વ્યસ્તતા – ભરત દવે

[ રીડગુજરાતી પર ‘નવનીત સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તથાગત’, ‘ઉદ્દેશ’, ‘જનકલ્યાણ’, ‘ભૂમિપુત્ર’ વગેરે સામાયિકોમાંથી લેખો પ્રકાશિત થતા હોય છે. આ યાદીમાં હવે એક નવા નામનો ઉમેરો થયો છે, અને તે છે ‘નવચેતન’. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકની સ્થાપના સ્વ. ચાંપશી ઉદેશીએ કરી હતી. વર્ષો સુધી સ્વ. મુકુંદ પી. શાહે આદ્યતંત્રી તરીકે તેની સેવા કરી હતી. હાલમાં આ સામાયિકના તંત્રી તરીકે પ્રીતિબેન એ. શાહ સેવાઓ આપી રહ્યા છે. સામાયિકના માલિક, મુદ્રક અને પ્રકાશક છે શ્રી હેમન્ત એમ. શાહ. આ સામાયિકનું ભારતમાં લવાજમ રૂ. 300 છે અને પરદેશમાં રૂ. 2500 છે. વધુ માહિતી માટે આપ આ સરનામે સંપર્ક કરી શકો છો : નવચેતન કાર્યાલય. 61-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-380007. ફોન : +91 26600959. આજે માણીએ એક લેખ ‘નવચેતન’ એપ્રિલ-2012માંથી.-તંત્રી]

[dc]કો[/dc]ઈને તમે પૂછો કે ફલાણું પુસ્તક વાંચવા જેવું છે, તમે વાંચ્યું ? તો કહેશે, ‘સમય જ ક્યાં છે ?’ કોઈ સરસ કલાત્મક ફિલ્મ શહેરમાં આવી હોય ને પૂછો કે તમે એ ફિલ્મ જોઈ તો કહેશે ‘આજકાલ સમય જ મળતો નથી.’ સ્વાસ્થ્ય સંબંધી વારંવાર ફરિયાદો કરતી રહેતી કોઈ વ્યક્તિને તમે હંમેશાં સાજા-સ્વસ્થ રહેવાના સરળ ઉપાય તરીકે રોજ સવારે ઊઠીને ચાલવા જવાનું સૂચન કરો તો કહેશે, મન તો ઘણું થાય છે પણ બહુ વ્યસ્ત રહું છું. સમય જ મળતો નથી. આમાંના કોઈ ચોખ્ખેચોખ્ખું એમ નથી કહી દેતા કે એવું કોઈ સાહિત્ય વાંચવાનો મને બિલકુલ શોખ જ નથી. કોઈ એ નહીં સ્વીકારે કે હું અનેક ચીલાચાલુ હિંદી ફિલ્મ જોઉં છું પણ ઑસ્કારવિજેતા કે અન્ય નામાંકિત દિગ્દર્શકોની ફિલ્મોમાં મને કોઈ ગતાગમ પડતી નથી ને એ તરફ મારી કોઈ રુચિ પણ નથી. કોઈ એ કબૂલ નહીં કરે કે નિયમિતપણે કસરત કરવા કે ચાલવા-દોડવા કે તરવા જેવી બાબતો પ્રત્યે હું પૂરેપૂરો આળસુ છું. ઊલટાના સૌ બહારથી એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે સારું સાહિત્ય વાંચવાનો અમને પણ તમારા જેટલો જ શોખ છે, ઉચ્ચ કક્ષાની ફિલ્મો કે નાટકો જોવામાં પણ પૂરેપૂરો રસ છે, સવારે નિયમિત ચાલવા જવાનું મેં અનેક વાર નક્કી કર્યું પણ કોણ જાણે કેમ, કામમાંથી સમય જ બચતો નથી.

તમામ લોકો ટીવી, ફિલ્મ, હરવા-ફરવા, ખાવાપીવા ને ખરીદી-મેળાવડાઓ પાછળ પુષ્કળ સમય આપી દે છે પણ સો-દોઢસો પાનાનું પુસ્તક વાંચવાનો તેની પાસે સમય નથી હોતો. આથી ઊલટું, ‘મને પણ તમારા જેવો જ શોખ છે’ એવું કહીને સંતોષ લેનાર વ્યક્તિઓ હોય છે જે ક્યારેક ઘરે આવે અને વાત નીકળે તો આપણી પાસેથી કોઈક સારું પુસ્તક કે કોઈ અદ્દભુત ગેરહિન્દી ફિલ્મની કે શાસ્ત્રીય સંગીતની સીડી-ડીવીડી માંગીને લઈ જાય છે પણ તેમાંથી પણ મોટા ભાગનાને તમે બે મહિને પણ પૂછપરછ કરો તો જાણવા મળે કે તે વાંચવા-જોવાનો સમય જ તેઓ નથી કાઢી શક્યા. મતલબ કે તમને સારું દેખાડવા પુસ્તક કે ડીવીડી તેઓ લઈ તો ગયા પણ વાસ્તવમાં તેમની એમાં બહુ ઊંડી રુચિ હતી જ નહીં. શક્ય છે કે આ જ ગાળા દરમ્યાન આ મિત્રોએ ઉપર જણાવ્યા મુજબના બીજા સામાજિક મેળાવડાઓમાં કે હોટલ-સિનેમામાં સારો એવો સમય ફાળવ્યો હોય.

આજકાલના લોકોનું આ એક સર્વસામાન્ય લક્ષણ છે કે બધા વ્યસ્ત છે. કોઈની પાસે સમય નથી. બધા દોડી રહ્યા છે. બધાને કોઈ ને કોઈ કામ છે. કોઈને વાત કરવાની, પત્ર લખવાની, રૂબરૂ મળવાની કે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવાની ફુરસદ નથી. લાગે છે કે દરેક વ્યક્તિ સવારે ઊઠતાંની સાથે જ ઘડિયાળને કાંટે દોડવા લાગે છે. આજે સમય બદલાયો છે. ભણતર વધ્યું છે. કામની તકો પણ વધી છે. પરિણામે દરેક ક્ષેત્રે સ્પર્ધા જોવા મળે છે. પહેલા જેવી શાંતિ, સંતોષ અને આરામપ્રિયતા હવે ચાલે તેમ નથી. બધું ઝડપી બની ગયું છે. તમામ શહેરો મોટાં થયાં છે. તેનાં અંતરો વધ્યાં છે. વાહનોની સુવિધા મળી છે પણ સાથે રસ્તાઓ પર ભીડભાડ, ઘોંઘાટ અને પ્રદૂષણ ઘડિયાળને કાંટે દોડતા રહેતા માણસને હદ બહારનો થકવી નાખે છે. પરિણામે લોકોમાં કંઈક ન સમજાય એવા તનાવ-તંગદિલી વધતા રહે છે. માણસ બેય રીતે વ્યસત છે : શરીરથી અને મનથી. આમાં કદાચ મનની વ્યસ્તતા માણસને વધારે પજવે છે. નિર્ધારિત કામ પહેલાં કે કામ પછી પણ આ મન સાવ મુક્ત થઈ શકતું નથી. પરિણામે આ બોજ અને તનાવમાંથી મુક્ત થવા માટે માણસ કદાચ અત્યંત સાધારણ સ્તરનું, જાડું, સ્થૂળ, ભડકીલું, મનોરંજન ઝંખે છે જે તેને હળવા થવામાં થોડુંક મદદરૂપ થાય.

માણસ માત્ર દર વખતે, હર પળે પોતાના કામને લઈને જ વ્યસ્ત રહે છે તેવું પણ સાવ નથી. કારણ કે એ તો હવે કદાચ એક રુટિન, નિત્યક્રમ બની ગયો છે. આજનો માણસ સંતોષકારક ધંધો-નોકરી ધરાવતો હોવા છતાં એકદમ ઠરીઠામ થયેલો જોવા મળતો નથી. ધંધા ઉપરાંત તે બીજી જથ્થાબંધ પળોજણો ગળે વળગાડીને ફરતો જણાય છે. તેને આવક કે પગાર ઉપરાંત બીજું ઘણું બધું મેળવવું છે. તેને ઉચ્ચ પદ જોઈએ છે, સત્તા જોઈએ છે, લોકપ્રિયતા કે ખ્યાતિ જોઈએ છે, તેની પ્રત્યેક નાનીમોટી ઉપલબ્ધિઓના બદલામાં માનસન્માન કે પુરસ્કાર જોઈએ છે. ભદ્રસમાજમાં ઊંચી ઊંચી ઓળખાણો ને સંબંધો જોઈએ છે, સામાજિક ક્ષેત્રે પહેલી હરોળમાં સ્થાન જોઈએ છે. તેની ભૂખ કે આકાંક્ષાઓનો કોઈ અંત જ નથી.

મોટા ભાગનાઓને સ્વાભાવિક રીતે જ વધારે ઊંચું વળતર કમાવી આપનાર ધંધાનોકરીની તલાશ છે. કેટલાકને ચાલુ ધંધા-વ્યવસાયને વધુ ને વધુ વિકસાવવાની, ફેલાવવાની, સમૃદ્ધ કરવાની મહેચ્છા છે. જેમની પાસે નોકરી હોય તો તેમને ફટાફટ બઢતી-પ્રમોશન મેળવવાની તાલાવેલી છે. કેટલાક લોકો નવું ઘર, રાચરચીલું, બાઈક કે મોટરકાર, એલસીડી, ટીવી, પત્ની માટે ડાયમન્ડ નેકલેસ વગેરેની જોગવાઈઓ પાછળ રચ્યાપચ્યા રહે છે. ઘણાંને પોતાનાં સંતાનોનાં ભણતર, યોગ્ય સ્થળે એડમિશન, તે માટેનાં ડોનેશન્સ, ઉપરાંત આગળ ઉપર તેમને નોકરીધંધે લગાડવાથી માંડીને પરણાવવા સુધીનો માનસિક બોજ તેના મગજના પ્રત્યેક ચેતન-અચેતન કોષોને હંમેશા કાર્યરત રાખે છે. આજકાલ તો ઘણાં કુટુંબો સંતાનોને આગળ ભણવા માટે પરદેશ મોકલવાના કે કોઈક કિસ્સામાં પોતે જાતે જ કોઈક રીતે પરદેશ પહોંચી જઈને ત્યાં કાયમી બની જવાના પ્રયત્નોમાં રાતદિવસ લાગેલા જોવા મળે છે.

પણ આ બધું કદાચ સંપૂર્ણ સત્ય નથી. અમુક ટકા માણસો સાચોસાચ વ્યસ્ત હોય છે એ ખરું પણ બાકી મોટા ભાગના લોકોનાં મોંએથી બોલાતી રહેતી વ્યસ્તતાની દલીલ સાચી કે સ્વીકાર્ય નથી. મોટા ભાગના કિસ્સામાં તો એ ન ગમતી બાબતોને નકારવા માટેનાં જ ફક્ત બહાનાં જ છે. જે જે બાબતોમાં વ્યક્તિને રુચિ નથી, લગાવ નથી, દાનત નથી : જેની તેના જીવનમાં ખાસ પ્રાથમિકતા નથી એવી એવી બાબતોની સામે તે વ્યસ્તતાનું બહાનું આગળ ધરી દઈ છુટકારો ઈચ્છે છે. સમાજમાં કે પોતાનાં સીમિત વર્તુળમાં પોતાની પ્રતિષ્ઠા ઊંચી રાખવા કઈ કઈ બાબતો સારી ગણાય છે એ વાતની તેમને પૂરેપૂરી જાણ હોય છે અને વળી સાથેસાથે એ સારી ગણાતી બાબતોને પહોંચી વળવાનું તેનું પોતાનું કોઈ ગજું નથી એ પણ જાણતો હોય છે એટલે આજકાલનું સૌથી અસરકારક એવું વ્યસ્તતાનું કારણ આગળ ધરી દઈ તે પોતાની ખામીઓને ચાલાકીથી ઢાંકી દઈ બધા વચ્ચે પોતાનું મસ્તક ઊંચું રાખે છે.

વ્યસ્તતાની આ દલીલ ગૃહિણીઓમાં પણ ઓછી નથી. પુરુષના મુકાબલે સ્ત્રીઓ કદાચ વધારે વ્યસ્ત રહેતી હોય છે પણ છતાં પોતાના વિકાસ અને સ્વાસ્થ્ય માટે સમય કાઢવો એ તો વ્યક્તિના સંકલ્પ પર આધાર રાખે છે. પોતાની પ્રાથમિકતાઓ વ્યક્તિ જાતે નક્કી કરી શકે છે. મોબાઈલના ઉપયોગ પર સંયમ રાખે, ટીવી પરની શ્રેણીઓમાં પણ ફક્ત એક-બે શ્રેણી જોવા ઉપર મર્યાદા મૂકે, વહેલાસર ઊઠીને ઝડપભેર બધાં કામ નિપટાવી પોતાના માટે સમય રહે તેવી ગોઠવણ કરે, દરેક કામ માટે નક્કી ટાઈમ-બજેટ, નિશ્ચિત સમયનું વ્યવસ્થિત આયોજન કરે, તે માટે ઘરના સભ્યો સાથે પણ વાતચીત કરી એ બધાનો યોગ્ય સહકાર મેળવે (જે ઘણા કિસ્સાઓમાં તરત સરળ નથી બનતું) તો તે પોતાના માટે જરૂરથી થોડોક સમય બચાવી શકે. ત્રણ કામ માટે દિવસમાં અલગ અલગ સમયે ત્રણ વાર બહાર જવાને બદલે પહેલેથી દરેક કામની યાદી બનાવીને એક વાર એકીસાથે બહાર આવવા-જવાનું આયોજન કરે તો ઘણો સમય, શક્તિ અને પેટ્રોલ બચાવી શકાય. અમુક કામ બહુ અનિવાર્ય ન હોય અને બીજા-ત્રીજા દિવસે જો બીજા કોઈ કામ માટે બહાર નીકળવાનું નક્કી જ હોય તો તે વખતે પેલા પડતર કામને ધ્યાનમાં રાખી એક જ ફેરામાં એકીસાથે તમામ કામો આવરી લઈ સમય બચાવી શકાય. ઘરને જરૂરી ચીજવસ્તુની ખરીદી તો સમજ્યા પણ સાવ અકારણ, જિજ્ઞાસા સંતોષવા છાસવારે કપડાં-ઘરેણાંના સ્ટોર્સમાં આંટાફેરા મારવામાં કેટલી બધી સ્ત્રીઓનો સમય વેડફાઈ જતો હશે તેની કલ્પના કરો. કેટલીય સ્ત્રીઓ સાચેસાચ ખરીદવા નહીં, ફક્ત શોખથી જોવા-ફરવા ને સહેલીઓ જોડે બહાર જમી લેવા આવો સમય ખર્ચે છે. આમાંની ઘણી સ્ત્રીઓ એવી હશે કે જેમને પ્રાણાયામ, દોડવા, ચાલવાની કે અન્ય વ્યાયામ કરવાની તાતી જરૂરિયાત હશે પણ કેવળ વ્યસ્તાનું બહાનું આગળ ધરી સમય નહીં ફાળવતી હોય.

વ્યસ્તતાનું ગાણું ગાતા કેટલા બધા લોકો આજકાલ ચીલાચાલુ સિનેમા કે નાટક પાછળ એકંદર ત્રણચાર કલાક ફાળવતા આસાનીથી જોઈ શકાય છે. ઘરમાં રહીને પણ લોકો- ખાસ કરીને સ્ત્રીઓ કલાકો સુધી કે મોડી રાત સુધી સાવ ઢંગધડા વગરની ટીવી-શ્રેણીઓ જોયા કરે છે જે ક્યાંય કોઈ રીતે તેમના જીવનમાં ઉપકારક નથી. ઊલટું, કથાઓમાં આવતા અતિરેકો અને વિકૃતિઓ જોનારનાં મન બગાડે છે, અકારણ તેને વિચલિત કરે છે. ઉપરાંત સામાજિક સંબંધો ને પરસ્પર વ્યવહારોનો પથારો પણ આપણે બહુ બધો ફેલાવી મૂક્યો છે. તેમાં આપણે શારીરિક, માનસિક અને આર્થિક રીતે પણ ઘસાતા રહીએ છીએ. બધામાં ઉપરથી દેખાતી છાકમછોળ ને કેવળ ભભકો છે. લગ્ન, જન્મદિવસ કે અન્ય પ્રસંગો નિમિત્તે યોજાતી પાર્ટી કે સમારંભોમાં લોકો કેટલા આરામથી સમય વેડફી દેતા નજરે ચડે છે ? આજકાલ ફિલ્મી સંગીતની પણ જબરી બોલબાલા છે. કોઈ ને કોઈ નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં કાન થકવી દે તેવા ઊંચા અવાજે પીરસાતું સંગીત આપણી ઘોંઘાટમય શહેરી સંસ્કૃતિનો એક દુર્નિવાર હિસ્સો બની ગયું છે.

રાત્રે અગિયાર પછી માઈક નહીં વાપરવાનો કાયદો ફકત પોલીસ-દફતરોના કાગળોમાં જ દટાઈને પડ્યો છે. આ પ્રકારના લોકો આસપાસના કેટલા બધા લોકોનાં કામમાં કે આરામમાં ખલેલ પાડે છે તેની જાણે કોઈને કશી પરવા જ નથી ! કોઈના ઘરે મળવા અવારનવાર જતા લોકો પણ મોડી રાત સુધી બેસી તદ્દન વ્યર્થ ટોળાટપ્પા કરતા કલાકો સુધી બેસી શકે છે. શહેરની હોટલો, રસ્તા પરની જંક-ફૂડની લારીઓ, લૉ-ગાર્ડન કે સી.જી. રોડ જેવાં જાહેર સ્થળોએ કાર કે સ્કૂટરોના કાફલા સાથે મોડી રાત સુધી બેસી રહેતા યુવાન સ્ત્રીપુરુષોના સમૂહો રોજ નજરે ચડે છે. ક્યાંય લાગતું નથી કે માણસો વ્યસત છે. વ્યસ્તતાની દલીલ ફક્ત સગવડભરી છે.

યુવાવર્ગની દિનચર્યા પણ બહુ પ્રભાવિત થવા જેવી નથી. રોજ સવારે દરેક કૉલેજની બહાર વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં પોતપોતાનાં વાહનોની આસપાસ ઊભાં રહી ટોળાટપ્પા કરતા જોઈ શકાય છે. નાનાં નાનાં કારણોસર તેઓ એકથી બીજા સ્થળે મોટરબાઈક પર આવ-જા કરી સમય ને પેટ્રોલ બેય બગાડતા ફરે છે. ધાર્મિક ને આધ્યાત્મિક ગુરુઓના સાત-સાત દિવસ ચાલનારા સત્સંગ-સમારોહમાં પણ ભરપૂર માનવમેદની ઊમટતી જોવા મળે છે. એમાં કેટલાક તો એક ને એક કથાકારની સભામાં દર વખતે હાજર રહેવાની ભક્તિ ને વફાદારી દર્શાવે છે. ખાનગી ધંધાદારીઓ અને નોકરિયાતો ખરેખર કામકાજમાં રોકાયેલા રહે છે પરંતુ સરકારી નોકરી કરનારાઓની સ્થિતિ થોડીક જુદી છે. સરકારી નોકરીઓના સ્થળે આજકાલ વાતાવરણ થોડુંક ચોક્કસ સુધર્યું છે પણ બાકી ત્યાં પણ છાસવારે કર્મચારીઓ દિવસમાં કેટલીય વાર ચા-પાન કે સિગારેટ માટે અંદર-બહાર કરતા રહે છે, અથવા કોઈના રૂમમાં કે બહાર અડ્ડા જમાવીને બેઠેલા જોવા મળે છે. નોકરી પર સમયસર પહોંચવામાં થોડીક કડકાઈ ચોક્કસ આવી છે પણ પહોંચ્યા બાદ નિષ્ઠાથી ખુરશી પર બેસી રહીને સમયસર કામ નિપટાવવાનું ‘વર્ક કલ્ચર’ હજુ આપણે ત્યાં વિકસ્યું જણાતું નથી.

મોબાઈલના બેફામ વપરાશે તો દાટ વાળી નાખ્યો છે. મોબાઈલને કારણે કૉલ કરનાર તેમજ કૉલ રિસીવ કરનાર- બંને જણાં સમયનો પારાવાર ભોગ આપે છે. ઘણા લોકો એવા છે કે જેઓ કામને વખતે ફક્ત અગત્યના કૉલ જ રિસીવ કરે છે પણ એ નક્કી કરવા માટે પણ વારંવાર વાગતી ઘંટડી પ્રત્યે ધ્યાન આપતા રહી એક પ્રકારે પોતાના કામમાં તો ખલેલ પાડતા જ રહે છે. આવા લોકો માટે કદાચ કામમાં એકાગ્રતા રાખવી અપેક્ષિત જ નથી. હર પળે પોતપોતાના સંબંધો જ કેન્દ્રમાં છે. બહારનાઓ સાથે આ રીતે નાનીમોટી વાતો કરવામાં મશગૂલ રહેવું તે રોજિંદી દિનચર્યાનો જાણે એક સ્વીકૃત ભાગ બની ગયું છે. મોબાઈલ કૉલ્સની આ સતત આવનજાવન તેમને તો વિચલિત કરે જ (જેને કદાચ હવે તમે ‘ખલેલ’ પણ નહીં જ ગણતા હોવ) પણ તેમની આસપાસ નિષ્ઠાથી કામ કરવા ઈચ્છનાર અનેક વ્યસ્ત લોકોને ખલેલ પાડી શકે છે એ વિચારવા-સમજવાનું સીધુંસાદું સૌજન્ય પણ આજના લોકો ગુમાવી બેઠા છે. આજકાલ દરેક માણસ દેખીતી રીતે જ એટલો બધો સમય મોબાઈલ પાછળ બરબાદ કરે છે કે પોતાની આ સતત વ્યસ્ત હોવાની દલીલને આજના આ મોબાઈલ કલ્ચરે જ સર્વથા ધ્વસ્ત કરી નાખી છે !

કોઈ કહેશે કે વ્યસ્ત છે એટલે તેનો અર્થ એ તો નહીં કે લોકો હળવા થવા પોતાની જાત માટે પણ બિલકુલ સમય ન કાઢે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અને પસંદગી પ્રમાણે એક યા બીજા કાર્ય-હેતુ માટે સમય ફાળવે જ છે. વ્યસ્ત માણસ એટલો સમય પણ ન ફાળવે તો સ્વસ્થ મને એકેય કામ સારી રીતે ન કરી શકે. મતલબ એટલો જ કે વ્યસ્તતા એ વ્યક્તિગત તેમજ સાપેક્ષ બાબત છે. મારા માટે કોઈ સારું પુસ્તક વાંચવું તે પ્રાથમિકતા છે. તમાર માટે પ્રાથમિકતા કંઈક બીજી બાબત છે. મારા માટે વાંચવું તે પણ મારી યાદી પ્રમાણે એક અગત્યનું કામ જ છે. બીજા કોઈ માટે વાંચવું એ કોઈ સરસ ચિત્ર-પ્રદર્શન જોવા જેવું તે ફક્ત એક નવરાશની પ્રવૃત્તિ છે અને તેમના કહેવા મુજબ એવી નવરાશ, કદાચ, તેમની પાસે નથી. આમીરખાન જેવો સફળ વ્યસ્ત અભિનેતા પણ વર્ષમાં કેટલાં બધાં પુસ્તકો વાંચવાનો સમય કાઢે છે. તે સમજે છે કે ઉમદા વાંચન તેની સર્જનાત્મક કારકિર્દીનો જ એક અનન્ય હિસ્સો છે. પ્રિયંકા ચોપરા જેવી વ્યસ્ત અભિનેત્રી પણ શૂટિંગ સમયે વચ્ચે મળતા વિરામ દરમ્યાન સમય બગાડવાને બદલે ક્યાંક શાંત ખૂણ બેસી મનગમતું પુસ્તક વાંચતી રહે છે. અનિલ અંબાણી જેવો વ્યસ્ત ઉદ્યોગપતિ નિયમિતપણે વ્યાયામ કરે છે ને દોડવા જાય છે. કારણ એટલું જ કે તેમને માટે ચાલવા જવું કે ટેનિસ રમવું તે એમનાં બીજાં અગત્યનાં કામો જેટલું જ અગત્યનું છે. ગાંધીજી જેવી વ્યક્તિ પણ તેની અપાર વ્યસ્તતા વચ્ચે રોજ સાંજે ચાલવા જવાનો સમય અચૂક કાઢતી. ચાલવાના સમયગાળા દરમ્યાન જ તે અનેક મુલાકાતીઓ જોડે જરૂરી વાત કરી લેવાનો સમય પણ કાઢી લેતા. રોજના કેટલા બધા પત્રો પણ તેઓ લખતા ! આશ્રમનાં બાળકો જોડે રમવાનો સમય પણ તે ફાળવતા. જાત જાતની વ્યસ્તતાની સાચી-ખોટી દલીલો વચ્ચે પોતાની જાત માટે પણ સમય ન કાઢતા આજકાલના કેટલાય લોકોએ ગાંધીજીના જીવનનાં આ પાસાંનો અભ્યાસ કરવા જેવો છે. એ પછી આપણે સ્વીકારવું પડે કે કમસેકમ આપણે ગાંધીજી કે અંબાણી જેટલા તો વ્યસ્ત નથી જ નથી !

આ આજની કહેવાતી ‘વાસ્તવિકતા’ આપણે જ સર્જી છે. એટલે તેમાંથી સમય પણ આપણે જ કાઢવાનો છે. વ્યસ્તતા આખરે આપણાં વિકાસ અને સમૃદ્ધિ માટે છે. પણ વિકાસ જેમ બહાર છે તેમ અંદર પણ જરૂરી છે. એ આપણે ભૂલી રહ્યા છીએ. શરીરની જેમ જ માણસના આત્માને પણ પોતાનો ખોરાક જોઈએ છે. ઉમદા વાચન, ઉમદા સંગીત, શ્રેષ્ઠ નાટકો કે ફિલ્મો, ઉચ્ચતમ કાવ્ય કે સાહિત્યગોષ્ઠિઓ, જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો કે રસપ્રદ કલા-પ્રદર્શનો આ બધો આત્માનો ખોરાક છે જેના વડે માણસનું સંવેદનતંત્ર રચાય છે, ઘડાય છે, તેની કલાદષ્ટિ વિકસે છે. જીવનના બીજા અનેક આયામોને તે બૌદ્ધિકકક્ષાએ સમજી-ઉકેલી શકવાને સમર્થ બને છે. માણસ છે તો વ્યસ્તતા છે, માણસ જ નહીં રહે તો વ્યસ્ત કોણ રહેશે ? જાતનો, સ્વજનનો, કુટુંબનો, પ્રિયજનોનો, ગમતી પ્રવૃત્તિઓનો ભોગ આપીને સ્વીકારાતી આજની વ્યસ્તતા આપણને આખરમાં આપી આપીને શું આપશે ? કોલેસ્ટેરોલ ? ડાયાબિટીસ ? અપચો ? એસિડિટી ? ગભરામણ કે લોહીનું ઊંચું દબાણ ? તો શા માટે અત્યારથી જ જાગી જઈને આપણને ઉપકારક એવું સમયપત્રક ન બનાવીએ ? ટાઈમ-મૅનેજમેન્ટ આપણા હાથની વાત બનવી જોઈએ. દિવસથી રાત સુધીના આપણા ક્રમને બહુ બારીકાઈથી ચકાસીશું તો સમજાશે કે સવારે ઊઠવાથી માંડીને રાત્રે પથારીમાં સૂવા સુધીમાં આપણે ક્યાં ક્યાં કેટલો સમય બરબાદ કરીએ છીએ. અગાઉ કહ્યું તેમ જો મોટા મોટા કહેવાતા માણસો પણ પોતાને ‘ફિટ ઍન્ડ હેલ્ધી’ રાખવા માટે પોતાની ગમે તેવી વ્યસ્તતામાંથી સમય કાઢી શકતા હોય તો આપણે કેમ ન કાઢી શકીએ ? યાદ કરી જુઓ, આપણને ગમતી બાબતો આપણે ક્યારેય કોઈ જ ભોગે છોડતા નથી. મતલબ કે અવકાશ તો ચોક્કસ છે. સવાલ છે ફક્ત આપણી વિવેકબુદ્ધિનો, જે સાવ ખોટી પ્રાથમિકતા નક્કી કરીને ઉપરથી ‘વ્યસ્તતા’નો સ્વાંગ સજીને બેઠી છે !

[poll id=”68″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વ્યસ્તતા – ભરત દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.