- ReadGujarati.com - http://www.readgujarati.com -

જેમને નથી એમ કહી શકાય એમ નથી ! – દિનકર જોષી

[‘અક્ષરની આકાશગંગા’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]ત્યા[/dc]રે મુંબઈ મારા માટે જૂનું નહોતું થયું અને હું મુંબઈ માટે નવોસવો હતો. ઘણું ખરું સાલ હશે 1959. જૂના ચર્ચગેટ સ્ટેશનની સામે આવેલી એક બહુમાળી ઈમારતના પાંચમા માળે સભાખંડમાં P.E.N. કૉન્ફરન્સ તરફથી એક સભા યોજાઈ હતી. ‘સેટરડે રિવ્યુ’ના તંત્રી નોર્મન કઝિન્સ અતિથિ વક્તા હતા. સભાના પ્રમુખસ્થાને હતા ગુલાબદાસ બ્રોકર. ધોતિયું, રંગીન લાંબો બંધ ગળાનો કોટ અને માથા ઉપર ટોપી. ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે પણ આ સભામાં હાજર હતા. P.E.N. ની ભારતીય શાખાના અધ્યક્ષ મેડમ સોફિયા વાડિયા પણ એક વક્તા હતાં. એ બધાને નજરોનજર જોવાનો એક રોમાંચ હતો. એક મુરબ્બી મિત્રે સભા પૂરી થયા પછી ગુલાબદાસભાઈ જોડે મારો પરિચય કરાવ્યો. ગુલાબદાસભાઈએ એક ઉષ્માભર્યા વડીલની અદાથી ખભે હાથ મૂકીને કહ્યું : ‘જો પરામાં રહેતા હો તો મારી સાથે ગાડીમાં બેસી જાઓ, રસ્તામાં વાતો થશે.’ સાચું કહું તો ત્યારે ધરતી પર ચાલતો મારો રથ બે આંગળ ઊંચો થઈ ગયો હતો. ગુલાબદાસભાઈ સાથેનો મારો પહેલો પરિચય.

બીજા વરસે વિલેપાર્લે સાહિત્ય સભા તરફથી પાર્લામાં જ એક વાર્તાકાર સંમેલનમાં શ્રી રમણ પાઠકે વાતવાતમાં ગુલાબદાસભાઈના નજીકમાં જ આવેલા ઘરનો ઉલ્લેખ કર્યો. મારું આ અજ્ઞાન જાણીને રમણભાઈ હસીને કહેલું – ‘પરાવાસી સાહિત્યરસિકોના તીર્થધામ સમા આ મકાને તમે કોઈદિ’ ગયા નથી ? બહુ કહેવાય ! ક્યારેક જરૂર જજો.’ આ પછી આ તીર્થસ્થાને જવાનું અવારનવાર બનવા માંડ્યું. લગભગ સાડાચાર દાયકા સુધીના આ પરિચયમાં યાદ કરું છું તો મેં એમને આપ્યું કશું નથી પણ માત્ર મેળવ્યું જ છે. એકેય મુલાકાત એવી નથી સાંભરતી કે જેમાં મને એમની પાસેથી કશું મળ્યું ન હોય ! ગુલાબદાસભાઈ સાથેની પ્રત્યેક મુલાકાત બે કલાકથી ઓછી ન હોય ! મુલાકાત પૂરી થયે ‘આવજો’ કહેવા ગુલાબદાસભાઈ છેક એમના ઘરના બહારના દરવાજા સુધી આવે અને પછી વિવેકાનંદ માર્ગની ફૂટપાથ ઉપર પણ અર્ધો એક કલાક ‘આવજો’ ‘આવજો’ થાય. એકવાર એમના ધર્મપત્ની મુ. સુમનબહેને કહ્યું – ‘તમારા ભાઈ જે રીતે તમારી સાથે કલાકો સુધી વાતો કરે છે બરાબર એમ જ ઉમાશંકરભાઈ, મેઘાણીભાઈ, પાઠકસાહેબ આ બધા જ્યારે પાર્લામાં રહેતા ત્યારે અહીં આવતા અને આવી જ રીતે કલાકો સુધી વાતો થતી’ અને પછી સુમનબહેને ગુલાબદાસભાઈને કહ્યું : ‘ઉમાશંકરભાઈ, મેઘાણીભાઈ કે પાઠકસાહેબ સાથેની વાતોમાં થતો એ આનંદ હવે દિનકર કે એના જેવા જુવાન લેખકો સાથે વાતો કરવામાં તમને આવે છે ?’ ગુલાબદાસભાઈએ ત્યારે હસીને કહેલું : ‘સાચું કહું તો નથી આવતો પણ ઉમાશંકર, મેઘાણી કે પાઠકને હવે લાવું ક્યાંથી ?’ અને પછી મેઘાણીભાઈને યાદ કરીને ગુલાબદાસભાઈએ કહેલું – ‘મેઘાણીભાઈએ જે દિવસે પાર્લાની શાક માર્કેટમાં એક ફિરંગણ શાકવાળીને જોઈ અને ત્યારે જે ગીત લખ્યું એ ગીત ચબરખી ઉપર લખીને એ સીધા જ અહીં આવ્યા હતા અને પછી…’ આમ કહીને ગુલાબદાસભાઈ ઊભા થયા. ડાબો હાથ કમર ઉપર ટેકવ્યો અને જમણા હાથે નૃત્યનો લહેકો કરીને પગ ઠમકાવતા બોલ્યા, ‘ફિરંગણ શાકવાળીનું આ ગીત મેઘાણીભાઈએ આવી અદા સાથે મને સંભળાવેલું. બોલો, આવું તમારાથી થશે ?’

એકવાર એક સાહિત્યકાર મિત્રે પોતે ખૂબ સારું લખે છે અને છતાં વાડાબંધીને કારણે પોતાને પારિતોષિકો, પ્રસિદ્ધિ કે સ્વીકૃતિ પ્રાપ્ત થતાં નથી એવી ફરિયાદ કરી. ગુલાબદાસભાઈએ એમનો અસંતોષ હળવો થાય એવી યથાયોગ્ય વાતો કરી અને એમની વિદાય પછી મને કહે – ‘દિનકર, આદિ કવિ તરીકે જો નરસિંહને ગણીએ તો આજે પાંચસો વરસમાં ગુજરાતી ભાષા અને સાહિત્યમાં કેટલા સર્જકો થયા હશે ?’
‘હજાર, બે હજાર કદાચ પાંચ હજાર પણ હોય…’ મનોમન સહેજ ગણતરી માંડીને મેં બીતાં બીતાં કહ્યું.
‘આ પાંચ હજારમાંથી આજે આપણને કેટલા યાદ છે એની ચાલો ગણતરી કરીએ.’ આમ કહીને એમણે વેઢાં ગણવા માંડ્યા, ‘નરસિંહ, અખો, દયારામ, મીરાંબાઈ, રાજે, ગંગાસતી, નર્મદ, ગોવર્ધનરામ, દલપતરામ, ન્હાનાલાલ…’ આમ ગણતાં ગણતાં પચ્ચીસ કે ત્રીસના આંકડે અમે અટકી ગયા. સ્મૃતિને અનહદ ખેંચી ત્યારે આ આંકડો પાંત્રીસે પહોંચ્યો. આ પછી ગુલાબદાસભાઈ હસીને કહે, ‘આ પાંચ હજારમાંથી આપણી જેવાને પણ પચાસથી વધુ સાંભરતા નથી તો પછી કાયમ યાદ રહેવાના આવા ધખારા શા માટે ? જે સારું હશે એ આપોઆપ ટકશે.’

‘અમૃતદીક્ષા’ નામનું એમનું એક પુસ્તક. આ પુસ્તકમાં એમનાં કેટલાંક સ્મરણચિત્રો સંગ્રહાયેલાં છે. આ સ્મરણો બધાં જ મધુર મધુર છે. એમને જીવનમાં મળેલા બધા જ માણસો જાણે મીઠ્ઠા મીઠ્ઠા કેમ ન હોય ! ક્યાંય કોઈ કડવો અનુભવ નહિ, કોઈ ફરિયાદ નહિ ! આ વાંચીને મેં એમને કહ્યું – ‘આવું કેમ બને ગુલાબદાસભાઈ ? સિત્તેર વરસના તમારા આયુકાળમાં તમને બધા જ સારા માણસો મળે અને કોઈ કડવો અનુભવ ન થાય ? મને તો મારી આ પિસ્તાળીશ વરસની ઉંમરમાં ઢગલાબંધ દુર્જનો મળ્યા છે અને કડવા અનુભવો થયા છે.’
‘એવા તો મનેય મળ્યા છે ભાઈ !’ ગુલાબદાસભાઈએ સહેજ ગંભીર થઈને કહ્યું : ‘આટલી ઉંમરમાં એવા માણસો ન મળે એમ તો કેમ બને ? પણ હું કોઈ કડવાશ યાદ કરવા માગતો નથી. મને જે મીઠાશ મળી છે એ જ બીજાને આપું છું.’

ત્યારે મારી ઑફિસ સાન્તાક્રુઝમાં હતી. ગુલાબદાસભાઈનું ઘર વિલેપાર્લેમાં સાવ નજીક. અગાઉથી ટેલિફોન ઉપર નક્કી કરીને અવારનવાર સાંજના સમયે હું એમની પાસે જતો. એકવાર એમના વાળુના સમય સુધી અમે વાતો કરતા બેસી રહ્યા. સુમનબહેને ડાઈનિંગ ટેબલ ઉપર થાળી પીરસી. થાળીમાં મુખ્ય વાનગી હાંડવો હતી. એક ડિશમાં મનેય હાંડવો આપ્યો ત્યારે મેં પ્રસન્નતાથી કહેલું – ‘હાંડવો તો મારીય પ્રિય વાનગી છે.’ બસ, આ પછી સુમનબહેન જ્યારે પણ હાંડવો બનાવે ત્યારે એમનો આગોતરો ફોન આવી જાય… ‘આજે હાંડવો બનાવવાનો છે, તમે આવી જજો.’ એકવાર મેં ગુલાબદાસભાઈને કહ્યું : ‘મારી સાથેના સમયમાં તમને ઉમાશંકર કે મેઘાણીભાઈ જેવો આનંદ ભલે ન આવે પણ મને તો તમારી સાથે બેસવામાં એક મોટો લાભ થાય છે.’ ત્યારે એમણે પૂછેલું, ‘એ લાભ વળી શું ?’ એના જવાબમાં મેં ઠાવકાઈથી કહી દીધેલું : ‘તમારી સાથે ગાળેલા દર કલાકે તમે એક બેવાર તો મને અચૂક યાદ આપો છો કે હું હજુ જુવાન છું….’ (આનું કારણ એ હતું કે ગુલાબદાસભાઈ મારા કરતા લગભગ ત્રીસેક વરસ મોટા હતા.) હું કંઈક હતાશાસૂચક બોલું તો ગુલાબદાસભાઈ કહે – ‘અરે ! તમે તો હજુ જુવાન છો.’ છેલ્લે છેલ્લે ગુલાબદાસભાઈ પાર્લા છોડીને પૂના એમના પુત્ર વિજયના ઘરે રહેવા ગયા ત્યારે ગયા વર્ષે જ હું અને ડૉ. મોહનભાઈ પટેલ એમને મળવા ગયા હતા. ત્યારેય એમણે કંઈક વાતના અનુસંધાને મારા ખભે હાથ મૂકીને હસતાં હસતાં કહેલું : ‘મને 95 થયા અને તમને તો માત્ર 68. તમે તો હજુ જુવાન કહેવાઓ.’ (સાતમો દાયકો પૂરો થવા આવ્યો હોય ત્યારે જુવાન કહેવડાવવું કોને ન ગમે ?)

સાતમા દાયકાની મધ્યમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ગુલાબદાસભાઈ અને ચુનીલાલ મડિયાની વચ્ચે ખટરાગ થયો છે, મનમેળ નથી, મન ઊંચા થયાં છે આવી બધી વાતો સહુ કોઈ જાણતા હતા. વાતમાં સચ્ચાઈ હતી પણ સચ્ચાઈ કરતા વિશેષ અફવા-રસ હતો. એકવાર ગુલાબદાસભાઈને મેં મોઢા મોઢ પૂછી લીધું – ‘શું આ વાત સાચી છે ?’ ગુલાબદાસભાઈએ તરત જ કહ્યું – ‘હા, એ વાતમાં તથ્ય જરૂર છે.’ પણ પછી ઉમેર્યું – ‘પણ તમે એક વાત નોંધી રાખજો, જે દિવસે ગુલાબદાસ બ્રોકર મરી ગયો છે એ વાત સાંભળતાવેંત જે થોડાક આપ્તજનોની આંખ આપોઆપ ભીની થઈ જશે એમાં આ મડિયો પણ એક હશે.’

દુર્ભાગ્યે, મડિયા વહેલા જતા રહ્યા એટલે ગુલાબદાસભાઈની આ ભવિષ્યવાણી સાચી પડેલી જોવાનો અવસર રહ્યો નહિ. જેઓ એકવાર પણ ગુલાબદાસભાઈને મળ્યા છે એમના માટે હવે ગુલાબદાસભાઈ નથી એમ કહેવું સહેલું નથી.

[poll id=”66″]