- ReadGujarati.com - http://www.readgujarati.com -

મૉડર્ન માન્યતાઓ – મુકેશ મોદી

[ માન્યતાઓ આદિકાળથી ચાલતી આવે છે. માન્યતાઓ જૂની જ હોય એવું પણ નથી. આજનો જમાનો પણ અજાણતાં અનેક માન્યતાઓ ધરાવતો હોય છે જેના વિશે શ્રી મુકેશભાઈએ ખૂબ સુંદર વાતો તેમના તાજેતરના પુસ્તક ‘મૉડર્ન માન્યતાઓ’માં કરી છે. આ પુસ્તકમાં રાજકારણ, ટેકનોલોજી, સામાજિક, અધ્યાત્મિક જેવા જુદા જુદા ક્ષેત્રોની અનેક નવી માન્યતાઓનો સમાવેશ થાય છે. આપ મુકેશભાઈનો આ નંબર પર +91 9428076940 અથવા આ સરનામે mukesh2771@gmail.com પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] વર્ચ્યુઅલ કનેક્ટિવિટી

કમ્પ્યૂટર-ઈન્ટરનેટના આગમન અને વ્યાપ પછી, એક પેઢી એવી છે જે એવું માને છે કે નેટ દ્વારા કનેક્ટ રહીએ એને જ કનેક્ટ થયેલા ગણાઈએ. ફેસબૂક, ટિવટર, ઈ-મેલ અને એસ.એમ.એસ.ના ભાર નીચે આ યુવાનપેઢી દબાયેલી જોવા મળે છે. એવરીથિંગ ઈઝ વર્ચ્યુઅલ ફોર ધીસ જનરેશન ! સંબંધોમાં પણ રૂબરૂમાં ઓછું મળવાનું અને નેટ દ્વારા વધુ સંપર્કમાં રહેવાનું આ પેઢીને ફાવી ગયું છે. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં એક હળવી શૈલીમાં લખાયેલો લેખ વાંચ્યો હતો, જેમાં મા એના દીકરાને ફેસબુકની ‘વૉલ’ ઉપર લખીને જણાવે છે : ધ લન્ચ ઈઝ રેડી ! અને ખોવાયેલી ખોવાયેલી અને પ્રત્યક્ષ સંબંધોથી અતડી રહેતી દીકરીને જોઈને માને થાય છે કે : ‘ચોક્કસ મારી દીકરી પ્રેમમાં છે !’ પણ એનો ભ્રમ ત્યારે ભાંગે છે જ્યારે એને જાણ થાય છે કે બેનબા તો ફેસબુકના પ્રેમમાં છે ! અજબગજબનું બંધાણ હોય છે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનું. એક અમેરિકન કૉમેડિયને તો ફેસબુકના ઍડિક્શનથી સ્વને અળગી રાખવા પાંચ દિવસ બાથરૂમમાં પૂરી દીધી હતી ! અધૂરામાં પૂરું, મોબાઈલ ઉપર જ ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થતા ફેસબુક અને ટિવટર હાથવગાં બન્યાં, અને એ કારણે હાથવગા સંબંધો દૂર થતા ગયા.

ટૅક્નૉલૉજીનો વિરોધ નથી, પણ માત્ર અને માત્ર આભાસી રીતે કનેક્ટ થવું એને જ કનેક્ટ થવું ગણવું એ એક પ્રકારની મૉર્ડન દંતકથા છે. અલ્ટીમેટલી કનેક્ટિવિટીનાં આ બધાં જ માધ્યમો કનેક્ટેડ રાખવા માટે છે, પણ થાય છે એવું કે વર્ચ્યુઅલ કનેક્ટિવિટી રિયલ કનેકશન્સને કાપી લે છે. સામાજિક પ્રસંગે કે સાથે મુસાફરી કરતી વેળાએ કેટલાક લોકો નજીક બેઠેલાઓ સાથે રિયલમાં કનેક્ટ થવાને બદલે દૂર બેઠેલા (અને કદાચ ન જોયેલા) વ્યક્તિ સાથે કનેક્ટેડ રહેતા હોય છે. પાંચ-દસ વર્ષ અગાઉ ટીવીએ આપણા સામાજિક જીવનમાં જે ધરમૂળથી ક્રાંતિ (કે અધોગતિ ?) આણી હતી એવું જ આજે નેટ દ્વારા જાણેઅજાણે થઈ રહ્યું છે. ટીવીનો વ્યાપ નવો નવો વધ્યો હતો ત્યારે (ઍન્ડ ફોર ધેટ મેટર, કેટલાંક ઘરોમાં તો આજે પણ !) સમગ્ર ઘરના કેન્દ્રસ્થાને ટીવી બિરાજમાન થતું. સાંજ પડે અને ઘરના માળામાં સૌ એકઠાં થઈ વાતચીત કરે કે ગમ્મત ગુલાલ કરે એને બદલે સૌ ટીવીની સામે ગોઠવાઈ જતા. મહેમાન આવે તો એણે પણ પરાણે જોડાઈ જવું પડે અથવા જોડી દેવામાં આવે ! અમુક વાર તો કોઈકના ઘરે જઈએ તો આપણને પહેલા પાણી આપે અને પછી ટીવીનું રિમોટ પકડાવી દે ! હવે એ સ્થાન મોબાઈલ-ઈન્ટરનેટે પડાવી લીધું છે, અને સારું છે કે માત્ર અને માત્ર નવી પેઢી જ આ વળગણના ઝપાટમાં છે, નહીંતર આ વિશ્વમાં કોઈ કોઈની સાથે પ્રત્યક્ષ વાત જ ન કરતું હોત. જેમ માત્ર ‘વર્ચ્યુઅલ કનેક્ટિવિટી એ જ કનેક્ટિવિટી’ એ દંતકથા બની ગઈ છે એમ, બીજી એક તદ્દન વિરોધાભાસી દંતકથા પણ હવામાં છે : વર્ચ્યુઅલ કનેક્ટિવિટીને ગાળો દેવી !

‘નવું એટલે ખરાબ’ એ એક સહજ પ્રતિક્રિયા હોય છે; જેમાં બુદ્ધિનું દેવાળું, લાગણીવશતાનું ખેંચાણ અને જૂની માનસિકતા જણાય છે. જ્યારે પત્રો લખવાની ફૅશન હતી ત્યારે, ‘પૅન ફ્રૅન્ડ’ અથવા તો પત્ર-મૈત્રી ફૅશનમાં ગણાતી અને એ ફિનોમીના તરફ થૂ થૂ કરવાવાળાઓની કમી ન હતી. હૉસ્ટેલના દિવસોમાં (1990ના દાયકામાં) અમને પણ પત્ર-મૈત્રીનો શોખ લાગ્યો હતો. એક સંસ્થા હતી, જેનું નામ ભુલાઈ ગયું છે, જે દેશવિદેશના હમશોખ મિત્રો શોધી આપવામાં મદદ કરતી. એ પ્રવાહમાં અમે પણ જર્મની, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં મિત્રો બનાવ્યા હતા. ગાલિબ કહે છે એમ, ‘એક ઓર ખત લીખ લું’ જેવો ભાવ સદા રહેતો; કારણ કે પત્ર પોસ્ટ કર્યાના પંદર-વીસ દિવસ પછી જવાબ આપણે ત્યાં પહોંચે ! કદાચ લખવાની આદત અથવા તો શોખ પત્ર-મૈત્રીના લાંબા લાંબા અને વર્ણનાત્મક પત્રો લખવાથી પડી હશે ! (એક વાર એક જર્મન યુવતીએ કંઈક ગિફ્ટ મોકલાવી હતી, જેને મારી બાએ મારી જાણ બહાર સંતાડી દીધી હતી !)

ઈન ધ સેમ વે, આજે ફેસબુક અને ટિવટર દુનિયાભરના લોકોને આપણા ઘરઆંગણે લાવી દે છે. આજે ફેસબુકના સહારે ગુજરાતી ભાષામાં લખતા ઑલમોસ્ટ બધા જ યુવા પત્રકારો, લેખકો, કવિઓ, કૉલમિસ્ટના લાઈવ સંપર્કમાં રહેવાનું બન્યું છે; નહીંતર નડિયાદ જેવા નાના અને અનહેપનિંગ ગામમાં રહેતા મારા જેવાને ઓળખે પણ કોણ ? આમ જોવા જઈએ તો ઈન્ટરનેટે વિશ્વને ખરા અર્થમાં સમાન બનાવી દીધી છે; જ્યાં તમે ‘ક્યાં રહો છો’ એ બિન-અગત્યનું અને ‘શું કરો છો’ એ અગત્યનું બની જાય છે. દિવ્ય ભાસ્કરની મારી કૉલમ ‘સ્મોલ સત્ય’ વાંચીને મેલ દ્વારા અને ફેસબુક દ્વારા વાચકોનો પ્રેમ, ગુસ્સો અને અભિપ્રાયો તરત જ અને અપપૉલિશ્ડ સ્વરૂપે મળી રહે છે એ નાનીસૂની વાત ન કહેવાય. આજે ટૅકનૉલૉજીને કારણે છેવાડાના ગામમાં રહેતો જણ અમિતાભ, આમીર જેવા કલાકારો અને પાબ્લો નેરુદા, ચેતન ભગત જેવા લેખકોના સંપર્કમાં રહી શકે છે ! વૉઝ ઈટ પૉસિબલ વિધાઉટ વર્ચ્યુઅલ કનેક્ટિવિટી ?

બીજું એક ફિનોમિના નોંધપાત્ર છે : જરૂરી નથી કે વ્યક્તિ ફિઝિકલી જ્યાં રહેતો હોય અને જે લોકોના સંપર્કમાં આવતો હોય, એ વ્યક્તિઓ જે તે વ્યક્તિની બુદ્ધિ અને લાગણીની જરૂરિયાતો સંતોષી શકે. સોશિયલ નેટવર્કિંગ સાઈટને સહારે વિચારોની આપ-લે કરી શકાય છે, તેમ જ લાગણીના તંતુએ બંધાઈ પણ શકાય છે. એક શિક્ષક મિત્રએ અદ્દભુત વાત કરી હતી : ‘હું જે સ્કૂલમાં નોકરી કરું છું ત્યાં બધા જ ‘માસ્તરો’ છે. એમનો વાતચીતનો ટૉપિક પગારપંચ અને મોંઘવારી ભથ્થું જ હોય ! આવા લોકો વચ્ચે સતત રહેવાથી મને પણ ‘માસ્તર’ બની જવાનો ડર લાગે છે. હું પણ માસ્તર જ બની જાત, પણ થૅંક્સ ટુ કમ્પ્યૂટર અને ફેસબુક કે એ વિશ્વમાં પ્રવેશતા જ હું મને ગમતા વિષયોની વાત શૅર કરી શકું છું. જે કમી મને સ્ટાફરૂમમાં અને સોસાયટીમાં અનુભવાય છે એને ફેસબુક પૂરી કરી દે છે….’

જેમ ઈન્ટરનેટ દ્વારા જ ‘કનેક્ટિવિટી’ શક્ય બને છે એ એક મૉડર્ન વાહિયાત માન્યતા છે, તેમ ‘ફેસબુક’ વડે બંધાતી ‘કનેક્ટિવિટી’ બેકાર છે એવું જડ રીતે માની બેસવું એ તો એથી પણ જડ મૉડર્ન માન્યતા છે. શું કહો છો ?
.

[2] ભાર વિનાનું ભણતર….

આધુનિક યુગમાં ‘ભાર વિનાના ભણતર’ની વાતો તો ટનબંધ થઈ રહી છે; પણ શું ખરેખર ભણતર ભાર વિનાનું છે ? કે પછી ‘ભાર વિનાના ભણતર’ની વાતો કરવી પણ એક મૉડર્ન ગણાવવા માટેની આવશ્યક ફૅશન જ છે ?….. ખલીલ જિબ્રાન તો કહી ગયો છે કે, ‘તમારાં બાળકો તમારાં નથી, એ તો જીવનનાં, પ્રકૃતિનાં, સૃષ્ટિનાં સંતાનો છે.’ પણ આપણે રેસમાં દોડીએ છીએ અને રેસમાં દોડતી વખતે લક્ષ્ય દેખાય, દોડવાના તોરતરીકા તરફ દુર્લક્ષ્ય જ સેવાય. આવા સુંદર વિચારો વાંચીએ ન વાંચીએ ત્યાં તો તમારા ચિરા-ગે-રોશનની શાળાથી ફોન આવે છે : ‘તમારા બાબાને સમજાવો કે તોફાન ન કરે… બિલકુલ લખતો નથી… કંઈક કહેવા જઈએ તો સામે દલીલો કરે છે.’ હવે ખલીલ જિબ્રાન જાય છે કચરાપેટીમાં અને શરૂ થાય છે તમારા દેવના દીધેલને સીધો કરવાના અખતરા-પેંતરા. હૉસ્ટેલમાં મૂકી દેવાની ધમકી, જેટલી વાર બૉર્નવિટા પીવરાવો છો એના કરતાં વધારે વાર તો તમે આપી જ ચૂક્યા છો અને એક દિવસ ટેણિયું સંભળાવી દે : મૂકી દે હૉસ્ટેલમાં, તારી કચકચથી તો છુટકારો મળશે !

વરસોવરસથી બાળઉછેરનાં પુસ્તકો ધાર્મિક પુસ્તકોની જેમ લખાય છે. વંચાય છે. ઉપરથી બાળઉછેરનાં પુસ્તકો વાંચ્યા પછી બાળકોનું તો આવી જ બન્યું છે. એક બાળક રડતું હતું એટલે બીજાએ કારણ પૂછ્યું તો કહે, ‘આજે મારી મમ્મી બાળઉછેરનું નવું પુસ્તક લાવી છે અને મને વિશ્વાસ છે કે અખતરા મારી ઉપર જ થવાના છે.’ મિત્રો, તમને નથી લાગતું કે બાળઉછેરનાં પુસ્તકોનું સાચું ટાઈટલ તો ‘માતાપિતા ઉછેરનાં પુસ્તકો’ એવું હોવું જોઈએ ? જે કરવાનું છે તે સભાનપણે આપણે કરવાનું છે, આપણી અજાણપણે થઈ ગયેલી ભૂલોનાં પરિણામો એ નહીં ! એક તો મા-બાપ બનવા માટે કોઈ ખાસ આવડત/લાયકાતની જરૂર નથી. કલેક્ટર ઑફિસના કલાર્ક બનવું હોય તો સ્ટેનો, ટાઈપ, કમ્પ્યૂટર અને બીજું ઘણું બધું આવડવું જોઈએ, પણ મા-બાપ તો કોઈ પણ એરોગેરો નથ્થુરામ બની શકે છે ! વાત વિચારવા જેવી તો ખરી જ કે આખરે બાળકોને શા માટે ભણાવીએ છીએ ? કિંતુ આ પ્રશ્ન પહેલા પણ એક પ્રશ્ન ઉદ્દભવવો જોઈએ : આખરે આપણે બાળકોને પેદા શા માટે કરીએ છીએ ? લગ્ન કર્યાને ઠરીઠામ થયા ન થયા હોઈએ, પ્રોબેશન પિરિયડ માંડ માંડ પતવા આવ્યો હોય ત્યાં તો શાંતાબહેનો અને કાંતાબહેનો કોરસરૂપે ગણગણવાનું શરૂ કરી દેશે : હવે ઘોડિયું ક્યારે બાંધો છો મારા લાલ ?

પ્રથમ પ્રશ્ને જ આંખ મીંચી દીધી છે એટલે બીજો સવાલ – ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ ઉત્પન્ન થવાનો સવાલ જ નથી. હજુ કુંવરે માંડ માંડ ગડથોલિયાં ખાવાનું બંધ કર્યું ન કર્યું હોય ત્યાં તો એને પ્લે ગ્રૂપનાં ગડથોલિયાં ખવરાવવાનું શરૂ કરી દઈએ છીએ. હજુ તો માંડ માતૃભાષાનું ધાવણ હોઠે ચડ્યું ન ચડ્યું ત્યાં તો પરદેશી ભાષાનાં ઈન્જેકશન મારવાનું શરૂ ! શાળાઓ એક કામમાં માહેર છે : સપનાઓનો વેપલો કરવામાં ! તમારી ગુડિયાને જૅક ઍન્ડ જિલ ગોખાવી ગોખાવી ગવડાવે છે, કારણ કે તમારી ગુડિયા એમના માટે એક પ્રોડક્ટ છે. ચાર જણા વચ્ચે જો એનું ટિવંકલ ટિવંકલ ઝાંખું પડી જશે તો તમારી આબરૂના લીરેલીરા ઊડશે જ પણ તરત પ્રશ્ન પુછાશે કે કઈ શાળામાં ભણે છે ? તમારું બાળક સ્કૂલની જાહેરખબરનું માધ્યમ છે, અને એ પણ એમની જાહેરાત કરવાના પૈસા, તગડી ફી રૂપે, તમે ચૂકવો છો. અરે, બાળકની નૈસર્ગિક શક્તિની વાતો કરનારાઓ તમને ખબર છે ખરી કે શક્તિ શું ચીજ છે ? શાળાઓ માટે તમારો નંદકિશોર એક રોલ નંબર છે, જેને એક રૂમ નંબરમાં બેસાડવામાં આવે છે, અને કવચિત જેમ કેદીને ટ્રાન્સફર વૉરન્ટ ઉપર એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવામાં આવે છે તેમ એને એક રૂમમાંથી બીજી રૂમમાં લઈ જવાય છે.

જો વાત ખરેખરી કુદરતી શક્તિઓની જ હોય તો, તમે જ કહો દામિનીબહેન, એવું તો કેવી રીતે બને કે દરેકને આર્ટ એન્ડ ક્રાફટમાં રસ પડવો જ જોઈએ ? એવું શક્ય છે કે તમને ચાઈનીઝ બનાવવાની મજા આવતી હોય તો યામિનીબહેનને પણ ચાઈનીઝ બનાવવાની મજા આવે જ આવે ? એક અદ્દ્ભુત નિયમોની દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં આપણા ગમા-અણગમાને આપણા વ્યક્તિત્વનો હિસ્સો માની લઈએ છીએ, અને બાળકના ગમા-અણગમાને એના વ્યક્તિત્વવિકાસમાં આડખીલી રૂપ બાબત ! શું આ છે આપણું ભાર વિનાનું ભણતર ? અને હમણાં હમણાં નાક લૂછવા માટે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરતા શીખેલી મમ્મીઓને તાલિબાની ઝનૂન છે એમના બાળકો માટે. ‘ઑબ્સેશન’ એટલે શું ? એ ડિક્ષનરીમાં નહીં કોઈ પણ તાજી બનેલી મમ્મીને જોઈએ એટલે વગર ભાષાએ સમજાઈ જાય. બધાને બધું આવડવું જ જોઈએ એ માનસિકતાને ક્યું નામ આપીશું ? જે મા-બાપો માને છે કે તેમના ટેણિયાને બધું જ આવડવું જોઈએ એ બધા બુધ્ધુઓને એક લાઈનમાં ઊભા રાખી, તમંચાને ધડાકે દોડાવવા જોઈએ. અને એ પણ સ્પષ્ટ સૂચના સાથે કે રેસમાં બધા પહેલા નંબરે આવવા જોઈએ ! જો જો, શું હાલત થાય છે….. ‘ફાંદ રબ્બરના દડાની જેમ ઊછળતી હશે પ્રવીણભાઈ તમારી, અને મણીબહેન તમે પંદર ડગલાં દોડીને સંન્યાસ લઈ લેશો સંન્યાસ….’

‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ ?’ – જો આ ધ્રુવ પ્રશ્ન વિશે દરરોજ સવાર, બપોર અને રાત્રે એક ચમચી પણ ચિંતન કરવામાં આવે તો એ તમારા દ્વારા તમારા બાળકને આપવામાં આવતી સુંદરતમ સોગાદ હશે. ડૉ. રઈશ મનીઆરના સાલસ શબ્દોમાં કહીએ તો, ‘પ્રશ્ન ઉદ્દભવશે તો ઉત્તર આપોઆપ મળશે.’ ભાર વિનાના ભણતરની વાતો આજના સમયમાં ફૅશનેબલ બની ગઈ હોય એવું નથી લાગતું ?

[કુલ પાન : 103. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ ઍપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]