણ મુશ્કેલી પડી ન હતી.

[poll id=”63″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “વિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.