આધુનિક તીર્થ : પથમેડા – જગદીશ શાહ

[ ‘ભૂમિપુત્ર’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. આપ શ્રી જગદીશભાઈનો (વડોદરા) આ નંબર પર +91 9824326037 અથવા આ સરનામે jashah1934@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]હિ[/dc]ન્દુઓ ચારધામની, બાર જ્યોતિર્લિંગની, ઉત્તરાખંડની જાત્રાએ જાય છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, અંબાજી, ડાકોર વગેરે તીર્થો છે. તે રીતે વીરપુરમાં જલારામ બાપુ, ગોંડલમાં ભુવનેશ્વરી ધામ, મહુવામાં કૈલાસધામ, કાયાવરોહણ, સાજલીમાં ભીમનાથ, નર્મદા કિનારે ચાંદોદ વગેરે અનેક તીર્થસ્થાનોની જાત્રા કરે છે. તેમ હવે નવા જમાનામાં રચનાત્મક તીર્થો પણ થયાં છે, જ્યાં સમર્પિત લોકસેવકો જીવન સમર્પણ કરી જનકલ્યાણનાં કાર્યો કરે છે.

આવાં તીર્થો પૈકી એક અનોખા તીર્થના દર્શને તાજેતરમાં મારે જવાનું થયું. ભારતમાં અનેક સંતો-સિદ્ધો થઈ ગયા. વૃંદાવન, કરનાલ, જયપુર વગેરે ઠેકાણે તેમની સંસ્થાની શાખાઓ છે. કરનાલ (હરિયાણા)ના કેન્દ્રથી પ્રકાશિત ‘અનમોલ વચન’ નામે એક માસિક પત્રિકા મને મળે છે. તેમાં સદગત સ્વામી શ્રી શરણાનંદજી વિષે વાંચી અત્યારે તેમના ઉત્તરાધિકારી સિદ્ધ પુરુષ કોણ હશે તેની પૂછપરછ કરતાં મને જાણ થઈ કે ગુજરાતની સરહદને અડીને આવેલા રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં પથમેડા મુકામે છેલ્લાં 19 વરસોથીએ ગોસેવા મહાતીર્થમાં પરમ ગોભક્ત સ્વામી શ્રી દત્તશરણાનંદજીએ પ્રચંડ પુરુષાર્થ કરીને ઉત્તમતીર્થની રચના કરી છે.

અનેકોને પૂછપરછ કરતાં પથમેડા મુકામે માત્ર ભારતનું જ નહીં, કદાચ વિશ્વભરમાં મોટામાં મોટું ગોધામ (ગૌશાળા) આવેલ હોવાથી જાણ થઈ. સાડાત્રણ લાખ ગોવંશનાં પ્રાણીઓ ત્યાં પળાય છે તેવું જાણી સહેજે જિજ્ઞાસા થઈ. અમદાવાદથી સડક માર્ગે ચાર કલાકમાં પથમેડા પહોંચાય છે. ટ્રેનમાં પાલનપુરથી ભુજની રેલવે લાઈનના દિયોદરથી લગભગ સવાસો કિલોમીટરના અંતરે થરાદ પાસે સાંચોરથી દશેક કિલોમીટર દૂર ઝાલોર જિલ્લામાં આ સ્થાન છે. 600 એકર જમીનમાં આ મહાતીર્થ આવેલું છે. બનાસકાંઠાનાં પાંચેક મળી કુલ 17 સ્થાનોમાં અત્યારે કુલ 60 હજાર ગોવંશનાં પ્રાણીઓ સચવાય છે. તેમાં નંદગામમાં 13 હજાર સાંઢ સચવાય છે. આ માત્ર પાંજરાપોળ નથી. ગોસંરક્ષણ, ગોપાલન સાથે ગોસંવર્ધનનું કામ પણ અહીં થાય છે. આપણી દેશી કાંકરેજી જાતની લગભગ બધી ગાયો છે. ગામડામાં રખડતાં નબળાં સાંઢથી દેશી જાત નબળી થઈ ગઈ છે. તેથી નબળાં 13 હજાર સાંઢોને એક જગ્યાએ રાખવામાં આવ્યા છે. ઉત્તમ જાતના સાંઢોથી ઉત્તમ ગાયોને ફળાવવામાં આવે છે.

પથમેડામાં ગાયોના વાડા છે. 50 થી 100 ગાયો વચ્ચે પીવાના પાણીનાં કુંડ ભરી રાખવામાં આવે છે. ચારો લીલો અને સૂકો બન્ને નીરવામાં આવે છે અને ઝીણો-કાપીને જ નીરવામાં આવે છે, જેથી બગાડ ઓછામાં ઓછો થાય. ચારા સાથે દરેક ગાયને ખોળ, કપાસિયા, ગુવાર આદિનું ખાણ પણ ખવડાવવામાં આવે છે. ગાયના દૂધ ઉપરાંત છાણ અને ગૌમૂત્રને દેશી ખાતર કરવામાં ઉપયોગમાં લેવાય છે. ગૌમૂત્રમાંથી દવા બનાવવા માટે અદ્યતન યંત્રોવાળી ફાર્મસી પણ છે. તેમાં ગૌમૂત્ર-અર્ક અને દવાઓ બનાવવામાં આવે છે. આસપાસનાં 450 ગામોમાંથી ગાયોનું દૂધ એકત્ર કરવામાં આવે છે. જે ઘેર ભેંસ કે બકરી ના હોય તેવા ઘરનું જ દૂધ લેવામાં આવે છે જેથી ભેળસેળની સંભાવના ન રહે. દૂધને એકત્ર કરી વિતરણ કરવા માટે પૃથ્વીમેડા પંચગવ્ય ઉત્પાદ પ્રા. લિ. નામે ડેરી ચલાવવામાં આવે છે. આ ડેરી દ્વારા રોજનું 18 હજાર લીટર દૂધનું વિતરણ કરાય છે. દૂધમાંથી મલાઈ કાઢી હોમોજીનાઈસ્ડ ટોન્ડ દૂધને પેસચ્યુરાઈઝ્ડ કરીને યંત્રો દ્વારા કોથળીઓમાં ભરવામાં આવે છે. રોજ આ કોથળીઓ નજીકનાં નગરો ડીસા, રાધનપુર વગેરે ઉપરાંત પાલનપુર-પાટણ, અને ઠેઠ અમદાવાદ સુધી પહોંચાડવામાં આવે છે. કોથળી ઉપર ‘ભારતીય ગાય કા દૂધ’નું લેબલ છાપવામાં આવે છે. 500 ગ્રામના રૂ. 14.50 લેવાય છે.

મલાઈમાંથી માખણ-ઘી-પેંડા-બરફી-પનીર-રસગુલ્લા પણ બનાવવામાં આવે છે. આ બધાં માટે મોટાં મોટાં આધુનિક યંત્રો વસાવવામાં આવ્યાં છે. માલ તૈયાર થઈ પેંડા (કિલોગ્રામના રૂ. 250), ઘી (કિલોગ્રામના રૂ. 550), રસગુલ્લા (કિલોગ્રામના રૂ. 130)ના ભાવે ઉત્તમ પેકીંગમાં વેચવામાં આવે છે. માંદી અને અપંગ ગાયો માટે હોસ્પિટલ પણ રાખવામાં આવી છે. તેમાં ઢોર દાક્તરો સેવા આપે છે. દાક્તરોને, ગોવાળોને, સેવકોને ભરપૂર વેતન પણ આપવામાં આવે છે. સંસ્થામાંથી ‘કામધેનુ-કલ્યાણ’ નામે હિન્દી માસિક પ્રગટ થાય છે. તે ઉપરાંત ‘કામધેનુ ગો-ધિકાર પત્રિકા’ નામે પાક્ષિક પણ પ્રગટ થાય છે. સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ દષ્ટિવાન, આસ્થાવાન ગોભક્ત છે. અહીં ગૌમાતાનું મંદિર છે. કામધેનુ, કપિલા, સુરભી વગેરે ઉત્તમ ગાયોની રોજ પૂજા થાય છે.

ગોવંશ સંપૂર્ણ વધ બંધીનો માત્ર કાયદો થાય તેટલાથી કામ નહીં સરે; ઘેર ઘેર ખેડૂતો ગાય પાળતા થાય તે જ ગૌરક્ષાનો સાચો ઉકેલ છે. ગાયના જ ગોરસનો ઉપયોગ કરનારા પ્રતિજ્ઞાબદ્ધ લોકો વધે. ખેતીમાં બળદને સ્થાને વપરાતાં યંત્રો (ટ્રેક્ટર વગેરે) ન વાપરવાનો ખેડૂતો સંકલ્પ લે તો જ ગાય-બળદની કતલ અટકશે. ગાયને માત્ર તે દૂધ આપે ત્યાં જ સુધી પાળીને પછી છૂટી મૂકી દેવાને બદલે તેનાં છાણ-ગૌમૂત્રનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરી ગાય પોષાય તેવો ઉપદેશ સ્વામીજી આપે છે. ગાયમાં 33 કરોડ દેવોનો વાસ છે તેવો માત્ર પ્રચાર કરીને જ નહીં, તેનો ને બળદનો વૈજ્ઞાનિક દષ્ટિથી ઉછેર અને ઉપયોગ થાય, તેને ખસેડનારાં પરિબળોને હઠાવવામાં આવે તે સાથે લોકોમાં ધાર્મિક ભાવના જગાડવામાં આવે તેવો અભિગમ સ્વામીજી તથા પથમેડાની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. 1977ની સાલમાં વિનોબાજીએ દેશભરમાં સંપૂર્ણ ગોવંશ વધબંધીનો કાયદો કરવાની માંગણી કરી સત્યાગ્રહ કરેલો. ‘ગાય બચેગી, દેશ બચેગા’નું સૂત્ર આપેલું અને વ્યાપક જનઆંદોલન સાથે પોતે પણ ઉપવાસ કરેલા. તે સાથે મુંબઈના દેવનારના કતલખાને કપાતા બળદોની કતલ સામે સત્યાગ્રહ કરવાનું આંદોલન ઉપાડેલું. આજે 30-35 વર્ષેય તે સત્યાગ્રહ એકધારો ચાલુ છે.

ગાંધી અને વિનોબાએ ગોહત્યા-બંધી માટે ને સાથે સાથે ગોપાલન-ગોસંરક્ષણ કરવાનું જે આંદોલન ઉપાડેલું તેનું પ્રત્યક્ષ દર્શન આજે પથમેડા મહાતીર્થમાં થઈ રહ્યું છે. આ સંસ્થાની જાણકારી વેબસાઈટ www.pathmedagodham.org ઉપર વિગતે જાણવા મળે છે. ટપાલનું સરનામું છે : ગોસેવા મહાતીર્થ, મુ. પથમેડા-343041. (વાયા સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન) ટેલિફેક્સ : 02979-283660/287109. મોબાઈલ : 09468645101/09460674018. આ તીર્થનો રોજનો ખર્ચ રૂ. 40 લાખ છે, જે હજારો દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે. સંસ્થાએ જીવનના સારા-માઠા પ્રસંગોએ લોકો દાન કરી શકે તે માટે વિવિધ યોજનાઓ પણ બહાર પાડી છે.

આપણે સૌ ગાંધી-વિનોબાની ભાવનાને સાકાર કરતાં આવાં તીર્થોની જાણકારી મેળવીએ, તેની મુલાકાત લઈએ, તેના સામાયિકોના ગ્રાહક બનીએ ને તેના નિભાવમાં મદદરૂપ થઈને સાચી જાત્રા કરી કૃતકૃત્ય થઈએ. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના થરાદથી અને અમદાવાદથી સીધી સાંચોરથી બસમાં પથમેડા જઈ શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “આધુનિક તીર્થ : પથમેડા – જગદીશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.