વિચારબિંદુઓ (ભાગ-7) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ ભાગ-1 થી 5 રૂપે પ્રકાશિત કર્યા હતાં જે એ પછીથી પુસ્તિકારૂપે ઉપલબ્ધ થયા હતા. ત્યારપછીથી લખાયેલા કેટલાક વિચારબિંદુઓ ભાગ-6 રૂપે પ્રકાશિત થયા અને આજે તે અનુસંધાનમાં આગળ ભાગ-7 પ્રકાશિત કરવામાં આવે છે.]

[1] હમણાં અમદાવાદ એરપોર્ટ પર એક મિત્રને મૂકવા જવાનું થયું. કારના ડ્રાઈવરે પરત ફરતાં એક સરસ વાત કહી. એણે એમ કહ્યું કે : ‘ભારત પહેલી વાર આવતા અજાણ્યાં પરદેશીઓને હું થોડું ફેરવીને એવા સારા રસ્તે લઈ જાઉં છું કે જ્યાં ગંદકી, ગાયો, ભેંસો કે ઝૂંપડપટ્ટી ન હોય. પછી તો જે થાય તે પરંતુ ભારતની પહેલી છાપ એમના મનમાં સારી પડવી જોઈએ ને !’ – આ પણ છે એક દેશસેવા !

[2] જીવનમાં ઘણા બધાને ઘણું બધું જાણવાની તક મળે છે પરંતુ બહુ જ ઓછા લોકોને પોતાના વિશે, પોતાના જીવન વિશે જાણવાની-સમજવાની તક સાંપડે છે.

[3] આપણા જીવનને બે બારી હોવી જોઈએ. એક તો પૂર્વ તરફની અને બીજી પશ્ચિમ તરફની. બંનેને હંમેશાં ખુલ્લી રાખવી જોઈએ જેથી પૂર્વ તરફથી આપણને સંતોષ, શાંતિ, વિવેક, કુટુંબભાવ, આંતરિક સુખ અને યોગ્ય જીવનદર્શન પ્રાપ્ત થાય તથા પશ્ચિમ તરફની આપણને શિસ્ત, સ્વચ્છતા, ટેકનોલોજી અને વિજ્ઞાનની અદ્યતન સુવિધાઓ વગેરેનો લાભ મળે.

[4] વિશ્વાસ એ એવું તત્વ છે જે ઘોર નિરાશારૂપી અંધકારમાંથી એક તેજસ્વી કિરણ સમાન ઉત્પન્ન થાય છે અને બુદ્ધિની બળબળતી બપોર આવે તે પહેલાં વિલય પામે છે !

[5] માણસમાં છત્રીસ ગુણો હોય કે કેમ તે તો એક પ્રશ્ન છે પરંતુ છત્રીસના આંકડા જેવા (પરસ્પર વિરોધી) ગુણો તો ચોક્કસ જ હોય છે !

[6] ઉડાઉડ કરતાં અસ્તવ્યસ્ત કાગળ પર જેમ પેપરવેઈટ મૂકી શકાય છે તેમ અસ્તવ્યસ્ત મનના વિચારો પર પણ પેપરવેઈટ મૂકી શકાતું હોય તો કેટલું સારું ! એમ થાય તો તો સમજ એ જ સાક્ષાત્કાર બની જાય !

[7] અત્યંત નિમ્ન મનોવૃત્તિ ધરાવતા સ્વાર્થી અને દુર્ગુણોની ખીણ જેવા માણસોને મળવાનું થાય છે ત્યારે જ આપણને ગુણોના પહાડ જેવા વિશાળ માનવીઓની મહાનતાનો સવિશેષ પરિચય થતો હોય છે.

[8] મોટેભાગે જુદા જુદા મોબાઈલના ચાર્જર અલગ પ્રકારના હોય છે. માણસનું પણ શું એવું નથી ? દરેક માણસ જુદી-જુદી રીતે ચાર્જ થતો હોય છે. કોઈકને સંગીત ચાર્જ કરે છે, કોઈકને સાહિત્ય તો કોઈને પ્રવાસ અનુકૂળ આવે છે. ગમે તે હોય, પરંતુ આપણી બેટરી ડાઉન ન થઈ જાય એ માટે આપણને જીવનમાં ‘ચાર્જ’ રાખે એવું કશુંક આપણી પાસે હોવું જોઈએ.

[9] માણસના જીવનમાં પિતાનો વિયોગ તો એક વાર આવે છે પરંતુ માતાનો વિયોગ ત્રણ વાર સહન કરવો પડે છે. એક જન્મ સમયે, બીજો માતાના મૃત્યુ સમયે અને ત્રીજો પોતે આ ધરતી છોડીને જતાં.

[10] કોમ્પ્યુટર, મોબાઈલ અને અનેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરતાં કરતાં ક્યારેક એમ થાય છે કે ઓહોહો… આપણે તો કેટલું બધું જાણી લીધું અને કેટલા બધા અપડેટ રહીએ છીએ…. પરંતુ ઉપનિષદ ખોલીને જોઈએ તો પહેલું જ વાક્ય નજરે ચઢે છે કે આ બધું જ જાણનાર જે છે એ જાણનારને તેં જાણ્યો છે ?…. અને આપણે ઊંચા આકાશમાંથી સીધા જમીન પર આવી પહોંચીએ છીએ !!

[11] સૂર્ય પિતા છે, પૃથ્વી માતા છે. એક ગૃહિણીની જેમ આ પૃથ્વી માતાને સતત ફરતા, કામ કરતાં રહેવું પડે છે પરંતુ તે છતાં દુનિયા તો જેમ સૂર્યને જ ફરતાં જુએ છે એમ પિતાના ઑફિસ વર્કને જ મહત્વનું ગણવામાં આવે છે ! માતાના કાર્યની ક્યારેક ઉપેક્ષા થતી હોય છે કારણ કે એ ફરતી જોઈ શકાતી નથી !

[12] કેટલાક માણસો પ્રિપેઈડ મોબાઈલ જેવો સંબંધ રાખતા હોય છે. જેમ પ્રિપેઈડ મોબાઈલમાં બેલેન્સ સાવ ખલાસ થવા આવે છે ત્યારે રિચાર્જ કરવામાં આવે છે એમ ગણતરીપૂર્વક સંબંધ રાખનારા લોકો, ન છૂટકે સંબંધ રાખવા ખાતર, ક્યારેક ફોન કે એસ.એમ.એસ કરી સંબંધને રિચાર્જ કરી લેતાં હોય છે !

[13] નાની ઉંમરે સાહિત્યનું કામ કરનારને એક વિચાર હંમેશા મનમાં આવે છે કે બજારમાં વાળને સફેદ કરવાની ડાઈ કેમ નથી મળતી ? કારણ કે આ ક્ષેત્રમાં તો ઉંમર એ જ મોટામાં મોટું ક્વોલિફિકેશન ગણાય છે !

[14] ઈડલીનું ખીરું તપેલીમાં ઉપર આવેલું જોઈને નાનકડી પલકે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આ શું થયું ? તેની મમ્મીએ તેને સમજાવ્યું કે આને ‘આથો આવ્યો’ એમ કહેવાય. બીજા દિવસે આખો દિવસ ધાબા પર ગાદલાં તપાવીને જ્યારે નીચે પલંગ પર ગોઠવ્યા ત્યારે પલકને લાગ્યું કે ગાદલાંની ઊંચાઈ સહેજ વધી ગઈ છે. તેણે તરત મમ્મીને બોલાવીને કહ્યું, જો…મમ્મી…જો… ગાદલાંને આથો આવ્યો !

[15] બપોરના સમયે એક ગરીબ મજૂર છોકરો હાથમાં ભજીયાનું પડીકું લઈને જતો હતો. ક્યાંક ગલીમાંથી કૂતરા દોડતાં આવ્યા અને એનું પડીકું ધૂળમાં રગદોળાઈ ગયું. કેટલા અરમાનો સાથે આજે માંડ પૈસા ભેગા કરીને ભજીયાં ખાવાનો દિવસ આવ્યો હશે. પરંતુ તેના મોં પર કોઈ દુઃખ નહોતું. ‘જે થયું તે’ એમ માનીને એ ચાલતો થઈ ગયો. કદાચ આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા ભણેલા અને ધનવાન લોકો કરતાં આવા ગરીબવર્ગમાં વધારે હોય છે. એથી જ તેઓ જે સ્થિતિમાં છે એમાં હંમેશા સુખી રહી શકે છે.

[16] કોઈ પણ કલાકારને પોતાની ઉપેક્ષા થતી જોવી ગમે ખરી ? ન જ ગમે. લગ્નસમારંભોમાં થતી સંગીત સંધ્યા ક્યારેક ઉપેક્ષા-સમારંભ બની જતો હોય છે. કલાકાર માટે પ્રેક્ષકોના કાન એ જ તેમને મળેલી ઉત્તમ બક્ષિસ છે.

[17] વ્યક્તિમાં રહેલું શુભત્વ મેગ્નેટ જેવું કામ કરે છે. જેનામાં શુભત્વ હોય એની પાસે બધું આપોઆપ ખેંચાઈ આવે છે. સારા લોકો, શુભ ચિંતન, શુભ વિચાર સહિત દુનિયાની તમામ સકારાત્મક ઉર્જા એની પાછળ દોરાઈ જાય છે. ફૂલે ખીલ્યા બાદ ભમરાને બોલાવવા એડવર્ટાઈઝ નથી કરવી પડતી ! શુભની સુવાસનો પ્રસાર હોય છે, પ્રચાર નહીં !

[18] જ્યાં સુધી તમે શાંતિ, પ્રસન્નતા અને આનંદ રોજેરોજ ડાઉનલોડ કરી શકો છો ત્યાં સુધી તમારું ઈશ્વર સાથેનું કનેકશન બરાબર છે તેમ સમજવું. તમારું ડીવાઈસ (મન) જેટલું સારું હશે એટલી તમને ડાઉનલોડ સ્પીડ સરસ મળશે !

[19] સત્ય હંમેશા કડવું હોય એમ કહીને આપણે સત્યને જાણે કોઈ ડરામણો રાક્ષસ બનાવી દીધો છે. સત્ય મૃદુ, સૌમ્ય અને કોમળ હોય એ વાત આપણે સ્વીકારવા જ તૈયાર નથી. હદ તો ત્યાં થાય છે કે જે કંઈ કડવું છે બધું સત્ય જ હશે ત્યાં સુધી લોકો માની લે છે ! અમુક વ્યક્તિ આક્રમકતાથી બોલે છે એટલે એ સાચો જ હોવો જોઈએ એમ આપણે સમજી લઈએ છીએ. સત્ય કઈ રીતે કહેવાય છે એના પરથી બોલનારની માનસિકતા છતી થતી હોય છે.

[20] નવ વર્ષ નિમિત્તે, લગ્નપ્રસંગે, જન્મદિને કે અન્ય કોઈ હેતુસર અપાતી ચાંલ્લાની રકમને અમુક લોકો સંબંધોનું રિચાર્જ વાઉચર સમજી લેતાં હોય છે. ઓછામાં ઓછું 101નું રિચાર્જ તો કરાવવું જ પડે ! 51નો ચાંલ્લો કરો તો નો ટોકટાઈમ… સંબંધ રાખવા જેવો નથી. 101 કરો તો બરાબર ટોકટાઈમ મળે. 501 કરો તો ફૂલ ટોકટાઈમ… એમના જેવા કોઈ માણસ નહીં…. લાખ રૂપિયાનો સંબંધ !

[21] ઈશ્વર ફક્ત દુઃખમાં જ નહિ, સુખમાં પણ ધ્યાન રાખે છે; કારણ કે સુખમાં તો લપસવાની શક્યતા વધારે હોય છે. તે હંમેશા આપણા જીવનરથને સુખ-દુઃખની વચ્ચે બરાબર મધ્યમાં ઊભો રાખવાની કોશિશ કર્યા જ કરે છે.

[22] સાહિત્ય, સંગીત કે કોઈ પણ કલાના ઉપાસક પોતાનું જગત જાતે બનાવી લેતા હોય છે. તેઓ પોતાના જગતના બ્રહ્મા હોય છે. એ જગતમાં જો રાગ-દ્વેષ, સ્પર્ધા, અસૂયા ન હોય તો તેઓ આઠે પ્રહર આનંદમાં રહી શકે છે. એમની સમીપ રહેનારને પણ એ આનંદની સુવાસ સ્પર્શે છે. ખાસ કરીને આપણા જગતમાં થતા મનના ચઢાવ-ઉતરાવનું તેઓને ભોગ બનવું પડતું નથી. તેમનું મન ઉદ્વેગ પામતું નથી કે વિક્ષિપ્ત થતું નથી. કલાના સાચા ઉપાસકને મનની સ્થિરતા આપોઆપ પ્રાપ્ત થતી હોય છે. સૌમ્યતા, પ્રસન્નતા, આનંદ અને નમ્રતા કલાના ઉપાસકમાં ન દેખાય તો માનજો કે તેઓ હજી જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચી શક્યા નથી.

[23] શાસ્ત્રો એમ કહે છે કે કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઓછું હશે. આજે વિજ્ઞાનયુગની આંખે જોઈએ તો સરેરાશ આયુષ્ય અગાઉ કરતાં વધ્યું છે; તેથી એમ થાય કે સાચું કોણ ? હકીકતે આયુષ્ય એટલે જીવનનો જેટલો સમય તમે પ્રસન્નતામાં અને આનંદમાં પસાર કરો તે. માત્ર શ્વાસ લેતા રહેવું એ કંઈ આયુષ્ય નથી. જીવનમાં સતત ધન્યતાનો અનુભવ થતો રહે એ જ ક્ષણો મહત્વની બની રહેતી હોય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો તો આયુષ્ય સાવ ઓછું થઈ રહ્યું છે એમ કહી શકાય.

[24] કોઈ પણ કલાનું સાચું સૌંદર્ય ત્યારે પ્રગટે છે જ્યારે તેને પ્રસ્તુત કરનાર કલાકાર એ કલાને જીવતો હોય છે. સંગીતની પ્રસ્તુતિ કરનારે પહેલા સંગીત જીવવું પડે છે. લેખકે પહેલાં લેખનને આત્મસાત કરવું પડે છે. જીવન અને કલામાં જો અંતર દેખાય તો લોકો પર પ્રભાવ પાડી શકાય, લોકોના સ્વભાવ સુધી ન પહોંચી શકાય. કલા સ્વભાવને અસર કરે છે, જો એની ગંગોત્રી જીવન હોય તો !

[25] પ્રસન્નતા, પ્રેમ અને સમજણ જો તમે જીવનમાં મેળવી શક્યા હોવ તો પછી તમારે ક્યા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો બાકી રહે છે ?

[26] અગાઉ એવા સંવાદો સાંભળવા મળતાં કે ‘ફલાણા લોકો તો કોઈ પ્રસંગમાં આવતા નથી… બરાબર વહેવાર કરતા નથી… એમની જોડે શું સંબંધ રાખવો !’ હવે આજના ડિજિટલ યુગમાં એવા સંવાદો સાંભળવા મળશે કે : ‘ફલાણા વ્યક્તિ તો એકેય સ્ટેટ્સ લાઈક કરતા નથી, કોઈ કોમેન્ટ કરતા નથી….. તો આપણે શું કામ એમની જોડે સંબંધ રાખીએ !’

[27] આપણા જીવનના મોટાભાગના વ્યવહારો દેખાદેખી ચાલતા હોય છે. બાળકોને આપણે દેખાદેખી જગતની દોડમાં ધકેલીએ છીએ, આપણે પોતે વધુને વધુ આકર્ષક પેકેજ મેળવવા દોડતા રહીએ છીએ, લગ્ન આદિ પ્રસંગો પણ દેખાદેખી ઉજવીએ છીએ. નવાઈની વાત એ છે કે પુસ્તક વાંચન કે પ્રવાસ પણ આપણો દેખાદેખી હોય છે ! આખું જીવન જ જાણે આપણે કોપી કરીને જીવીએ છીએ. કોઈ પણ પ્રકારની સમજ વગર બધું હાંક્યે રાખીએ છીએ. એક ક્ષણ પણ શાંતિથી બેસીને ‘આ આપણે શું કરીએ છીએ’ તે સમજવાનો સમય નથી. છતાં આપણે કહેવાઈએ છીએ શિક્ષિત, ભણેલા અને સમજદાર !

[28] ધનની તૃષ્ણા આમ ઓછી થતી નથી પરંતુ પૈસેટકે માણસ સુખી થાય એટલે તેને કીર્તિની ભૂખ ઉઘડે છે. ખાસ કરીને જ્ઞાતિઓમાં/નાતમાં આગળ પડતા ધનવાન માણસોને જોજો તો ખ્યાલ આવશે કે પ્રસિદ્ધિની ભૂખ સંતોષવા માટે માણસ કેવાં વલખાં મારતો હોય છે !

[29] વેદોમાં એવી પ્રાર્થના છે કે :
હે ઈશ્વર, અમારી આંખો તારું દર્શન કરે, અમારા કાન તારી કથાનું શ્રવણ કરે, અમારા ચરણ તારા તીર્થો પ્રતિ ગતિ કરે… વગેરે વગેરે…

આ ઉપરથી આજના સમયમાં આપણે આમ પણ કહી શકીએ કે….
હે ઈશ્વર અમે ટીવી દ્વારા તારી કથાનું શ્રવણ કરીએ, કાર દ્વારા તારા તીર્થો ની યાત્રા કરીએ, આઈપેડ પર તારી તસ્વીરોનું દર્શન કરીએ, હેડફોનમાં તારા નામનું સંકીર્તન સાંભળીએ, મોબાઈલના રીંગટોન વડે પણ તને જ યાદ કરીએ, ફેસબુક પર તારી જ ચર્ચા હો, કેમેરા વડે તારી પ્રકૃતિના જુદા જુદા રૂપોનું દર્શન કરીએ…. આ જે કંઈ સાધનો છે… હે ઈશ્વર, એ બધા જ તારી સાધના માટે અમને ઉપયોગી થાઓ….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વિચારબિંદુઓ (ભાગ-7) – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.