- ReadGujarati.com - http://www.readgujarati.com -

વિચારમંગલ – સંકલિત

[1] મારી પાસે એક દીવો છે જે મને રાહ દેખાડે છે અને તે છે મારો અનુભવ. – પેટ્રિક હેનરી.

[2] બીજા માણસોમાં ઉત્સાહ જાગ્રત કરવાની મારી શક્તિને હું મારી અમૂલ્ય મિલકત સમજું છું. દરેક માણસમાં પહેલું ઉત્તમ તત્વ ખિલવવાનો રસ્તો તેની પ્રશંસા કરી તેને ઉત્તેજન આપવાનો જ છે. પોતાના ઉપરીઓની ટીકાથી માણસની અભિલાષા મરી જાય છે તેવી કોઈ ચીજથી મરી જતી નથી. હું કોઈનો દોષ શોધતો નથી. કોઈની ટીકા કરતો નથી. માણસને કામ કરવાનો ઉત્સાહ આવે એવી રીતે તેની સાથે વર્તન રાખવામાં મને શ્રદ્ધા છે અને તેથી હું પ્રશંસા કરવાને આતુર રહું છું અને ખોડ કાઢવાનું પસંદ કરતો નથી. મને કંઈપણ પસંદ પડે તો હું ઉદારતાથી અને દિલોજાન જિગરે તેની તારીફ કરું છું. – ચાર્લ્સ સ્વેલ.

[3] ઘણી વ્યક્તિની મુશ્કેલી એ હોય છે કે બીજાએ કરેલી પ્રશંસાથી તેઓ બરબાદ થતા હોય, તોપણ તેમને વધુ ગમે છે. પણ બીજાએ કરેલી ટીકાથી પોતાનો ઉદ્ધાર થવાનો હોય તો પણ ગમતું નથી. – નૉર્મન વિન્સૅટ બીલ.

[4] અસત્યમાં કોઈ શક્તિ નથી. એણે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ સત્યનો આશ્રય લેવો અનિવાર્ય છે. – વિનોબા ભાવે.

[5] ત્રીસ વરસ પહેલાં હું એક વાત શીખ્યો તે એ કે કોઈને ઠપકો દેવો તે મૂર્ખાઈ છે. મારા પોતાનામાં જ એટલી બધી ખામીઓ છે કે ખુદાએ બધાને સરખા ભાગમાં બુદ્ધિની વહેંચણી કેમ ન કરી એમ બબડવામાં કંઈ સાર નથી. – જોન વાનમેકર

[6] ખુશનુમા પ્રભાત થતાંની સાથે જ ખેતરમાં ખેડૂત બી વેરે છે અને તે ક્યાં ક્યાં વેરાય છે તે જોવાની પરવા નહિ કરતાં બાકીનું કામ ઈશ્વરને સોંપે છે કે જે ઈશ્વર વરસાદ અને સૂર્યનાં ચળકતાં કિરણો મોકલે છે અને પાક વખતે સો ગણું આપે છે. એ જ પ્રમાણે માયાળુ શબ્દો અને માયાળુ કાર્યો પણ ભૂલાં પડેલાં, એકલાં અને દુઃખી પ્રાણીઓ પ્રત્યે જરૂરિયાતને પ્રસંગે ખેરખરા પવિત્ર હૃદયથી બોલવામાં તથા કરવામાં આવશે તો વખત જતાં પુષ્કળ માયાળુ કાર્યો અને માયાળુ શબ્દો જગતમાં ફેલાતા જણાશે. – જોન ફુલર્ટન

[7] અભિમાની માણસને કદી મિત્રો હોતા નથી. જ્યારે તેઓ તવંગર હોય છે ત્યારે તેઓ બીજા કોઈને ઓળખતા નથી અને જ્યારે તેઓ વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી. – સિડની સ્મિથ

[8] મહાન સંકટો અને દુઃખો ભોગવનાર એક સ્ત્રી જણાવે છે કે ‘હું કદી પણ કોઈને મારાં દુઃખોની વાત કહીને દુઃખી કરીશ નહિ, એવો મેં નિશ્ચય કર્યો છે. જ્યારે હું રુદન કરી શકી હોત ત્યારે મેં હાસ્ય કર્યું છે, અને મશ્કરીઓ કરી છે. પ્રત્યેક સંકટની સામે મેં સ્મિત કર્યું છે. મેં મારી પાસેથી પ્રત્યેક જણને સુખદ શબ્દ અને આનંદમય વિચાર લઈને જવા દેવાનો પ્રયત્ન કર્યો છે, સુખ જ સુખને જન્મ આપે છે; અને નીચે બેસી ભાગ્ય પર વિલાપ કરવાથી મને જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોત તે કરતાં વધારે સુખી સ્થિતિમાં હું છું.’ – ઓરીસન સ્વેટ માર્ડન

[9] કોઈ પણ રોગને પોષણ મળે એવો સંયોગ જો આપણા શરીરમાં ન હોય તો રોગની તાકાત નથી કે તે આપણા શરીરમાં પ્રવેશી શકે, તે જ પ્રમાણે કોઈ અશુભ કે અનિષ્ટ સ્થિતિને અનુકૂળ તત્વો જો આપણામાં ન હોય તો તે સ્થિતિની તાકાત નથી કે આપણા પર તે સવાર થઈ શકે. માટે જે કાંઈ સુદશા કે દુર્દશા આપણા પર આવી પડે તેનું કારણ બહાર શોધવાને બદલે આપણે આપણામાં જ શોધવું જોઈએ. જો તે કારણ શોધી કાઢીને તેને દૂર કરીએ તો તેથી આપણી આંતરસ્થિતિ એવી તો ઉત્તમ બનશે કે જેથી કેવળ સારી દશા જ આપણી તરફ આકર્ષાઈને આવ્યા કરશે. સ્વભાવથી જ આપણે આપણી દશાના સ્વામી થવાને સરજાયેલા હોવા છતાં માત્ર અજ્ઞાનને લીધે જ સંયોગોને આધીન બની જઈને તેના ગુલામની પેઠે વર્તીએ છીએ. – રાલ્ફ વાલ્ડો ટ્રાઈન

[10] જો હું એક માણસને નિરાશામાંથી બચાવી શકું તો મારું જીવન વ્યર્થ નહિ ગણાય; જો હું એક જ માણસના દુઃખને દૂર કરું અથવા પીડાને શાંત કરું અથવા એકાદ તરફડતા પક્ષીને તેના માળામાં મૂકી શકું તો મારું જીવન એળે ગયું નથી. – એમીલી ડીકીન્સન

[11] વિજયી મનુષ્ય કરતાં જે ધૈર્યથી પરાજય સહન કરે છે તે ખરો ફિલસૂફ છે. કારણ કે જગતને વશ કરવામાં જેટલું કૌશલ જોઈએ છે તેટલું જ કૌશલ જગતને નભાવવામાં પણ જોઈએ છે. મુશ્કેલીઓ આપણને એવી ઉચ્ચ કક્ષામાં લઈ જાય છે કે જેથી, પ્રથમ દુર્ભાગ્ય સહન કરવાની અને અંતે તેની ઉપર વિજય મેળવવાની શક્તિ આપણામાં આવે છે. આ પ્રમાણે કસોટીમાં શિક્ષા અને શુદ્ધિ બંને તત્વો સમાયેલાં છે. – અરધે

[12] જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ-પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પગ મૂક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઈ જશે. – સ્વામી વિવેકાનંદ

[13] પોતાના મનથી પોતાને ભલા માણસ સિદ્ધ કરવા માટે ભલા થવાની કંઈ જરૂર પડતી નથી. અહંકાર કંઈ હાથી-ઘોડા જેવી ચીજ નથી. હાથી-ઘોડા પાછળ ખર્ચ કરવું પડે છે. તે ખાવાનું માગે છે. પણ અહંકારને તો બિલકુલ ઓછા ખર્ચે ને વગર ખોરાકે ખૂબ પુષ્ટ બનાવી શકાય છે. – રવીન્દ્રનાથ ટાગોર

[14] અસત્યના માર્ગે આપણે ગમે તેટલા દૂર નીકળી ગયા હોઈએ તોપણ એના પર ચાલવાને બદલે પાછા વળવું બહેતર છે. – ટૉલ્સટૉય

[15] જે માણસો સવારમાં સત્કાર્યો કરે છે એમને દિવસનો દરેક કલાક મજા આપે છે અને તેમની આસપાસની દરેક વસ્તુમાંથી તેમને માટે શાંતિ અને ઉલ્લાસ જન્મે છે. – ગેસનર

[16] આપણે કેવા હોવા જોઈએ તેનું આપણને અરધું પણ ભાન નથી. આપણી શારીરિક અને માનસિક શક્તિનો આપણે જૂજ ઉપયોગ કરીએ છીએ. સ્પષ્ટ શબ્દમાં કહીએ તો ઈન્સાન પોતાની શક્તિનો ઘણો ઓછો લાભ લે છે. તેનામાં રહેલી વિધવિધ જાતની શક્તિઓનો ઉપયોગ કરવામાં તે હંમેશાં નિષ્ફળ જાય છે. – વિલીયમ જેમ્સ (હાવર્ડ)

[17] કેળવાયેલો માણસ નવું જાણવાની વૃત્તિ ખીલવે છે. નવા વિચારોને કદી હસી કાઢતો નથી. બીજા લોક સાથે નભાવી લેવાની કળા જાણે છે. સફળ થવાની ટેવ કેળવે છે. ‘જેવા વિચાર કરીએ તેવા થઈએ’ એ સૂત્ર સમજે છે. લૌકિક વિચારો હંમેશાં ખોટા હોય છે એનું ભાન રાખે છે. નિષ્ણાતોના અભિપ્રાયોને ધ્યાન દઈને સાંભળે છે. મહાન કાર્યોમાં સાથ આપે છે. પોતાની શક્તિ પ્રમાણે આકાંક્ષાઓની સૃષ્ટિ રચે છે. પોતાની ઉચ્ચત્તમ કુદરતી શક્તિ પ્રમાણે કાર્યમગ્ન રહે છે. જ્ઞાન મેળવવા માટે કદી મોડું થતું નથી એ જાણે છે. પોતે સેવેલાં સ્વપ્નાં વિશે કદી શ્રદ્ધા ગુમાવતો નથી. તે એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે જે વડે તે જગતપુરુષ બને છે અને ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવે છે. – વિલીયમ એચ. ડેન્ફર્થ