આપો જવાબ….! – પ્રજ્ઞા મહેતા

[‘તથાગત’ સામાયિક ઓગસ્ટ-2009માંથી સાભાર.]

[dc]શ[/dc]નિવાર બપોરની શાળા. બપોરના બે વાગીને દશ મિનિટે શાળા છૂટવાને થોડી જ વાર હતી. આ છેલ્લા પિરિયડમાં અગિયારમાં ધોરણમાં કામ પૂરું થતા છેલ્લી આઠેક મિનિટ સૌને મુક્તિ આપી. બધાંને ઘેર જવાની ઉતાવળ. એટલામાં જ કલાસના બારણે છ-સાત વર્ષની બાળા સસ્મિત ચહેરે આવીને ઊભી રહી. સવારની પ્રાથમિક શાળા તો ક્યારની છૂટી ગઈ હતી. તો આ અહીં કેમ ?

બારણેથી હાથ લાંબો કરી મને પૂછ્યું : ‘મે આઈ કમ ઈન, ટીચર ?’ મને લાગ્યું કે કંઈ કામ હશે. મેં એને અંદર આવવા દીધી. તે તો આવીને સીધી ચડી ગઈ પ્લેટફોર્મ પર ! બધી છોકરીઓની સામે જોતી, હસતી હસતી ટેબલે હાથ મૂકીને મારી સામે જોઈ રહી ! મેં પૂછ્યું : ‘કોનું કામ છે ?’ તો મારા પ્રશ્નને ઘોળીને પી ગઈ હોય એમ મને પૂછ્યું : ‘હું એક પોએમ બોલું ?’ મારી નવાઈનો પાર નહિ. મેં એને સરખી ઊભી રાખી પછી પોએમ બોલાવા કહ્યું.
‘છન છન કરતી આઈ પકોડી
તેલમેં તૈરતી આઈ પકોડી
મેરે મનકો ભાઈ પકોડી…’
એવી એવી કંઈક કવિતા એ કડકડાટ અને એક્ટિંગ સાથે બોલવા લાગી. એની હિન્દીની ચોપડીમાં પકોડીનું કાવ્ય હતું. એને એ પૂરા આનંદથી બોલતી હતી.

ઉત્સાહ એટલો હતો કે મોટી છોકરીઓને પણ ખૂબ મજા પડી ગઈ. કલાસમાં એની મોટી બહેન બેઠેલી હતી, એની તો મને પછીથી ખબર પડી. એને આનાં નખરાં જોઈને એવી શરમ આવતી હતી કે મોઢું ઢાંકીને બેઠી હતી. મેં આ ટેણીને પૂછ્યું કે ‘તારી બેનને લેવા આવી છે ?’ તો કહે, ‘ના, એની ફ્રેન્ડ શિલ્પાદીદી છે ને, એને લેવા આવી છું. એ મારી પાકી ફ્રેન્ડ છે !’

આખાય પ્રસંગમાં એકદમ નજરે ચડે એવી વાત હતી એનો ગજબનો આત્મવિશ્વાસ ! આટલી નાની છોકરી, મોટી છોકરીઓથી ભરેલા કલાસમાં ને ટીચરની હાજરીમાં સ્વેચ્છાએ આવે, રજા માગે, જાતે જ કવિતા બોલીને બતાવે અને ઘરના સભ્યો વચ્ચે બોલતી હોય એટલી સહજ રીતે, સંપૂર્ણ આત્મવિશ્વાસથી આવી હાવભાવ સાથે હસતી હસતી કવિતા રજૂ કરે એને તો બે બે હાથે સલામ જ હોય ને ! માત્ર એ જ નહિ, આજની આખી બાળપેઢી આ આત્મવિશ્વાસથી છલોછલ છે એવું અનેકવાર મેં જોયું છે. ક્યાંય અટક્યા વિના, સંકોચ વિના, શેહશરમમાં દબાયા વિના, પોતાને જે કહેવું ને કરવું હોય તે કહે જ છે ને કરે જ છે. એની રજૂઆત પણ સીધી, નિર્દંભ ને સ્પષ્ટ હોય છે.

આવો જ એક બીજો પ્રસંગ યાદ આવે છે. શાળાથી છૂટ્યા બાદ બહાર આવતાં જ એક દશ્ય જોયું. બપોરની પ્રાથમિક શાળાની એક બાળા એકલી જ રીક્ષામાં બેસીને આવી. ઉતરીને રીક્ષાવાળાને પૈસા પૂછવા લાગી. મને નવાઈ લાગી. આટલી નાની છોકરી રીક્ષામાં એકલી જ શી રીતે આવી હશે ? ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેણે ખિસ્સામાંથી નાનું પાકીટ કાઢ્યું. દસની નોટ ધરી અને થોડાક પૈસા પાછા લઈ, પાકીટમાં મૂકી મારી સામે પગથિયા પર આવી. મેં એને પૂછ્યું : ‘તું રીક્ષામાં એકલી જ આવી ?’
તો કહે, ‘હા ટીચર, કેમ ? એમાં શું ?’
મેં પૂછ્યું : ‘તું રીક્ષામાં ક્યાંથી બેઠી ?’
તો કહે ‘વાસણાથી…’
‘રોજ આ રીતે આવે છે ?’
તો કહે : ‘ના ટીચર, આજે મારા રીક્ષાવાળા અંકલ આવ્યા જ નહિ. એટલે હું મારી ફ્રેન્ડને ઘરે ગઈ. પણ એને તો એના પપ્પા મૂકવા જતા રહેલા. એટલે પછી મેં રીક્ષા ઊભી રાખી અને હું આવી ગઈ.’
મારાથી પૂછાઈ ગયું, ‘તને રીક્ષા કરતાં આવડે છે ?’
તો કહે : ‘એમાં શું ? હાથ ઊંચો કરીને રીક્ષા ઊભી રખાવવાની. પછી મીટરમાં બધા ઝીરો જોઈ લેવાના ને બેસી જવાનું. ઉતરીને અન્કલ કહે તેટલા પૈસા આપી દેવાના. આ તો સહેલું છે !’ મને રમૂજ થઈ કે બેસતાં પહેલાં મીટર પણ જોવાનું ને પછી અન્કલ કહે તેટલા પૈસા આપવાના ! પણ એના મુખ પર જે આત્મશ્રદ્ધા ચમકતી હતી, એની ટટ્ટાર ડોકમાંથી જે અડગ વિશ્વાસ પ્રગટતો હતો ને એની વાત કરવાની રીતમાં જે રણકાર હતો, સમગ્ર બોડી લેન્ગવેજમાં આત્મવિશ્વાસનો જે ઝગારો હતો…. ધન્ય થઈ જવાયું !

ઊગતી પેઢીને આપણે નઠારી કહીએ, વિવેકહીન કહીએ, નકામી કહીને તિરસ્કારથી ઉતારી પાડીએ એ આપણી ભારોભાર કુટેવ છે. પણ એના દઢ આત્મવિશ્વાસની સરખામણી તો કરો ! એ ઉંમરે આપણે કેવા ‘ઢ’ હતા તે ચિત્ર યાદ કરી જવું એકવાર ! ગળું ખોંખારીને આ નવી પેઢી કહેશે…. અન્કલ, આન્ટી જવાબ તો દો હવે !

[poll id=”67″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આપો જવાબ….! – પ્રજ્ઞા મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.