સંબંધોમાં સીમાંકન – જયવતી કાજી

[ તાજેતરમાં પુનઃમુદ્રિત થયેલા પુસ્તક ‘જીવનરસ છલકે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[dc]સ[/dc]વારના સાડાપાંચ વાગ્યા હતા. ટ્રીંગ ટ્રીંગ એલાર્મ શરૂ થયું. શ્રુતિ બેબાકળી ઊંઘભરી આંખે પથારીમાંથી ઊઠીને ઊભી થઈ. આહ ! કેટલાં કામ છે ! કેવી રીતે હું પહોંચી વળીશ ? એક દિવસ પણ જિંદગીમાં નિરાંતનો નહિ ? એ મનમાં સમસમી રહી. શ્રુતિનાં ગભરાટનાં કારણો હતાં. આજે એને ઘણાં કામ ઉકેલવાનાં હતાં. ચાર વાગે એને સૌમિલના શિક્ષકને મળવાનું હતું. ટેલિફોન કરી એના શિક્ષકે એને પૂછ્યું હતું : ‘કાલે ચાર વાગે તમને મળવા આવવાનું ફાવશે ? સૌમિલ હમણાં કલાસમાં પાછળ પડી ગયો છે. મારે તમારી સાથે વાત કરવી છે.’

એને નાહવાનું હતું. પછી વિમલ અને સૌમિલ તેમ જ સોહા માટે લંચ બોક્સ તૈયાર કરવાના હતા. બધાં માટે નાસ્તો તૈયાર કરવાનો હતો અને ઑફિસમાં દસ વાગે પહોંચી જવાનું હતું. એ ઉપરાંત સોહાનો ડ્રેસ તૈયાર કરવાનો હતો. સોહા એની શાળાના કાર્યક્રમમાં નૃત્યમાં ભાગ લેવાની હતી. એના ડ્રેસનું ‘ફીટિંગ’ સરખું કરવાનું હતું. ગઈકાલે સાંજે જ એ ડ્રેસનું ‘ફીટિંગ’ કરી સોહા માટે તૈયાર રાખવાની હતી, પણ શું કરે ? ઑફિસથી આવી ત્યાં તો એની માસીની દીકરી રેણુનો ફોન આવ્યો, ‘મામી અહીં આવ્યાં છે. એમને તને મળવાનું બહુ મન છે. થોડી વારમાં તારે ઘેર આવી પહોંચશે.’ એ કંઈ પણ આગળ બોલે ત્યાં તો ‘આવજે’ કહી રેણુએ ફોન મૂકી દીધો ! એ સોહાનો ડ્રેસ લઈ સીવવા બેઠી. ત્યાં તો મામીની સવારી આવી પહોંચી. મામી તો ખાસ્સાં નિરાંતે બેઠાં. ડ્રેસનું ‘ફીટિંગ’ કરવાનું બાકી રહી ગયું. એ સવારમાં જ પૂરું કરવાનું હતું. આ બધાં કામકાજ પતાવી એ હાંફતી હાંફતી એની ઑફિસ પહોંચી ત્યારે સવાદસ થઈ ગયા હતા. એ શરમાતી, સંકોચાતી ધીમે પગલે ચૂપકીથી મિટિંગ રૂમમાં દાખલ થઈ. બધાંની આંખ એના પર મંડાઈ હતી.

ઘેર ગઈ. રાતનું જમવાનું પતાવી એ દીવાનખાનામાં જઈને બેઠી. વિમલ ટી.વી. જોતો હતો અને બાળકો તોફાનમસ્તી કરતાં હતાં. ત્યાં તો એની પાડોશણ અને મિત્ર મિતા આવી પહોંચી !
‘શ્રુતિ ! મારે તારી મદદની ખાસ જરૂર છે. કાલે અમારા મંડળનો ‘પ્રોગ્રામ’ છે. એનું સંચાલન મારે કરવાનું છે. મેં થોડુંક લખ્યું છે, પણ તારે એ મને સરસ રીતે લખીને આપવાનું છે. કાલે સવારે તારે ઘરેથી લઈ જઈશ.’
‘મિતા ! તું સાંભળ તો ખરી. મારાથી એ નહિ બને. મારી પાસે જરા પણ વખત નથી. શું કરું ?’
‘હું એ કશું જાણું નહિ. તારે મારું આટલું કામ કરવું જ પડશે. તું મારી બહેનપણી છે ને ?’ મિતા કાગળ મૂકીને ચાલતી થઈ. શ્રુતિને આ જ મુશ્કેલી છે. એનાથી ‘ના’ જ કહેવાતી નથી. એ એની મોટી નબળાઈ છે. આને લીધે એને સતત તણાવમાં રહેવું પડે છે. શ્રુતિ એક સારી પત્ની, વત્સલ માતા, કુશળ કર્મચારી અને સારી મિત્ર બનવા મથે છે. પરંતુ આજે એને પોતાની જાત પર સખત ગુસ્સો આવ્યો. એને થતું હતું, મારી જિંદગી પર, મારા સમય પર, મારી ઈચ્છા પર મારો કોઈ કાબૂ જ નહિ ? એ સહેલાઈથી સૌમિલના શિક્ષકને કહી શકી હોત, ‘આજે ચાર વાગે મને નહિ ફાવે.’ બીજો સમય એ માગી શકી હોત. મામીને ‘ના’ કહી શકતે અથવા એમને જલદી પાછાં મોકલી શકતે. મિતાને રોકીને સાફ સાફ ના કહી શકતે; પણ એ ‘ના’ નથી કહી શકતી…. આ શું માત્ર શ્રુતિની જ સમસ્યા છે ? એની જ નબળાઈ છે ? આવું તો આપણામાંનાં ઘણાંખરાંના જીવનમાં બનતું હોય છે. ‘ના’ કેવી રીતે કહેવાય !

અનીલ પણ ‘ના’ નથી કહી શકતો. એમાં પણ ઑફિસમાં એના ઉપરીને તો નહિ જ. આને લીધે એ મૅનેજરને ઉચ્ચ સ્થાને એક મોટી કંપનીમાં પહોંચ્યો છે. ઑફિસમાં એને ‘Mr can Do’ કહે છે. એ કરશે, એ ‘ના’ નહિ પાડે, એમ એનો ઉપરી અને સહકાર્યકર્તાઓ જાણે છે. મોડે સુધી એ ઑફિસમાં કામ કરતો રહે છે. રજાના દિવસે પણ ઑફિસના કોઈ કામ અંગે કે બીઝનેસ લંચ-ડિનર માટે બહાર રહે છે. એની પત્ની અને બાળકોને એ પિકનિક-પર્યટન પર નથી લઈ જતો. એમને એ હરવાફરવા નથી લઈ જતો એટલે ઘરમાં એનાથી બધાં નારાજ છે. સ્મિતાએ એનાં બહેન-બનેવીને ઘેર જમવા માટે બોલાવ્યાં હતાં. સ્મિતાએ અનીલને ઑફિસથી વહેલા આવવા માટે ખાસ કહ્યું હતું છતાં એ રાતના છેક આઠ વાગ્યા પછી જ ઘેર પહોંચ્યો, કારણ કે, એ ઘેર આવવા નીકળતો હતો ત્યાં જ એના ઉપરીએ એને એક કામ સોંપી દીધું ! અનીલ ‘ના’ કહી શક્યો નહિ. એ રાત્રે સ્મિતાએ આક્રોશ અને આંસુ સાથે કહી દીધું, ‘તું તારી પત્ની અને બાળકોને જ ‘ના’ કહી શકે છે ? તારી ઑફિસમાં તારા ‘બોસ’ને ‘ના’ કેમ નથી કહી શકતો ? બધાંને ઘર છે, કુટુંબ છે, તારે જ કોઈ નથી. તારે મન અમારી કોઈ કિંમત જ નથી !’ અનીલની આ નિર્બળતાએ એના પારિવારિક સંબંધને વણસાવ્યા છે. એ પોતાની કારકિર્દી અને ગૃહજીવનની જવાબદારીનું યોગ્ય સમતુલન નથી કરી શકતો.

ચાર વર્ષનો મોહિત રમકડાંની દુકાનમાં એક રમકડું લેવા માટે જીદ કરે છે. માબાપ એને સમજાવવા જાય છે, પણ એ માનતો નથી. મોહિત ખૂબ જ જક્કી અને હઠીલો થઈ ગયો છે. એને સમજાવવાની મહેનત કરવા કરતાં એને રમકડું અપાવી દેવું એનાં માતાપિતા માટે સહેલું હતું. મોહિત એનાં માતાપિતાની આ નિર્બળતા સમજે છે. એ રડી કકળીને પોતાનું ધાર્યું કરાવે છે. એને એ ફાવતું આવી ગયું છે.

ચોવીસ વર્ષનો સૌરભ પિતાને પૈસે ખાસ્સી લહેર કરે છે. એણે ન તો કૉલેજનું ભણતર પૂરું કર્યું કે ન ઑફિસને કામે લાગ્યો. માબાપ ચિંતા કરે છે, પણ એને મક્કમ થઈ રોકી શકતાં નથી. એને પૈસાટકા – મોટર – બધી સગવડ આપ્યા જ કરે છે. દીકરો છે ને ! એને ‘ના’ કેમ પડાય ! સૌરભને જોઈતું બધું મળતું રહે છે તો શા માટે એ કામ કરે ? માબાપ લાગણીમાં ઘસડાઈને એના પર કોઈ પ્રકારનો અંકુશ મૂકી શકતાં નથી. પ્રશ્ન એક જ છે, ક્યાં સીમા નક્કી કરવી ? ‘How far and upto what limit’ – ચલાવી લેવું, કેટલું સાંખી લેવું, ક્યારે ‘હા’ કહેવી અને ક્યારે સાફ ‘ના’ પાડી દેવી ! ક્યાં સુધી ઢીલ મૂકવી અને ક્યારે લગામ પકડી રાખવી ! આ સીમા – સરહદ – લિમિટ કે ‘બાઉન્ડ્રી’ એટલે જ સંબંધોમાં વિવેકયુક્ત સમતુલન.

કેવી રીતે આપણાં જીવનની લગામ આપણાં હાથમાં રાખી શકીએ – આપણાં પોતાને માટે અને અન્ય માટે – ક્યાં સરહદ દોરવી – કેટલે સુધી જવું અને ક્યાં અટકી જવું એના પર આપણાં જીવનનાં સુખ અને સફળતા નિર્ભર થાય છે. ‘When to say ‘NO’ to take control of our life ?’ આ સીમાનું મહત્વ સમજવું અને એ નિર્માણ કરી એને વિવેકપૂર્વક જાળવવી એ ખૂબ જરૂરી છે, પરંતુ એ જાળવણી ખૂબ જ મુશ્કેલ છે. આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે ઘણી વખત ‘ના’ કહી નથી શકતાં – આપણી પોતાની જાતને અને આપણા સ્વજનોને, મિત્રોને, પરિચિતોને અને અપરિચિતોને પણ, અને પરિણામે આપણે પોતે હેરાનપરેશાન થઈએ છીએ – આવે વખતે આપણી જાત ઉપર આપણને ગુસ્સો આવે છે, પણ સાવ લાચાર બની જઈએ છીએ. ‘ના’ કેવી રીતે કહેવાય ? એમને ખોટું તો નહિ લાગે ને ? મારી સાથે સંબંધ તોડી નાંખે તો ? મારી બીજા આગળ નિંદા કરશે તો ? એમનો સ્નેહ હું ગુમાવી બેસીશ તો ? આ પ્રકારના ભયને લીધે આપણે નન્નો પરખાવી શકતાં નથી.

આ વિષે એક સુંદર પુસ્તક મારા વાંચવામાં આવ્યું. પુસ્તક છે ‘Boundries’ આ અંગ્રેજી પુસ્તકના લેખકો છે ડૉ. હેનરી કલાઉડ અને ડૉ. જ્હોન ટાઉનસેન્ડ. એ બંને ‘ક્લિનિકલ સાઈકોલોજીસ્ટ’ છે. પ્રભાવશાળી વક્તા અને લેખક છે. આ ‘બાઉન્ડ્રીઝ’ પુસ્તકમાં એમણે આ અઘરા પ્રશ્નની વિશદ છણાવટ કરી છે. સાથે બાઈબલમાં વિધાન પણ ટાંક્યાં છે. સંબંધોમાં સીમાંકન અથવા તો ‘લાઈન ઑફ કન્ટ્રોલ’ કેવી રીતે નિર્માણ કરી – વિકસાવી અને સાચવી શકાય એની વાતો દષ્ટાંતો સહિત આ પુસ્તકમાં કરવામાં આવી છે. જીવન કોઈ એક અંતિમ પર નથી. ક્યાંક વચ્ચે છે. જીવનમાં સમતુલન જાળવવું એ એક જટિલ અને વિકટ કામ છે, છતાં એટલું જ મધુર અને સુખદ અંતે નીવડે છે. આ ‘બાઉન્ડ્રીઝ’ – સીમા એટલે શું ? આપણું પોતાનું મકાન – ખેતર કે જમીન હોય તો એની માલિકી દર્શાવવા અને એને સાચવવા આપણે એની આજુબાજુ દીવાલ અથવા વાડ બાંધીએ છીએ. એની અંદર આપણી મંજૂરી સિવાય પારકા લોક આવી શકે નહિ. આ દીવાલ કે વાડ દર્શાવે છે કે અહીંથી આપણી માલિકી શરૂ થાય છે. તમારી આ સીમાનું ઉલ્લંઘન કરે તેની સામે તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો. બસ ! આપણી જિંદગીના માલિક આપણે છીએ. એની લગામ આપણા હાથમાં રાખવાની છે. મારી જિંદગી મારી પોતીકી છે – મારી ઈચ્છા – લાગણી – એના પર મારો કોઈ અંકુશ કે અધિકાર ન હોય તો કેમ ચાલે ? આ સીમા આપણે નક્કી કરી શકીએ તો એનાથી આપણી કઈ જવાબદારી છે, અને કેટલી છે – ક્યાં સુધીની છે તે સ્પષ્ટ થાય છે, અને સાથેસાથે એ કઈ જવાબદારી આપણી નથી તે પણ બતાવે છે.

આ બાઉન્ડ્રી કેટકેટલા સંબંધોને સ્પર્શે છે ! જિંદગીના તમામ સંબંધોને એ લાગુ પડે છે. આપણી જિંદગી એટલે જ સંબંધોનો સરવાળો અને એ સંબંધ સ્નેહાળ, મધુર અને સુસંવાદી બની રહે એવી આપણી ઈચ્છા હોય છે. આપણે એ માટે કોશિશ કરીએ છીએ. એ સારી રીતે સચવાય એ માટે જ દરેકમાં સીમા – એક લિમિટ રાખવાની જરૂર પડે છે. એનો અર્થ પ્રેમ કે લાગણીનો અભાવ નથી જ. આ બાઉન્ડ્રી સાચવવાથી આપણે લાગણીના આવેગ અને ઉન્મેષમાંથી ઊગરી જઈએ છીએ. આ સીમાંકન આપણને આપણાં કર્તવ્યથી વિમુખ કરવા માટે નથી. જવાબદારીમાંથી છટકવા માટે નથી પણ આપણી લાગણીની નિર્બળતાને સબળ બનાવવા માટે છે. આ લખતી વખતે મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે. મારી બહેનપણી નંદિની મને એની સાથે એને મોસાળ કોલકતા આવવા માટે આગ્રહ કરે. ‘બસ, તું મારી સાથે આવ. ખૂબ મઝા આવશે.’ નંદિની કહ્યા કરે પણ એની સાથે જવાની મારી ઈચ્છા ન હતી. હું કંઈ ને કંઈ બહાનું કાઢું અને વાતને ઠેલ્યાં કરું. મારી બાએ ત્યારે ગુસ્સે થઈને મને કહ્યું હતું, ‘આ તારી કેવી ટેવ ! એને તું ‘ના’ નથી કહી શકતી ! એને સમજાવીને, એને માઠું ન લાગે એમ એને કહી ન શકાય કે આ વખતે મારી મરજી નથી. બહેન ! યાદ રાખજે ‘ના’ કહેતાં પણ શીખવાનું છે. એક ન્નો સો દુઃખને હણે.’ ક્યારે કેવી રીતે ‘ના’ કહેવી એ શીખવું જરૂરી છે, એની સાથે જ બીજાંની ‘ના’ – ઈનકાર સ્વીકારતા પણ આવડવું જોઈએ.

આ સીમાંકન – લાગણી, ભાવના અને જવાબદારીના સંતુલનની પ્રક્રિયા સતત ચાલુ રાખવાની હોય છે. બાળપણથી જ માતાપિતાએ બાળકને એ શીખવવું જરૂરી છે. બાળકને આપણે પ્રેમ કરીએ – લાડ કરીએ પરંતુ એનું ‘Emotional blackmailing’ – તો ન જ ચલાવી લેવાય. એક વખત તમે એની જીદને વશ થયા તો પછી એને આદત જ પડી જશે. એ બાળક કિશોર થાય છે. કિશોરાવસ્થા એટલે જીવનનો સંધીકાળ. આવેશ અને ઉન્માદનો કાળ. શાળા છોડી એ કૉલેજ જાય છે. ત્યાં એને વધુ છૂટછાટ અને મુક્ત વાતાવરણ મળે છે. એ કાળે સમવયસ્કોનો સખત પ્રભાવ હોય છે. એ વખતે એને પહેલેથી ‘ના’ કહેવાની – ‘સંયમની આડ’ કરવાની આદત ન પડી હોય તો એ ગેરરસ્તે ચડી જાય. કેટકેટલાં તરુણ-તરુણીઓ ‘ના’ કહેવાની હિંમત દાખવી શકતાં નથી. મિત્રોના દબાણને વશ થઈ માદક પદાર્થ તરફ વળે છે. બાળકને એની સમસ્યા આપણે ધીમે ધીમે એની જાતે ઉકેલવા દઈએ. બાર વર્ષના મિહિરને ખિસ્સાખર્ચના પૈસા ઓછા પડે છે ને ? તો એના પૈસા વધારીને આપી દેવા કરતાં એને બજેટ કરતાં શીખવા દઈએ. બાળપણથી પોતાનું ધાર્યું કરાવવાની – પોતાની હકુમત ચલાવવાની ટેવ બાળકને પડે તો એનું પરિણામ આગળ જતાં શું આવે ? એ આગળ જતાં પોતાના જીવનસાથી પાસે પોતાનું ધાર્યું કરાવવા મથે છે. પોતાની ઈચ્છા – પોતાનો અંકુશ સામી વ્યક્તિ પર ઠોકી બેસાડે છે ! એની મરજી પર – એની લાગણી અને ઈચ્છા પર – અરે ! એના સમગ્ર જીવન પર એ પોતાનો અધિકાર જ્યારે જમાવવા જાય છે ત્યારે સામી વ્યક્તિ ત્રાસી જાય છે. ક્યાં સુધી એ પોતાની જાતને દબાવી દે – પોતાના સ્વત્વને કચડી નાંખે ! પરિણામે એને સાચો ઉષ્માભર્યો પ્રેમ અને સંબંધની સ્નિગધતા પ્રાપ્ત થતાં નથી. માટે જ જરૂરી છે બાળકોના ઉછેરમાં કોમળતા અને મમતા સાથે મક્કમતાની.

ઊઘડતાં યૌવનમાં તમારા જીવનમાર્ગમાં કોઈક પાત્ર આવી મળે છે અને એ તમને ગમી જાય છે. એ જીવનનો એક સુંદર રોમાન્ટિક સમય છે – સંવનનકાળ. જેને તમે જીવનસાથી બનાવવા ઈચ્છો છો એને ઓળખવા – પારખવાનો – સમજવાનો એ સમય છે. આવેશના એ મુગ્ધ કાળમાં સંબંધની ગરિમા જાળવવા માટે સંયમની જરૂર છે. કવિશ્રી ન્હાનાલાલે બહુ જ સુંદર કહ્યું છે :

રસસાગરની પાળ, રસતરસ્યા ઓ બાળ !
રસની રીત મા ભૂલશો, પ્રભુએ બાંધી પાળ
રસસાગરની પુણ્યથી !

દામ્પત્યસંબંધ માનવસંબંધોમાં અત્યંત આત્મીય અને ગાઢ સંબંધ છે. તમે કહેશો, લગ્નનો ઉદ્દેશ છે ઐક્ય નિર્માણ કરવાનો. એમાં તો સમર્પણ કરવાનું હોય, આપવાનું હોય, જતું કરવાનું હોય, પરંતુ એ બધું ક્યાં સુધી ? કેટલી હદે ? વાસ્તવમાં લગ્નમાં જોડાનારી બે વ્યક્તિઓનું વ્યક્તિત્વ નિરાળું હોય છે. બંને સાથી અને સહભાગી છતાં બંનેની નિજી જિંદગી પણ છે, પરંતુ જ્યારે એક વ્યક્તિ પોતાની સીમાની બહાર જઈ બીજા સાથીની લાગણી – રુચિ – ભાવના – સંબંધો અને મૂલ્યો – એ બધાં પર પોતાની માલિકી અને સત્તા સ્થાપવા મથે ત્યારે શું થાય ? દામ્પત્યજીવનમાં લાગણીને બદલે લાચારી અને પરવશતા – માલિકી અને ગુલામી થઈ જાય છે. આપણાં ભારતીય સમાજમાં તો સવિશેષ પતિ-પત્નીને છોડી દેવાની – એનો ત્યાગ કરવાની – એને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હોય છે. કેટલીયે બહેનો પતિના અને સાસરિયાંના અપમાન અને અત્યાચાર સહન કરે છે, કારણ કે, તેઓ પોતાના જીવનના સંબંધમાં અંકુશ રેખા નિર્માણ કરી શકતી નથી એટલે એ સહન કરતી રહે છે અને સતત ભિંસાતી રહે છે. પત્નીએ પણ જરૂર પડે મક્કમતાથી કહી દેવું જોઈએ, ‘બહુ થયું. હવે હું નહિ ચલાવી લઉં. પછી તારી વાત તું જાણે.’ પતિ માટે પણ આ ‘રેખા’ જરૂરી હોય છે. નીરજ એની પત્ની નીલિમાની બને તેટલી ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરે છે. એ એને સુખી કરવા માંગે છે, પણ કેટલું કરે ? એની પણ હદ તો હોય ને ? નલિમા સખત ખર્ચાળ છે. એ ખોટી ખરીદી પાછળ પૈસા ખર્ચ્યા જ કરે છે ! નીરજ નીલિમાની આ ટેવથી ત્રાસી ગયો. ક્યાં સુધી એ ચલાવી લે ? આખરે નીલિમાને નાખુશ કરીને એણે ચોખ્ખું કહી દીધું, ‘મારું ક્રેડીટકાર્ડ તારે વાપરવાનું નથી. આનાથી સહેજ પણ વધુ રકમ ઘરખર્ચ માટે હવે હું આપવાનો નથી. આ મારો આખરી નિર્ણય છે.’ નીલિમા ગુસ્સે થાય કે નાખુશ થાય. નીરજ પાસે કોઈ ઉપાય નહોતો. બસ ! ‘This far and no further.’ કેટલાય માણસો જિંદગીમાં પોતાના વ્યવસાયમાં – જાહેરજીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે પણ અંગત જીવનમાં નિષ્ફળ હોય એવું પણ બનતું હોય છે. તેઓ કુશળતાપૂર્વક બહારના કામકાજ પાર પાડતા હોય છે, પણ અંગત સંબંધોને જાળવવાની અને એને મધુર રાખવાની આવડત નથી હોતી.

આજ પૈસા પાછળ દોટ મૂકવાનું, ગમે તે પ્રકારે ધન મેળવવાનું વલણ ખૂબ જ ઝડપથી વધતું જાય છે. સત્તા અને સંપત્તિ પાછળ ભાન ભૂલી માણસ દોડે છે, ત્યારે એનું પરિણામ વિપરીત જ આવવાનું. જીવનનો સાચો આનંદ, સુખ, સંતાનોનો સ્નેહ અને મધુર દામ્પત્ય એમાં ખોવાઈ જતાં હોય છે. ગુમાવ્યા પછી એનો જ્યારે અહેસાસ થાય છે, ત્યારે સમય વહી ગયો હોય છે ! આપણે જ્યારે સમતુલન ગુમાવી દઈએ છીએ અને વિવેક ચૂકી એક જ દિશામાં આંખ મીંચીને દોડીએ છીએ, ત્યારે જીવન એનો સાચો લય – એનો મર્મ અને સત્વ ગુમાવી બેસે છે. આપણે આપણી ઈચ્છાઓની – મહત્વાકાંક્ષાની – સુખની અને સફળતાની સીમા દૂર ને દૂર લઈ જતા હોઈએ છીએ. મને લાગે છે આપણે કોઈને ‘હા’ કહેવી કે ‘ના’ કહેવી એનો નિર્ણય કરવા માટે તમારે સમય જોઈતો હોય તો સમય લો. વધુ વિગત મેળવો અને પછી નક્કી કરો. ‘ના’ કહેવી પડે તો તમને ના પાડતાં શું થાય છે તે જણાવો. ડરથી-ગભરાટથી કે કોઈનો પ્રેમ ગુમાવી બેસવાની દહેશતથી ‘હા’ કે ‘ના’નો નિર્ણય લેવાનો નહિ. તમારી સાથે એ સંબંધ તોડી નાંખે કે એ સંબંધ મોળો કરી નાંખે તો એનું દુઃખ ન કરો. કવિશ્રી સુરેશ દલાલે બહુ સરસ કહ્યું છે, ‘સતત સાચવવો જ પડે એવા સંબંધનું મૂલ્ય શું ?’

આપણાં જીવનમાં બે પ્રકારની ‘સરહદ રેખા’ નિર્માણ કરવાની હોય છે. એકબીજાના સંબંધ અંગે અને બીજી પોતાની જાત સાથે પોતાની ભીતરમાં એ નિર્માણ કરવાની હોય છે. પોતાની જાતને ‘ના’ કહેવી એ કદાચ સૌથી વધુ મુશ્કેલ હોય છે. કેટકેટલાં પ્રલોભનો વચ્ચે આપણે જીવીએ છીએ ! એમાંથી પોતાની જાતને બચાવતાં રહેવું – કામ, ક્રોધ, લોભ, મોહ જેવા ષડરિપુઓ પર અંકુશ રાખતાં રહેવું એ કેટલું દુષ્કર હોય છે ! ‘બેન્ડવેગન’માં જોડાઈ ‘હા’ એ ‘હા’ કરવી સહેલું છે પણ અસત્ય અને અન્યાય સામે ટક્કર ઝીલવા માટે જબરજસ્ત મનોબળ જોઈએ. એ માટે તો ઈશકૃપા જ જોઈએ. શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કેટલી અદ્દભુત રીતે આ આખીયે વાત કરી છે ! મનને જ અંકુશમાં રાખવાનું છે :

बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहम एव च ।

[ કુલ પાન : 156. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002. ફોન : +91 22 22017213.]

[poll id=”69″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સંબંધોમાં સીમાંકન – જયવતી કાજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.