- ReadGujarati.com - http://www.readgujarati.com -

મુકામ પોસ્ટ-સુખનું સ્ટેશન – શાન્તિલાલ એમ. શાહ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

[dc]સુ[/dc]ખનું સ્ટેશન શોધવાનો પ્રયત્ન હરકોઈ સતત કરતા રહે છે, પણ મહદંશે એમાં સરિયામ નિષ્ફળતા મળે છે. નિષ્ફળતાનું કારણ ખોટી દિશામાં ફાંફાં મારવાનું છે. સાચું સુખ કોને કહેવાય અથવા કઈ રીતે સાચું સુખ મળે એનું ચિંતન-મનન કર્યા સિવાય જ કે સાચા સુખના અધિકારી થયા સિવાય એ દિશામાં દોડવું એ આંધળી દોટ છે. શ્રીખંડ ભાવે છે, આનંદ મળે છે અને સુખનો આભાસ થાય છે પણ ત્યાં સુખ અને સંતોષની રેખા થોડી મિનિટોમાં સમાપ્ત થઈ જાય છે. ગાડી-બંગલા-વ્યાપાર બધું હોય તોય એમાંય સુખની રેખા ક્યારે અદશ્ય થઈ જાય એની જાણ પણ થતી નથી.

‘સંતોષી નર સદા સુખી’ એ હકીકત હોવા છતાં સુખનું પૂર્ણ સ્વરૂપ નથી. સંતોષનો અધિકારી પણ સમયે-સમયે જુદાં સ્વરૂપ લે છે. સાઈકલ લઈને મેળવેલો સંતોષ ક્યારે સમાપ્ત થઈ જાય અને ગાડી મેળવવાનો ઈરાદો ગોઠવાઈ જાય એ ખબર નથી પડતી. સંતશ્રી મોરારીબાપુએ ક્ષણિક સુખમાંથી દુઃખમાં સરી પડવાના ચાર માર્ગ બતાવ્યા છે – અભાવ, કુભાવ, પ્રભાવ અને સ્વભાવ.

ગાડી હોય પણ રોલ્સરૉયસનો અભાવ ક્યારે પ્રગટે એ કહેવું મુશ્કેલ છે, પણ સુખની ભાવના વિખેરાઈ જતાં વાર નથી લાગતી. આપણી પાસે ત્રણ બેડરૂમનો ફલૅટ હોય, એમાં સંતોષ પણ હોય એથી મોટો વૈભવશાળી ફલૅટ માટે અભાવની ભાવના પ્રગટે અને સુખનો ચંદ્ર વાદળાં પાછળ ઢંકાઈ જાય. કોઈના પ્રત્યે ગમે તે કારણે કુભાવ જન્મે તો સુખનો વીંટો વળી જાય અને કોઈના પ્રભાવમાં આવી જઈએ એટલે સુખની વરાળ થઈ જાય અને સ્વભાવનું તો ઓસડ જ નથી, ક્યારે દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય એ કહેવું મુશ્કેલ છે. આજુબાજુનાં વૈભવથી, વ્યાપાર-ધંધામાં સફળતાથી કે સમાજમાં ઉચ્ચ સ્થાનમાંથી સુખ મળે, સંતોષ મળે અને તમે નવમા વાદળ પર વિહરતા હો પણ એ સુખ પત્તાંના મહેલ જેવું છે. સાચું અને શાશ્વત સુખનું સ્ટેશન તમારી ભીતરમાં છે, પણ મન મહેરામણમાં ડૂબકી મારી મહાસુખ મળવાની આપણે દરકાર નથી કરતા.

આમ સ્વની ઓળખ બહુ જરૂરી છે, કારણ કે સુખ હોય પણ શાંતિનો અભાવ હોઈ શકે અને સુખ-શાંતિ હોય તોય આનંદની-નિજાનંદ મળે જ એવું નથી. નિજાનંદ માટે સુખ નામની ચીજની આવશ્યકતા નથી, પણ આ નિજાનંદ મુશ્કેલીથી મળે છે. મનને પૂરું સમજવા માટે મનમાં જામેલા કાદવને ધોઈ નાખવો પડશે. આ કાદવ ધોવા માટે મનને શુદ્ધ બનાવી, એમાં દીવો પ્રગટાવીશું તો પ્રકાશ પથરાશે. મનનો મેલ આ પ્રકાશથી ઉલેચાય તો આત્માનો સાચો પરિચય કરી શકાશે. કોઈ વખત આ પરિચય આત્મસાત થાય તો સુખ, શાંતિ, આનંદની સીમાઓ વિસ્તરી જશે. પ્રત્યેક વ્યક્તિમાં તમને આત્મા દેખાશે અને તમારામાં સદભાવ અને ભગવદભાવ પ્રગટશે. આ ભાવ એ જ નિજાનંદ અને એમાંથી જ શાશ્વત સુખ, શાંતિ અને આનંદનો ધોધ ઉદ્દભવશે.

ગોલોકવાસી સંતશ્રી ડોંગરે મહારાજે ત્રણ શબ્દો આપેલા છે- ચાલશે, ફાવશે અને નભશે. દિલમાં દીવો થયા પછી આ શબ્દો અપનાવવા મુશ્કેલ નહીં પડે. સુખનું સ્ટેશન શોધતા વરિષ્ઠ નાગરિકો માટે સમાધાનવૃત્તિ કેળવવી ખૂબ જરૂરી છે પણ સમાધાનમાં ઉદારતા, મનની વિશાળતા હોવી ખૂબ જરૂરી છે. મનના કોઈ ખૂણે ઉપેક્ષાવૃત્તિ બેસી જશે તો સુખને બદલે દુઃખના સ્ટેશને પહોંચી જશો. એક વખત નિજાનંદનો દીપ પ્રગટે તો સમાધાનવૃત્તિમાંથી આપોઆપ અન્ય કષ્ટો દૂર થતાં જશે અને લાચારીનો ભાવ આપોઆપ દૂર થશે. મન પ્રફુલ્લિત રહેશે, પરિવારના સભ્યો કે મિત્રોને મદદ કર્યાનો ભાવ પ્રગટે તો જીવન ભર્યું-ભર્યું લાગશે. ઘરમાં વડીલની સમાધાનવૃત્તિથી પરિવારમાં અહોભાવ અને સ્નેહ મળશે. ઘરનો વડીલ ટકટક નથી કરતો, વણમાગી સલાહ-સૂચનો નથી આપતો, પરંતુ ઉપરથી નાનું-મોટું કામ કરે છે, જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન કરે એવા સમજુ અને સમાધાનકારી વડીલ હોય તો પૂરા પરિવારને સુખનું સ્ટેશન ઘરની ચાર દીવાલમાં જ મળી રહેશે. સિમેન્ટ-કૉન્ક્રીટના જંગલમાં ઊભેલું મકાન ઘર બની આખરે મંદિર બની જાય છે.

આપણે સૌએ નાનાં-નાનાં વર્તુળ કરી રાખ્યાં છે. એમાંથી બહાર નીકળવું પડશે અને હુંમાંથી અમોના સ્તરે પહોંચવું પડશે. જે પરિવાર સાથે જમે છે કે પ્રાર્થના કરે છે ત્યાં આપમેળે સુખનું સ્ટેશન બની જાય છે, કારણ કે સાથે જમવાથી સહકાર અને ભાવનાનાં બીજ રોપાય છે અને સાથે પ્રાર્થના કરવાથી મન નિર્મળ બને છે, ઈશ્વરીય તત્વ સામે ઝૂકેલું મન છેવટે સ્નેહ, સેવા અને કરુણાથી ઊભરાઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપોઆપ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનું સુખ ક્ષણિક નથી અને અંતે સેવાધર્મ પ્રગટે છે. સેવાધર્મમાંથી સમર્પણની ભાવના જન્મે છે. આ સમર્પણ જ્યારે પૂર્ણ બને ત્યારે દુઃખમાં પણ સુખનો અનુભવ થાય. ઈશ્વરીય તત્વમાં અખૂટ શ્રદ્ધા પ્રગટે. આ સફર અઘરી છે, પણ અંધકારના બોગદાને અંતે તેજલિસોટો પ્રાપ્ત થશે.