ઝાકળબિંદુ – મીરા ભટ્ટ

[ સુંદર પ્રેરક પ્રસંગોના પુસ્તક ‘ઝાકળબિંદુ’માંથી કેટલાક અત્રે સાભાર પ્રગટ કરવામાં આવ્યા છે. આપ લેખિકાનો આ નંબર પર +91 9376855363 પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વિદ્વાન-ગમારની સ્પર્ધા

સેંકડો વર્ષો પહેલાંની વાત છે. કદાચ લોકકથા પણ હોય. નામદાર પોપનો અચાનક આદેશ થયો કે બધા જિપ્સીઓએ વેટિકન છોડીને જતાં રહેવું. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ, એટલે પોપે એક દરખાસ્ત મૂકી કે, ‘જો તમે ઈચ્છો તો જિપ્સી ધર્મના એક અગ્રણી સાથે પોતે ધર્મચર્ચા કરવા તૈયાર છે. એ ચર્ચામાં જો જિપ્સીની જીત થશે તો તેઓ વેટિકનમાં રહી શકશે અને જો એમાં હારી જશે તો તેમને સૌએ વેટિકન છોડી દેવું પડશે.’

હવે શું થાય ? દરખાસ્ત સ્વીકારે તોય મુશ્કેલી, ન સ્વીકારે તોય મુશ્કેલી ! ધર્મની ચર્ચામાં પોપ સામે ટકવામાં જિપ્સીનું શું ગજું ? પરિણામ નિશ્ચિત જ હતું – હાર અને ત્યાર પછી દેશનિકાલ ! પણ હવે તો છૂટકો જ નહોતો, એટલે એમણે પોતાના એક જુવાન નેતાને તૈયાર કર્યો. પોપમાં જ્ઞાન અને વાકપટુતા ખૂબ હતી એટલે એક શરત રાખી કે ચર્ચા વખતે બેમાંથી એકેય પક્ષે બોલવાનું નહીં. બંનેએ માત્ર હાથનો સંકેત કરવાનો. પોપ તો સંમત થઈ ગયા.

ધર્મસભાનો દિવસ તો આવી પહોંચ્યો. જિપ્સીના મુખી અને પોપ બંને સામસામે બેઠા. પછી પોપે હાથ ઊંચો કરીને ત્રણ આંગળીઓ બતાવી. એના જવાબમાં મુખીએ પોતાનો હાથ ઊંચો કરીને એક આંગળી બતાવી. ત્યાર બાદ પોપે પોતાની આંગળીઓ પોતાના મસ્તકની આજુબાજુ ગોળ ગોળ ફેરવી. એના પ્રત્યુત્તરમાં મુખિયાએ પોતે જ્યાં બેઠો હતો તે ભૂમિ તરફ આંગળી ચીંધી. પછી પોપે એક વેફર કાઢી અને વાઈનનો પ્યાલો લીધો. એટલે મુખિયાએ સફરજન કાઢીને બતાવ્યું. આ સાથે જ પોપ ઊભા થઈ ગયા અને જાહેર કર્યું : ‘ભાઈ, હું હાર્યો. આ માણસ ભોટ નથી. ભારે ચતુર છે, વળી શાણો પણ છે. હવે જિપ્સીઓ અહીં રહી શકશે.’

એકાદ કલાક પછી બધા ધર્મગુરુઓ, પાદરીઓ પોપની આજુબાજુ ફરી વળ્યા. બધાને જિપ્સી સાથેની ચર્ચા અંગે જાણવાની ભારે ઈંતેજારી હતી. પોપે કહ્યું : ‘પહેલાં તો મેં પાવનકારી ત્રિમૂર્તિના પ્રતીક રૂપે ત્રણ આંગળીઓ બતાવી. એના પ્રત્યુત્તરમાં એણે એક આંગળી બતાવીને જણાવ્યું કે હજુ એક દેવ એવા છે જે બંને ધર્મ માટે સામાન્ય દેવ છે. પછી મેં આંગળીઓ મસ્તકની આજુબાજુ ગોળ ગોળ ફેરવી, જેનો અર્થ હતો કે પ્રભુ તો આપણી આસપાસ જ વસે છે. એના જવાબમાં એણે જમીન તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘પ્રભુજી તો અત્યારે, આ ક્ષણે જ અહીં આપણી સાથે જ છે. પછી મેં વેફર અને વાઈનની પ્યાલી દ્વારા બતાવ્યું કે ઈશ્વર આપણને પાપમાંથી મુક્તિ અપાવે છે, જેના જવાબમાં એણે સફરજન બતાવીને મને મૂળ પાપની વાતની યાદ અપાવી. અરે ભાઈ, શું કહું ? એની પાસે તો બધા જ પ્રશ્નોના ઉત્તર હતા. પછી મારું શું ચાલે ?’

પેલી બાજુ મુખિયાને પણ જિપ્સીઓ ઘેરી વળ્યા હતા. એમને મુખિયાએ કહ્યું : ‘પહેલાં તો એણે ત્રણ આંગળીઓ દેખાડીને કહ્યું કે હવે વેટિકનમાં રહેવાના ત્રણ જ દિવસ બાકી છે, એટલે મેં એક આંગળી ઊંચી કરીને જણાવી દીધું કે અમારામાંથી એકેય બચ્ચો અહીંથી નીકળવાનો નથી. પછી એણે માથા પર આંગળીઓ ગોળ ગોળ ફેરવીને કહ્યું : ‘અમે આખા શહેરમાંથી વીણી વીણીને જિપ્સીઓને કાઢી મૂકવાના છીએ એટલે મેં ભૂમિ પર આંગળી ચીંધીને સાફ સાફ જણાવી દીધું કે અમે તો અહીં જ વેટિકનની ધરતી પર જ રહેવાના છીએ.’
ત્યાં એક સ્ત્રીએ પૂછ્યું : ‘પછી શું પૂછ્યું ?’
તો મુખિયાએ ગંભીરતાપૂર્વક કહ્યું : ‘એમાં તો મનેય કાંઈ ખબર ન પડી પણ એણે પોતાની પાસેના વેફર-વાઈન ભોજન માટે કાઢ્યા એટલે મેંય આપણું સફરજન કાઢીને બતાવ્યું !!’

ક્યારેક સહજભાવે થઈ ગયેલી ક્રિયાઓમાં પણ માણસને જીવનના પાઠ ભણવા મળી જાય છે. પશુ-પંખી, ઝાડ-પાન કે નદી-ડુંગરા કાંઈ બોલતા નથી, તોપણ મનુષ્યજાતિ એમની પાસેથી કેટલું બધું શીખી છે ! જીવનનું જ્ઞાન પુસ્તકો કે ભાષણ દ્વારા નથી મળતું, એ તો પ્રત્યક્ષ કર્મમાંથી જ મળે છે, આ હાર્દ છે આ કથાનું !
.

[2] જાતને ઓળખો

મહંમદ સાહેબ પયગંબરના બાળપણનો પ્રસંગ છે. એક વાર ગામને તળાવે ભાઈબંધો સાથે રમતા હતા. ત્યાં તળાવની પાળે ઘણા બધા દેડકા કૂદકા મારે. દેડકાને જોઈ છોકરાઓને મસ્તી સૂઝી. એમણે એકેક પથરો લઈ તાકીને દેડકા પર મારવાનું શરૂ કર્યું. બિચારા દેડકા પથરો વાગે એટલે ‘ડ્રાઉં ડ્રાઉં’ કરીને પાછા તળાવમાં જતાં રહે. બીજા છોકરાઓને જોઈને મહમંદ સાહેબે પણ એક પથરો ઉગામીને માર્યો, પણ માર્યા પછી હૃદયમાં હલચલ મચી ગઈ. ઘેર જઈને તરત માને વાત કરી :
‘મા, પથરો નાંખતા તો મેં નાંખી દીધો, પણ દેડકાના કરુણ સ્વરથી મને અંદરથી કોઈ સતત રોકતું રહ્યું કે આમ દેડકાને હેરાન ન કરાય. મા, આમ અંદરથી કોણ અટકાવતું હશે ?’
ત્યારે માએ કહ્યું : ‘બેટા, તું મને ઘણી વાર પૂછે છે ને કે અલ્લા એટલે શું ? એ ક્યાં રહે ?’ – તો તને અંદરથી જે ટોકતો હતો, તે જ અલ્લા-ખુદા ! એ સૌના અંતરમાં વાસ કરે છે અને સાચા-ખોટાનું ભાન કરાવતો રહે છે !’

અંતરાત્મા એ પરમાત્માનો એક અંશ છે. એ જ આપણું સાચું સ્વરૂપ છે. ઉપર ઉપરની બધી ઓળખાણો આખરે અધૂરી નીવડે છે. માણસનું રૂપ, ભણતર, ધન-વૈભવ, પદ-પ્રતિષ્ઠા વગેરે બધું ડુંગળીના ઉપરનાં ફોતરાં જેવું છે. એ ફોતરાંને ઉખેડીને ફેંકી દઈએ, ત્યારે જ ગુણકારક ડુંગળી હાથમાં આવે.

ગુરુદયાળ મલ્લિકજી જ્યારે શાંતિનિકેતનમાં પ્રાધ્યાપકનું કામ કરતા હતા, ત્યારે એક વખતે એક વિદ્યાર્થી એમની પાસે હસ્તાક્ષર લેવા આવ્યો. મલ્લિકજીએ એની નોંધપોથીમાં સંદેશો લખી આપ્યો. Know Thyself – તારી જાતને ઓળખ ! – પછી એ જ વિદ્યાર્થી તરત રવીન્દ્રનાથ પાસે ગયો. એમણે ગુરુદયાળના સંદેશ નીચે લખ્યું : Forget thyself. મલ્લિકજીએ એમનો સંદેશો વાંચી જોયો અને પોતાના માટે સંદેશો તારવ્યો – To know thyself, forget thyself. સાચું સ્વરૂપ જાણવા, ઉપરનાં રૂપોને ભૂલી જા !
.

[3] સામ્રાજ્ય સદગુણોનું

કોશલ અને કાશી બેઉ અડખેપડખેનાં રાજ્ય. કોશલનરેશની કીર્તિ ચોમેર એટલી બધી ફેલાઈ ગઈ હતી કે કવિઓ અને ચારણો નાચી નાચીને એમનાં ગુણગાન ગાયા જ કરતા. કાશીનરેશની પ્રજાવત્સલતા, પરોપકારિતા અને ઉદાત્ત સ્વભાવ દુશ્મનને પણ મોહિત કરે તેવા હતા. અને દુશ્મન તો નહીં, પણ પાડોશી આ કીર્તિગાન સાંભળી ઈર્ષ્યાથી સળગી ઊઠ્યો. જ્યાં જુઓ ત્યાં કોશલનરેશનું જ નામ ! કાશીનરેશ આ સાંખી ન શક્યો એટલે એણે અણધાર્યો ઘા કર્યો. કોશલનરેશ આવા અણધાર્યા આક્રમણ માટે સુસજ્જ નહોતા. એમની સેના ટકી ન શકી અને રાજાને જીવ બચાવવા જંગલમાં ભાગી જવું પડ્યું.

આ બાજુ વિજયના ઘેનમાં કાશીનરેશ કોશલની રાજધાનીમાં પધાર્યા, ત્યારે કોઈએ એમને અંતરથી આવકાર્યા નહીં, બલ્કે નગરજનો પોતાની આંખોના આંસુ છુપાવવા માંગતા છતાં છુપાવી નહોતા શકતા. તેમાં વળી, કાશીનરેશે ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ કોશલરાજને જીવતા પકડી લાવશે, એને પાંચસો સોનામહોર અને કોઈ મરેલા લઈ આવશે તો અઢીસો સોનામહોર પુરસ્કારરૂપે મળશે.

કોશલનરેશ દીનહીન હાલતમાં જંગલમાં જ્યાં ત્યાં ભટકતા હતા, ત્યાં એક દિવસ તેમને એક મુસાફર મળ્યો, જેણે કોશલ દેશનો રસ્તો પૂછ્યો. ત્યારે કોશલરાજે ત્યાં જવાનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો – મારી તમામ મૂડી ખર્ચીને ખરીદેલો માલ જે જહાજમાં હતો, તે જહાજ જ ડૂબી ગયું છે. હવે હું સાવ ભિખારી બની ગયો છું. મારાં ઘરબાર લૂંટાઈ ગયાં છે અને બૈરી છોકરાં રસ્તે રઝળતાં થઈ ગયાં છે. એટલે જ કોશલનરેશ પાસે જઈને ફરી વ્યાપાર કરી શકું તેવું માંગવા જઉં છું. મને પાક્કો વિશ્વાસ છે કે તેઓ મને આ આફતમાંથી નિઃશંક ઉગારશે. આ સાંભળીને કોશલરાજ થોડા ઊંડા વિચારમાં પડી ગયા, પછી કહે : ‘ચાલો, હું તમને એમની પાસે પહોંચાડી દઉં ! ઘણે દૂરથી કેટલી તકલીફ ઉઠાવીને આવ્યા છો !’

બે દિવસ પછી કાશીરાજની સભામાં એક જટાધારી ગરીબ કાશીનરેશ પાસે આવીને કહે : ‘હું કોશલરાજ છું. મને જીવતો પકડી લાવવા માટે તમે જે પાંચસો સોનામહોરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે, તે રકમ મારા આ વેપારી સાથીને આપી દો અને મને બંદી બનાવો !’ આ સાંભળીને આખી સભામાં સન્નાટો ફેલાઈ ગયો. દરબારીઓ તો ઠીક, રાજસેવકોની આંખોમાં પણ આંસુ આવી ગયા. કાશીરાજનું પણ હૃદય ભરાઈ આવ્યું. સિંહાસન પરથી ઊભા થતાં બોલ્યા : ‘ભાઈ કોશલરાજ, રણક્ષેત્રમાં હું જરૂર વિજયી થયો છું, પણ કર્તવ્યક્ષેત્રમાં તો હું ક્યારનોય હારી ગયો છું. અત્યાર સુધી તમારી પ્રશંસા સાંભળી મારા અંતરમાં કાંટા ભોકાતા હતા, પણ આજે મારા હૃદયમાં પ્રસન્નતા અનુભવું છું. તમારા જેવા પરોપકારી અને ઉદાર વ્યક્તિ જ આ રાજ-સિંહાસનને શોભાવી શકે.’ – કહીને કોશલરાજનો એક હાથ પકડી ઝટ સિંહાસન પર બેસાડી દીધા અને પોતાના માથા પરનો મુગટ જટાધારી મસ્તક પર મૂકી દીધો. આખી સભામાંથી ધન્ય ! ધન્ય ! ઉદ્દગાર પડઘાયા અને સર્વત્ર જયજયકાર પોકારાયો. પછી તો કવિઓ-ચારણોનાં યશોગાન બેવડાઈ ગયાં. બંને રાજ્યોની પ્રજા પણ સક્રિય બની અને એમના સુખસમૃદ્ધિ પણ વધી ગયા. હવે કોશલ-કાશી બે રાજ્ય, સાચા અર્થમાં પાડોશી બન્યાં હતાં.
.

[4] ત્રિપુરુષનો સંગમ

જમાનો ગમે તે હોય તેમાં કોઈ ને કોઈ શાસનકર્તા અને કોઈ ને કોઈ પ્રજાવર્ગ તો રહેવાના જ. યુગોથી રાજ્ય ચલાવવાના પ્રયોગો ચાલ્યા કરે છે અને રાજ્યકર્તા તથા પ્રજા વચ્ચેના સંબંધરૂપી ચાદર પર ક્યારેક લોહીનાં ધાબાં પડેલાં દેખાય છે, તો ક્યારેક સુંદર રંગોળી !

દુકાળ અને સુકાળ એ તો ઋતુચક્રના જેવું જ એક અનિવાર્ય દ્વંદ્વ. ચાલુક્ય રાજા ભીમદેવના શાસનકાળ દરમ્યાન પણ એક ચોમાસું સાવ કોરુંધબ વીત્યું અને ગુજરાત રાજ્યની ધરતી પર જ નહીં, પણ એકએક ગુર્જરવાસીના હૈયા પર ઊંડી તિરાડો પડી. ઘરમાં કોઠીઓ ખાલી થઈ ગઈ અને આ બાજુ રાજાને કર આપવાની મુદત નજીક આવતી ગઈ. રાજાના સેવકો ગામેગામ ફરતા અને જેમની પાસે કાંઈ માલમિલકત હતી તેવા લોકોને પાટણમાં રાજાધિરાજ સમક્ષ લઈ આવતા. દરબારમાં ચર્ચાનો વિષય આ જ રહેતો – ઘરમાં ધાન ન હોય ત્યાં કર કેમ ભરવા અને કર ન મળે તો રાજ્ય કેમ ચલાવવું ?

રાજદરબારમાં રાજાનો જુવાનજોધ કુંવર મૂળરાજ પણ બેસતો. ચર્ચાઓ સાંભળી એ ઊંડા વિચારોમાં ખોવાઈ જતો. કોઈ માર્ગ સૂઝતો નહોતો. એક સાંજે આનંદપ્રમોદના વાતાવરણ વચ્ચે રાજકુંવરે રાજદરબારીઓ સમક્ષ ઘોડેસવારીના જાતજાતના દાવ ખેલી બતાવ્યા. ઘોડા ઉપરનો એનો કાબૂ જોઈ સૌ મોંમાં આંગળાં નાખી ગયા. આટલી નાની ઉંમરમાં આવી કુશળતા એ ભારે અચંબો પમાડનારી ચીજ હતી. રાજા ભીમદેવ પણ પોતાના પુત્રની ચપળતા, કૌશલ્ય તથા ઘોડા પરનો કાબૂ જોઈ ખુશ ખુશ થઈ એકદમ બોલી ઊઠ્યા :
‘વાહ બેટા, વાહ ! આજ તો બોલ, માગ માગ, માગે તે આપી દઉં !’
ત્યારે મૂળરાજ દઢતાપૂર્વક બોલ્યો : ‘પિતાજી, માગવું તો મારે પણ છે. પરંતુ મારા મનમાં શંકા રહે છે કે તમે મારી માગેલી વસ્તુ આપી શકશો કે કેમ ? એટલે નકામા શબ્દો શું વેડફવા ?’
‘અરે મૂળરાજ, તું આ શું બોલે છે ? તું માગે અને હું ના દઉં ? કહે બેટા, તારે શું જોઈએ છે ? સંકોચ ના રાખીશ. મનમાં જે ઈચ્છા હોય તે જરાય ખચકાયા વિના કહી દે.’ પ્રેક્ષકવર્ગમાં નીરવ શાંતિ ફેલાયેલી હતી. યુવરાજના શબ્દો સાંભળવા સૌના કાન આતુર બની ગયા :
‘મહારાજ, તમે જો મારી આવડત પર સાચેસાચ જ ખુશ થઈ ગયા હો તો મને ઈનામમાં લોકો માટેની મહેસૂલમુક્તિ આપો.’

પ્રેક્ષકોમાં ખેડૂતો પણ હતા, સામાન્યવર્ગના પ્રજાજન પણ હતા. સૌનાં હૃદય આભારવશતાથી ભરાઈ આવ્યાં. ઘડીભર તો રાજાના ચહેરા પર પણ મૂંઝવણની લકીરો ઊઠી, પણ રાજાએ વચન આપ્યું હતું. કહ્યું : ‘ભલે બેટા, તારી ઈચ્છા મુજબ આ વર્ષે કોઈની પાસેથી કર નહીં ઉઘરાવાય.’ શ્રોતાવર્ગ તો ખુશખુશાલ થઈ ગયો. તાળીઓના ગડગડાટથી ગગન ગાજી ઊઠ્યું. સૌ યુવરાજ પર વારી ગયા. ત્યાં રાજા ફરી બોલ્યા :
‘યુવરાજ આ ભેટ તો લોકો માટે થઈ. પણ હું તમનેય ઈનામ આપવા ઈચ્છું છું ! તમારે માટે બીજું કાંઈ માગી લો.’
‘ના મહારાજ, મારે પોતાને કશું જોઈતું નથી. આપે લોકોની ભીડ ભાંગી, મારું કામ થઈ ગયું.’ આમ કહી મૂળરાજ પોતાના આસને બેસી ગયો. પ્રજાની આફત તે પોતાની આફત છે એવી સંવેદનશીલતા ધરાવનાર ભાવિ રાજવી પ્રત્યે કોનું હૈયું ન ખેંચાય ? સમગ્ર રાજ્યમાંથી રાજકુંવર માટે પ્રશંસાનાં ફૂલ વેરાણાં. અનેક દિવસો સુધી લોકજીભે એક જ વાત રમતી રહી : ‘ધન્ય છે કુંવર મૂળરાજને !’ પણ કુદરતની કરામત અકળ છે. થોડા જ મહિનાઓમાં રાજકુમારનું આકસ્મિક મરણ થયું. પ્રજા અને રાજા સૌ કોઈ ઊંડા શોકના દરિયામાં ડૂબી ગયાં. સૌનું જાણે ચેતન જ હરાઈ ગયું. કેમે કર્યે લોકજીવનને કળ ના વળે. સૌને થયું કે કુંવરને આપણા સૌની મીઠી નજર લાગી ગઈ. કેમે કર્યા લોકનાં આંસુ સુકાય નહીં. આખરે સંત જ્ઞાની પુરુષોનાં આશ્વાસન વચનો દ્વારા ધીરે ધીરે સૌ આઘાતમાંથી બહાર આવવા લાગ્યાં.

ચક્ર પૂરું થવા આવ્યું અને ચોમાસું ફરી કુદરતનાં દ્વાર ખખડાવવા લાગ્યું. લોકો દ્વિધામાં હતા, વળી પાછી કોણ જાણે કેવી આફત ઊતરી આવશે ! પણ એ વર્ષે તો વરસાદ મન મૂકીને વરસ્યો. તરસી ધરતીએ મન ભરી ભરીને પાણી પીધાં અને પીધાં તેથી અદકેરાં કાંઠે કાંઠે વહાવ્યાં. લોકહૃદય પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાથી છલકાઈ ઊઠ્યું. કુદરતે પણ લોકોના કોઠારો છલકાવી દીધા. રાજા તરફથી કોઈ કહેણ આવે તે પહેલાં જ ખેડૂતો રાજા પાસે પહોંચી ગયા અને સ્વેચ્છાએ બમણો કર આપવા કહેવા લાગ્યા, પણ રાજા એ કર લેવા ના પાડે. ‘પોતે ઘસારો વેઠી લેશે પણ કર નથી જોઈતો.’ – ખબર નહીં, રાજાને કદાચ મૃત યુવરાજનું વચન યાદ આવતું હશે. ખૂબ ખેંચતાણી ચાલી. લોક કહે : ‘અમે કર આપ્યા સિવાય પાછા ન જઈએ.’ રાજા કહે : ‘મારે કર ના જોઈએ.’

છેવટે ઘરડા વિના કોનાં ગાડાં હાલે ? વૃદ્ધસભા પાસે આ પ્રેમકલહ પહોંચ્યો અને એમને નિર્ણય સોંપાયો. વૃદ્ધોએ બેઉ વર્ષનો કર રાજાને ભરવાનો ફેંસલો સંભળાવ્યો. રાજા હવે ના પાડી શકે તેમ નહોતા. તેમણે કર તો સ્વીકાર્યો, પરંતુ એ ધન અલાયદું રાખીને આગળ ઉપર એમાંથી મૂળરાજની સ્મૃતિમાં એક દેવાલય બાંધ્યું અને એનું નામ આપ્યું – ‘ત્રિપુરુષપ્રાસાદ !’ આ ત્રિ-પુરુષ તે કોણ ? રાજા, પ્રજા અને રાજા-પ્રજા વચ્ચેના સેતુરૂપ કોઈ મધ્યસ્થ કડી. એને સમાજસેવક કહો, લોકસેવક કહો, સજ્જનશક્તિ કહો કે આચાર્યકુળ કહો ! જે નામ આપવું હોય તે આપો. પણ સેતુ વગર બે છેડા મળી શકતા નથી. રાજ્યશક્તિ અને જનશક્તિને સાંકળનારી સજ્જનશક્તિનો જ્યાં ત્રિવેણી-સંગમ થાય છે, ત્યાં રચાય છે પ્રભુમંદિર, માંગલ્યધામ !

વર્ષો પહેલાં થઈ ગયેલો મૂળરાજ વર્તમાન પરિસ્થિતિની અકળામણના તોડરૂપે જે સંકેત સૂચવી રહ્યો છે તે સંકેતને મર્મીઓ પામી શકે તો જ આજે ચાલી રહેલા ગજગ્રાહનું યુદ્ધ વિરમી શકે.

[કુલ પાન : 160. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : કુસુમ પ્રકાશન. હેમંત એમ શાહ. 61, એ નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી. અમદાવાદ-380007.]

[poll id=”64″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ઝાકળબિંદુ – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.